ગરવ કિયો સોઇ નર હાર્યો રે...

Published: 12th January, 2021 17:01 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

દેશના ટોચના ઉદ્યોગપતિ રતન તાતાના ચારિત્રની એક એવી લાક્ષણિકતા છતી થઈ છે જેને કારણે દેશભરમાં આ સહૃદયી અને સરળ ઉદ્યોગપતિ દેશભરના લોકોના હૃદયમાં ઘણે ઊંચે સ્થાને બિરાજી ગયા છે. બીજી તરફ અમિતાભ બચ્ચનની એક સોશ્યલ મીડિયા કમેન્ટે અનેક ચાહકોની લાગણી દુભાવી

છેલ્લા થોડા દિવસમાં બે સમાચારોએ ખાસ ધ્યાન ખેંચ્યું. મુંબઈની બે દિગ્ગજ પર્સનાલિટીઝ વિશેના સમાચાર છે. બન્ને છે તો જુદા-જુદા ક્ષેત્રની પણ પોતાના ક્ષેત્રમાં અવ્વલ દરજ્જાની હોઈને મીડિયામાં અવારનવાર ચમકતી રહે છે. એક છે દેશના અગ્રણી ઉદ્યોગપતિ, જેમનું ઉદ્યોગગૃહ જનતાની સેવા અને સમાજોપયોગી પ્રવૃત્તિ માટે સુવિખ્યાત છે. દેશ અને દુનિયામાં ઉચ્ચ નામ અને પ્રતિષ્ઠા ધરાવતા એ ઉદ્યોગપતિ એટલે તાતા જૂથના અધ્યક્ષ (ચૅરમૅન ઇમેરિટસ) રતન તાતા. પોતાની સાદગી તેમ જ સૌજન્ય માટે ભારતીયોના દિલમાં વસેલા છે. બીજી પ્રતિભા એટલે પ્રચંડ લોકપ્રિયતા અને ફૅન ફૉલોઇંગ ધરાવતા બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન.. જોગાનુજોગ તાજેતરમાં આ બન્ને વિશેના જે સમાચારો તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે એ ખાસ્સા વિરોધાભાસી છે.

થોડા દિવસ અગાઉ અમિતાભ બચ્ચને એક ટ્વીટ કર્યું હતું કે ‘અકસર વહી લોગ હમ પર ઉંગલી ઉઠાતે હૈ જિનકી હમેં છૂને કી ઔકાત નહીં હોતી.’ એ ટ્વીટ કઈ ચોક્કસ ઘટના કે કમેન્ટ સંદર્ભે હતું એની જાણ નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી બૉલીવુડમાં ચાલતા ડ્રગ્સ મામલે અને સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુ વિશે તેઓ જે સજ્જડ ચુપ્પી સાધીને બેઠા છે એને કારણે તેમના ચાહકો પણ નારાજ છે. રાજ્યસભામાં ડ્રગ્સ મામલે યોગ્ય પગલાં લેવાની હિમાયત કરનાર સંસદસભ્ય પર જયા બચ્ચન ઊકળી ઊઠ્યાં અને વરિષ્ઠોની સભા (રાજ્યસભા)માં તોછડાઈભર્યું વર્તન કરી બેઠાં હતાં. આ બધાને લઈને ધૂંધવાયેલા લોકો અમિતાભ બચ્ચનની ચુપ્પી વિશે સવાલ ઉઠાવતા રહેતા હતા. એમાં વળી કેબીસીમાં લોકોની ધાર્મિક લાગણી દુભાય એવો સવાલ પૂછવા માટે તેમની સામે અદાલતમાં કોઈએ ફરિયાદ નોંધાવી છે. આ બધાને કારણે ગિન્નાયેલા બિગ બીએ પેલા ટ્વીટ દ્વારા પોતાનો આક્રોશ જાહેરમાં ઠાલવ્યો છે. પરંતુ તેમની આ ઔકાતવાળી કમેન્ટે લોકોને ખૂબ નારાજ કર્યા છે. દાયકાઓથી પોતે જેને મહાનાયકની જેમ પૂજ્યો છે અને દિલ ફાડીને ચાહ્યો છે એ અમિતાભ બચ્ચન પાસેથી આવી અહંકારી અને સામાન્ય લોકો પ્રત્યે ધિક્કારથી ભરેલી ભાષા અને કમેન્ટ વાંચી લોકો ખૂબ દુખી થયા અને ટ્વિટર પર લોકોની નારજગી ઠલવાવા લાગી. જેમણે ફૂલ વરસાવ્યાં હતાં તેમણે બરછી જેવાં અણિયાળાં વેણ વાપર્યાં. કોઈને લાગ્યું કે તેમની ડાગળી ચસકી ગઈ છે તો કોઈએ લખ્યું કે તમારી ફિલ્મોની ટિકિટ લેવા જેટલી અમારી ઔકાતથી જ તમે આવડા મોટા સ્ટાર બન્યા છો એ ભૂલતા નહીં. તો કોઈએ વળી તેમની ફિલ્મો અને શોઝ બૉયકૉટ કરવાની હાકલ પણ કરી. આખરે અમિતાભ બચ્ચને એ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું.

આ ઘટના પરત્વે સામાન્ય માનવીએ ભલે આવી તીવ્ર પ્રતિક્રિયા ન આપી હોય પણ અમિતાભ બચ્ચનના આ પગલાથી આપણા સૌના દિલમાં તેમની જે છબી હતી એના પર ઘસરકો તો જરૂર પહોંચ્યો છે. કેબીસીના અનેક એપિસોડ્સમાં તેમની વિનમ્રતા અને સૌજન્ય જોઈને તેમના માટે એક મૂક આદર હંમેશાં અનુભવ્યો છે. તેમની બૌદ્ધિક અને સંસ્કારી પ્રતિભાએ હંમેશાં તેમને બીજાઓ કરતાં અનોખા અને ઊંચેરા કંડાર્યા  છે. પરંતુ તેમની અહંકારભરી કમેન્ટ વાંચતાં પેલા આદર અને સ્નેહમાં ઓટ આવી ગઈ છે.

આની વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી બીજી ક્લિપમાં દેશના ટોચના ઉદ્યોગપતિ રતન તાતાના ચારિત્રની એક એવી લાક્ષણિકતા છતી થઈ છે જેને કારણે દેશભરમાં આ સહૃદયી અને સરળ ઉદ્યોગપતિ દેશભરના લોકોના હૃદયમાં ઘણે ઊંચે સ્થાને બિરાજી ગયા છે. પોતાની કંપનીના એક ભૂતપૂર્વ કર્મચારીની તબિયત બે વર્ષથી નાદુરસ્ત હતી. રતન તાતા તેને મળવા મુંબઈથી પુના તેના ઘરે પહોંચી ગયા. ન કોઈ ગામગજેરો કે ન કોઈ સિક્યૉરિટી ગાર્ડ્સનો કાફલો. એ કર્મચારીના પરિવારને આત્મીયતાપૂર્વક મળતા અને તેમની સાથે ચા-નાસ્તો કરતા રતન તાતાની તસવીરો જોનારના મનમાં તેમના માટેનો આદર ચોક્કસ અનેકગણો વધી ગયો હશે. આટલું મોટું ઔદ્યોગિક સામ્રાજ્ય, આવડી મોટી ઓળખ છતાં તેમનાં વાણી ને વ્યવહાર કેટલાં સરળ! કેટલાં નૉર્મલ! નાદુરસ્ત કર્મચારીની ખબર પૂછવા પહોંચી જવાનું જેસ્ચર કેટલું સહૃદયી! અને હા, તે પોતે તો ક્યાંય ટ્વીટ કરવા નહોતા ગયા કે ન કોઈ સોશ્યલ મીડિયા પર તેમણે પોતાની તસવીરો શૅર કરી હતી. એ તો પેલા ગદ્ગદ થયેલા પરિવારે પોતાનું સૌભાગ્ય સોશ્યલ મીડિયા પર શૅર કર્યું ત્યારે આપણને રતન તાતાના આ સુજનતાભર્યા વ્યવહાર વિશે ખબર પડી.

નવા વર્ષના આરંભે રતન તાતાના આ સહાનુભૂતિપૂર્ણ પગલાના સમાચાર વાંચતાં ખૂબ જ સુખ ઊપજ્યું. તો  હંમેશાં શિસ્ત અને સજ્જનતાથી વર્તતા અમિતાભ બચ્ચનની ભાષામાં છલકાતો ઘમંડ અને એના પગલે તેમના ચાહકોમાં વ્યાપેલી નારાજી જોઈને આ પંક્તિ યાદ આવી ગઈ :

 ગરવ કિયો સોઇ નર હાર્યો રે...

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK