Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પડકાર છે મૂલ્યનિષ્ઠ આધુનિક ભારતીય પેદા કરવાનો

પડકાર છે મૂલ્યનિષ્ઠ આધુનિક ભારતીય પેદા કરવાનો

20 January, 2019 10:02 AM IST |
રમેશ ઓઝા

પડકાર છે મૂલ્યનિષ્ઠ આધુનિક ભારતીય પેદા કરવાનો

સવર્ણ અનામત અપાવશે સત્તા ?

સવર્ણ અનામત અપાવશે સત્તા ?


નો નૉન્સેન્સ

સાધારણપણે હું મારો લેખ મારી ફેસબુકની વૉલ પર મૂકું છું એ પછી વાચકો એના વિશે કેવો પ્રતિભાવ આપે છે એના પર નજર રાખતો નથી, પરંતુ ગયા રવિવારે સવર્ણોને આપવામાં આવેલી અનામતની જોગવાઈ વિશે મેં જે લેખ લખ્યો હતો એના વિશે સવર્ણોની શું પ્રતિક્રિયા છે એ જાણવામાં મને ઊંડો રસ હતો. મારી ફેસબુકની વૉલ પર આખું એક અઠવાડિયું મેં નજર રાખી હતી. દોઢસો જેટલી લાઇક્સ મળી હતી, ત્રીસ કરતાં વધુ લોકોએ એ લેખ પોતાની વૉલ પર મૂકીને શૅર કર્યો હતો અને ચાલીસેક જેટલી કમેન્ટ્સ આવી હતી. મને એ જાણવામાં રસ હતો કે એક જમાનામાં મેરિટની ચિંતા કરનારાઓ અત્યારે ક્યાં છે? તેઓ શું કહે છે? એવો કોઈ સવર્ણ છે જે આજે પણ મેરિટની તરફેણમાં એ બધી દલીલ કરતો હોય જે હજી ગઈ કાલ સુધી કરતો હતો અને સવર્ણોને આપવામાં આવેલી અનામતનો વિરોધ કરતો હોય? કે પછી ફુલેકામાં ફદિયું હાથ લાગી ગયું તો ખિસ્સામાં મૂકી દીધું?



ચુપકીદી. નીરવ ચુપકીદી. વળી સવર્ણોની ચુપકીદી જોઈને મને જરા પણ આર્ય નથી થયું. વાસ્તવમાં મને ખાતરી હતી કે મેરિટવાળાઓ મોઢું સીવી લેશે, પણ એકેએક જણ મોઢું સીવી લેશે અને કોઈ પણ નહીં બોલે એવી અપેક્ષા નહોતી. જોકે આર્ય થયું છે તો બસ આ આટલું જ! મેરિટનું મેરિટ જ ભુલાઈ ગયું.


આ દેશમાં મોટા ભાગના સવર્ણો બ્રાહ્મણી માનસિકતા ધરાવે છે અને જ્ઞાતિવાદી છે. તેમને પછાત કોમ માટે અણગમો છે, પણ આજના યુગમાં એ પ્રગટ કરી શકાય એમ નથી એટલે મેરિટનું ઓઠું લઈને પોતાનો પૂવર્ર્ે હ વ્યક્ત કરતા હતા. એક દલિત ભણીને આગળ નીકળી જાય અને હજાર-બે હજાર વરસથી સામાજિક વર્ચસની ઇજારાશાહી ભોગવનારનું સંતાન પાછળ રહી જાય એ તેમનાથી જોવાતું નથી. અસૂયા હતી, પેટમાં ચૂંક આવતી હતી એટલે એને મેરિટના નામે વ્યક્ત કરાતી હતી. આ લોકોને સામાજિક સમાનતામાં કોઈ રસ નથી અને એનો દેખીતો અર્થ એ થયો કે તેમને આધુનિક રાજ્યમાં પણ કોઈ શ્રદ્ધા નથી. મેરિટ તો એક બહાનું હતું. વાસ્તવમાં તેમને તેમનું સામાજિક વર્ચસ જળવાઈ રહે અને ફાયદો થાય એવો અસમાન સમાજ જોઈએ છે. આમ માનવતા તો બહુ દૂરની વાત છે.

સવર્ણોની નાડ તપાસનારો આવો જ એક લેખ મેં મહિના પહેલાં લખ્યો હતો. જેમ સામાજિક સમાનતાનો વિરોધ કરવા અને સામાજિક ન્યાયનો વિરોધ કરવા તેઓ મેરિટની દલીલનો આશરો લેતા હતા એમ થોડાં વરસ પહેલાં સેકયુલરિઝમનો વિરોધ કરવા તેઓ સ્યુડો સેક્યુલરિઝમની દલીલનો ઉપયોગ કરતા હતા. તેમની દલીલ આ મુજબ હતી : દેશ સેક્યુલર તો હોવો જ જોઈએ, પણ સેકયુલરિઝમ પક્ષપાતી ન હોવું જોઈએ. સાચું સેકયુલરિઝમ હોવું જોઈએ જેમાં કોઈનું પણ તુãક્ટકરણ કરવામાં ન આવે. કૉન્ગ્રેસ અને બીજા પક્ષો મુસલમાનોનાં થાબડભાણાં કરે છે અને હિન્દુઓની ઉપેક્ષા કરે છે. તેમનો એવો પણ આરોપ હતો કે સેક્યુલરિસ્ટો હિન્દુઓને જ નિંદે છે અને મુસલમાનોના કોમવાદ વિશે ચૂપ રહે છે. આવું ન ચાલે. સાચું સેક્યુલરિઝમ. સાચું સેક્યુલરિઝમ એટલે પક્ષપાત વગરનું સેક્યુલરિઝમ.


હવે અત્યારે જે બની રહ્યું છે એ શું સાચું સેક્યુલરિઝમ છે? ભારતીય જનતા પાર્ટીની સરકારો હિન્દુઓનો પક્ષપાત નથી કરતી? શું લઘુમતી કોમને અન્યાય નથી થઈ રહ્યો? શું હિન્દુત્વવાદીઓ કાયદો હાથમાં નથી લેતા? ક્યાં છે સ્યુડો-સેક્યુલરિઝમનો વિરોધ કરીને સાચા સેક્યુલરિઝમની હિમાયત કરવાવાળા? એ લેખ પણ મેં મારી વૉલ પર મૂક્યો અને ત્યારે પણ એ જ અનુભવ થયો જે અનામત અને મેરિટની બાબતમાં થયો. એક સમયના સાચા સેક્યુલરિઝમના હિમાયતી હિન્દુ સવર્ણો મૂંગા રહ્યા હતા. એનો અર્થ એ થયો કે તેઓ સેક્યુલર નથી, હિન્દુ કોમવાદી છે; પરંતુ સમય પ્રતિકૂળ હતો એટલે સ્યુડો-સેક્યુલરિઝમ, દરેકને એક સમાન ન્યાય જેવી દલીલો કરતા હતા.

તો વાતનો સાર એટલો કે જે લોકો એક સમયે સાચા સેક્યુલરિઝમની તરફેણમાં સ્યુડો-સેક્યુલરિઝમનો વિરોધ કરતા હતા એ વાસ્તવમાં કોમવાદી હિન્દુ છે અને જે લોકો મેરિટના નામે અનામતનો વિરોધ કરતા હતા એ લોકો બ્રાહ્મણી માનસિકતા ધરાવતા જ્ઞાતિવાદી છે. અત્યારે તેઓ મોઢે તાળાં વાસીને બેસી ગયા છે, કારણ કે તેમને જોઈતું હતું એ મળી રહ્યું છે. હજી એક વાત નોંધી લો. આ બન્ને એક જ માણસ છે. મિસ્ટર ‘એ’ એક સમયે સ્યુડો-સેક્યુલરિઝમનો વિરોધ કરતા હતા, સાચા સેક્યુલરિઝમની હિમાયત કરતા હતા અને અત્યારે હિન્દુઓનો પક્ષપાત જોઈને ચૂપ છે. એ જ મિસ્ટર ‘એ’ એક સમયે મેરિટવાળા હતા અને અત્યારે અનામતની જોગવાઈ હાથ લાગી તો ચૂપ છે. મિસ્ટર ‘એ’ હિન્દુ કોમવાદી પણ છે અને જ્ઞાતિવાદી પણ છે. જોકે મોટી સંખ્યામાં સવર્ણો લઘુમતી કોમના અને દલિતોના પડખે ઊભા રહે એવી કોઈ અપેક્ષા પણ નહોતી.

મૂલ્યોના પડખે ઊભા રહેવું એ ખાંડાની ધાર પર ચાલવા બરોબર છે. સ્વાર્થ બદલાય એમ મૂલ્યો ન બદલાય. ખાસ કરીને ભારતમાં ન્યાયનિષ્ઠ સમાજ પેદા કરવો એ તો વધારે અઘરું કામ હતું, કારણ કે સામાજિક ભેદભાવ અને ઊંચનીચની નિસરણી ધરાવતા સમાજમાં ન્યાય એ ભારતીય પ્રજા માટે અજાણી ચીજ હતી. તેમને ક્યારેય એવું લાગ્યું પણ નહોતું કે તેઓ કોઈને અન્યાય કરી રહ્યા છે. પોતાના પરિવારમાં સ્ત્રીઓને અન્યાય કરવામાં આવતો હતો, પરંતુ એનો પણ કોઈ જાતનો અહેસાસ નહોતો. ઢોંગ એ ભારતીય સવર્ણ પ્રજાનું બીજું સ્થાયી લક્ષણ છે. સર્વે સુખિન:

ભવતુ કહેવાનું અને પોતાનાથી નીચેનાને દૂર રાખવાનો. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે કહીને સ્ત્રીને અન્યાય કરવાનો.

ભારતમાં આધુનિક રાજ્ય સ્થપાયું છે તો એ સવર્ણ માનવતાવાદી નેતાઓ અને વિદ્વાનોના કારણે અને મહાત્મા ફુલે અને ડૉ. આંબેડકર જેવા અવર્ણ લડવૈયાઓના કારણે. ભારતમાં આધુનિક રાજ્યે થોડાં મૂળિયાં નાખ્યાં છે તો એ મુઠ્ઠીભર સવર્ણ કર્મશીલો અને વિદ્વાનોના કારણે અને મોટી સંખ્યામાં અવર્ણ લાભાર્થીઓના કારણે તેમ જ દરેક સમાજની સ્ત્રીઓના કારણે. ભારતમાં આજે આધુનિક રાજ્ય સંકટનો સામનો કરી રહ્યું છે તો એ મુખ્યત્વે ઢોંગી સવર્ણોને કારણે જેમના હાથમાંથી સામાજિક સત્તા અથવા વર્ચસ છીનવાઈ ગયું છે અને એનું તેમને પેટમાં દુખે છે. આ થોડી આકરી વાત લાગશે, પરંતુ સો ટકા સાચી છે અને હું પૂરી ગંભીરતા સાથે આ કહી રહ્યો છું.

આનો અર્થ એવો નથી કે નિસરણીમાં જે લોકો નીચેના પગથિયે છે એ લોકો સામાનતાવાદી છે. એટલે તો તેમના માટે મેં અહીં લાભાર્થી શબ્દ વાપર્યો છે, સમાનતાવાદી નહીં. ડૉ. આંબેડકરે કહ્યું હતું એમ ભારતીય પ્રજાનો સ્વભાવ એવો છે કે તે પોતાનાથી ઉપર હોય તેની ખુશામત કરે કે ઈષ્ર્યા કરે અને જે નીચે હોય તેને ધિક્કારીને લાત મારે. સમાનતા માટેના આંદોલનનું પણ એવું જ થયું છે. લાભ પોતાને મળવો જોઈએ અને પોતાનાથી અટકી જવો જોઈએ. મહારાષ્ટ્રમાં મહારો, ગુજરાતમાં વણકરો અને મેઘવાળો, ઉત્તર પ્રદેશમાં જાટવો, પંજાબમાં ચમારો, રાજસ્થાનમાં મેઘવાળો દલિતોના બ્રાહ્મણો છે. સામાજિક સમાનતાનો રહેંટ પોતાનાથી અટકી જવો જોઈએ અને આગળ ન વધવો જોઈએ. જો જ્ઞાતિવાદનો અર્થ અલગ ચોકો અને ચોકાનો સ્વાર્થ થતો હોય તો બ્રાહ્મણોને ગાળો દેનારા દલિતો એટલા જ જ્ઞાતિવાદી છે જેટલા બ્રાહ્મણો. તેઓ ડૉ. આંબેડકરની આરતી એટલા માટે ઉતારે છે કે આંબેડકર થકી તેઓ સુખી થયા. બાકી તેઓ ડૉ. આંબેડકરના વિચારોના અનુયાયી નથી.

અત્યારે મને યોગેન્દ્ર યાદવના પેગંબરી શબ્દો યાદ આવે છે. લગભગ દસેક વરસ પહેલાં મુંબઈમાં મધુ લિમયે સ્મારક વ્યાખ્યાન આપતાં તેમણે કહ્યું હતું કે જો અનામતના લાભાર્થીઓ લાભ લેતા બંધ નહીં થાય અને લાભનો રહેંટ આગળ વધવા નહીં દે તો એક દિવસ અનામતની જોગવાઈ વિશે જ પ્રશ્નો ઉપસ્થિત થશે. આઝાદીનાં પચીસ વરસ પછી પહેલી વાર 1971માં સત્તનાથન સમિતિએ ક્રીમી લેયર શબ્દનો પ્રયોગ કર્યો હતો. સામાજિક અસમાનતા અને અન્યાયનો શિકાર બનેલી ભારતની દરેક કોમને આગળ આવવાની તક મળવી જોઈએ. એ પછી 1975માં કેરળ સરકાર વિરુદ્ધ એન. એમ. થૉમસ કેસમાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે ક્રીમી લેયરને હટાવતા જવાનું સૂચન કર્યું હતું. ત્યારે તો હજી અન્ય પછાત જાતિઓ માટેના અનામતની જોગવાઈ પણ નહોતી.

આ પણ વાંચોઃ હવે જ્યારે સવર્ણોને અનામતની જોગવાઈ આપી છે ત્યારે એક પણ માઈનો લાલ મેરિટનો હિમાયતી આગળ આવ્યો નથી

કહેવાનું તાત્પર્ય એ કે ભારતમાં જો બ્રાહ્મણ બનવા મળે તો દરેકને બ્રાહ્મણ બનવું છે. બન્યા પછી કોઈ સમાજને સામાજિક વર્ચસની ઇજારાશાહી છોડવી નથી. કોઈને સામાજિક ન્યાય, સમાનતા, માનવતા સાથે લેવાદેવા નથી. એક વાર પ્રસિદ્ધ ફ્રેન્ચ સાહિત્યકાર ઍન્દ્રે મેલરોક્સે જવાહરલાલ નેહરુને પૂછ્યું હતું કે ભારતમાં શાસન કરવામાં કેવા પ્રકારના પડકારનો સામનો કરવો પડે છે? નેહરુએ કહ્યું હતું કે પરંપરાગત સમાજને આધુનિક રાજ્યને અપનાવતો કરવો એ મોટો પડકાર છે. નેહરુ પહેલા અને છેલ્લા શાસક હતા જેમણે પરંપરાગત સમાજને આધુનિક બનાવવાના અને આધુનિક રાજ્યને અપનાવતી કરવાના પ્રામાણિક પ્રયત્નો કર્યા હતા. એ પછીના શાસકોએ પરંપરાગત સમાજનાં પરંપરાગત મૂલ્યોનું રાજકારણ કર્યું છે, પછી ભલે એમાં સમાનતા અને માનવતાનાં મૂલ્યોને ખો આપવી પડે. સબરીમાલામાં જે બની રહ્યું છે એ આનું ઉદાહરણ છે. વડા પ્રધાન અસમાનતા અને અન્યાયની વકીલાત કરે ત્યાં બીજું શું

કહેવું? પડકાર છે મૂલ્યનિષ્ઠ આધુનિક ભારતીય પેદા કરવાનો.

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2019 10:02 AM IST | | રમેશ ઓઝા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK