ડીસામાં થયું બટાટાનું રેકૉર્ડબ્રેકિંગ ઉત્પાદન

Published: 25th October, 2011 15:33 IST

બટાટાના ઉત્પાદનમાં પાટનગર ગણાતા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાટાનું મબલખ ઉત્પાદન થતાં કોલ્ડ સ્ટોરેજની કમી ઊભી થઈ છે અને એને કારણે હવે બટાટાના ઉત્પાદકોએ બટાટા સંઘરવાને બદલે ગૌશાળા, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને મંદિરના ભોજનાલયમાં દાન કરવાનું શરૂ કરી દીધું છે.

 

રશ્મિન શાહ


રાજકોટ, તા. ૨૫


ડીસા કોલ્ડ સ્ટોરેજ અસોસિએશનના પ્રમુખ ગણપત કાછડિયાએ કહ્યું હતું કે ‘બટાટાની જેમ બીજાં શાકનું ઉત્પાદન પણ મબલક થતાં અત્યારે કોલ્ડ સ્ટોરેજો એમાં રોકાયેલાં છે જેને કારણે હવે વેપારીઓ ગણતરી કરી રહ્યા છે કે જે વસ્તુના ભાવમાં વધુ ફાયદો થશે એને જ કોલ્ડ સ્ટોરેજમાં રાખવી.’

આ વર્ષે ડીસામાં દોઢ કરોડ બોરી બટાટાનું ઉત્પાદન થયું છે. બટાટાની એક બોરીમાં પચાસ કિલો બટાટા હોય છે. એને ધ્યાનમાં રાખીને કહી શકાય કે એકલા ડીસામાં આ વર્ષે પંચોતેર કરોડ કિલો બટાટાનું ઉત્પાદન થયું છે, જે છેલ્લાં દસ વર્ષનું સૌથી ઊંચું ઉત્પાદન છે. કોલ્ડ સ્ટોરેજમાં સારી ક્વૉલિટીના બટાટાનો સંગ્રહ કર્યા પછી કોલ્ડ સ્ટોરેજ ઘટી પડતાં ડીસાના ખેડૂતોએ તહેવારોને ધ્યાનમાં રાખીને બટાટાનું દાન શરૂ કર્યું છે. આ ઉપરાંત લોકલ માર્કેટમાં પણ બટાટાના ભાવ સાવ નીચા કરીને એક કિલોના બે રૂપિયા કરી નાખવામાં આવ્યા છે. આવતા પંદરેક દિવસ દરમ્યાન હજી પણ બટાટા સ્થાનિક માર્કેટમાં આ ભાવે વેચાય એવી સંભાવના છે. જોકે અન્ય શહેરોમાં ટ્રાન્સર્પોટ, સેસ અને મિડલમૅનનું બ્રોકરેજ જેવા ચાર્જ ઉમેરાઈ જતા હોવાથી બીજાં શહેરોમાં સસ્તા બટાટા મળે એવી શક્યતા બહુ ઓછી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK