મેરી તમન્ના ન થી તેરે બગૈર રહને કી લેકિન મજબૂર કો મજબૂર કી મજબૂરિયાં મજબૂર કરી દેતી હૈ

Published: Dec 30, 2019, 15:46 IST | Pravin Solanki | Mumbai

‘મજબૂરી કા નામ મહાત્મા ગાંધી’ એવું આપણે વારંવાર બોલીએ છીએ કે સાંભળીએ છીએ પણ એનો અર્થ કોઈ ક્યારેય સ્પષ્ટપણે જણાવી શક્યું કે સમજાવી શક્યું નથી.

કેટલીક મજબૂરી ન કરવાનાં કામ કરાવે છે જ્યારે કેટલીક મજબૂરી કરવા જેવાં કામ કરતાં અટકાવે પણ છે. કેટલીક મજબૂરી એવી પણ હોય છે જે પ્રેમથી નિભાવવી પડે છે અને હસતે મોઢે સહન કરવી પડે છે. ક્યારેક-ક્યારેક ફરજને આપણે મજબૂરીનું લેબલ લગાડી દેતાં હોઈએ છીએ તો ક્યારેક મજબૂરીનો ‘બહાના’ તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. ‘મજબૂરી કા નામ મહાત્મા ગાંધી’ એવું આપણે વારંવાર બોલીએ છીએ કે સાંભળીએ છીએ પણ એનો અર્થ કોઈ ક્યારેય સ્પષ્ટપણે જણાવી શક્યું કે સમજાવી શક્યું નથી.

એક બુઝુર્ગ ગાંધિયને મને એ સમજાવતાં કહ્યું, ‘પ્રવીણભાઈ, મારા ફાધર ગાંધીબાપુના અંતેવાસી હતા. ગાંધી આશ્રમમાં બાપુનો પડ્યો બોલ ઝિલાતો. કોઈ મીનમેખ નહીં. બાપુનું વાક્ય એટલે બ્રહ્મવાક્ય, બાપુનો આદેશ એટલે અફર અને આખરી. બાપુ જે કહે એ કરવા બધા સદૈવ તત્પર રહેતા. કોઈ દલીલ નહીં, કોઈ ચર્ચા નહીં. જોકે બાપુ આવું ઇચ્છતા નહીં, તે પોતાનો મત બીજા પર થોપવા ક્યારેય પ્રયત્ન ન કરતા. પણ તેમનો પ્રભાવ, વ્યક્તિત્વ એવાં હતાં કે કોઈ સામે પ્રશ્ન ન કરતું. આવી પરિસ્થિતિ કેટલાકને મજબૂરી લાગતી એટલે કહેવાતું કે ‘મજબૂરી કા નામ મહાત્મા ગાંધી.’

છેલ્લાં ૧૪ વર્ષોથી દર ડિસેમ્બરમાં મારે લગભગ એકાદ મહિનો બધાં જ કામો કોરાણે મૂકી ઘર-કુટુંબના બધા જ સારા-નરસા પ્રસંગોને અવગણી, બધી જ પ્રવૃત્તિઓને અલ્પવિરામ આપી સળંગ એક મહિનો ગુજરાતમાં વિતાવવો પડે છે. સતત ૧૪ વર્ષથી આ ક્રમ ચાલતો આવ્યો છે. એક વર્ષના મારા દીકરાને ‘તાયફોડ’માં મૂકીને જવું પડ્યું તો એક વર્ષ મેં કરાવેલા ઑપરેશન પછી ચોથા દિવસે રવાના થયો. આવા પ્રસંગે મિત્રો, વડીલો બધા મને ટપારે કે એવો તે તારો શું ગરાસ લૂંટાઈ જવાનો છે કે તું જાય છે? હું હસીને વાત ટાળવા કહું, ‘મારી મજબૂરી છે.’

હકીકતમાં એ મારું કર્તવ્ય, ફરજ રહી છે. ૧૪ વર્ષ પહેલાં મેં કરેલો ‘સંકલ્પ’ પાર પાડવાનું કર્તવ્ય. શાળાજીવનથી હું નાટકને જીવતો આવ્યો છું. ૬૦ વર્ષથી નાટક મારી રગેરગમાં ફરતું રહ્યું છે. રંગભૂમિ મારા કર્મ અને ધર્મનું ક્ષેત્ર રહ્યું છે. મારા અધિષ્ઠાતા એટલે રંગદેવતા! આ રંગભૂમિ થકી હું જીવતો રહ્યો છું, ઉન્નત મસ્તકે મને જિવાડ્યો છે. મને નામ આપ્યું, સન્માન આપ્યું, દામ આપ્યા અને સૌથી વિશેષ તો મને જીવવાનું બહાનું આપ્યું.

૧૪ વર્ષ પહેલાં એક શુભ પળે મને વિચાર આવ્યો કે રંગભૂમિએ જો મને આટલું બધું આપ્યું છે તો મેં એના બદલામાં રંગભૂમિને શું-શું આપ્યું? એવું તે હું શું કરું જેનાથી રંગભૂમિના કલાકારો, કસબીઓ, લેખકો, દિગ્દર્શકો અને છેવટે પ્રેક્ષકોનું હું કંઈક આપી શકું? મારી દ્વિધામાં ભવન્સ કલ્ચરલ સેન્ટરના પ્રશાસક લલિત શાહ જોડાયા. ફળશ્રુતિરૂપે ત્રિઅંકી (હવે દ્વિઅંકી) નાટ્યસ્પર્ધાનો જન્મ થયો.

ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવાનું સશક્ત સાધન-માધ્યમ ‘નાટક’ છે. ગુજરાતના ખૂણે-ખૂણે, ભારતભરમાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં-ત્યાં અનેક કલાકારો અને કસબીઓ રંગભૂમિની નાની-મોટી પ્રવૃત્તિઓ કરે છે અને તેમને કંઈક નવું-નોખું કરવાની ધગશ છે, ઉત્સાહ છે; પણ યોગ્ય પ્લૅટફૉર્મ નથી. અનેક અનુભવી કલાકારોને પણ પ્રોયોગિક ધોરણે કશુંક નવું-નોખું કરવાની તમન્ના છે, પણ એ લોકો પાસે પણ સાધન-સગવડ, પ્રેક્ષક-પૈસા નથી. આ સંજોગોને ધ્યાનમાં રાખી નવોદિત કલાકારોને પ્રોત્સાહન મળે અને અનુભવી કલાકારોને કંઈક નવું નોખું કરવાની તક મળે એવા આશયથી પ્રસ્તુત સ્પર્ધાનો આરંભ થયો.

પહેલે વર્ષે ભારતભરમાંથી ૯ એન્ટ્રીઓ આવેલી. ઉત્તરોઉત્તર એન્ટ્રીઓ વધતી ગઈ. ૨૦૧૬-૧૭માં કુલ્લે ૫૧ એન્ટ્રીઓ આવી હતી. સ્પર્ધાનું પ્રથમ ચરણ ગુજરાતનાં શહેરો અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર, નવસારી જેવાં શહેરોમાં યોજાય છે. આ વર્ષે કુલ ૪૮ એન્ટ્રીઓ આવી છે, જેમાંથી ૧૯ નાટકો પ્રથમ ચરણ માટે પસંદ થયાં અને એમાંથી ૭ નાટકો ભાવનગર ખાતે અને બાકીનાં ૧૨ નાટકો સુરત ખાતે રજૂ થયાં, જેમાંથી ૧૦ નાટકો ફાઇનલ માટે અંતિમ સ્પર્ધા માટે પસંદ થયાં છે જે તા. ૩ જાન્યુઆરી, ૨૦૨૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૦ સુધીમાં ભારતીય વિદ્યાભવન, ચોપાટી ખાતે રજૂ થશે.

મને સંતોષ થાય છે કે મેં આદરેલા યજ્ઞનું પરિણામ અદ્ભુત આવ્યું છે. આજે મુંબઈમાં ભજવાતાં વ્યાવસાયિક નાટકો માટે ટિકિટબારી ફળતી નથી. એકાદ-બે અપવાદ સિવાય કોઈ નાટકો ટિકિટબારી પર ભાગ્યે જ ચાલે છે. નાટકમાં નાટ્યત્વને બદલે હાસ્યત્વ અનિવાર્ય બન્યું છે ને વાર્તાને બદલે ટેક્નિક-આંજી નાખે એવા ભભકાને પ્રાધાન્ય મળી રહ્યું છે. નાટક ચલાવવા માટે પ્રોડ્યુસરે જાતજાતની તરકીબો અજમાવવી પડે છે ને એમાં કશું ખોટું નથી. જે હોય તે, મુંબઈમાં પ્રેક્ષકો ઓછા થયા છે એ હકીકત છે. નાટક સંસ્થાઓના ખભા પર ચાલે છે એ બીજી વરવી વાસ્તવિકતા છે. આવા સંજોગોમાં આ સ્પર્ધામાં ગુજરાતનાં નાનાં-નાનાં શહેરોમાં નાટક જોવા માટે અડધો કલાક પહેલાં લાઇન બનાવે, ૮૦૦-૧૦૦૦ સીટનું સભાગૃહ હાઉસફુલ થાય, જગ્યા ન હોય તો લોકો ઊભા રહીને, પગથિયાં પર બેસીને નાટક જુએ, માણે, યોગ્ય સ્થળે દાદ આપે, ન ગમે તો શાંતિથી, શિસ્તબદ્ધ રીતે સહન કરી લે આ દૃશ્ય મનને ભાવવિભોર કરી નાખે એ સ્વાભાવિક છે.

કોઇને દલીલ કરવાનું મન થાય કે ‘મફત’માં નાટક જોવા મળે તો હાઉસફુલ કેમ ન થાય? આ દલીલમાં કોઈ વજૂદ નથી. લોકોની મનોવૃત્તિનો મને બરાબર અંદાજ છે. મફતમાં મળતી વસ્તુઓમાં ગુણવત્તા નથી હોતી એવો લોકોમાં ભ્રમ હોય છે. જેટલું મોંઘું એટલું વધારે સારું એવી માન્યતા લોકોનાં મનમાં ઘર કરી ગઈ છે. શરૂઆતનાં બે વર્ષ અમને પણ પ્રેક્ષકો મેળવવામાં અગવડ પડેલી. પરંતુ સ્પર્ધાના ધોરણ અને લોકપ્રિયતાને લીધે પ્રેક્ષકો આકર્ષાયા. વિવિધ વિષયો અને અનોખી ભાતનાં નાટકો  પ્રેક્ષકોને સભાગૃહ સુધી લઈ આવવામાં સફળ બન્યાં.

પ્રસ્તુત સ્પર્ધામાં છેલ્લાં ૧૦ વર્ષથી દર વર્ષે લગભગ ૩૦૦થી ૬૦૦ કલાકાર કસબીઓ ભાગ લે છે, ૨૫થી ૩૦ હજાર પ્રેક્ષકો નાટક જુએ છે, દર વર્ષે ચારથી પાંચ નવા કલાકારો મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિને અને ટીવી સિરિયલ્સના પ્રોડ્યુસરને મળે છે. આ સ્પર્ધાને કારણે નવા-નવા લેખકો મળ્યા છે, દિગ્દર્શકો મળ્યા છે. જે અનુભવી કલાકારો પોતાના દાયરામાં કેદ હતા તેમને રંગભૂમિનું વિશાળ ફલક જાણતું થયું છે. દા.ત. વિરલ રાછ જામનગરના મટીને સમસ્ત રંગભૂમિના બની ગયા.

પ્રસ્તુત સ્પર્ધાનો ઇતિહાસ અને સિદ્ધિઓની યાદી લાંબી છે અને આત્મશ્લાઘાના ભયે અટકાવું છું. ફક્ત એટલું જ કહીશ કે અમારો પરસેવો રંગ લાવ્યો છે, મહેનત મહેકી ઊઠી છે, પ્રયત્નોનું ધાર્યું પરિણામ આવ્યું છે. રંગભૂમિનું ઋણ ચૂકવવાના મારા મુઠીભર પ્રયાસનું પરિણામ થાળ ભરીને આવ્યું એનો આનંદ છે. વ્યાવસાયિક નાટકો લખવાં એ મારી જરૂરિયાત છે, જીવનનિર્વાહનું સાધન છે. બાકી રંગદેવતા મારા આરાધ્ય દેવ છે. મેં ઘણી જગ્યાએ કહ્યું છે, લખ્યું છે કે મારે મન નાટક કૃષ્ણ છે, લેખક દેવકી છે જે નાટકને જન્મ આપે છે, દિગ્દર્શક યશોદા છે જે નાટકનું જતન કરે છે, ઉછેરે છે. રંગમંચ ગોકુળ છે, કલાકાર કસબીઓ ગોવાળિયાઓ છે અને પ્રેક્ષકો ગોકુ‍ળવાસી છે.

એક બીજી મહત્વની વાત. એકાંકી નાટ્યસ્પર્ધા મુંબઈ સહિત ભારતભરમાં ઠેર-ઠેર થાય છે. કેટલાંક રાજ્ય સરકારી કે મહાપાલિકા ત્રિઅંકી નાટકો-ફુલ લેન્ગ્થ પ્લેની સ્પર્ધાનું આયોજન કરે છે. સુરતની મહાપાલિકા છેલ્લાં ૪૦થી વધુ વર્ષોથી આ આયોજન કરતી આવી છે, પરંતુ કોઈ જાહેર સંસ્થાએ વ્યાપક ફલક પર ૧૪ વર્ષ સતત આયોજન કર્યું હોય એવો આ પહેલો દાખલો છે. એ રીતે પણ ભવન્સ કલ્ચરલ સેન્ટર આયોજિત ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા રંગભૂમિના ઇતિહાસનું ઊજ‍ળું પાનું બની રહેશે.

સતત ૧૪ વર્ષથી ચાલતા અમારા આ રંગયજ્ઞની નોંધ બહુ ઓછી લેવાઈ છે એનું અમને દુ:ખ એટલા માટે નથી કે સારા કામની સરાહના ન કરવી એ આપણી રાષ્ટ્રીય આદત અને માનસિક વૃત્તિ છે. આપણે હોળી પ્રગટાવીએ છીએ પણ પ્રહલાદની પૂજા કરતા નથી. રાવણનાં પૂતળાં બાળીએ છીએ, પણ જટાયુની આરતી ઉતારતા નથી. વિચાર કરો, ઘરમાં એક નાનકડો પ્રસંગ હોય તો કેટલી દોડધામ કરવી પડે છે? તો...

ગુજરાતનાં જુદાં-જુદાં શહેરોમાં ૨૦-૨૨ નાટકોનું આયોજન કરવું, થિયેટર બુક કરાવવાં, જાહેરાત કરવી, ટિકિટો-આમંત્રણપત્રિકાઓ છાપવી, એનું વિતરણ કરવું, સ્પર્ધકોને તારીખો ફાળવવી, તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરવી, સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે આયોજનની રૂપરેખા ઘડવી, સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવું, નાટકોની ભજવણી માટે સેટ, લાઇટ, પ્રૉપર્ટીની યોગ્ય વ્યવસ્થા થઈ છે કે નહીં એનું ધ્યાન રાખવું, આ બધું કેટલું ભગીરથ કામ હશે? કેટલાે સમય માગી લે? જો આ સ્પર્ધા કોઈ પ્રાઇવેટ કંપની કે સરકાર કરતી હોય તો કેટલા માણસો કામે લગાડે? પ્રિય વાચકો, છેલ્લાં ૧૪ વર્ષથી આ જવાબદારી પાંચ જ વ્યક્તિઓએ નિભાવી છે (૧) પ્રવીણ સોલંકી, (૨) લલિત શાહ, (૩) કમલેશ દરૂ, (૪) રમાકાંત ભગત, (૫) જિજ્ઞેશ મકવાણા.

આ શક્ય બન્યું એનું કારણ રંગભૂમિ પ્રેમીજનોનો સહકાર, જે-તે શહેરની સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરોનો સથવારો, દાતા વ્યક્તિ અને કંપનીઓની આર્થિક મદદ, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીની ઉદારતા અને પહેલા વર્ષથી જ ચિત્રલેખા સાપ્તાહિકના માલિકો-સંચાલકોનું પડખું અને હૂંફ અમારો આધાર બની રહ્યાં.

અને છેલ્લે...

દર વર્ષે ૨૦-૨૨ દિવસ કામધંધો, ઘરબાર, કુટુંબ છોડીને ઘરથી દૂર રહેવાની મારી ‘મજબૂરી’નું કારણ હવે આપને સમજાઈ ગયું હશે. મજબૂરી કા નામ મહાત્મા ગાંધી નહીં, પ્રવીણ હતું. હાથે કરીને વહોરી લીધેલી રંગીત પીડા. એક વાર ગોરખનાથ કબીરસાહેબના ઘરે ગયા. ગોરખનાથે કહ્યું, ‘ચાલો, આપણે ગંગાસ્નાન કરવા જઈએ.’ ગંગાતટે પહોંચ્યા પછી બોલ્યા કે પહેલાં હું ગંગામાં કૂદકો મારું છું, થોડી પળ પછી તમે કૂદકો મારી મને શોધી કાઢશો? કબીરજીએ કહ્યું, ‘અવશ્ય.’ ગોરખનાથે કૂદકો માર્યો. થોડીક ક્ષણો બાદ કબીરજીએ કૂદકો માર્યો અને હાથમાં એક દેડકો પકડી બહાર આવી બોલ્યા, ‘ગોરખનાથ, મૂળ સ્વરૂપમાં આવો.’ ગોરખનાથ શરમાયા. હવે કબીરજીએ કહ્યું કે હું ડૂબકી મારું છું, તમે શોધી કાઢો. કબીરજીએ ડૂબકી માર્યા પછી ગોરખનાથે ગંગામાં કબીરને ખૂબ શોધ્યા, ક્યાંય મળ્યા નહીં. નિરાશ થઈ હાથ જોડી તટ પરથી બોલ્યા, ‘કબીર, હું મુંઝાયો છું, તમે બહાર આવો.’ કબીરસાહેબ હસતાં-હસતાં બહાર આવ્યા. ગોરખનાથે પૂછ્યું કે તમે પાણીમાં શું થઈ ગયા હતા? કબીરજીએ કહ્યું કે હું પાણીમાં પાણી થઈને ભળી ગયો હતો.

હું પણ નાટકમાં નાટક થઈને ભ‍ળી ગયો છું.

સમાપન

એક અજીબ સા રિશ્તા હૈ મેરે ઔર ખ્વાહિશ કે બીચ

વો મુઝે જીને નહીં દેતી ઔર મૈં ઉન્હે મરને નહીં દેતા

અરમાનો અને મારા વચ્ચે એક અજબનો સંબંધ છે. એ મને જીવવા નથી દેતાં અને હું એને મરવા નથી દેતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK