Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બનો પરિવારના વિઘ્નહર્તા

બનો પરિવારના વિઘ્નહર્તા

31 August, 2019 12:39 PM IST | મુંબઈ ડેસ્ક
રશ્મિન શાહ

બનો પરિવારના વિઘ્નહર્તા

ગણપતિના વિવિધરૂપ

ગણપતિના વિવિધરૂપ


ગણેશનું સ્વરૂપ માત્ર બાહ્ય રૂપ નથી દર્શાવી રહ્યું પણ એ સ્વરૂપમાંથી અનેક વાત શીખવા જેવી છે. ખાસ તો પરિવારના મોભીએ. જો મોભી ગણેશના સ્વરૂપ પાસેથી આટલી વાતો શીખી લેશે, જાણી લેશે તો પરિવાર પર ક્યારેય કોઈ વિઘ્ન નહીં આવે એ હકીકત છે. પણ આ હકીકત સાંપડશે ત્યારે જ્યારે તમે વિઘ્નહર્તાના સિમ્બૉલિક સ્વરૂપને નજીકથી સમજી અને ઓળખી લેશો

સૂંપડા જેવા કાન
ગણપતિના મહાકાય કાન સૂચવે છે કે કાન ખુલ્લા રાખો, પરિવારમાં ચાલતા રહેતા મતભેદ અને મનદુઃખને કાન સુધી પહોંચવા દો. જો એ તમારા સુધી પહોંચશે નહીં તો સ્વાભાવિક રીતે તમે એનું નિરાકરણ વિચારી નથી શકવાના કે એ દિશામાં કોઈ હકારાત્મક કાર્ય કરી નથી શકવાના. જો તમે ઇચ્છતા હો કે પરિવાર એક થઈને રહે, પરિવાર એક છત નીચે સાથે રહે તો તમારે કાન ખુલ્લા રાખવા પડશે અને ન ગમતી વાતોને કે પછી ન ગમતી વ્યક્તિની વાતોને પણ કાન આપવા પડશે. ન ગમતી વાતો તમારા માટે ન ગમતી છે, પણ એ કોઈના માટે સત્યાર્થ છે એટલે જરૂરી એ છે કે કાન ખુલ્લા રાખો અને કાનમાં એ બધી વાતો આવવા દો જેનું નિરાકરણ તમારા સિવાય કોઈ લાવી નથી શકવાનું.



લાંબું નાક
સૂંઘો સંજોગોને. સૂંઘો પરિસ્થિતિને. ઘરમાં આવ્યા પછી તમારી હાજરીના કારણે જો વાતાવરણને બદલી નાખવામાં આવતું હોય, શાંતિનું સર્જન કરી દેવામાં આવતું હોય તો એ શાંતિ ક્ષણભંગુર ગણાશે. બહેતર છે કે તમને પરિસ્થિતિનો અણસાર હોય. ઘર પર આવનારા સંકટને પણ સૂંઘવાની ક્ષમતા તમારામાં હોવી જોઈશે અને ઘરની એકતાને તોડી નાખનારા સંકટને પારખવાની પણ ક્ષમતા તમારામાં હોવી જોઈશે. એ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે એ સંજોગોને, એ પરિસ્થિતિને પારખી શકશો, સૂંઘી શકશો. પરિસ્થિિતનો ક્યાસ મેળવવા માટે લાંબું નાક જરૂરી છે. પરિવારની એકતા માટે આ ગુણ કેળવશો તો પરિવાર એક રહેશે, એની એકતા અકબંધ રહેશે.


મહાકાય પેટ
એકેક વાતને એકેક માહિતીને એમાં મોભીએ સમાવી લેવાની હોય છે. નાના દીકરાની આડાઈ અને મોટા દીકરાની વહુની અકોણાઈ તમારા સુધી પહોંચશે પણ એ પહોંચે એટલે એનો સીધો ઉપયોગ નથી કરવાનો. એ વાતને પેટમાં ધરબી દેવાની છે. વાતને પોતાના સુધી સીમિત રાખવાની ક્ષમતા મોભીમાં હોવી જોઈએ અન્યથા એવી પરિસ્થિતિ સર્જાઈ જાય કે વિવાદ વિખવાદ વચ્ચે ફેરવાઈ જાય અને એકતા આંખો સામે જ પડી ભાંગે. આવનારી ફરિયાદને પણ જાતમાં સમાવવાની છે અને એકબીજા સામે થઈ રહેલી આડોડાઈને પણ પેટમાં ઉતારી દેવાની છે. ગુસ્સો આવે તો એને પણ હસતા મોઢે પેટમાં ધરબી દેવાનો છે અને સંતાનોનાં અપલક્ષણને પણ પેટમાં દબાવીને રાખવાનાં છે. સૌકોઈને એક રાખવા હોય તો એની પાયાની શરત છે, કઈ વાત કહેવી અને કઈ વાત કેટલા ટકા દબાવી દેવી. વાત દબાવી દવાનું કામ એ જ કરી શકે જે મહાકાય પેટ ધરાવતું હોય.

ઝીણી આંખ
એક વખત પ્રયાસ કરી જોજો, દૂરનું જોવું હોય તો આંખો ચૂંચી કરવી પડે છે, ઝીણી કરવી પડે છે. દીર્ઘદૃષ્ટિ. જો પરિવારના હિતને જોતા હો તો તમારે દીર્ઘદૃષ્ટિ કેળવવી પડશે અને એની માટે આંખો ઝીણી રાખવી પડશે. દૂર સુધી જોવું પડશે અને આવનારા ભવિષ્ય પર ત્રાટકનારી તકલીફો, મુશ્કેલીઓને પહેલેથી જ નાથવી પડશે પણ એ નાથવા માટે, આવી રહેલા ભવિષ્યને આજે જોવું પડશે, અત્યારે જોવું પડશે. જો પરિવારના વિઘ્નહર્તા બનવું હોય તો ઝીણી આંખો જોઈશે. એવી ઝીણી આંખો જે ગણપતિની છે. દૂરનું પાસે દેખાડી દે, દૂરનું આજે દેખાડી દે.


એકદંત
વિઘ્નહર્તાનો એક દાંત આખો છે અને એક દાંત તૂટેલો છે. એ બન્ને પણ સૂચક છે. સ્વામી સચ્ચિદાનંદ કહે છે, ‘હથિયાર ઉપાડવાની ક્ષમતા પણ હોય અને પોતાની વ્યક્તિ માટે શસ્ત્ર તોડવાની પણ તૈયારી હોવી જોઈએ.’
જીવન માત્ર યુદ્ધ નથી, વિરામનું નામ પણ જીવન છે. સત્ય માટે માટે લડવાનું છે તો જીવન માટે રક્ષણ કરવાની પણ પૂરતી તૈયારી હોવી જોઈશે. શસ્ત્ર ઉપાડવાની ક્ષમતા નહીં હોય તો પણ નહીં ચાલે અને શસ્ત્ર ઉપાડી લીધા પછી જો યુદ્ધ મગજ પર સવાર રહેશે તો પણ નહીં ચાલે. સમય સાથે નિર્ણય લેવાની ક્ષમતા જોઈશે, પણ સમયાનુસાર નિર્ણયમાં ફેરફાર કરવાની તૈયારી પણ હોવી જોઈશે.

વાહન પણ છે સૂચક
વિઘ્નહર્તાનું વાહન ઉંદર છે. પોતે મહાકાય અને એમનું વાહન સાવ ચિંટુકડું. આવું તે કંઈ હોતું હશે?
હોય, જો તમારો ભાર કોઈને ન લાગવા દીધો હોય તો મહાકાય હોવા છતાં પણ તમે ચિંટુકડા ઉંદર પર પણ સવારી કરી શકો છો. સંબંધોમાં પણ એવું જ હોવું જોઈએ. તમારી હાજરીનો ભાર ન વર્તાવો જોઈએ. જે સમયે હાજરીનો ભાર વર્તાવા માંડે એ સમયે સંબંધોની ઉષ્માનું બાષ્પીભવન શરૂ થઈ જતું હોય છે. પોતાની હાજરીનો ભાર નથી, મહાકાય છે છતાં પણ પોતાનો ભાર કોઈના પર થોપી દેવામાં આવતો નથી અને એટલે જ વિઘ્નહર્તા મુઠ્ઠીમાં આવી જાય એવા ઉંદર પર સવારી કરી શકે છે. ભાર નહીં, જરા પણ નહીં. તમારી હાજરી પ્રભાવી હોવી જોઈએ. વજન શબ્દોમાં હોવું જોઈએ, હાજરીમાં નહીં. વજન પ્રભાવમાં હોવું જોઈએ, વાણીમાં નહીં. વજન અહંકારનું હોય અને અહંકાર પોતાના પાસે ક્યારેય હોય નહીં. જો અહંકાર છોડી શકશો તો પરિવારના મોભા હોવાનો ગર્વ આખો પરિવાર લેશે અને એ પણ ખુશી-ખુશી.

આ પણ વાંચો : 90s નોસ્ટાલજિયાઃ યાદ છે તમને એ સમયની આ સીરિયલ અને તેમના પાત્રો?

પ્રસાદ પણ સૂચવે છે ખાસ વાત
લાડુ વિઘ્નહર્તાને ખૂબ પ્રિય છે અને સૌથી મજાની વાત એ છે કે કદાચ હિન્દુ સંસ્કૃતિના એકમાત્ર ભગવાન ગણપતિ છે જેમની મૂર્તિ કે ફોટોગ્રાફમાં પ્રસાદ પણ સાથે દર્શાવવામાં આવે છે. વિઘ્નહર્તાનો આ પ્રસાદ પણ મોભીને સૂચન કરી રહ્યો છે. લાડુ દર્શાવે છે કે જીવનમાં એવા કડવા ન બનો કે તમારી પાસે આવવાનું લોકો ટાળે, ફરિયાદ કરવા આવવી હોય તો પણ તમારી કડવી વાણીથી લોકો અંતર રાખે. ના, જરાય નહીં. મીઠાશ હોવી જોઈશે તમારામાં. ખીજ ઉતારવી હશે તો પણ મીઠાશ જોઈશે, ઠપકો આપવો હશે તો પણ મીઠાશ હોવી જોઈશે અને ગુસ્સો કરી લીધા પછી પણ સંબંધોને અકબંધ રાખવા માટે એમાં મીઠાશ ઉમેરવી પડશે.

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2019 12:39 PM IST | મુંબઈ ડેસ્ક | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK