જો તકલીફો ન ભોગવવી હોય ને પડતી તકલીફો દૂર કરવી હોય તો વોટ આપો

રશ્મિન શાહ | Apr 25, 2019, 12:27 IST

જો તકલીફો ન ભોગવવી હોય તો પણ વોટ આપો અને જો તકલીફો પડતી હોય અને એ દૂર કરવી હોય તો પણ વોટ આપો. વોટ જરૂરી છે, વોટ અનિવાર્ય છે.

જો તકલીફો ન ભોગવવી હોય ને પડતી તકલીફો દૂર કરવી હોય તો વોટ આપો
ચેતેશ્વર પુજારા

મતદાનનો આપણને અધિકાર મળ્યો છે એ ખરેખર ખૂબ મહત્વનો છે. આપણે આપણા આ અધિકારથી દેશનું જ નહીં, આપણું પોતાનું પણ ભવિષ્ય નક્કી કરી શકીએ છીએ. લોકશાહીમાં મતદાન ખૂબ મહત્વનું છે. હું કહીશ કે લોકશાહીને સલામત રાખવા માટે પણ મતદાન કરવું જોઈએ. મતદાન વિશે વાતો બધા બહુ કરે છે, પણ મને કહેવામાં સંકોચ થાય છે કે હકીકત એ છે કે વોટ આપવાની બાબતમાં આપણે નીરસ છીએ. આપણે આપણો આ ઍટિટ્યુડ ચેન્જ કરવો પડશે. યંગસ્ટર્સ એ ભારતનું ભવિષ્ય છે. તેમણે તો આ બાબતને અવગણવી ન જ જોઈએ એવું હું દૃઢતા સાથે કહીશ. વોટિંગ એક એવી પ્રક્રિયા છે જેની અવગણના દેખાડે છે કે તમને દેશના વિકાસમાં કે પછી દેશના ઘડતરમાં રસ નથી. આવો અભિગમ ખોટો છે.

હું સાચું કહીશ કે એક સમય હતો કે મેં પણ વોટ આપવાની આ પ્રક્રિયામાં ભાગ નહોતો લીધો. મને એની સામે કોઈ પ્રૉબ્લેમ હતો એવું બિલુકલ નહોતું, પણ મોટા ભાગના સમયે જ્યારે ઇલેક્શન હોય ત્યારે કાં તો હું રાજકોટની અને કાં તો દેશની બહાર હોઉં એટલે વોટ આપવાનું રહી જતું હતું, પણ જ્યારથી મને મતદાન જાગૃતિ અભિયાનનો બ્રૅન્ડ ઍમ્બેસેડર બનાવવામાં આવ્યો છે ત્યારથી મેં એ વાતની ચીવટ રાખી છે કે હું કોઈ પણ હિસાબે વોટિંગ કરું. ઇલેક્શન કમિશને આ પ્રકારનું વોટર્સમાં જાગૃતિ લાવવા માટે કૅમ્પેન કરવું પડે એ પણ મને જરા શરમજનક લાગે છે. જો આપણે વોટ આપવામાં ક્યાંય પાછા ન પડતા હોત કે ઓછા ન ઊતરતાં હોત તો ઇલેક્શન કમિશનને પણ એ બાબતમાં રાહત હોત, પણ એવું નથી થયું અને એટલે આજે, આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ આપણે લોકોને મતદાન માટે જાગૃત કરવા અભિયાન ચલાવવું પડે છે.

આ પણ વાંચો : લોકસભા 2019: ગુજરાત દિગ્ગજોએ નિભાવી પોતાની ફરજ, જુઓ તસવીરો

લોકશાહીને જાગૃત રાખવા અને લોકશાહીને હેલ્ધી રાખવા માટે વોટિંગ કરવું જ જોઈએ. આપણે ત્યાં હવે યંગ વોટર્સનું પ્રમાણ ખૂબ મોટું છે ત્યારે યુવાનો પણ વોટ આપવાની બાબતમાં જાગૃત થશે તો એનો લાભ દેશને અને એ પછી તેમને પોતાને પણ થશે. પાંચ વર્ષો માંડ બેથી ત્રણ વાર વોટ આપવા જવાનું હોય છે એટલે એમાં આળસ કરવાને બદલે વોટ કરવાનું કમ્પલ્સરી છે એવું ધારીને પણ મતદાન કરવા માટે જવું જોઈએ. મતદાન એ અરાજકતા સામેની દીવાલ છે. આ દીવાલને જેટલી મજબૂત રાખીશું એટલી જ અરાજકતા સમાજથી દૂર રહેશે. જે યોગ્ય લાગે એને વોટ આપો. અયોગ્ય વ્યક્તિને ચાન્સ ન મળે એ માટે પણ આ કરવું જરૂરી છે. જો તકલીફો ન ભોગવવી હોય તો પણ વોટ આપો અને જો તકલીફો પડતી હોય અને એ દૂર કરવી હોય તો પણ વોટ આપો. વોટ જરૂરી છે, વોટ અનિવાર્ય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK