ઍમ્સ્ટરડૅમના વિશ્વવિખ્યાત રેડલાઇટ એરિયાના હાલચાલ કેવા છે આજકાલ?

Updated: 27th December, 2018 11:22 IST | Ruchita Shah | Amsterdam

દેહવ્યાપાર માટે વિશ્વવિખ્યાત ડેસ્ટિનેશન ઍમ્સ્ટરડૅમની મુલાકાત વર્ષે લગભગ પોણાબે કરોડ પ્રવાસીઓ લે છે. ત્યારે લગભગ ૮૦૦-૯૦૦ વર્ષ પહેલાંથી ચાલી રહેલી આ દુનિયાની કેટલીક ચોંકાવનારી બાબત પર વાતો કરીએ

દેહવ્યાપાર માટે વિશ્વવિખ્યાત ડેસ્ટિનેશન ઍમ્સ્ટરડૅમ
દેહવ્યાપાર માટે વિશ્વવિખ્યાત ડેસ્ટિનેશન ઍમ્સ્ટરડૅમ

ઑફિશ્યલી ચાલતાં કૂટણખાનાંમાં આવનારા ટૂરિસ્ટો અને ત્યાંની પ્રોસ્ટિટ્યુટ્સ બાકાયદા સરકારને ટૅક્સ ભરે છે અને જે થાય છે એ છડેચોક થાય છે. જોકે તાજેતરમાં જગ્યાની સંકડાશ અને પ્રવાસીઓની કેટલીક વાહિયાત હરકતોની ફરિયાદને પગલે ડચ સરકાર સેક્સ-વર્કરોને તેમની સેફ્ટીને અને સગવડને ધ્યાનમાં રાખીને રેડ લાઇટ એરિયાની બહાર કામ કરવાનું લાઇસન્સ આપે એવી શક્યતા છે.

નેધરલૅન્ડ્સની કુલ વસ્તી છે ૧ કરોડ ૭૧ લાખ, પરંતુ વર્ષે ૧ કરોડ ૮૦ લાખ ટૂરિસ્ટો માત્ર નેધરલૅન્ડ્સની રાજધાની ઍમ્સ્ટરડેમની મુલાકાત લે છે. ઍમ્સ્ટરડેમનો વિશ્વવિખ્યાત રેડ લાઇટ એરિયા ‘દ વૉલન’ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. આ શહેરમાં પ્રોસ્ટિટ્યુશન લીગલ છે. ‘દ વૉલન’ તરીકે ઓળખાતા રેડ લાઇટ એરિયામાં લગભગ ૪૦૦ જેટલી ગ્લાસવિન્ડો છે અને સવારે છથી આઠ છોડીને બાકીના બાવીસ કલાક માટે આ એરિયા ઓપન હોય છે. રાત્રે લાલ લાઇટના પ્રકાશમાં નિતનવાં ગતકડાં કરીને ક્લાયન્ટને આકર્ષતી પ્રોસ્ટિટ્યુટ્સને જોવા માટે પણ ઘણા ટૂરિસ્ટ અહીં વિઝિટ કરી લેતા હોય છે. સામાન્ય દિવસોમાં લગભગ એક હજારથી વધુ સેક્સ-વર્કર આ રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટમાં કામ કરતી હોય છે. લગભગ ૧૨૫૦માં શરૂ થયેલા અને ૨૦૦૦ની સાલથી ઑફિશ્યલ બનેલા ઍમ્સ્ટરડૅમના દેહવ્યાપારથી નેધરલૅન્ડ્સને લગભગ ત્રણ અબજ યુરો જેવો વાર્ષિક ફાયદો થાય છે જેણે એની GDPમાં ચારથી પાંચ ટકાનો ઉમેરો કર્યો છે. જોકે એની સાથે જ ડ્રગ્સ અને દેહવ્યાપારની ડાર્ક સાઇડ એ પણ છે કે હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે ઈસ્ટ યુરોપ અને એશિયામાંથી છોકરીઓને છેતરીને બળજબરીપૂર્વક દેહવ્યાપારમાં ધકેલનારા અને એને લગતા ક્રાઇમનો રેશિયો પણ નેધરલૅન્ડ્સમાં વધ્યો છે. રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટની લસ્ટ, લાલચ અને મજબૂરીથી ભરેલીની આ દુનિયાના વર્તમાન હાલચાલ શું છે એના પર થોડીક વાતો કરીએ.

સદીઓથી છે

કૂટણખાનું લગભગ દરેક દેશમાં છે અને સદીઓથી એનું અસ્તિત્વ છે. ગમેતેટલો સભ્ય, સંસ્કૃત કે આદર્શોની વાત કરનારો સમાજ હોય છતાં ત્યાં આ વ્યવસ્થાઓ છતી અથવા છૂપી રીતે હતી અને કદાચ રહેવાની. ઍમ્સ્ટરડૅમમાં આની શરૂઆતના ઉલ્લેખો મળે છે. દ વૉલનમાં અનાયાસ આ શરૂ થયું હોવાના ઉલ્લેખો મળે છે. લગભગ તેરમી સદીના ઉત્તરાર્ધમાં ઍમ્સ્ટર નદીની શરૂઆત થતી હતી એ હિસ્સામાં મોટો ડૅમ બાંધવામાં આવ્યો હતો. ડેન્માર્ક અને ઍમ્સ્ટરડૅમ (ઍïમ્સ્ટર નદી પર બંધાયેલા ડૅમ પરથી જ નેધરલૅન્ડ્સની રાજધાનીનું નામકરણ થયું છે)ના આ જાણીતા રૂટ પરથી વેપારીઓ અને નાવિકોની અવરજવર વધી. કેટલાક સ્થળાંતરિત લોકો પણ અહીં આવતા થયા અને નાની-નાની દીવાલોવાળો આ વિસ્તાર દેહવ્યાપારના હબ તરીકે ડેવલપ થતો ગયો. દ વૉલનનો અર્થ જ થાય છે લિટલ વૉલ. જોકે એ સમયે આ વિસ્તાર ઑફિશ્યલ નહોતો. ત્યાંના સમાજમાં પણ આ પ્રકારના કાર્યને હીનતાની નજરે જોવામાં આવતું. જોકે ૨૦૦૦ની સાલમાં પ્રોસ્ટિટ્યુશન, કૂટણખાનું અને અમુક પ્રકારના ડ્રગ્સના વેચાણને ડચ સરકારે લીગલ બનાવ્યા અને સ્વાભાવિક રીતે આ પગલા પછી ટૅક્સની આવક વધતાં નેધરલૅન્ડ્સની અર્થવ્યવસ્થાને સારોએવો બૂસ્ટ મળ્યો છે જે આજ સુધી અકબંધ છે. ઇન ફૅક્ટ, છેલ્લાં થોડાંક વષોર્માં વધી રહેલા ટૂરિસ્ટના ધસારાને પહોંચી વળવું મુશ્કેલ બન્યું છે સાથે આ વિસ્તારોમાં ક્રાઇમના બનાવો વધ્યા છે જેમાં સરકારે નછૂટકે ઍક્ટિવ ભૂમિકા ભજવવી પડી છે. ૨૦૦૭માં ૧૦૧૨ ક્લીનઅપ ઑપરેશન ત્યાંની સરકારે શરૂ કર્યું હતું જેમાં લગભગ બસો જેટલાં બ્રૉથેલ્સ એટલે કે કૂટણખાનાં બંધ કરાવ્યાં હતાં જેનો ત્યાંના સેક્સ-વર્કરો અને કૂટણખાનાંના માલિકોએ ભરપૂર વિરોધ કર્યો છે. કેટલીક કાર્યવાહીઓમાં સરકાર અને આ વિસ્તારના ચાલકો આમનેસામને છે.

ઍમ્સ્ટરડેમનો વિશ્વવિખ્યાત રેડ લાઇટ એરિયા

                                                            ઍમ્સ્ટરડેમનો વિશ્વવિખ્યાત રેડ લાઇટ એરિયા

 

શું છે ખાસ?

સાડાછ હજાર ચોરસ મીટરમાં પથરાયેલી ચારસો જેટલી ગ્લાસવિન્ડોમાં લાલ લાઇટના પ્રકાશમાં આંતરવસ્ત્રોમાં પોતાની જાતને ડિસ્પ્લે કરીને ગ્રાહકોને અટ્રૅક્ટ કરવાની કોશિશ કરતી પ્રોસ્ટિટ્યુટ્સ ઉપરાંત રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટની નાનકડી સાંકડી ગલીઓ સેક્સ શૉપ, પીપ-શો, સેક્સ-મ્યુઝિયમ અને ૩૦૦ જેટલી કૉફીશૉપ્સથી ખીચોખીચ છે. આ કૉફીશૉપ્સમાં મૅરિજુઆના જેવા ડ્રગ્સ પણ છૂટથી વેચવામાં આવે છે. એક હજારથી વધુ પ્રોસ્ટિટ્યુટ્સ અને સેક્સ-વર્કરો અહીં પોતાની રોજીરોટી કમાય છે. સામાન્ય રીતે વ્યસ્ત દિવસોમાં અહીં કામ કરતી પ્રોસ્ટિટ્યુટ્સની ૩૫૦ યુરો ડૉલર એટલે કે લગભગ ચાલીસેક હજારની દિવસની આવક હોય છે. આ વ્યવસાયમાં કામ કરવા માગતી મહિલાઓ માટે વર્ક પરમિટની સિસ્ટમ છે. ૨૦૧૩ પહેલાં ૧૮ વર્ષની ઉપરની યુવતીઓને જ વર્ક પરમિટ અલૉટ થતી હતી, હવે એ ઉંમર વધારી ૨૧ વર્ષ કરી દેવામાં આવી છે. આ સેક્સ-વર્કરો ટૅક્સ ભરે છે એટલે તેમના અધિકારોનું જતન કરવું અને તેમને સુરક્ષા પૂરી પાડવી એ બાબતમાં સરકાર ગંભીર છે. સરકારી ખર્ચે તેમનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ થાય છે. કૂટણખાનાંના માલિકો અને રૂમ-ઑપરેટરો પણ હેલ્થ-સર્ટિફિકેટ પછી જ સેક્સ-વર્કરોને રેન્ટ પર રૂમ આપતા હોય છે. લગભગ ૭૫ યુરોથી લઈને લગભગ સવાસો યુરો સુધીનું પર ડેનું રેન્ટલ તેઓ ચૂકવતા હોય છે. આ પ્રોસ્ટિટ્યુટના હિતમાં ઘણી સંસ્થાઓ અને યુનિયનો સક્રિય છે. પ્રોસ્ટિટ્યુશન ઇન્ફેર્મેશન સેન્ટર ચલાવતા મરિષ્કા માજુરે રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટમાં પહેલવહેલી વાર એક સેક્સ-વર્કરનું બ્રૉન્ઝનું સ્ટૅચ્યુ બનાવીને એનું અનાવરણ કર્યું હતું. પ્રોસ્ટિટ્યુટ ઇન્ફર્મેશન સેન્ટર ચલાવતી ઘણી સંસ્થાઓ દ્વારા વારંવાર એક વાતનું પુનરાવર્તન કરવામાં આવે છે કે તેઓ બળજબરીથી નહીં, પણ પોતાની ઇચ્છાથી આ પ્રોફેશનમાં આવી છે. સેક્સ-વર્કર તરીકે કામ કરી ચૂકેલી મહિલાઓ કહે છે કે અમને વિક્ટિમ તરીકે ન જોવામાં આવે, કારણ કે આ અમે પસંદ કર્યું છે. જોકે આ સોએ સો ટકા વાસ્તવિક બાબત નથી, કારણ કે બળજબરીપૂર્વક દેહવ્યાપારમાં હોમી દેવાઈ હોય એવા પણ અઢળક કિસ્સાઓ સમયાંતરે બહાર આવતા રહે છે જેની આગળ આપણે વાત કરીશું. હવે સવાલ થાય છે કે દર વર્ષે આવતા આ એક કરોડ એંસી લાખ ટૂરિસ્ટો હોય છે કોણ? નેધરલૅન્ડ્સના મ્યુનિસિપલ કમિશને કરેલા એક સર્વે મુજબ અડધાથી વધુ ક્લાયન્ટ ફૉરેનર હોય છે અને મોટા ભાગનાની ઉંમર ૨૫થી ૪૫ વર્ષની વચ્ચે હોય છે. બિઝનેસ ટ્રિપ માટે ઍમ્સ્ટરડૅમ આવેલા એકલા લોકો અથવા ટૂરિસ્ટ તરીકે આવનારા લોકો અહીં વિઝિટ કરતા હોય છે. બીજું એક ઑબ્ઝર્વેશન કહે છે કે મોટા ભાગના ક્લાયન્ટ બ્રિટિશ છે. દર વર્ષે લગભગ બે લાખ પુરુષો ઍમ્સ્ટરડૅમના વિન્ડો પ્રોસ્ટિટ્યુશનની વિઝિટ કરે છે. એમાં ક્લબ, હોમ પ્રોસ્ટિટ્યુશન, એસ્કૉર્ટનો સમાવેશ નથી થતો. પ્રોસ્ટિટ્યુટ તરીકે કામ કરવાનો મહિલાઓને ફાયદો એ છે કે તેઓ પોતાની બૉસ છે અને પોતાની મનમરજી મુજબ કામ કરી શકે છે. ઘણી રૂમ્સમાં ઇમર્જન્સીના સમયે બઝર વગાડવાની સુવિધા છે જે અલાર્મથી તેઓ પોતાની સાથે થઈ રહેલી ગેરરીતિથી લોકોને અલર્ટ કરીને જાતને બચાવી શકે. રેડ લાઇટ સ્ટ્રીટને સેફ રાખવા માટે જાણીતી Hells Angeels ઍક્ટિવ ભૂમિકામાં છે. ઍનીટાઇમ પોલીસ અવેલેબલ હોય છે. જોકે ૨૦૦૯માં એક સેક્સવર્કરનું રાતના સમયે મર્ડર થઈ ગયું હતું અને આજ સુધી પોલીસ ગુનેગારને પકડી શકી નથી. ઍમ્સ્ટરડૅમમાં દેહવ્યાપારમાં દલાલી પર પ્રતિબંધ છે અને દરેક સેક્સ-વર્કર ઇન્ડિવિજ્યુઅલી કામ કરે છે. જોકે આજકાલ અહીં ‘લવરબૉય્ઝ’ દ્વારા થતી કેટલીક ગેરરીતિઓ જોર પકડી રહી છે જેમાં હૅન્ડસમ યુવાનો ઇમોશનલી અથવા ફાઇનૅન્શિયલી ડિપેન્ડન્ટ નાની ઉંમરની છોકરીઓને પોતાની જાળમાં ફસાવે છે અને પછી બળજબરીપૂર્વક ધાકધમકીથી તેમને પ્રોસ્ટિટ્યુશનના કામમાં ધકેલી દે છે. મોટા ભાગની પ્રોસ્ટિટ્યુશનના વ્યવસાયમાં રહેલી મહિલાઓના પરિવારને તેમના આ કાર્ય વિશે ખબર નથી હોતી એટલે જ રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટમાં ફોટો પાડવા પર પ્રતિબંધ છે અને એને કાયદેસર ગુનો ગણવામાં આવે છે.

ક્રાઇમ હબ

ઍમ્સ્ટરડૅમ હ્યુમન ટ્રાફિકિંગનું હબ બનતું જાય છે. ડચનાં ન્યાયાલયોમાં હવે આ પ્રકારના કેસનો ખડકલો મોટો થતો જાય છે. અહીં પ્રવાસીઓ સામે ડિસ્પ્લે થતી હસતા ચહેરાની ઘણી છોકરીઓને દલાલો દ્વારા ખરીદીને કે ફોસલાવીને કે તેમના પર બળજબરી કરીને ઈસ્ટર્ન યુરોપ અને એશિયાઈ દેશોમાંથી લાવવામાં આવી હોય છે. એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં એક સગીર છોકરી કહે છે, ‘કોઈ દુકાનમાંથી વસ્તુ ખરીદતા હોઈએ એ રીતે મને ખરીદવામાં આવી છે. અહીં આવતી મહિલાઓની બળજબરીપૂર્વક કૉસ્મેટિક સર્જરી પણ થાય છે અને જબરદસ્તીપૂર્વકનાં અબૉર્શન પણ થાય છે. અહીં રોજ પૈસા આપીને અમારા પર બળાત્કાર થાય છે.’

ડચ સરકાર હવે આ બાબતમાં ગંભીર પગલાં લેવા માંડી છે. એક નવો કાયદો બની રહ્યો છે, જેના અંતર્ગત હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા આવેલી મહિલા સાથે સંબંધ બાંધનારી વ્યક્તિને ચાર વર્ષ સુધીની સજા આપવામાં આવશે. ૧૭ વર્ષની ઉંમરે બૉયફ્રેન્ડ સાથે ઍમ્સ્ટરડૅમમાં હેરસ્ટાઇલિસ્ટની જૉબ માટે આવેલી એક યુવતી ચાર વર્ષની અહીંની પોતાની આપવીતી જણાવતાં કહે છે, ‘મારા બૉયફ્રેન્ડે મને એક માંસના ટુકડાની જેમ ટ્રીટ કરી છે. ઘણાં અરમાનો અને જીવનમાં કંઈક કરવાનાં સપનાંઓ સાથે હું અહીં તેની સાથે આવી હતી, પરંતુ અહીં આવ્યા પછી મને વેચી દેવામાં આવી. એક જેલના કેદીની જેમ એક કૂટણખાનામાં મને ધરબીને મારા શરીરને અને મનને તહસનહસ કરી નાખવામાં આવ્યું. મારા પરિવારે કોઈ ફરિયાદ ન કરી, કારણ કે ૨૭ હજાર યુરો (લગભગ બાવીસ લાખ રૂપિયા) આપીને તેમનું મો બંધ કરી દેવામાં આવ્યું હતું.’

રોજની ૩૫૦ યુરોની કમાણી તેને અહીં લાવનારા દલાલ પાસે જાય જેમાંથી તેને ખાવાપીવાના માત્ર ૯ યુરો મળે. તેનો બૉયફ્રેન્ડ તેની સાથે શારીરિક શોષણ કરે એ અલગ. પ્રોટેક્ટેડ સંબંધ બાંધવાના ૩૫ યુરો અને અનપ્રોટેક્ટેડ સંબંધના ૯૦ યુરોનું મહેનતાણું તેને મળતું હતું. તેણે એક વાર અનપ્રોટેક્ટેડ સેક્સની ના પાડી તો ચહેરા પર તેને ચાકુનો ઘા કરવામાં આવ્યો હતો અને આનાથી પણ બદતર હાલત થઈ શકે છે એવી ધમકીથી તેના પર બધી જ બળજબરી થઈ હતી. તેની પાસે આવતા ક્લાયન્ટ વિશે વાત કરતાં તે કહે છે, ‘પોલીસમાં ફરિયાદ કરવાના પ્રયત્ન મેં કર્યા હતા, પરંતુ આ બધું જ અહીં લીગલ છે કહીને મને ફરી એક વાર ફિઝિકલી અબ્યુઝ કરવામાં આવી હતી. બ્રિટનના દારૂના નશામાં ચૂર કેટલાક પુરુષો ખૂબ જ હિંસક હોય છે. એકે તો મારા આખા શરીર પર અટ્ટહાસ્ય સાથે યુરિનેશન કર્યું હતું અને મને ખૂબ ગંદી રીતે હિંસાત્મક રીતે અબ્યુઝ કરી હતી.’

એક સામાજિક સંસ્થાની વિઝિટ દરમ્યાન એ યુવતીએ પોતાની વાત ટૂંકમાં કરી. બીજા દિવસે સિવિલ ડ્રેસમાં પોલીસ આવી અને તેની સાથે રહીને તેની આખી વાત જાણ્યા પછી તેને એ કૂટણખાનામાંથી ઉગારી લેવામાં આવી. પ્રોસ્ટિટ્યુશનને ઍમ્સ્ટરડૅમમાં લીગલ કરવા પાછળનો સરકારનો હેતુ મહિલાઓ વિરુદ્ધના ક્રાઇમને ઘટાડવાનો હતો એવો દાવો તેઓ કરે છે. જોકે એ કહકીત નથી. ઘણી નાની ઉંમરની છોકરીઓને બળજબરીપૂર્વક ફસાવવાના અઢળક કિસ્સાઓ અહીં બને છે.

ઍમ્સ્ટરડૅમની એક પ્રોસ્ટિટ્યુટનો ઇન્ટરવ્યુ

અમેરિકાના એક સોશ્યલ વર્કર અને ટ્રાવેલ બ્લૉગરે લગભગ છ મહિના ઍમ્સ્ટરડૅમમાં પસાર કરીને ઘણીબધી વાસ્તવિકતાને નજીકથી જોઈ છે. એક સેક્સ-વર્કર સાથે તેણે કરેલી વાતચીતના અંશો અહીં પ્રસ્તુત છે.

આ વ્યવસાયમાં કેવી રીતે આવી?

હું એકલી હતી. હસબન્ડ સાથે ડિવૉર્સ થઈ ગયા પછી ત્રણ બાળકોની જવાબદારી મારા પર હતી. એક સ્ટોરમાં કામ કરતી હતી અને એ સ્ટોર બંધ થયા પછી જૉબલેસ થઈ ગઈ અને બીજો કોઈ ઑપ્શન રહ્યો નહીં એટલે અહીં આવવાનું નક્કી કર્યું.

કેટલા સમયથી પ્રોસ્ટિટ્યુટ તરીકે કામ કરે છે?

દસ વર્ષથી.

કેટલા વાગ્યે કામ શરૂ થાય છે તારું?

મારો દિવસ સવારે સાડાચાર વાગ્યે શરૂ થાય છે. હું સવારે વહેલી આવીને પહેલાં સફાઈ કરું અને પછી કામ ચાલુ કરું. હું આ સમયને વધુ પસંદ કરું છું, કારણ કે એ સમયમાં ફોટો પાડવાવાળા લોકો ઓછા હોય છે.

લોકો તમારા ફોટો પાડતા હોય છે?

હા, ગેરદાયદેસર છે તો પણ અને એ ખૂબ જ ખરાબ લાગણી છે જેમાં તમારી મરજી વગર તમારી અમુક અવસ્થામાં તમારા ફોટો પાડવામાં આવતા હોય. આ ખૂબ પ્રાઇવેટ બાબત છે. લોકોએ એ સમજવું જોઈએ. મારા પરિવારને મારા આ કામ વિશે ખબર નથી એટલે હું સતત ફફડાટમાં હોઉં છું કે ક્યાંક મારા ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયા તો!

લોકો જ્યારે વિન્ડોમાંથી તને લોલુપ નજરે જોતા હોય ત્યારે કેવી લાગણી થતી હોય છે?

ખૂબ જ ખરાબ ફીલ થાય. માત્ર હું જ નહીં, પણ મારી બાજુની વિન્ડોમાં એક ૬૫ વર્ષની લેડી છે એના માટે આ વધુ અસહ્ય છે. તેના પરિવારને તેના કામ વિશે ખબર છે અને ક્લીનિંગ માટે અને ફૂડ માટે તેનો દીકરો મદદ પણ કરે છે. તેની મજબૂરી છે કે તેણે આ ઉંમરે પણ આ કામ કરવું પડે છે. આખા વિશ્વમાં અમે લોકો માટે જિજ્ઞાસાનું કારણ છીએ. લોકો સમજ્યા વિના અમારા પર હસતા હોય છે. ગંદામાં ગંદી કમેન્ટ કરતા હોય છે. એ ખૂબ જ ખરાબ અનુભવ છે.

તું કેટલા રૂપિયા ચાર્જ કરે છે?

૫૦ મિનિટના ૫૦ યુરો. ઘણા લોકો શારીરિક સંબંધ માટે અમારી પાસે નથી આવતા.

એ લોકોને ફિઝિકલ રિલેશન ન જોઈતું હોય તો શું કરે છે અહીં આવીને?

મસાજ. કેટલાક લોકો માત્ર વાતો. પોતાની ગર્લફ્રેન્ડની, ફૅમિલીની વાતો કરીને કંઈ જ કર્યા વિના પણ જતા રહે. સેક્સ ન જોઈતું હોય એવા ઘણા લોકો આવે છે. મૅરિડ હોય, પણ નેધરલૅન્ડ્સમાં એકલા રહેતા હોય અથવા જસ્ટ જોવા માટે કે એક અનુભવ માટે અહીં આવ્યા હોય.

એવું કંઈ છે જે તું પૈસા આપ્યા પછી પણ નહીં કરે?

અનપ્રોટેક્ટેડ રિલેશન હું ક્યારેય નહીં બાંધું અને જો કોઈ નશાની હાલતમાં હોય તો હું વધુ પૈસા ચાર્જ કરું.

કોઈ ક્લાયન્ટ સાથે કામ પૂરું થઈ જાય પછી તું શું મહેસૂસ કરતી હોય છે?

એક જ વાત કે હવે તેણે જવું જોઈએ.

તું ક્યારેય તારા કોઈ ક્લાયન્ટના પ્રેમમાં પડી છે?

હા, બે વાર. જોકે બન્ને વખતે મેં જ સંબંધ કાપી નાખ્યા.

તારા કામને અને પ્રેમને તું કેવી રીતે મૂલવે છે?

ફીલિંગ સાથેનો સંબંધ સંપૂર્ણ જુદી બાબત છે. પ્રોસ્ટિટયુશન તદ્દન જુદી બાબત છે. આ મારું કામ છે જેમાં હું મારું શરીર અને મારો સમય રેન્ટ પર આપું છું. કેટલીક વાર લોકો માત્ર મિત્રની તલાશમાં મારી સાથે વાતો કરવા માટે આવતા હોય છે.

પહેલી વાર આ કામ કર્યું ત્યારે કેવી લાગણી અનુભવી હતી?

ખૂબ જ ડરામણી અને ભયાનક. પહેલી વાર જ નહીં, શરૂઆતમાં લગભગ દર વખતે આ જ લાગણી અનુભવતી હતી. લોકો મારા વિશે શું વિચારે છે એનાથી પહેલાં ખૂબ તકલીફ થતી. હવે હું બોધર નથી કરતી. વિન્ડોની પાછળ ઊભેલી મહિલાઓ અને વિન્ડોની સામેથી ચાલી રહેલા લોકો એમ બન્નેનાં જુદાં વિશ્વ છે.

તારા કામ માટે તું ગર્વ અનુભવે છે? અને લોકો માટે તારો શું સંદેશ છે?

હા, કારણ કે એના માટે ખૂબ જ સ્ટ્રૉન્ગ મનોબળ હોવું જરૂરી છે. લોકોને એટલું જ કહીશ કે અમે તમે ધારો છો એટલાં ખરાબ નથી હોતાં. કોઈ પણ કારણસર આ કામમાં અમે આવી ચડ્યાં છીએ તો એ કર્યા વિના અમારો જીવનનર્વિાહ નહીં ચાલે.


First Published: 9th December, 2018 16:11 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK