જ્યારે અમે ચોવીસના હતા.. યુવાનીની વાતો વાગોળે છે મનોજ જોષી, વંદના પાઠક અને અરવિંદ રાઠોડ

Published: Feb 28, 2019, 11:44 IST | રશ્મિન શાહ

મિડ ડે તેનાી 24મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. ત્યારે 24મા વાર્ષિક અંકમાં એક્ટર્સ વાગોળી રહ્યા છે તેમની યુવાનીની વાતો

રામગોપાલ વર્મા, અરવિંંદ રાઠોડ અને મનોજ જોષી
રામગોપાલ વર્મા, અરવિંંદ રાઠોડ અને મનોજ જોષી

સપનાંઓ આંખ સામે હતાં અને મનમાં પૂરો વિશ્વાસ હતોઃ મનોજ જોષી (ઍક્ટર)

આજે ચોવીસ વર્ષના યંગસ્ટર્સને પોતાની દુનિયા છે, પણ હું જ્યારે ચોવીસનો હતો ત્યારે એવું બિલકુલ નહોતું. તમે ભણીને હજી બહાર આવ્યા હો અને ઘર-કૉલેજ સિવાયની દુનિયાને તમે એક્સપ્લોર કરતા થયા હો. હું ચોવીસ વર્ષનો હતો ત્યારે કેટલીક વાતોમાં બહુ સ્પષ્ટ હતો. શું નથી કરવું એ મને બહુ ક્લિયર હતું અને સપનાંઓ પણ બહુ સ્પષ્ટ હતાં. હા, એ સમયે સપનાંઓ પૂરાં કરવાની દિશા કઈ એની ખબર નહોતી. હું કહીશ કે અમારા સમયના ચોવીસ વર્ષના યંગસ્ટર્સ અને આજના ચોવીસ વર્ષના યંગસ્ટર્સ વચ્ચે જમીન-આસમાનનો તફાવત હતો. અમારી પાસે વિશ્વાસ હતો અને આજના આ યુવાનો પાસે પ્લાનિંગ છે. હા, એ પણ એટલું જ સાચું કે આજના યંગસ્ટર્સનું પ્લાનિંગ બગડી જાય કે પછી એ મુજબ નથી થતું તો તેઓ બહુ ઝડપથી નાસીપાસ થાય છે, પણ અમને અપસેટ કે ડિપ્રેસ કેવી રીતે થવાય એની ખબર પણ નહોતી પડતી.

સપનાંઓમાં પણ એક વાત ક્લિયર હતી કે મારે ઍક્ટર બનવું છે. મોટો ઍક્ટર બનીશ કે નહીં એની ખબર નહોતી, પણ એટલી ખબર હતી કે બહુ સારો ઍક્ટર બનીશ અને વિનમþતા સાથે કહું તો હા, એવું બન્યું પણ છે. સપનાંઓ પૂરાં કરવાની દિશામાં જો તમે સાચી રીતે ચાલી શકો તો તમારાં સપનાંઓ પૂરાં થાય જ છે. બાવીસ-ચોવીસની એજને હું હંમેશાં ‘સપનાંઓના ઉંબરા’ તરીકે જોઉં છું. આજે પણ આ જ વાત લાગુ પડે છે. ચોવીસની એજ પર એક મૅગેઝિનમાં હું આર્ટિસ્ટ તરીકે જૉઇન થઈ ગયો હતો અને સાથે મારી નાટકની ઍક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ હતી. એ સમયે કમર્શિયલ નાટકોની દુનિયા આજના સ્તર સુધી પહોંચી નહોતી. એ સમયે એક્સપરિમેન્ટ નાટકોની બોલબાલા હતી. મારું પણ ફોકસ એ જ રહેતું. ઍક્ટિંગ ફીલ્ડનું ફૅમિલી બૅકગ્રાઉન્ડ હતું નહીં એટલે એવું તો બને નહીં કે સીધો જ મુખ્ય રોલ મળી જાય. નાના રોલ મળતા, બૅકસ્ટેજનું કામ કરવા મળતું અને એમાં પણ ખૂબ મજા આવતી. નાટક સાથે જોડાયેલાં બધાં કામોમાં બહુ મજા આવતી. એ સમયે અમે એવાં-એવાં કામો કયાર઼્ છે જે કામો આજે જો કોઈને સોંપવામાં આવે તો તેમને નાનપ લાગવા માંડે, પણ એ નાનાં કામો જ તમને જમીન પર જોડી રાખવાનું કામ કરે છે. મારી ચોવીસી અને આજની ચોવીસી વચ્ચે એક મોટો ફરક હું જોતો હોઉં તો એ કે હું ચોવીસનો હતો ત્યારે મને આવતી કાલ પર ભરોસો હતો, આશા સતત જીવતી રહેતી; પણ આજના યંગસ્ટર્સમાં આ વાતની કમી છે. તેઓ બહુ ઝડપથી આશા છોડી દે છે.

ચોવીસમા વર્ષે સાઇટ એન્જિનિયરની જૉબ પર લાગી ગયો હતો, પણ મન વગર અને...: રામગોપાલ વર્મા (ફિલ્મ-ડિરેક્ટર)

આઇ મસ્ટ સે, હોપ હોય તો જ તમે જીવી શકો. હાથમાં કશું ન હોય, પૉકેટ સાવ ખાલી હોય તો પણ હોપ હશે તો તમે ચોક્કસ તમારે જે અચીવ કરવું છે એ કરી શકશો. ચોવીસની એજ પર મારું પણ એવું જ હતું. મેં સિવિલ એન્જિનિયરિંગ કર્યું અને એક સાઇટ પર સાઇટ એન્જિનિયરની જૉબ પર લાગી ગયો. મને ક્યારેય સમજાતું નહોતું કે આ જૉબ હું શું કામ કરું છું. હું એ જૉબ માટે બિલકુલ મિસફિટ હતો. માત્ર મારી પાસે ડિગ્રી હતું એટલું જ. એ સિવાય મારી પાસે બીજી કોઈ લાયકાત નહોતી એ મને જૉબ પર લાગ્યા પછી સમજાયું. ચોવીસની ઉંમરને હું પડકારની ઉંમર તરીકે વધારે જોઉં છું. કૉલેજ પૂરી કરીને રિયલ લાઇફનો સામનો કરવાનો આ પિરિયડ છે. એ સમયે તમારા પરથી પેરન્ટ્સનું શેલ્ટર હટી જાય અને તમારે પોતાને જ દુનિયાનો સામનો કરવાનું આવે. એકાએક એવું લાગવા માંડે કે રિસ્પૉન્સિબિલિટી બહુ આવી ગઈ.

સાઇટ એન્જિનિયરની જૉબ એ મારી પહેલી જૉબ, પણ મને આ જૉબથી સમજાઈ ગયું હતું કે હું એ ઍકૅડેમિક વલ્ર્ડ સાથે રહેવાને લાયક નથી. હું આજના યુથને પણ આ જ કહીશ કે તમે કયા ફીલ્ડને લાયક છો એ ભલે ન જાણી શકો, પણ તમે ક્યાં અનફિટ છો એ પહેલાં જાણી લેવું. નહીં તો અપસેટનેસ અને ડિપ્રેશનનો ભોગ બનશો. સાઇટ એન્જિનિયરની જૉબમાં મને એક પર્સન્ટ પણ મજા નહોતી આવતી એટલે મેં નક્કી કર્યું કે ઇન્ડિયામાં રહેવું જ નથી અને ફૉરેન જઈને પૈસા કમાવા. મેં નાઇજીરિયા જવાનો પ્લાન બનાવવાનું શરૂ કરી દીધું. નાઇજીરિયા એટલા માટે કે એવા જ દેશમાં મને જવા મળે એમ હતું.

આ એજમાં મારી પાસે કોઈ સ્પેસિફિક સપનાંઓ નહોતાં એવું મને લાગતું હતું; પણ હા, મને ફિલ્મો જોવાનો શોખ હતો. કોઈ કામ ન હોય તો પણ એક કામ તો હોય જ - ફિલ્મો જોવાનું. મેં થિયેટરની પહેલી રોમાં બેસીને ફિલ્મો જોઈ છે અને બાલ્કનીના પૈસા હોય તો પણ સ્ટૉલમાં બેસીને ફિલ્મો જોઈ છે. એનું કારણ એ કે બાલ્કનીમાં બેસીએ તો વધારે પૈસા ખર્ચાઈ જાય, પણ જો સ્ટૉલમાં જોઈએ તો બેથી ત્રણ ફિલ્મો જોવા મળે. મને ફિલ્મો સાથે રહેવું બહુ ગમતું હતું. હૈદરાબાદમાં એ સમયે વિડિયો લાઇબ્રેરી થઈ હતી અને મને એ આઇડિયા ગમી ગયો. ફિલ્મો જોવા પણ મળે અને ફિલ્મોમાંથી જ ઇન્કમ પણ થાય. મેં વિડિયો લાઇબ્રેરી કરી એ તો મોટા ભાગના રીડર્સને ખબર છે, પણ આ લાઇબ્રેરીમાં બેસીને હું એકની એક જ ફિલ્મ પચાસ વખત જોઈ શકતો અને એ પણ બોર થયા વિના. દરેક વખતે ફિલ્મને જુદા દૃષ્ટિકોણથી જોવાની આદત હોવાને કારણે આ બન્યું અને એને લીધે જ ડિરેક્ટર બી. ગોપાલની સાથે ઓળખાણ થઈ. પછી તો તેમની જ ફિલ્મમાં અસિસ્ટન્ટ બનવાની ઑફર પણ સ્વીકારી. ભણ્યો સિવિલ એન્જિનિયરિંગ અને પછી બન્યો ફિલ્મ-ડિરેક્ટર. આ પણ આશાને કારણે જ. આ ઇન્ડસ્ટ્રીમાં લાઇફટાઇમ સ્ટ્રગલ રહે છે અને એટલે તમે જો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હો તો તમને પડકારની પણ આદત પડી જાય. ચોવીસની એજ પર જે પડકારોનો સામનો કરવાની આદત પડી હતી એ આદતે જ આજ સુધી ટકાવી રાખ્યો છે એવું કહું તો કંઈ ખોટું નથી.

ઉંમરના એ તબક્કામાં કરીઅર સેટલ હતી, પણ લાઇફમાં સેટલ થવાની સ્ટ્રગલ ચાલુ હતીઃ વંદના પાઠક (ટીવી અને થિયેટર ઍક્ટ્રેસ)

હા, આ ફૅક્ટ છે કે ચોવીસની એજ પર લોકો કરીઅરમાં સેટલ થવાની કોશિશ કરતા હોય. જોકે હું એ એજ પર કરીઅરમાં સેટલ હતી અને ચોવીસની એજ પર તો મારાં મૅરેજ પણ થઈ ગયાં હતાં તથા હું મારા હસબન્ડ નીરજ સાથે ગૃહસ્થી સેટલ કરવાની સ્ટ્રગલ કરતી હતી. મારા પપ્પા અરવિંદ વૈદ્ય પોતે ઍક્ટર હતા, પણ મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે હું પણ ઍક્ટિંગના ફીલ્ડમાં આવીશ. એમ છતાં મારું ઍક્ટિંગ-ડેબ્યુ માત્ર ત્રણ વર્ષની એજ પર જ થઈ ગયું અને સમયાંતરે મને રોલ ઑફર થતા રહ્યા અને હું કરતી પણ રહી. અઢાર વષ્ોર્ તો મેં ‘હમ પાંચ’ સિરિયલ શરૂ કરી દીધી હતી અને વીસ-બાવીસની એજ સુધીમાં તો મેં સ્ટારિઝમ પણ મેળવી લીધું હતું. મારી લાઇફમાં કોઈ ખાસ પડકારો આવ્યા હોય એવું હું નહીં કહું; પણ હા, પ્રોફેશનલ ફીલ્ડમાં ખૂબબધા પડકારો આવ્યા છે. જે એજ પર કરીઅરમાં સેટલ થવાનું હોય એ એજમાં મેં મૅરેજ કરી લીધાં, સેટલ કરીઅરને થોડી ડામાડોળ કરી. એમ છતાં નીરજની છૂટ હતી એટલે હું ઑલમોસ્ટ ડેઇલી શૂટ કરતી, ડ્રામા કરતી અને બધું વેલ-સેટલ્ડ હતું. જોકે એ પછી અમે નક્કી કર્યું કે નાના એવા અમદાવાદથી નીકળીને એન્ટરટેઇનમેન્ટનું જે વલ્ર્ડ કહેવાય છે એ મુંબઈ જઈએ અને ત્યાં કામ કરીએ. એટલે થોડા સમય પછી હું મુંબઈ આવી. મુંબઈ આવતી હતી ત્યારે એક નાનકડો ડર હતો કે નવા શહેરમાં સેટ કેવી રીતે થઈશ? કામ કરવાનું, લોકલ ટ્રેન અને દરરોજની ભાગદોડ; પણ ગૉડ ઇઝ ગ્રેટ. મુંબઈમાં જે દિવસે આવી એ જ દિવસે, કહો કે ચારેક કલાકમાં જ મને એક બહુ મોટું નાટક ઑફર થયું - ઍઝ અ લીડ ઍકટ્રેસ અને એ દિવસથી લઈને આજનો દિવસ સતત કામ ચાલી રહ્યું છે. આશા અકબંધ હતી એટલે જ મૅરેજ અને મૅરેજ પછી અમદાવાદનું બધું કામ બંધ કરીને મુંબઈ સેટલ થવાની હિંમત કરી શકી અને પડકારો સામે ઊભા રહેવાની તૈયારી હતી એટલે જ નવા શહેરમાં, નવા લોકો વચ્ચે આવીને ઊભી રહી ગઈ. જીવનમાં એક વાત ક્યારેય ભૂલવી નહીં કે જેટલો નાની ઉંમરે સંઘર્ષ કરશો એટલો જ આગળ જતાં એ સંઘર્ષ સામે કમ્ફર્ટેબિલિટી આવી જશે. 

ફોટોગ્રાફર હતો, પણ સપનું તો હતું ઍક્ટર બનવાનું જઃ અરવિંદ રાઠોડ (ઍક્ટર)

ચોવીસ વર્ષનો હતો ત્યારે હું ફોટોગ્રાફર હતો. બહુ જાણીતા ન્યુઝપેપર માટે મારે ફોટોગ્રાફી કરવાની. જોકે સાચું કહું તો એ મારો શોખ ખરો, પણ મારે બનવું હતું ઍક્ટર. એ દિવસોમાં તો ઍક્ટિંગ સ્કૂલ જેવું કશું હતું નહીં એટલે મેં આ પ્રોફેશન અપનાવી લીધો અને એમાંથી એવો રસ્તો કાઢ્યો કે હું ફિલ્મ સપ્લિમેન્ટ માટે ફોટોગ્રાફી કરવા જઈ શકું. આશા એવી કે એ બહાને હું કોઈના કૉન્ટૅક્ટમાં આવું અને એમ ફિલ્મની લાઇન ખૂલે. આજે તો યંગસ્ટર્સ પાસે અઢળક ઑપ્શન છે, પણ અમારા સમયમાં નહોતું. હું કહીશ કે ઑપ્શન જેટલા વધ્યા છે એટલી હકારાત્મકતા અને આશાવાદ ઓછાં થયાં છે. ચોવીસ વર્ષની ઉંમરે અમે ઉત્સાહના ઘૂઘવતા દરિયા જેવા અને આજનો ચોવીસ વર્ષનો યુવાન કૅલ્ક્યુલેટિવ. જ્યાં ગણતરીઓ હોય ત્યાં આશાવાદ કરતાં સ્વાર્થભાવ વધારે આવી જાય. હું ચોવીસનો હતો ત્યારે કોઈ ઍક્ટિંગ માટે મળવા બોલાવે તો અમદાવાદથી સુરત કે છેક મુંબઈ સુધી જવાનું હોય તો પણ હું જતો. ગયા પછી કામ ન થાય, સામેથી નબળો પ્રતિસાદ મળે તો પણ ખુશી એ વાતની થતી કે આપણે તો પ્રયાસ કર્યો. મને યાદ છે કે દિવસ દરમ્યાન હું ન્યુઝપેપર માટે ફોટોગ્રાફી કરું અને રાતના સમયે નાટકોમાં કામ કરું.

આ પણ વાંચોઃ મનોરંજનવિશ્વનું મનોમંથનઃ રશ્મિન શાહ

સુરતમાં એક શો કરવા જવાનું બન્યું અને એ નાટકમાં મને ફિરોઝ ગાંધી નામના એક ભાઈએ જોયો. ઇન્ટરવલમાં તે મને મળવા આવ્યા અને તેમણે મને ઈશ્વર પેટલીકરની વાર્તા પરથી બનતી ફિલ્મ ‘જનમટીપ’ માટે રોલ ઑફર કર્યો. મેં હા પાડી અને અહીંથી મારી આજની જર્ની શરૂ થઈ. ચોવીસ વર્ષના આજના યુવાનોને કોઈના સર્ટિફિકેટની જરૂર પડે છે, પણ અમારા સમયે જે સંતોષ મળતો એ આ સર્ટિફિકેટથી બહુ મોટો હતો. મને ઘણા લોકો એવું કહેતા કે છાપાની નોકરીમાં મજા છે, પહેલી તારીખે પગાર તો હાથમાં આવી જાય છે; પણ હું માન્યો નહીં અને ફિલ્મ માટે મેં નોકરી મૂકી દીધી. રેસ્ટ ઇઝ હિસ્ટરી. હું પંદર વર્ષનો હતો ત્યારથી મારા મનમાં હતું કે હું ઍક્ટર બનું. મારું આ બોલવું અને બધાનું આ વાત પર હસવું. આ છેક પહેલી ફિલ્મ સુધી સામાન્ય રહ્યું, પણ એ પછી મને લોકોએ સિરિયસ્લી લેવાનો શરૂ કર્યો. જોકે એ પહેલાં બધાએ પેટ ભરીને મને બીવડાવ્યો પણ હતો. જોકે એ બીક સામે ટકી રહેવાનું કામ આશાએ કર્યું હતું. આશા અકબંધ હતી કે ખરાબ તો નથી જ થવાનું. તમે નક્કી કરો એના કરતાં ઉપરવાળો તમારા માટે વધારે સારું નક્કી કરતો હોય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK