અધધધ... ચાર ફૂટ ચાર ઇંચ લાંબું સસલું

Published: 9th December, 2012 08:54 IST

ઇંગ્લૅન્ડના વર્સેસ્ટરશૉમાં રહેતા ડેરિયસ નામના વિશ્વના આ સૌથી મોટા રૅબિટની તંદુરસ્તીનું રાઝ છે આખો દિવસ ઘાસ ચરવું અને રોજના દસ કિલોમીટર જેટલું દોડવું
(રેકૉર્ડ મેકર)

બિલાડી કે ડૉગ હવે પેટ્સ તરીકે જૂનાં થઈ ગયાં. પેટ્સ રાખવાના શોખીન લોકોમાં છેલ્લા કેટલાક દાયકાઓથી રૅબિટને ઘરમાં રાખવાનો ક્રેઝ વધ્યો છે. ઇન્ડિયામાં પણ સસલાં માટેની જ ખાસ પેટ-શૉપ્સ અને ક્લિનિક્સ પણ આવી ગયાં છે.

સસલાનું નામ પડે એટલે આંખ સામે દૃશ્ય ખડું થઈ જાય કે એ સફેદ મજાનાં રૂંછાંવાળું ક્યુટ, નાનું, એકથી ત્રણ કિલો વજનનું, હથેળીમાં લઈને રમાડી શકાય એવું હશે. જોકે ઇંગ્લૅન્ડના વર્સેસ્ટરશૉ શહેરમાં રહેતા ત્રણ વરસના ડેરિયસ નામના જાયન્ટ સસલાને જોઈને તમે ‘કેટલું ક્યુટ છે?’ એવું બોલી શકો એમ નથી. સસલાની ૧૦૦થી વધુ પ્રજાતિઓ હોય છે ને એમાં જાયન્ટ રૅબિટ્સ પણ પેદા થાય છે. આ ડેરિયસ જાયન્ટ પ્રજાતિનું છે. સૌથી મોટા કદનાં સસલાં પેદા કરતી પ્રજાતિનાં સસલાં સરેરાશ ત્રણ ફૂટ હાઇટ અને બારથી તેર કિલો જેટલું વજન ધરાવે છે. જોકે ડેરિયસ એને પણ ક્યાંય આંબી જાય એવું છે.ડેરિયસના પગથી માંડીને ઊંચા કાન સુધીની ઊંચાઈ માપીએ તો હાઇટ ચાર ફૂટ ચાર ઇંચ છે અને વજન પૂરા એકવીસ કિલો. મતલબ કે ત્રણ વરસનું આ સસલું પાંચ વરસના માનવબાળક જેટલું વજન અને આઠેક વરસના બાળક જેટલી હાઇટ ધરાવે છે. ગિનેસ વર્લ્ડરેકૉર્ડ્સમાં ડેરિયસે અત્યાર સુધીના સૌથી લાર્જેસ્ટ રૅબિટનું બિરુદ મેળવ્યું છે. આ પહેલાંનાં જેટલાં પણ જાયન્ટ સસલાંઓ હતાં એ બધાને ડેરિયસે ટક્કર આપી છે. પ્રાણીશાસ્ત્રીઓના કહેવા મુજબ કોઈ સસલું ચાર ફૂટથીયે વધુ હાઇટનું થઈ શકે એવું પ્રાણીજગતમાં પહેલવહેલી વાર બન્યું છે.

ડેરિયસ પહેલાંના બિગેસ્ટ રૅબિટના રેકૉર્ડહોલ્ડરો પણ એની જ ફૅમિલીના હતા. ડેરિયસ પહેલાંનો રેકૉર્ડ એની મા ઍલિસના નામે હતો. એની હાઇટ ત્રણ ફૂટ છ ઇંચ હતી. એથીયે પહેલાંનો રેકૉર્ડ તેના ગ્રૅન્ડ ફાધર ઍમીનો હતો.

ડેરિયસની માલકણ ઍનેટી એડવર્ડ્સ આખો દિવસ એને ખવડાવવા, પીવડાવવા, નવડાવવા અને રમાડવામાં વ્યસ્ત રહે છે. નવ કલાકની ઊંઘ બાદ કરતાં આ ભાઈસાહેબનો આખો દિવસ ખાવામાં જાય છે. સવાર, બપોર અને સાંજના ભોજનમાં બાર ગાજર અને ત્રણથી ચાર જાતનાં ફળો ખાધા પછીયે એ આખો દિવસ ગાર્ડનનું ઘાસ ચર્યા કરે છે.ડેરિયસ લાંબું તો છે જ, સાથે જાડિયું પણ. સસલાના વય મુજબના વિકાસને ધ્યાનમાં રાખીએ તો સામાન્ય સસલું અઢીથી ત્રણ વર્ષ સુધી બચ્ચું ગણાય. આ વર્ષે એપ્રિલ મહિનામાં એને ત્રણ વરસ પૂરાં થતાં ગિનેસ વર્લ્ડરેકૉર્ડ્સમાં એનું નામ સૌથી મોટા પુખ્ત સસલા તરીકે નોંધાયું છે. અલબત્ત, હજી એકથી દોઢ વરસ સુધી એની હાઇટ વધતી રહે એવી શક્યતા છે. એની માલકણ ઍનેટી એડવર્ડ્સનું કહેવું છે કે ‘રૅબિટને મોટું કરવું હોય તો માત્ર ખૂબબધું ખવડાવવાથી ન ચાલે. એને ખાવાની સાથે-સાથે પુષ્કળ કસરત મળે એ પણ જરૂરી છે. ડેરિયસ આખો દિવસ મારા ગાર્ડનમાં 

કટકે-કટકે થઈને રોજનું આશરે દસ કિલોમીટર જેટલું દોડે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK