લાઇફમાં ક્યારેક કોઈ ભૂલ થઈ જાય તો એને છુપાવવાની ભૂલ ક્યારેય ન કરશો

Published: 31st October, 2011 19:27 IST

છુપાવેલી ભૂલ આપણને ટેન્શન કરાવે છે, ઉજાગરા કરાવે છે અને કોઈ દુષ્ટ વ્યક્તિ દ્વારા બ્લૅકમેઇલ થવાનો ભય પમાડે છે. ભૂલને કબૂલ કરી લીધા પછી ખાસ્સી નિરાંત રહે છે. ઘણાં મુગ્ધ યુવક-યુવતીઓને આ પ્રશ્ન પજવતો હોય છે કે યુવાનીના આવેગમાં અને બોલ્ડનેસ-સ્માર્ટનેસ બતાવવાની લાયમાં પોતે કોઈ ગંભીર ભૂલ કરી બેઠાં હોય તો એ ભૂલ વિશે મૅરેજ વખતે પોતાના લાઇફ-પાર્ટનરને વાત કરી દેવી જોઈએ કે નહીં.(મન્ડે-મંથન - રોહિત શાહ)

બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે સેક્સ એન્જૉય કર્યું હોય, સાથે ફોટા પડાવ્યા હોય, લવલેટર્સની લેવડદેવડ કરી હોય, સાથે પ્રાઇવેટમાં પ્રવાસ કર્યો હોય - આવું કશુંય મૅરેજ પહેલાં યુવક કે યુવતીની લાઇફમાં બન્યું હોય તો જેની સાથે મૅરેજ થવાનાં હોય તેને બધું નિખાલસતાથી સ્પષ્ટ કહી દેવું જોઈએ કે છુપાવી રાખવું જોઈએ? જો છુપાવીએ તો આપણને ખોટું કર્યાનો ડંખ રહે છે અને ન છુપાવીએ તો સંબંધ તૂટી જવાનો ભય રહે છે. જો એ વાત ગુપ્ત રાખીએ તો આપણને લાઇફ-પાર્ટનર સાથે ચીટિંગ કર્યું હોવાની ગિલ્ટ ફીલ થતી રહે છે અને જો એ વાત જાહેર કરીએ તો લાઇફ-પાર્ટનરનાં અવિશ્વાસ અને નારાજગી વહોરવાનું જોખમ રહે છે. છુપાવી રાખેલી વાત રહી-રહીને હોઠ સુધી આવી જાય છે પણ કહેવાની હિંમત નથી થતી, શું કરવું એ સમજાતું નથી.

પર્મનન્ટ ભાર ટળે

છુપાવેલી ભૂલ સતત આપણો પીછો કરે છે, ગમે ત્યારે બૉમ્બસ્વરૂપે વિસ્ફોટ થશે એવી દહેશત દિલને દઝાડ્યા કરે છે અને ક્યારેક બહારથી જ તેને એટલે કે આપણા લાઇફ-પાર્ટનરને આપણે છુપાવેલી ભૂલની માહિતી મળે છે ત્યારે ખરેખર વિસ્ફોટક સ્થિતિ પેદા થાય છે. આપણે વિશ્વસનીયતા ખોઈ બેસીએ છીએ. આપણે જુઠ્ઠાડા, ચીટર અને દગાબાજ છીએ એવું કલંક લાગી જાય છે. પ્રારંભમાં સંબંધ તૂટી જવાનો ભય હતો એ હવે ક્યાં સલામત રહે છે. સંબંધ તો પછીથીયે તૂટી જ શકે છે અને સપોઝ સમાજમાં પ્રતિષ્ઠાના ભયથી કે સંતાનો હોય તો તેમના હિતમાં કદાચ સંબંધ તૂટે નહીં તો પણ એ સંબંધ હવે લોહિયાળ બની જાય છે, ઉષ્માહીન બની જાય છે. ત્યારે એમ પસ્તાવો થાય કે આના કરતાં તો શરૂમાં જ મેં કબૂલ કરી લીધું હોત અને સંબંધ ત્યારે જ ખતમ થઈ ગયો હોત તો સારું હતું.

એ વખતે બહુ ઓછા લોકોને જાણ થાત; પણ હવે આખા સમાજમાં ઇજ્જતના રેવડીદાણા થશે, ફજેતી થશે અને આપણે આજ સુધી એ વાત છુપાવી રાખીને લાઇફ-પાર્ટનર સાથે વિશ્વાસઘાત કર્યો એ કારણે હવે આપણે ભરોસાપાત્ર ન રહ્યા એ ખોટ તો ભારે મોટી છે.

એટલે એવી કોઈ ગંભીર ભૂલ થઈ હોય કે જે ભવિષ્યમાં મોટો વિસ્ફોટ સર્જી શકે તો એની સહજ કબૂલાત કરી લેવી જોઈએ. શરૂઆતમાં કદાચ ઓછું નુકસાન થાય અથવા ઓછી ફજેતી થાય એવી સંભાવનાનો લાભ પણ મળે. આપણા જેવી જ ભૂલ આપણા થનારા લાઇફ-પાર્ટનરે કરી હોય તો પરસ્પરને માફ કરવાની વૃત્તિ પણ જાગી શકે. એકની નિખાલસતા બીજાને નિખાલસ બનાવી દે એ પણ શક્ય બને. સ્પષ્ટતાના પ્લૅટફૉર્મ પર સંબંધ મહોરી ઊઠ્યો હશે તો ભવિષ્યનું કોઈ જોખમ નહીં રહે, કોઈ તનાવ કે બોજ નહીં રહે.

વિશ્વાસનું સિંહાસન

માત્ર યુવાનીની ભૂલોની જ વાત નથી; પારિવારિક બાબતે કે ઑફિસ રિલેટેડ બાબતે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સામે ચાલીને કહી દેવાથી ખૂબ રાહત રહે છે. બૉસ હોય, ઉપરી અધિકારી હોય, પેરન્ટ્સ હોય કે અન્ય કોઈ વડીલ હોય અથવા તો કોઈ અંગત મિત્ર હોય, એનાથી આપણે કશું ન છુપાવીએ એ હિતાવહ છે. જે બાબતની જેની સાથે પૂર્વસ્પષ્ટતા જરૂરી હોય એ કરી જ લેવી. માથે બોજ લઈને જીવવા કરતાં હળવા થઈને જીવવું. આપણે અમથેઅમથું ધારી લઈએ છીએ કે સાચી વાત કબૂલ કરી લીધા પછી સામેની વ્યક્તિ માફ નહીં કરે તો મોટું નુકસાન આવશે. સાચી વાત તો એ છે કે આપણે નિખાલસ બનીએ તો માફ કરનારાઓની સંખ્યા કાંઈ સાવ ઓછી નથી. ઊલટાનું તેના દિલમાં આપણને વિશ્વાસનું સિંહાસન મળશે?

યુવતીની ચાલાકી

એક યુવતીએ તેના બૉયફ્રેન્ડ સાથે સેક્સ એન્જૉય કરેલું. એક વખત પેલા બૉયફ્રેન્ડે યુવતીને કહ્યું કે હવે તું મને બે લાખ રૂપિયા આપ, નહીંતર આપણા સેક્સસંબંધની મેં વિડિયો-ક્લિપિંગ ઉતારી છે એ જાહેર કરી દઈશ. યુવતી પહેલાં તો સહેજ ગભરાઈ પણ પછી તરત ચાલાકીપૂર્વક બોલી, ‘મેં પણ એની એક ક્લિપિંગ કરી જ રાખી છે, મારી સલામતી માટે. હવે જો તું મારી ક્લિપિંગ જાહેર કરીશ તો હું મારી ક્લિપિંગના આધારે તેં મારી પર રેપ કર્યો હતો એવું પુરવાર કરીને તને જેલના સળિયા પાછળ ધકેલાવી દઈશ. તું મને નાદાન અને ભોળી ના સમજતો!’ આ સાંભળીને પેલા બૉયફ્રેન્ડના હોશકોશ ઊડી ગયા અને તેણે બ્લૅકમેઇલિંગનો ઇરાદો પડતો મૂક્યો.

નિખાલસતાની આદત અને આવડત

પર્મનન્ટ રિલેશનમાં ટ્રાન્સપરન્સી હોવી આવશ્યક છે. એ માટે થોડીક બોલ્ડનેસ કેળવવી જરૂરી છે. લાઇફમાં ગંભીર ભૂલ ન થઈ જાય એ માટે અલર્ટ રહેવું જેટલું આવશ્યક છે એટલું જ એ ભૂલ ભવિષ્યનું જોખમ ન બને એ માટે સજાગ રહેવું પણ આવશ્યક છે. સંબંધિત વ્યક્તિ સમક્ષ નિખાલસ કબૂલાત કરી લઈને હળવાશથી-પ્રસન્નતાથી જીવવાનું સાવ જ અશક્ય નથી હોતું. ખોટી દહેશત અને ખોટા ભય હેઠળ આખી લાઇફને જોખમમાં ન મૂકવી હોય તો નિખાલસ અને સ્પષ્ટ જીવન જીવવાની આદત તથા આવડત કેળવવી જોઈએ. જુઠ્ઠા માણસને હજાર જાતના ભય હોય, નિખાલસ માણસે કદીયે કોઈથી ડરવું નથી પડતું.

ડેરિંગ તો કરી જ લેવાની

એક વખત હિંમત કરી જ દેવાની અને જે પરિણામ આવે એનો સામનો કરવા સજ્જ રહેવાનું. જો પ્રિયપાત્ર આપણને માફ કરે તો તેના પ્રત્યે આપણો પ્રેમ આદરયુક્ત બની જશે. જો તે પાત્ર આપણને માફ ન કરે અને આપણાથી દૂર થઈ જાય તો ખુદને આશ્વાસન આપવાનું કે જે થયું એ સારું થયું. લગ્નનાં ૧૫-૨૦ વર્ષ પછી આમ છૂટાં પડવાનું આવ્યું હોત તો કષ્ટદાયક બન્યું હોત. અત્યારે થોડું વસમું તો લાગશે જ, પણ ધીરે-ધીરે ઘા હળવો થશે. હજી તો આખી લાઇફ સામે પડી છે. મારી ભૂલ માફ ન કરી શકે તેવા લાઇફ-પાર્ટનર સાથે હું જીવી લેત તો પણ કશીક અધૂરપ, કશોક અજંપો તો રહ્યાં જ હોત. એના કરતાં જે થયું એ સારું જ થયું. હવે હું એવું નવું પાત્ર શોધીશ જે મને માફ કરી શકે, મને સમજી શકે.

ભૂલ કબૂલ કરતી વખતે પરસેવો છૂટી જાય છે, મન ભયગ્રસ્ત બની જાય છે, હજારો આશંકાઓ આપણને ઘેરી વળે છે, પરંતુ એક વખત ભૂલ કબૂલ કરવાની ડેરિંગ કરી લીધી હોય તો લાઇફમાં કદીયે કોઈથી ડરવું નથી પડતું. કોઈની સામે ઝૂકવું નથી પડતું. આપણે કપટી છીએ એવું કલંક લાગી નથી શકતું.

સીધેસીધું નહીં તો સમય પારખીને, સામેની વ્યક્તિનો મૂડ ઓળખીને, કશીક પૂર્વભૂમિકા બાંધીને પોતાની ભૂલ રજૂ કરવી. પ્રિયપાત્રને વિશ્વાસમાં લઈને તેને આઘાત ન લાગે એમ પ્રેમથી, પંપાળીને વાત કરવી. સામેની વ્યક્તિને ઝોર કા ઝટકા ધીરે સે લગે એવી સભાનતા, સંવેદના સાથે વાત કરવી; પણ વાત અવશ્ય કરવી.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK