ઠાકોરસાહેબનો ગામધુમાડો: આખા દેશને સહકુટુંબ અનામત

Ramesh Oza | Jan 09, 2019, 09:42 IST

હિન્દુ, મુસલમાન, જૈન, ઈસાઈ, પારસી કોઈ બાકી નહીં. શરત માત્ર એટલી કે તે દલિત, આદિવાસી અને અન્ય પછાત કોમમાં ન આવતા હોય અને અનામત ન ભોગવતા હોય. આવા સવર્ણ ગરીબો માટે ૧૦ ટકા બેઠકો અનામત રાખવામાં આવશે

 ઠાકોરસાહેબનો ગામધુમાડો: આખા દેશને સહકુટુંબ અનામત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કારણ-તારણ 

હાલત ધારવામાં આવે છે એનાં કરતાં પણ વધુ ખરાબ લાગે છે. કેન્દ્ર સરકારે આખા દેશને અનામતની જોગવાઈ આપી દેવાનો નર્ણિય લીધો છે.. જે પરિવારની આવક વરસેદહાડે આઠ લાખ રૂપિયા કરતાં ઓછી હોય એને આર્થિક રીતે ગરીબ હોવાને કારણે ૧૦ ટકાનો અનામતનો લાભ મળશે. ભારતમાં ૯૫ ટકા લોકો આઠ લાખ રૂપિયા કરતાં ઓછુ કમાય છે. જે લોકો પાંચ એકર કરતાં ઓછી જમીન ધરાવતા હોય એવા લોકોને પણ અનામતની જોગવાઈ મળશે અને ભારતમાં ૮૬ ટકા ખેડૂતો પાંચ એકર કરતાં ઓછી જમીન ધરાવે છે. જે લોકો એક હજાર ચોરસફુટ કરતાં નાનું મકાન ધરાવતા હશે તેમને પણ અનામતની જોગવાઈ આપવામાં આવશે અને ભારતમાં ૮૦ ટકા લોકો ૫૦૦ ચોરસફુટ કરતાં પણ નાનું મકાન ધરાવે છે. જે લોકો સુધરાઈની હદમાં ૨૦૦ ચોરસવાર કરતાં નાનો પ્લૉટ ધરાવતા હોય તેમને પણ અનામતની જોગવાઈ મળશે. આવા લોકોનું પ્રમાણ કેટલું છે એ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ એના અહેવાલમાં કહી શક્યું નથી, પરંતુ દોસો ગજ કી કોઠી એ બહુ મોટી વાત છે અને શહેરમાં રહેનારા લોકો આ જાણે છે.

ચૂંટણી જીતવા સરકાર કેવાં વલખાં મારે છે એ આમાં જોઈ શકાય છે. ભલે આખો દેશ અનામત લઈ લે, પણ અમને મત આપીને સત્તા સુધીં પહોંચાડે એવી એક અધીરાઈ આમાં જોવા મળી રહી છે. આવી અનામત અદાલતમાં ટકવી મુશ્કેલ છે એ શાસક પક્ષ અને વિરોધ પક્ષ એમ બધા જ જાણે છે. આ પહેલાં આર્થિક રીતે પછાત લોકોને અનામતની જોગવાઈ આપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે અને એ નિષ્ફળ નીવડ્યા છે. સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે ૧૯૯૩માં સાફ કહી દીધું છે કે અનામતની જોગવાઈ માત્ર અને માત્ર સામાજિક પછાતપણું દૂર કરવા આપી શકાય એટલે એનો માપદંડ સામાજિક પછાતપણું જ હોઈ શકે છે, આર્થિક નહીં. ગરીબી દૂર કરતાં ક્યાં કોઈ સરકારને રોકે છે. આમ અનામતની જોગવાઈની જે જાહેરાત કરવામાં આવી છે એને ચૂંટણી સાથે સંબંધ છે.

સરકારનો આ કરતાં પણ દૂરગામી ઇરાદો અનામતની જોગવાઈને જ સમૂળગી હાસ્યાસ્પદ અને અવ્યવહારુ બનાવવાનો છે. વૈકુંઠ નાનું ને વૈષ્ણવ ઝાઝા જેવી સ્થિતિ બનાવી મૂકો એટલે આપોઆપ અનામત અપ્રાસંગિક બને જશે. ભારતીય જનતા પાર્ટી અને એના સમર્થકો મૂળભૂત રીતે અનામતના વિરોધી છે એ જગજાહેર છે. આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે ૨૭ ટકાના અધર બૅકવર્ડ ક્લાસ કોટા ઉપરાંત મરાઠાઓ માટેના દસ ટકા વધાર્યા હતા. બસ, કરો માગણી અને આવો અંદર એવી નીતિ જાણીબૂજીને અપનાવવામાં આવી રહી છે. જ્યારે ધક્કામુક્કી અસહ્ય બનવા લાગશે ત્યારે આપોઆપ અનામત વિશે પુર્વિચાર થવા લાગશે.

ત્રીજું, કેન્દ્ર સરકારનો આ નર્ણિય અદુદર્‍ર્શી અને બેજવાબદાર પણ છે. જે જોગવાઈ આપવામાં આવી છે એ સરકારી નોકરીઓ માટેની છે અને સરકારી નોકરીઓ છે ક્યાં? એક બાજુ સરકાર સેવાઓમાંથી પગ ખેંચી રહી છે અને બીજી બાજુ સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ વધારતી જાય છે. સરકારી શાળાઓ, હૉસ્પિટલો, ઍરલાઇન્સ, માર્ગ પરિવહન સેવા, પોસ્ટ એમ દરેક ક્ષેત્રનું ખાનગીકરણ થઈ રહ્યું છે ત્યાં સરકાર નોકરીઓ આપશે ક્યાંથી? ઉદ્યોગોમાંથી તો આ પહેલાં જ સરકાર નીકળી ચૂકી છે. માત્ર વહીવટી જગ્યાઓ બચે છે એમાં સરકાર કેટલા નોકરિયાતોની ભરતી કરશે? મહારાષ્ટ્ર સરકારે પાંચ વરસ પછી ૭૨ હજાર નોકરોની ભરતી કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારની ઘોષિત નીતિ મુજબ જેટલી સરકારી નોકરીઓ ખાલી પડે છે એની ૪૦ ટકા ભરવામાં આવે છે. આનું કારણ એ છે કે કામ ઓછું છે અને કર્મચારી વધુ છે.

આ પણ વાંચોઃ મરાઠી સાહિત્ય સંમેલન અને અપશુકન. નાના માણસોએ મોટાં સાહસો ન કરવાં જોઈએ

પણ આપણા બાપનું શું જાય! આગળ-આગળ જે અનુગામી આવશે એ ફોડી લેશે, અત્યારે આપણે તો સત્તા ભોગવી લઈએ એવી ટૂંકી દૃષ્ટિ છે. કેન્દ્ર સરકારે આ જે નિર્ણય લીધો છે એને કારણે દાયકા-બે દાયકા પછી સમાજવિગ્રહ થાય તો પણ આશ્ચર્ય નહીં. આશા, વચન અને જોગવાઈ એટલાં જ અપાય જેટલાં પૂરાં થઈ શકે. પહેલાં માપબહાર આશા અને વચનો આપ્યાં એટલે હવે બચવા માટે માપબહારની જોગવાઈ આપવી પડે છે. પહેલાં દરેક એકાઉન્ટમાં ૧૫ લાખ રૂપિયા જમા કરવાનો જુમલો ફેંકવામાં આવ્યો અને હવે એનાથી બચવા ૯૦ ટકા ભારતીય લોકોને અનામત હેઠળ લેવામાં આવી રહ્યા છે. દરેકના ખાતામાં ૧૫ લાખ એ જુબાની જુમલો હતો અને આખા દેશને અનામત એ એક પ્રકારનો કાનૂની જુમલો છે. આ શાણા શાસકનાં લક્ષણ નથી.

આ પણ વાંચોઃમાણસ બનવાનો અવસર! તમે કોણ છો? માણસ કે હિન્દુત્વવાદી?

સવર્ણ ગરીબોની વ્યાખ્યા એટલી વ્યાપક છે કે એમાં હવે બહુ થોડા લોકો બાકી રહ્યા છે. મુકેશ અંબાણી જેવા પાંચેક ટકા લોકોને શું કામ બાકી રાખ્યા? પછાતપણું શોધવું હોય તો તેમની અંદર પણ મળી રહેશે. સાંસ્કૃતિક પછાતપણું ભારતના પૂંજીપતિઓમાં સાવર્‍ત્રિક છે. એક દસ ટકા અનામતની જોગવાઈ ભેગાભેગ સાંસ્કૃતિક રીતે પછાત શ્રીમંતોને પણ આપી દેવી જોઈએ કે જેથી વતુર્‍ળ પૂરું થઈ જાય.

અહીં દેશભરમાં રોજગારીની સ્થિતિ વિશે સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી નો ૨૦૧૮નો અહેવાલ તપાસવા જેવો છે, જેની વાત આવતી કાલે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK