Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે ભાર રાખો છો કે ભાર તમને સાચવે છે?

તમે ભાર રાખો છો કે ભાર તમને સાચવે છે?

22 November, 2019 03:50 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

તમે ભાર રાખો છો કે ભાર તમને સાચવે છે?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


મોટા ભાગનાઓને ભાર સાચવે છે અને એ ભારની પીડા સહન કરવાની મોટા ભાગનાઓએ આદત બનાવી દીધી છે. જો ઊડવું હશે તો ભાર છોડવો પડશે. જો આકાશને આંબવું હશે તો ભાર મૂકવો પડશે અને જો ક્ષણેક્ષણને માણવી હશે તો ભારવિહીન થવું પડશે. નક્કી તમારે કરવાનું છે, ભારને સંઘરી રાખીને એની બદબૂ સહન કરવી છે કે પછી ભારમુક્ત થઈને પતંગિયાનો અનુભવ કરવો છે?

વાતની શરૂઆત એક નાનકડી વાર્તાથી કરીએ.



એક મોટી નદી હતી. એક તરફ નગર અને બીજી તરફ જંગલ અને બન્ને વચ્ચે નદી વહે. નદીમાં પાણી હોય પણ સામાન્ય પ્રવાહ હોય એટલે લોકોને અવરજવર કરવી હોય તો સરળતાથી કરી શકે. નદીમાં ચાલીને પણ પાર કરી શકાય અને નાવિકની મદદથી પણ એ નદી પાર કરી શકાય. ચોમાસાના દિવસો ઓસર્યા હતા એટલે નદીમાં પાણીના વહેણમાં તાકાત વધારે હતી. નગર પસાર કરીને એક ઋષિ અને તેમનો શિષ્ય નદીકિનારે આવ્યા. હવે તેમને જંગલમાં જવું હતું. સંન્યાસીનો અર્થ જ જ સંસારને ત્યજવાનો છે, પણ આ અર્થ આજના સમયમાં સાર્થક નથી રહ્યો. હવે સંન્યાસી પણ સંસારીઓ વચ્ચે રહેવા માટે શહેરોમાં આવી જાય છે. ઋષિમુનિ અને તેમનો શિષ્ય નદી પાર કરીને સંન્યાસીની દુનિયા એવા જંગલમાં જવા માગતા હતા. ઋષિએ જોયું કે નદીમાં વહેણ વધારે હતું. જો ધ્યાન ન રહે તો પાણી પોતાની સાથે તેમને ખેંચી જાય એમ હતું. ઋષિએ ઈશ્વરને યાદ કર્યા અને શિષ્યને કહ્યું, નીકળી જઈશું. ચાલો, આરંભ કરીએ.


શિષ્યને ડર લાગતો હતો પણ જ્યારે ગુરુ આહવાન કરે ત્યારે ના કેવી રીતે પાડી શકાય? તેણે પણ હા પાડી અને બન્નેએ પાણીમાં પગ મૂક્યો, પણ આગળ વધે એ પહેલાં જ ગુરુનું ધ્યાન તેમનાથી થોડે દૂર બેઠેલી એક મહિલા તરફ ગયું. મહિલા પાણીને જોતી બેઠી હતી. ગુરુએ પગ પાછા ખેંચી લીધા અને શિષ્યને કહ્યું કે એ મહિલાને પૂછી આવે કે એ આમ કેમ એકલી અને નિરાધાર અવસ્થામાં નદીકિનારે બેઠી છે. શિષ્ય તો ગયો મહિલા પાસે અને થોડી વાર પછી તે પાછો આવ્યો. આવીને ગુરુને કહે કે એ મહિલાને નદી પાર કરીને સામે પાર જવું છે. જંગલમાં તેના પતિ છે જે બે દિવસથી ઘરે નથી આવી શક્યા એટલે તે ભોજન આપવા માટે જવા માગે છે પણ વહેણનું જોર અને પાણીની તાકાત જોતાં તેને નદીમાં ઊતરતાં ડર લાગે છે. ગુરુએ મહિલાને પોતાની પાસે બોલાવી. ગુરુના મનમાં એમ કે હિંમત આપીને તે પોતાની સાથે એ મહિલાને લઈ લેશે, પણ ચાલતી આવતી મહિલાના ખોડંગાતા પગ જોઈને ગુરુ સમજી ગયા કે કયા કારણોસર મહિલાને પોતાના પર આત્મવિશ્વાસ નથી બેસતો. મનમાં આવેલા વિચારને એ જ સમયે અંતિમ સંસ્કાર આપી ગુરુએ મહિલાને કહ્યું કે આપ જો ઇચ્છો તો હું આપને નદી પાર કરાવી દઉં. મહિલા અવઢવમાં હતી એટલે ગુરુએ કહ્યું કે આપે ચાલીને નથી આવવાનું. આપ એક કામ કરો, આપ મારી પીઠ પર બેસી જાઓ, હું નદી પાર કરું એટલે તમે પણ પાર કરી જશો. ગુરુની આ વાત સાંભળીને મહિલાને સંકોચ થયો, જે તેના ચહેરા પર વર્તાઈ આવ્યો એટલે ગુરુએ કહ્યું કે આપ સંકોચ ન કરો, આપ આવો મારી પીઠ પર, હું તમને નદી પાર કરાવી દઉં.

ગુરુએ પોતાની ઝોળી શિષ્યને આપી દીધી અને મહિલાને પીઠ પર લઈ લીધી. નદી ખાસ્સી લાંબી હતી, પણ ગુરુએ ઈશ્વરના નામ સાથે નદી પાર કરવાનું શરૂ કરી દીધું. આગળ ગુરુ, તેમની પીઠ પર મહિલા અને પાછળ શિષ્ય. સાવધાની અને સાવચેતી સાથે નદી પાર કરવામાં કલાક લાગ્યો. નદી પાર થઈ ગઈ એટલે મહિલા ગુરુનો આભાર માનીને કઠિયારા પતિને ભાથું આપવા માટે જંગલમાં ભાગી. ગુરુ અને શિષ્ય થોડી વાર આરામ કરવા બેઠા. ગુરુ તો આંખો બંધ કરીને વામકુક્ષી લેવા માંડ્યા, પણ શિષ્યની ઊંઘ હરામ થઈ ગઈ. જ્ઞાની, આજીવન બ્રહ્મચર્ય પાળનારા અને મહિલાનો સ્પર્શ ટાળનારા ગુરુદેવ મહિલાને પોતાના ખભા પર લઈને નદી પાર કરે. મહિલાનાં અંગ-ઉપાંગોનો સ્પર્શ તેમને થતો હોય એ પછી પણ તે આ રીતે જાહેરમાં મહિલા સાથે નીકળે?


‘એક વાત પૂછું ગુરુદેવ?’

શિષ્યથી રહેવાયું નહીં એટલે તેણે ગુરુને સવાલ કર્યો. ગુરુએ મૂક સંમતિ આપી એટલે શિષ્યએ પૂછી લીધુંઃ ‘આપ આમ તો બ્રહ્મચર્યની વાતો કરો છો, સ્ત્રીના સ્પર્શને પણ અવગણો છો અને એ પછી પણ આમ, આ રીતે તમે તેને પીઠ પર લઈને નીકળો. આ સમજાયું નહીં.’

ગુરુએ સ્મિત સાથે શિષ્યની સામે જોયું અને કહ્યું, ‘તું સમજી પણ નહીં શકે, કારણ કે મેં તો એ મહિલાનો ભાર ક્યારનો હળવો કરી નાખ્યો પણ તું એ સ્ત્રીને હજી સુધી તારા મગજ પર લઈને ચાલી રહ્યો છે.’

ક્યાંક અને ક્યાંક આપણે આ શિષ્ય જેવા બની ગયા છીએ. કોઈએ ઉપાડેલી, કોઈએ વેઠેલી ક્ષમતાનો ભાર પણ આપણે લઈને ફર્યા કરીએ છીએ. કોઈની ક્ષમતાનો, કોઈની ભૂલનો, કોઈની મુશ્કેલીનો પણ અને કોઈની તકલીફનો પણ ખરો. ભાર આપણી સાથે છે અને એ ભારને લીધે આપણે સંબંધોને પણ ભારેખમ બનાવી દઈએ છીએ. જરા જુઓ તો ખરા, જેનો ભાર તમે રાખીને બેઠા છો એ ભાર તો સામેની વ્યક્તિએ છોડી દીધાને ખાસ્સો સમય વીતી ગયો અને તમે ત્યાં જ, એ જ ઘડીમાં અટવાયેલા રહ્યા છો. ભારને રાખશો, ભારને સાચવશો તો ક્યારેય આગળ નહીં વધી શકો. ઘડિયાળ પોતાનો સમય આગળનો બતાવશે પણ તમે, તમે એ જ જગ્યાએ હશો જે જગ્યાએથી તમે ભારનું વહન કર્યું છે. એક નાનકડી અમસ્તી ન ગમતી વાતનો ભાર રાખીને તમે મહામૂલા સંબંધોને એ ભાર સાથે અટકાવી દો છો. એક નાનકડી અમસ્તી ભૂલનો ભાર રાખીને તમે અણમોલ સંબંધોનું મૂલ્ય કોડીનું કરી નાખો છો. એક નજીવી અવગણનાને આંખ સામે રાખીને તમે સોનેરી સંબંધોને કથીરના કરી નાખો છો. ભાર સાથે જીવવાને બદલે ભારને છોડીને આગળ વધો. યાદ રાખજો, પર્વતની ઊંચાઈ પર જવું હશે તો તમારે ભાર છોડવાની નીતિ રાખવી પડશે. ભાર તમને ગર્ત તરફ ખેંચી જશે અને ભારવિહીન હશો તો આકાશને આંબવાનું કામ પણ આસાન લાગશે.

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2019 03:50 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK