વો જબ યાદ આએ - રજની મહેતા

Published: Nov 03, 2019, 13:37 IST | વો જબ યાદ આએ - રજની મહેતા | મુંબઈ

ફિર સુબહ હોગીના સંગીત માટે શંકર-જયકિશનનો આગ્રહ રાખતા રાજ કપૂર આખરે ખય્યામ માટે કેવી રીતે રાજી થયા?

રાજ કપૂર અને ખય્યામ
રાજ કપૂર અને ખય્યામ

ફિલ્મ ‘ફૂટપાથ’નું સંગીત એ સમયમાં એક નવો ટ્રેન્ડ લઈને આવ્યું. અનેક પ્રોડ્યુસર આ જ પ્રકારની વાર્તા લઈને ખય્યામ પાસે આવ્યા. ધાર્યું હોત તો તેમણે એ ઑફર્સ સ્વીકારીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવવાની કોશિશ કરી હોત પરંતુ ફરી એક વાર તેમણે એ પ્રલોભનને જતું કર્યું. કારણ કે તે ટાઇપ કાસ્ટ બનવા નહોતા માંગતા. આ કારણે તેમણે એવી ફિલ્મો સ્વીકારી જેમાં તેઓ નવા પ્રયોગ કરી શકે. તેમના જીવનમાં જે ટર્નિંગ પૉઇન્ટ આવ્યો તે ફિલ્મ હતી ૧૯૫૬માં આવેલી ‘ફિર સુબહ હોગી’.
તેને યાદ કરતાં ખય્યામ કહે છે, ‘એક દિવસ સાહિર લુધિયાનવી રમેશ સૈગલને લઈ મારે ઘેર આવ્યા. તે રશિયન લેખક દોસ્તોયવ્સકીની ઑલ ટાઇમ ક્લાસિક નોવેલ ‘ક્રાઇમ એન્ડ પનીશમેન્ટ’ પરથી એક ફિલ્મ બનાવવાનો પ્લાન કરતા હતા. હીરો તરીકે તેમણે રાજ કપૂરને સાઇન કર્યો હતો, જેણે સંગીતકાર તરીકે શંકર-જયકિશનની ભલામણ કરી હતી. જોકે ફિલ્મના ગીતકાર સાહિર લુધિયાનવીને શંકા હતી કે તેઓ આ વિષયને અનુરૂપ સંગીત આપી શકશે કે કેમ? તેમનું કહેવું હતું કે શંકર-જયકિશન વિખ્યાત અને સફળ સંગીતકાર હતા, તેની ના નથી પરંતુ આ વિષય એવો હતો જેને માટે કોમ્યુનીસ્ટ વિચારધારાને લગતા સાહિત્યની જાણકારી જરૂરી હતી. સાહિરસા’બના સજેશન પર આ બાબતે રમેશ સૈગલે રાજ કપૂર સાથે ખુલ્લા મનથી વાત કરી ત્યારે રાજ કપૂરે એક વિનંતી કરી કે જો મને ખય્યામનાં બે-ત્રણ કમ્પોઝીશન સાંભળવા મળે તે પછી આપણે અંતિમ નિર્ણય કરીએ, એ બહેતર રહેશે.’
એક આડ વાત. સંગીતની બાબતમાં રાજ કપૂરની તોલે ભાગ્યે જ કોઈ અભિનેતા આવી શકે. ‘બરસાત’ ફિલ્મ માટે રામ ગાંગુલી (ફિલ્મ ‘આગ’ના સંગીતકાર)ના કામથી તે સંતુષ્ઠ નહોતા એટલે તેમણે શંકર-જયકિશનને કામ સોપ્યું. તે દિવસથી આ જોડી તેમની માનીતી બની. આર. કે. ફિલ્મ્સ સિવાયની બહારની ફિલ્મોમાં રાજ કપૂર કામ કરતા ત્યારે તેઓ પ્રોડ્યુસર્સને આગ્રહ કરતા કે આ જોડીને સંગીતકાર તરીકે લે. મોટા ભાગના લોકો તેમને માન આપીને તેમનું કહ્યું કરતા. [ચાલતી કલમે અપવાદ રૂપ એક-બે ફિલ્મો યાદ આવે છે. શેખ મુખ્તારની ‘દો ઉસ્તાદ’માં સંગીતકાર હતા ઓ. પી. નય્યર. શ્રીધરની ‘નઝરાના’માં સંગીતકાર હતા રવિ] એમ કહેવાય છે કે આર. કે.ની ફિલ્મો માટે શંકર-જયકિશન એક ગીત માટે ત્રણ-ચાર ધૂન બનાવતા અને અંતિમ પસંદગી રાજ કપૂરની રહેતી. બાકી રહેલી ધૂન આ જોડી બીજી ફિલ્મો માટે પોતાની મ્યુઝિક બૅન્કમાં રાખતા. આ ધૂનો પરથી બનેલાં ગીતો પણ લોકપ્રિય થતાં.
ફિલ્મ ‘ફિર સુબહ હોગી’ની વાતનું અનુસંધાન સાધતાં ખય્યામ કહે છે, ‘દુનિયા જાણે છે કે રાજ કપૂરની સંગીતની સમજ ઘણી ઊંડી હતી. તેની ઇચ્છાને તમે અવગણી ન શકો. સાહિર લુધિયાનવીએ મને કહ્યું, ‘તમે આ વાતની ગંભીરતા સમજી શકો છો. હું એક કવિતા લઈને આવ્યો છું. તમે એવી રીતે કમ્પોઝ કરો કે રાજસા’બ ખુશ થઈ જાય.’ મારે માટે સંગીતકાર તરીકેની મારી સફરની આ એક મોટી ચૅલેંજ હતી. મને મારી આવડત અને અલ્લાતાલાની રહેમત પર ભરોસો હતો એટલે મનોમન મેં સંકલ્પ કર્યો કે કોઈ પણ હિસાબે મારે આ કસોટીમાંથી પાર ઉતરવું છે.’
‘સાહિરસા’બની કવિતા અદ્ભુત હતી પણ એક મુશ્કેલી હતી. તેની શરૂઆતની પંક્તિમાં કેવળ પાંચ શબ્દો હતા; ‘વો સુબહ કભી તો આયેગી’. આટલા ઓછા શબ્દોની ધૂન બનાવવી એ અત્યંત મુશ્કેલ કામ હતું. મારા માટે આ એક પડકાર હતો. ખૂબ મહેનત કરીને મેં ચાર-પાંચ ધૂન બનાવી અને બીજા દિવસે બે મ્યુઝિશિયનને લઈ હું રાજ કપૂરના મ્યુઝિક રૂમ પર ગયો. શરૂઆતની હાય હલો બાદ રાજ કપૂરે કબાટમાં એક તાનપુરો હતો તેની તરફ આંગળી ચીંધી. આ તાનપુરો લતા મંગેશકરે તેમને ભેટ આપ્યો હતો, જે આજ સુધી વપરાયો નહોતો. તે શું કહેવા માંગતા હતા એ હું સમજી ગયો. મેં કબાટ ખોલી, હળવેથી તાનપુરો બહાર કાઢ્યો, તેના પરની ધૂળ સાફ કરી અને તેને ટ્યુનિંગ કરવાની શરૂઆત કરી. તાનપુરો એવું વાદ્ય છે જેમાં કેવળ ચાર તાર [strings] હોય છે. જ્યારે તે વાગે ત્યારે તેમાંથી સંગીતની એક જ નોટ સંભળાય. તાનપૂરો ટ્યુન કરવો તે આસાન કામ નથી. અનુભવી લોકો જ આ કરી શકે. રાજ કપૂર શાંતિથી મારા કામને જોઈ રહ્યા હતા. જેવો તાનપુરો ટ્યુન થયો એટલે તેનો રણકો સાંભળી તેમણે કહ્યું, ‘હવે તો સાંજ પડી ગઈ’ મેં તેમનો ઇશારો સમજતાં કહ્યું, ‘તમારી રજા હોય તો [રાગ] પુરિયા ધનાશ્રીમાં એક બંદિશ સંભળાવું.’ અને લગભગ ૪૫ મિનિટ સુધી મેં દિલ લગાવીને ગાયું. તેમના ચહેરાના હાવભાવ પરથી મને ખબર પડી ગઈ કે મારી સંગીતની જાણકારીથી તે પ્રભાવિત થયા હતા. જેવી મારી ગાયકી પૂરી થઈ એટલે તેમણે કહ્યું, ‘તમારાં કમ્પોઝિશન સાંભળવાં છે.’
‘મેં મારી બનાવેલી પહેલી ધૂન સંભળાવી. તેમના ચહેરા પર બ્લૅન્ક એક્સપ્રેશન હતા. મેં બીજી ધૂન સંભળાવી. તેમના તરફથી કોઈ રિઍક્શન ન આવ્યું, મેં અલગ અલગ વેરીએશનવાળી ત્રીજી, ચોથી, પાંચમી ધૂન સંભળાવી. તે શાંતિથી સાંભળતા રહ્યા. તેમનો પૉઝિટિવ કે નેગેટિવ, કોઈ રિસ્પોન્સ જ ન મળે. ઊભા થઈને તેમણે રમેશ સૈગલને એટલું જ કહ્યું, ‘આપ ઝરા મેરે સાથ આઈયે.’ અને તે બન્ને બાજુના રૂમમાં ગયા.’
‘લગભગ ૪૫ મિનિટ સુધી તેમની વાતચીત ચાલી. એક-એક મિનિટ, મને એક કલાક જેટલી લાગતી હતી. મારા માટે Once in a life time જેવી આ તક હતી. એક અદ્ભુત વાર્તા, તેને અનુરૂપ બહેતરીન કવિતા, એક યુવાન આશાસ્પદ ડાયરેક્ટર અને વિખ્યાત કલાકારો; સફળ ફિલ્મ માટેની દરેક સામગ્રી તૈયાર હતી. આજ સુધી આવા મોકાની હું રાહ જોઈને બેઠો હતો. આ તરફ બાજુના રૂમમાં શું ચાલી રહ્યું છે, તેનો વિચાર કરતાં મને થયું કે આટલો લાંબો સમય વીતી ગયો છે, પણ કોઈ જવાબ નથી. લાગે છે કે આ ફિલ્મ મારા નસીબમાં નથી. હું નિરાશામાં ડૂબતો જતો હતો ત્યાં રમેશ સૈગલ રૂમમાં દાખલ થયા. મને ઊભો કર્યો; મારા કપાળને ચૂમ્યું અને કહ્યું.’ રાજસા’બ કહે છે કે આ પ્રકારનું સંગીત તેમણે આજ સુધી સાંભળ્યું નથી. ખય્યામ અકલ્પનીય ધૂનો લઈને આવ્યા છે. જો આપણે તેમની પાસેથી મહાન સંગીત કઢાવી નહીં શકીએ તો એનો અર્થ એ જ થશે કે આપણે અણઘડ છીએ અને આ કામને લાયક નથી.’ આ વાત થતી હતી ત્યાં જ રાજસા’બ રૂમમાં આવ્યા અને કહે કે તમે જે પાંચ ધૂન સંભળાવી એ દરેક ધૂન મને ગમે છે. પ્લીઝ, ફરી એક વાર તમે સંભળાવી શકશો? તરત મેં એક પછી એક ધૂન સંભળાવી. નવાઈની વાત એ થઈ કે રાજસા’બે કબૂલ કર્યું, ‘મને દરેક ધૂન ગમી છે એટલે હું કન્ફ્યુઝ છું. તમે જ કહો કઈ ધૂન શબ્દોને વધુ ન્યાય આપી શકે અને સિચ્યુએશન માટે બહેતર રહેશે. ‘મારો જવાબ હતો, પહેલી ધૂન.’ ત્યાને ત્યાં એ ધૂન ફાઇનલ કરી અને જલ્દીમાં જલદી રેકૉર્ડિંગ કરવાનું નક્કી થયું.’
‘રમેશ સૈગલ અને દિલીપ કુમારે આ પહેલાં સાથે કામ કર્યું હતું [૧૯૪૯માં ફિલ્મ ‘શહીદ’ અને ૧૯૫૩માં ફિલ્મ ‘શિકસ્ત’]. ત્યાર બાદ અમુક મતભેદને કારણે તેઓ પ્રોફેશનલી સાથે કામ નહોતા કરતા. તે છતાં સંબંધોમાં કોઈ ફેર નહોતો પડ્યો. આ ગીતના રેકોર્ડિંગ વખતે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગીત સાંભળીને તેમની આંખમાં આંસુ આવી ગયાં અને રમેશ સૈગલને ભેટી પડતાં કહ્યું કે ભલે રાજ કપૂર આ ફિલ્મનો હીરો છે, પરંતુ મારા તરફથી કોઈ પણ મદદની જરૂર હોય તો નિઃસંકોચ મને કહેજો.’
‘એ કહેવાની જરૂર નથી કે રેકોર્ડિંગ સાંભળીને રાજ કપૂર બેહદ ખુશ હતા. એક દિવસ વાતવાતમાં ક્રિશ્ના રાજ કપૂર મને કહે. ‘તમારા આ ગીતની રાજસા’બ પર જાદુઈ અસર થઈ છે. સવાર પડતાં જ તે આ ગીત સાંભળવાનું શરૂ કરી દે છે. કામ દરમ્યાન જરાક નવરાશ મળે એટલે એ આ ગીત સાંભળવા બેસી જાય છે. દરેક વખતે એ એટલા ઇમોશનલ થઈ જાય છે કે વાત ન પૂછો.’
‘સાહિરસા’બ સાથેની મારી આ પહેલી ફિલ્મ હતી. એ કમાલના શાયર હતા. તેમની કવિતાની અને શાયરીના અનેક પુસ્તકો ખૂબ જ લોકપ્રિય છે. સાહિત્યનાં વર્તુળોમાં તેમનું મોટું નામ હતું. આ ફિલ્મ માટે તેમણે જે ગીતો લખ્યાં, તે એકદમ હટકે હતાં. તે ફિલ્મી ગીતો નહોતાં પરંતુ કવિતાનું ઉચ્ચતમ સ્વરૂપ હતું. એમાં નવા વિચારો, નવી અભિવ્યક્તિ અને જીવનની સચ્ચાઈ હતી. એ ગીતોની ધૂન તૈયાર કરવામાં મને બેહદ આનંદ અને સેલ્ફ સેટિસ્ફેક્શન મળ્યું. કોણ જાણે કેમ, તેમની કવિતા વાંચતાં જ મારા મનમાં એક એવી ધૂનની પ્રેરણા થતી કે ખુદ હું પણ નવાઈ પામતો. દિલથી લખાયેલી શાયરીની આ તાકત છે; જે તમારામાં રહેલું ઉત્તમ પ્રકટ કરવામાં નિમિત્ત બને છે. અમે બંને એકમેકને નિકટથી જાણતા હતા અને એકમેકનો આદર કરતા હતા એ કારણે અમે એકબીજાના પૂરક હતા, એવું બની શકે.’
મેં આ વાત સાંભળીને એક પ્રશ્ન કર્યો. ‘તમે શબ્દો લખાયા બાદ ધૂન બનાવતા કે પહેલાં ધૂન બનાવીને ગીતકારને શબ્દો લખવાનું કહેતા? આજકાલ તો આ ટ્રેન્ડ જ વધારે ચાલે છે. શબ્દો કરતાં રીધમનું મહત્ત્વ વધી ગયું છે. કૈફી આઝમી આ વાતને પોતાની લાક્ષણિક શૈલીમાં એ રીતે કહેતા કે મ્યુઝિક ડાયરેક્ટર પહેલાં કફન [ગીતની ધૂન] બનાવીને ગીતકારને કહે છે કે જાવ, આમાં ફીટ થાય એવું શબ [શબ્દો] લઈ આવો.’
મને ખબર હતી કે પરંપરામાં માનતા ખય્યામ આ વાતનો સખત વિરોધ કરતા હતા. તેમને તો થોડા સમયથી જૂનાં ગીતોના રીમિક્સનો ટ્રેન્ડ ચાલે છે તેની સામે પણ મોટો વિરોધ હતો. એક ક્લાસિક ક્રિએશન સાથે છેડછાડ કરવાની આદત તેમના હિસાબે માફ ન કરી શકાય, તેવો અપરાધ હતો. મારા પ્રશ્નના જવાબમાં તેમણે જે કહ્યું તેની સાથે સાચા સંગીતપ્રેમીઓ જરૂર સહમત થશે.
જ્યારે ધૂન પર શબ્દો લખાય ત્યારે ગીતકાર અને સંગીતકાર, બંને પોતાની ક્ષમતા કરતાં ઓછું કામ કરતા હોય એમ હું માનું છું. ગીતકાર શબ્દો દ્વારા અને સંગીતકાર સ્વરોની સહાયતાથી એક ગીતને સમગ્ર સ્વરૂપે તૈયાર કરતા હોય છે. બંનેને પોતાની રીતે એમાં રંગ ભરવાની છૂટ હોવી જોઈએ. મેં હંમેશાં ગીત લખાયા બાદ જ ધૂન બનાવવાનું પસંદ કર્યું છે. આ જ કારણે અમારા સમયના મોટા ભાગના સંગીતકારો અને ગીતકારોએ જે કામ કર્યું છે તે આજ સુધી લોકપ્રિય છે અને રહેશે.
એક આડ વાત. એ હકીકત છે કે તે સમયના દિગ્ગજ સંગીતકારો મોટે ભાગે ગીતના મૂડ પ્રમાણે શબ્દો લખાયા બાદ, ધૂન બનાવતા પરંતુ અમુક ગીતોની ધૂન પહેલાં બની હોય, અને ત્યાર બાદ તેમાં શબ્દો ઉમેરાયા હોય, એવા કિસ્સાઓ પણ બન્યા છે. ખાસ કરીને સચિન દેવ બર્મન અને સલિલ ચૌધરીએ પોતાના સંગીતમાં અનેક બંગાળી ધૂનો પર હિન્દી ગીતો લખાવ્યાં છે; જે બેહદ લોકપ્રિય બન્યાં છે. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને યોગેશ આ બાબતમાં એટલા કાબિલ હતા કે એ ગીત જ્યારે આપણે સાંભળીએ ત્યારે ખબર ન પડે કે તૈયાર ધૂન પર શબ્દો લખાયા છે. વત્તેઓછે અંશે દરેક સંગીતકારે ક્યારેક ને ક્યારેક પોતાની ગમતી ધૂન પર શબ્દો લખવાનું કામ ગીતકારો પાસે કરાવ્યું છે. એ કિસ્સાઓની વાત ફરી કોઈ વાર નિરાંતે કરીશું.
ફિલ્મ ‘ફિર સુબહ હોગી’નાં ગીતો બેહદ લોકપ્રિય બન્યાં. હિરોઇન માલા સિંહાનાં દરેક ગીતો માટે આશા ભોસલેએ પ્લેબેક આપ્યું. પહેલા ગીતનું રેકોર્ડિંગ પૂરું થયું અને એટલે આશા ભોસલેએ કહ્યું, ‘ખય્યામ સાબ, લગતા હૈ આપકી સુબહ હો ચુકી હૈ.’ આ શબ્દો ખરેખર સાચા પડ્યા. આ ફિલ્મ બાદ ખય્યામની ગણના એક સફળ સંગીતકાર તરીકે થવા લાગી. તેમના માટે પોતાની પસંદનું કામ મળવું સહેલું બની ગયું.
આ ફિલ્મની સાથે સંકળાયેલી વાતો યાદ કરતા ખય્યામ કહે છે, ‘આ ફિલ્મની રેડિયો પબ્લિસિટી અમીન સયાનીના હાથમાં હતી. ફિલ્મનાં ગીત સાંભળી તેમનું જે રિઍક્શન હતું તે મારે માટે શોકિંગ હતું. મને કહે, ‘ખય્યામસાબ, તમે આ શું કર્યું? આટલી મોટી ફિલ્મ અને તેનું સંગીત આટલું ફિક્કું કેમ છે? એમાં જાન નથી. લોકો કંટાળી જશે.’ મેં તેમને પૂછ્યું, ‘તમને આ ફિલ્મની સ્ટોરી ખબર છે? કઈ નોવેલ પરથી આ ફિલ્મ બની છે તે જાણો છો?’ તેમણે કહ્યું, ‘ના.’ મેં કહ્યું, ‘તમે પહેલાં આ ફિલ્મ અને નોવેલ વિષે પૂરી જાણકારી મેળવી લો. ત્યાર બાદ તમે કહેજો કે મારું કામ બરાબર છે કે નહીં.’ તેમણે મારી વાત માનીને સ્ટોરી બાબત પૂરતી માહિતી મેળવી. ત્યાર બાદ ખેલદિલીથી મને ખૂબ જ અભિનંદન આપતાં કહ્યું કે વાર્તાને અનુરૂપ ઉત્તમ ગીતો બન્યાં છે.’
‘ફિલ્મના પ્રીમિયરમાં આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવી હતી. ફિલ્મ પૂરી થયા બાદ હૃષિકેશ મુખરજી મારો હાથ પકડીને ખૂબ જ ઇમોશનલ અવાજમાં અભિનંદન આપતાં બોલ્યા, ‘આ ફિલ્મનો સબ્જેક્ટ એકદમ નોન મ્યુઝિકલ છે પરંતુ તમે એને મ્યુઝિકલ ક્લાસિક બનાવી દીધી.’

ફિલ્મ ફિર સુબહ હોગીનાં લોકપ્રિય ગીતો
૧. ચીન ઔર અરબ હમારા, હિન્દોસ્તાં હમારા, રહેને કો ઘર નહીં હૈ, સારા જહાં હમારા [મુકેશ]
૨. આસમાં પે હૈ ખુદા, ઔર ઝમીં પે હમ, [મુકેશ]
૩. વો સુબહ કભી તો આયેગી [મુકેશ, આશા ભોસલે]
૪. ફિર ન કીજે મેરી ગુસ્તાખ નિગાહી કા ગિલા, દેખિયે આપને ફિર પ્યાર સે દેખા મુજકો [મુકેશ, આશા ભોસલે]
૫. જિસ પ્યારમેં યે હાલ હો, ઉસ પ્યારસે તૌબા તૌબા [મોહમ્મદ રફી, મુકેશ]
૬. દો બુંદે સાવન કી હાય દો બુંદે સાવન કી [આશા ભોસલે]

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK