
ભ્રષ્ટાચાર અને આર્થિક ગોટાળા કર્યા હોવાના આક્ષેપો ફગાવી દઈને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ ગઈ કાલે કહ્યું હતું કે હું તપાસ માટે તૈયાર છું. જોકે સાથે જ તેમણે પૂછ્યું હતું કે કૉન્ગ્રેસ કેમ રૉબર્ટ વાડ્રાના આર્થિક વ્યવહારોની તપાસ કરવામાં ખચકાટ અનુભવે છે? નીતિન ગડકરીએ અરવિંદ કેજરીવાલે કરેલા આક્ષેપો પણ નકારી કાઢ્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે નીતિન ગડકરી એનસીપીના ચીફ શરદ પવાર અને રાજ્યસભાના વિવાદાસ્પદ સભ્ય અજય સંચેતી સાથે બિઝનેસ-રિલેશન ધરાવે છે. કૉન્ગ્રેસ તેમને ફસાવીને બીજેપીની પ્રતિમા બગાડવાનો પ્રયાસ કરી રહી છે એમ કહી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘અજય સંચેતી સાથે મારા કોઈ જ બિઝનેસ રિલેશન નથી. મારો અંતરાત્મા સાફ છે. હું એક સોશ્યલ એન્ટરપ્રાઇઝ ચલાવું છું જે વિદર્ભના ખેડૂતોનું જીવનધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ કરે છે. હું એવું કોઈ કામ નહીં કરું જેથી મારી પાર્ટીના વર્કરોને નીચાજોણું થાય કે તેમને શરમ અનુભવવી પડે. હું ગભરાતો નથી. ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું હું જાણું છું. છેલ્લાં સાડાત્રણ વર્ષના મારા કાર્યકાળમાં બીજેપીએ પ્રગતિ કરી છે અને હવે આવનારી લોકસભાની ચૂંટણીઓમાં એનડીએ સત્તા પર આવે અને બીજેપીના વડા પ્રધાન બને એવી શક્યતાને કારણે વિરોધીઓ મને ફસાવીને બીજેપીની પ્રતિમા ધૂંધળી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિરોધીઓ એવી પૉલિસી વાપરી રહ્યા છે કે જ્યારે તમે કોઈને કન્વીન્સ ન કરી શકો તો તેમને કન્ફ્યુઝ કરી દો. તેઓ મારા પાર્ટી-વર્કર્સને આમ કરીને કન્ફ્યુઝ કરી રહ્યા છે. મેં સરકાર પાસેથી જમીન કે રૂપિયા લીધાં નથી અને મારી રાજકીય પોઝિશનનો પણ ફાયદો લીધો નથી. હું મારી સામે તપાસ થાય એ માટે તૈયાર છું, પણ કૉન્ગ્રેસનો જમાઈ કેમ એ માટે તૈયાર નથી?’