આપણા પર પ્રેમનો અધિકાર કરનાર કોઈ તો હોવું જોઈએ

Published: 21st October, 2011 17:53 IST

પ્રેમ હોય ત્યાં અધિકાર હોય જ, પણ અધિકાર હોય ત્યાં બધે જ પ્રેમ હોય એવું નથી હોતું. ક્યારેક માત્ર વર્ચસ જમાવવાનો અધિકાર બતાવાય છે...(ફ્રાઇડે ફલક - રોહિત શાહ)

સિક્કાનગરથી એક બહેનનો પત્ર આવ્યો છે. તે બહેને પોતાનું નામ જાહેર નહીં કરવા જણાવ્યું છે એટલે તેમના નામનો ઉલ્લેખ કર્યા વગર જ તેમની વાત કરીશ. તે લખે છે, તમારા લેખોમાં બે બાબતો મને ખૂબ ગમે છે. એક તો બૉલ્ડનેસ અને બીજી લૉજિકલ રજૂઆત. આમ તો મારા પતિએ જ તમારા લેખો વાંચવાની મને સૌપ્રથમ વખત પ્રેરણા આપી હતી. આજે મારે દુર્ભાગ્યે મારા પતિની સામે જ એક ફરિયાદ રજૂ કરવી છે. મારા પતિ મને ખૂબ જ લવ કરે છે એની મને ખબર પણ છે અને ખાતરી પણ છે, પરંતુ તે જ્યારે મારી સાથે વાત કરે ત્યારે જાણે આજ્ઞા કરતા હોય એમ અધિકારપૂર્વક જ વાત કરે છે. મને તેમની એ સ્ટાઇલ બિલકુલ પસંદ નથી.

એક ઉદાહરણ આપીને તમને મારી ફરિયાદ સમજાવું. ગયા અઠવાડિયે તેમની ઑફિસના બૉસ અમારા ઘરે આવવાના હતા. મારા પતિએ મને કહ્યું, ‘મારા બૉસ આવે ત્યારે તું ઘરમાં સાડી પહેરજે.’

મને સાડી પહેરવાનું નથી ગમતું એની મારા પતિને ખબર છે છતાં તેમણે ‘સાડી પહેરજે’ કહીને વટહુકમ બહાર પાડી દીધો. હું મારા પતિ સામે કશું જ નથી બોલી શકતી. તેમને માઠું લાગશે એવો ડર મને રહ્યા કરે છે. એનો લાભ લઈને તે દરેક વાતમાં મારા પર અધિકાર જમાવે છે. તે ઑફિસથી ઘરે આવે ત્યારે હું જો ઘરમાં ન હોઉં તો મારું આવી જ બને. તે મોઢું ફુલાવીને બેસી જાય

ટીવી જોવા. મારી સાથે વાત પણ ન કરે. હું કાંઈ પૂછું તો તોબરો ચડાવીને ટૂંકો જવાબ આપી દે. શું મારે તેમની આજ્ઞા લીધા વગર ક્યાંય જવાનું પણ નહીં? મારે દરેક કામ તેમને પૂછી-પૂછીને જ કરવાનું?

તમે આ પ્રશ્નનો એવો જવાબ આપજો કે મારા પતિ સીધાદોર થઈ જાય.

- બહેનનો આ પત્ર વાંચીને પહેલાં તો મનોમન સહેજ મલકી જવાયું. તેમના પત્રના શબ્દેશબ્દમાંથી દામ્પત્યજીવનની વાસ્તવિકતા ટપકતી હતી. સાચું દામ્પત્યજીવન જ આ છે. થોડીક ગેરસમજ હોય, થોડીક ફરિયાદ હોય, થોડીક રીસ હોય અને એ બધાં સાથે ઘણોબધો પ્રેમ હોય.

બહેન, તમે જે બાબતે ફરિયાદ કરો છો એ જ બાબતે મારે તો તમને ખૂબ-ખૂબ અભિનંદન આપવા છે. તમારો પતિ તમને એમ કહે છે કે તું સાડી પહેરજે. એનો અર્થ એ થયો કે તેને તમે સુંદર દેખાવ, સંસ્કારી દેખાવ એવું ગમતું હોવું જોઈએ. તે તમને ભરપૂર ચાહતો હોય તો જ આવી આજ્ઞા કરે અને તેને તમારા પર છલોછલ વિશ્વાસ પણ હશે કે તમે તેનું કહેલું માનશો એટલે જ તે તમારા પર પ્રેમનો અધિકાર બતાવતો હોવો જોઈએ.

તમારો પતિ તમારામાં આટલો બધો રસ લે છે એ જેવીતેવી વાત નથી. ઘણા પતિમહાશયોને પત્ની વિશે આટલી રુચિ નથી હોતી. પત્ની સામેથી પૂછે કે આજે હું શું પહેરું? તોય પતિ ઘુરકિયાં કરીને કહેશે, તારે જે પહેરવું હોય એ પહેરને! એમાં મને શું પૂછે છે. તમને તો તમારો પતિ સામે ચાલીને ‘તું સાડી પહેરજે’ એવું કહે છે. તમારી બીજી ફરિયાદમાં પણ મને તો તમારા પતિનો તમારા પ્રત્યેનો ભરપૂર પ્રેમ જ દેખાય છે. તે ઑફિસથી આવે ત્યારે તમને ઘરમાં જોવા કેટલો બધો ઉત્સુક હોય છે. તમે ઘરમાં ન હો તો તેને ગમતું નથી. ઑફિસ દરમ્યાન તો તમારો વિરહ ફરજિયાતરૂપે સહન કરે છે, પણ પછીથી જલદી મિલન થાય એવું તે ઝંખે છે. આ કેવી રોમાંચક વાત છે! તમને જો તમારા પતિના ઑફિસથી આવવાના સમયની ખબર હોય તો ખાસ અનિવાર્ય કારણ વગર એ સમયે ઘરની બહાર જવાનું ટાળવું જ જોઈએ. એમાં અધિકાર નથી, પ્રેમ છે અથવા પ્રેમ છે એટલે અધિકાર છે એટલું માનશો તો વાંધો નહીં આવે.

તમને થશે કે હુંય પુરુષ છું એટલે આખરે મેં તમારા પતિનો જ પક્ષ લીધો, પણ એવું ન માનશો. લાગણી સ્ત્રી છે તો પ્રેમ પુરુષ છે. સમજણ સ્ત્રી છે તો વિચાર પુરુષ છે. સ્ત્રીલિંગ અને પુલ્લિંગ તો વ્યાકરણમાંય સાથે-સાથે જ ચાલે છે. હવે થોડી વાત તમારા પતિને પણ કહીશ.

પતિ મહાશય, તમને કદાચ એવો વિચાર આવશે કે તમારી પત્ની કેવી ગમાર અને નાદાન છે. તમારી લાગણીને તે સમજી શકતી નથી. હું પણ માનું છું કે સ્ત્રી સાડીમાં શોભે છે એટલી બીજા કોઈ વસ્ત્રપરિધાનમાં નથી જ શોભતી છતાં તમે જે રીતે તમારી પત્નીને ‘સાડી પહેરજે’ એવો ઑર્ડર કરો છો એ વાજબી નથી જ. તમારે એમ કહેવું જોઈએ કે ‘તું સાડી પહેરે તો મને બહુ ગમશે.’ શું પહેરવું એનો નર્ણિય તેને જ કરવા દો. તમે તમારી પસંદગી જણાવીને અટકી જાઓ. હવે તેને જ નક્કી કરવા દો કે તેણે શું કરવું?

અને એક બીજી વાત પણ તમને કહું. મને બટાટાનું શાક નથી ભાવતું. મોટા ભાગના લોકોને બટાટાનું શાક ખૂબ ભાવે છે, પણ એથી મારે શું? બટાટા સસ્તા હશે, સાત્વિક હશે, સ્વાદિષ્ટ હશે, જે કાંઈ હશે એની સામે મને કશો જ વિરોધ નથી, પણ બટાટાનું શાક મને નથી ભાવતું એટલે નથી જ ભાવતું. બીજા લોકોને ભાવતું હોય એટલે મારે પણ ભવડાવવાનું? બધા ખાય એટલે મારેય ખાવાનું? કોઈ વ્યક્તિ મને બટાટાનું શાક ખાવા પ્રેમથી આગ્રાહ કરે તો પણ મને એ ભાવવા તો ન જ માંડેને! મારો એના માટેનો અણગમો તો દૂર ન જ થઈ જાયને! મારી પ્રિય વ્યક્તિ મને બટાટાનું શાક ખાવાનું કહે તો પણ મને એ ખાવામાં મજા નહીં જ પડે.

તમારી પત્નીને સાડી પહેરવાનું પસંદ નહીં હોય તો પછી તમે ગમે એટલા પ્રેમથી તેને સાડી પહેરવા કહેશો તો પણ તેને નહીં જ ગમે. કદાચ તે તમારું માન રાખવા અને માન જાળવવા સાડી પહેશે તો પણ તેને દિલથી એ નહીં રુચે. રુચિ તો દરેક વ્યક્તિની પોતાની હોયને.

તમે ઑફિસથી ઘરે આવો ત્યારે તે ઘરમાં હાજર જ હોય એવું તમે ભલે ઇચ્છો, પણ એ માટે દુરાગ્રહ ન રાખશો. દુરાગ્રહો દામ્પત્યજીવનનું દૂષણ છે. તમે જ્યારે ઑફિસેથી ઘરે આવો ત્યારે તમારી પત્ની ઘરમાં ન હોય તો મોઢું ફુલાવીને ન બેસી જશો. તેને કંઈક તાકીદનું કામ આવી પડ્યું હશે અથવા તો એ સમયે જ તેને ઓચિંતું કામ યાદ આવ્યું હશે એમ સમજીને થોડીક ઉદારતા બતાવજો. ‘ક્યાં ગઈ હતી?’, ‘શા માટે ગઈ હતી?’ એવા ડંખીલા પ્રશ્નો તેને પૂછશો નહીં.

પ્રેમ હોય ત્યાં અધિકાર હોય એ જરૂર સ્વીકારી શકાય, પણ અધિકાર ના હોય ત્યાં પ્રેમ ના જ હોય એવું કાંઈ થોડું છે? ખરી વાત તો એ છે કે પ્રેમ હોય ત્યાં સાચી સમજણ હોય અને પરસ્પર પ્રત્યે અઢળક ઉદારતા પણ હોય.

તો મજા પડી જાય

અધિકાર બે પ્રકારના હોય છે : એક પ્રેમનો અધિકાર જે સહજ હોય છે અને બીજો વર્ચસ બતાવવાનો અધિકાર જે અહમથી ભરેલો હોય છે. હું પતિ છું એટલે તારે મારું કહેલું માનવું જ પડશે એ વર્ચસ અધિકાર છે અને એની ફેવર કદી ન થઈ શકે, પરંતુ કોઈ વ્યક્તિ આપણા પર જો પ્રેમનો અધિકાર બતાવે તો એ તો આપણું સદ્ભાગ્ય કહેવાય. એક અનાથ છોકરો બાળપણથી કુસોબતે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં ચડી ગયો હતો. તે મનફાવે એમ વર્તતો હતો. એક વખત જિંદગીથી કંટાળીને તે આત્મહત્યા કરવા જતો હતો. ત્યાં એક માજીએ આવીને તેને થપ્પડ મારતાં કહ્યું, ‘તું એક વખત ખોટું બોલીને મારી પાસેથી ૧૦૦ રૂપિયા લઈ ગયો હતો. તારી બહેન બીમાર છે અને દવા માટે પૈસા જોઈએ છે એવું તેં કહેલું, પણ મને ખબર પડી ગઈ છે તારે કોઈ બહેન પણ નથી, ભાઈ પણ નથી, મા-બાપ પણ નથી એટલે જ તું વંઠી ગયો છે. એમ ના સમજીશ કે તને કોઈ વઢનાર કે લડનાર નથી...’ એ દિવસે ચમત્કાર થયો. એ છોકરો (હવે યુવાન થઈ ગયો હતો) વિચારવા લાગ્યો કે આ ધરતી પર મને કોઈ લડી કે વઢી શકે એવું છે એટલે કે મને પ્રેમ કરનારું કોઈક તો છે અને જ્યાં સુધી મને પ્રેમ કરનારું કોઈ હોય ત્યાં સુધી મારે આત્મહત્યા કરવાની વળી શી જરૂર? તે પાછો ફર્યો. આવો લડવા-વઢવાનો અધિકાર આપણા પર કોઈકનો હોય તો કેવી મજા પડી જાય!

rohitshah.writer@gmail.com
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK