રૂપિયાનો વરસાદ પાડીશ કહી લાખો રૂપિયા પડાવી કરી હત્યા

Published: 20th November, 2012 05:22 IST

પનવેલમાં ૧૪ નવેમ્બરે થયેલી ચાર એસ્ટેટ એજન્ટની હત્યાના કેસમાં એકની ધરપકડ



પનવેલના શિરવાળે ગામમાં આવેલા પાટીલ ફાર્મહાઉસમાં ૧૪ નવેમ્બરે થયેલી ચાર એસ્ટેટ એજન્ટોની હત્યાના કેસમાં મુખ્ય આરોપી તાંત્રિક ચંદ્રકાન્ત વાઘમારેની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયાનો વરસાદ પાડીશ એમ કહીને ચારે એસ્ટેટ એજન્ટો પાસેથી ૧૦ લાખ રૂપિયા પડાવી તેમની હત્યા કરનાર ચંદ્રકાન્ત વાઘમારેની ધરપકડ પનવેલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સાથે મળીને કરી હતી. પોલીસે જે રિવૉલ્વરથી હત્યા કરાઈ હતી એ પણ જપ્ત કરી છે.

એકસાથે ચાર મર્ડરનો આ કેસ કઈ રીતે સૉલ્વ થયો એ બાબતે જણાવતાં પનવેલ પોલીસ-સ્ટેશનના ઑફિસર અનિલ પાટીલે કહ્યું હતું કે ‘ચંદ્રકાન્ત વાઘમારેએ તેમને કહ્યું હતું કે દિવાળીના દિવસે અમાસની રાતે તાંત્રિક રીતે તે લાખો રૂપિયાને કરોડો રૂપિયામાં ફેરવી દેશે અને રૂપિયાનો વરસાદ વરસશે. તેની વાતમાં આવી ગયેલા ચારેય એસ્ટેટ એજન્ટો ૧૦ લાખ રૂપિયા લઈને ફાર્મહાઉસ પર પહોંચી ગયા હતા. એ બધાને તેણે પુષ્કળ દારૂ પીવડાવ્યો હતો અને પછી ગોળી મારીને તેમની હત્યા કરી હતી. દિવાળીના દિવસે ફટાકડા ફૂટી રહ્યા હોવાથી એ અવાજ પણ ફટકડાના અવાજમાં ભળી ગયો હતો. અમે આ બાબતે મૃત્યુ પામેલા લોકોના મિત્રોમાં તપાસ શરૂ કરી હતી. એમાં બલરામ ટોપલેના એક ફ્રેન્ડે ચંદ્રકાન્ત વાઘમારે વિશે માહિતી આપી હતી. અમે તેની તપાસ કરતાં તે કર્જત ચાલ્યો ગયો હોવાનું જાણવામાં આવ્યું હતું. આખરે અમે તેને તેના કર્જતમાં રહેતા એક સગાને ત્યાંથી પકડી લીધો હતો. તેણે ચારે હત્યા કરી હોવાનું કબૂલ કર્યું છે. અમે તેની પાસેથી હત્યા માટે વપરાયેલી રિવૉલ્વર પણ જપ્ત કરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK