કૉલમઃદરરોજ અકળામણ કાઢશો તો એનું મૂલ્ય પણ ઘટી જશે

સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ | મુંબઈ | May 17, 2019, 13:08 IST

હા, અકળામણ કાઢવાનો હક ત્યારે જ છે જ્યારે એ અકળામણના અકાઉન્ટમાં પ્રેમનું ઇન્વેસ્ટમેન્ટ પણ થતું હોય. જો એ કરવાનું ભૂલી જશો અને એકધારી અકળામણ કાઢ્યા કરશો તો બનશે એવું કે તમારી અકળામણની પણ કોઈ અસર નહીં રહે, એનું મૂલ્ય ઘટી જશે

કૉલમઃદરરોજ અકળામણ કાઢશો તો એનું મૂલ્ય પણ ઘટી જશે

બહુ સરળ હિસાબ છે આ અને આ સરળ હિસાબ આપણે સમજી નથી શકતા. જો તમે એકધારી અને નૉનસ્ટોપ અકળામણ કાઢ્યા કરશો, રોજેરોજ અકળામણ કાઢશો તો તમારી અકળામણનું મૂલ્ય ઘટી જશે. ભાગ્યે જ જોવા મળતી અકળામણની સામે આ દરરોજ અને નિયમિત આવી રહેલી અકળામણની કોઈ અસર જોવા નહીં મળે અને એટલે જ જો, તમે ઇચ્છતા હો કે તમારી નારાજગી, તમારો ગુસ્સો કે પછી તમારી અકળામણ અકબંધ રહે અને એની તીવ્રતા પણ ધારદાર રહે તો તમારે એટલું જ કરવાનું છે, એની માત્રા ઘટાડી દેવાની છે અને એની નિયમિતતાને અટકાવી દેવાની છે. અનિયમિત કે પછી પ્રમાણમાં ક્યારેક કહેવાય એવી અકળામણ હંમેશાં વધારે દુ:ખદાયી હોય છે.

વાતે-વાતે અકળાઈ રહેલા કે વાતે-વાતે ગુસ્સે થનારા પપ્પાના ગુસ્સાની પણ તીવ્રતા રહેતી નથી અને દરેક વાતે તોબરો ચડાવીને બેસી જતી ગર્લફ્રેન્ડની નારાજગી પણ વધારે પીડાદાયી નથી રહેતી. અતિરેકની ક્યારેય અસર રહેતી નથી, અતિરેક ક્યારેય કોઈ અસર છોડતું નથી. લાગણીઓનું પણ એવું જ છે. જો એમાં પણ અતિરેક કરી નાખશો તો એ એની અસર છોડવાનું બંધ કરી દેશે. પ્રેમનું પણ એવું જ અને ગુસ્સા કે અકળામણનું પણ એવું જ છે. સંવેદનાના આ વિfવને સમજવું હશે તો એના માટે સામાન્ય બુદ્ધિ વાપરવી પડશે અને જો એ વાપરવાનું કામ નહીં કરો તો તમારી અકળામણ એકધારી અને કોઈ જાતની અસર છોડ્યા વિનાની બની જશે. ઓશોએ બહુ સરસ વાત કહી છે. જો જાત બદલશો તો સમય અને સંવેદના આપોઆપ બદલાશે. જો ગુસ્સો વ્યક્ત કરવાની રીત બદલશો તો ગુસ્સાને સમજવાની કળા પણ આપોઆપ સુધરી જશે. ઓશોએ જ કહ્યું છે, જ્યારે ગંદકીની માત્રા વધારે હોય ત્યારે સફાઈની ક્ષમતા પણ વધારે હોવી જોઈએ. જો એ બન્ને વચ્ચેનો તાલમેલ નહીં હોય તો કોઈ હિસાબે સફાઈની મહેનત દેખાશે નહીં.

વાત સમજવા જેવી છે. જો કોઈના પર ગુસ્સો કે અકળામણ કાઢવાં હોય ત્યારે જોવાનું એ છે કે એ સંબંધોમાં તમારી સંવેદનાનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે. લાગણી અને પ્રેમ જો ઇન્વેસ્ટ કરવામાં નહીં આવ્યા હોય તો તમારા ગુસ્સા કે અકળામણની કોઈ અસર થવાની નથી. જો પ્રેમ આપવામાં નહીં આવ્યો હોય તો તમે જે ખીજ કાઢી રહ્યા છો એ ખીજ પણ કોઈ અસર ઊભી કરી શકવાની નથી અને જો લાગણી સાથે વ્યવહાર રાખવામાં નહીં આવ્યો હોય તો એવું પણ બની શકે કે, તમારી અકળામણ સાથે વધારે આકરું ચીડિયાપણું રિટર્ન સ્વરૂપે મળે. કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ કે જો પ્રેમ આપો તો જ ખીજ ઉતારવાની પણ આઝાદી મળતી હોય છે અને જો ખીજ ઉતારવાની આઝાદી જોઈતી હોય તો એ આઝાદી સુધી સંબંધો પહોંચે એ સ્તરનો પ્રેમ પણ તમારે આપવો પડશે. વાત ઘરની હોય કે વ્યવહારોની, લાગણીના સંબંધોની હોય કે પછી લોહીના સંબંધોની. આ બહુ સરળ અને સીધો હિસાબ છે. જ્યારે પણ આ હિસાબને ધ્યાનમાં રાખવામાં નથી આવ્યો ત્યારે કોઈ તોપગોળાઓ ફૂટuા નથી, પણ હા, એ સમયે અકળામણ કે નારાજગી કે ગુસ્સાની કોઈ અસર પણ થઈ નથી. જુઓ તમે ધ્યાનથી, અનેક જગ્યાએ તમને એવું દેખાઈ આવશે કે નાક પોતે શરમાઈને સંતાઈ જાય એ સ્તર પર માબાપ સંતાનો પર ચિલ્લમચિલ્લી કરી લેતાં હોય છે અને એ પછી પણ બાળકોને કોઈ અસર નથી થતી. નીંભર કે પછી મીંઢાં બનીને એ પોતાનું ધાર્યું કર્યા જ કરે છે. આ મીંઢાઈનું કારણ શું, આ નીંભરતા આવી ક્યાંથી?
આ આવી છે ઇમોશનલ અકાઉન્ટમાં નહીં ભરપાઈ કરવામાં આવતી લાગણીઓના કારણે. આ નીંભરતા આવી છે, ઇમોશનલ અકાઉન્ટમાં નહીં જમા કરાવવામાં આવેલા પ્રેમના કારણે. જો તમારે વઢ આપવી હોય તો તમારે એ વઢ પહેલાં સંવેદના પણ આપવી પડશે. જો તમારે ખીજ કાઢવી હોય તો તમારે એ ખીજ કાઢતાં પહેલાં એ સંબંધોમાં લાગણીઓનું વાવેતર કરવું પડશે, જો તમારે ગુસ્સો કરવો હશે તો તમારે એ ગુસ્સો કરતાં પહેલાં એ વ્યવહારમાં પ્રેમ માંડવો પડશે. અજાણ્યા જેવો વ્યવહાર હશે કે પછી સંબંધોમાં શુષ્કતા હશે તો ક્યારેય તમારી ખીજ, તમારી વઢ કે અકળામણની અસર નહીં થાય. ક્યારેય નહીં. બનશે એવું કે એ ઊલટું તમારા સંબંધોને બરડ બનાવવાનું કામ કરશે અને બરડ બની ગયેલા સંબંધો તૂટવાની પ્રક્રિયા ત્વરા સાથે થઈ જતી હોય છે.

આ પણ વાંચોઃ કૉલમ: તમે તમારાં બાળકોને મોબાઇલ અને ટીવી માટે કેટલો સમય આપો છો?

એક તબક્કો એવો આવશે કે કાં તો તમારા સંબંધોની હયાતી નહીં હોય અને જો સંબંધો તોડી શકાય એવી ક્ષમતા નહીં હોય તો જે સ્વરથી રૂંવાડાં ઊભાં થઈ જતાં હતાં એ સ્વરની લેશમાત્ર અસર પણ નહીં રહે, એ સ્વર ગોકીરાથી વિશેષ કશું નહીં હોય અને જે સંબંધોમાં શબ્દ ગોકીરો બની જતો હોય એ સંબંધો મૃતદેહથી વિશેષ કશું હોતા નથી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK