રામાયણ અને મહાભારત ધર્મકથા નથી, સંસ્કૃતિ કથા છે

Published: May 10, 2020, 21:44 IST | Dinkar Joshi | Mumbai Desk

ઉઘાડી બારી : હમણાં જેમણે બીજી વાર જોઈ હશે તેઓ સાંભરણની દૃષ્ટિએ પચાસે પહોંચેલા હોય એટલે આ વખતે જેમણે રામાયણની આ કથા જોઈ હશે તેમને ખરેખર તો બીજી પેઢી જ કહેવાય.

મિડ-ડે લોગો
મિડ-ડે લોગો

ટેલિવિઝનના ટચૂકડા પડદા ઉપર રામાયણની દીર્ઘ કથા હમણાં જ પૂરી થઈ. ફરી એક વાર દેશના (અને વિદેશના પણ) કરોડો માણસોએ જોઈ. જોકે આ જોવાનું નિમિત્ત હરખાવા જેવું નથી. માથે લટકતા મોત જેવો કોરોનાનો ત્રાસ પેદા થયો ન હોત તો આ રામકથા ફરી એક વાર જોવાનું સૌભાગ્ય તરુણ પેઢીને ન મળત. લગભગ સાડાત્રણ દાયકા પહેલાં જેમણે આ ધારાવાહિક ટીવીના પડદે જોઈ હશે તેઓ આજે એને લગભગ ભૂલી ગયા હોય એવું બને. હમણાં જેમણે બીજી વાર જોઈ હશે તેઓ સાંભરણની દૃષ્ટિએ પચાસે પહોંચેલા હોય એટલે આ વખતે જેમણે રામાયણની આ કથા જોઈ હશે તેમને ખરેખર તો બીજી પેઢી જ કહેવાય.

રામાયણ અને મહાભારત કોઈ એક ચોક્કસ ધર્મના ગ્રંથ છે એવું જો કોઈ કહે તો તેને અણસમજુ જ કહેવો પડે. જો અણસમજુ ન કહીએ તો તેમને મલિન ઉદ્દેશ્ય સાથે સાંકળી લેવો પડે. રામાયણના રચયિતા વાલ્મીકિ ખરા પણ રામાયણને દરેક ઘરના ઉંબરે પહોંચતું કરનાર તો તુલસીદાસ. રામાયણની જે ધારાવાહિક આપણે ટીવીના પડદે જોઈ એ કોઈ એક લેખકની સળંગ કથા નહોતી, પણ સમયાંતરે રામાયણની કથાને બીજા લેખકોએ પોતાની રીતે ફરી-ફરી વાર લખી એનું અનુસંધાન હતું. જ્યારે એક કથા બીજી વાર લખાય છે ત્યારે એમાં બીજી વાર લખવાના લેખકના ચોક્કસ ઉદ્દેશ્ય સાથે સરવાળા-બાદબાકી થાય જ. રામાયણમાં એવું ઘણુંબધું બન્યું છે. જે કથાનક આપણે જોયું એમાં વાલ્મીકિ અને તુલસીદાસ ઉપરાંત અન્યોએ જે ઉમેરાઓ કર્યા એ તો ખરા જ પણ આધુનિક વિજ્ઞાનની ટેક્નૉલૉજી, ફોટોગ્રાફી અને લોકદૃષ્ટિ આ બધું પણ ઉમેરાયું હોય. આપણે જે રામાયણ જોયું એ આવું બધું છે અને છતાં ઓછું મૂલ્યવાન નથી. રામાયણના મૂળ કથાનકને વફાદાર રહીને આ ધારાવાહિક આપણને કહેવામાં આવી છે. કહેવું હોય તો કહી શકાય કે વાલ્મીકિ પછી તુલસીદાસે રામકથાને લોકપ્રિય કરી અને તુલસીદાસ પછી રામાનંદ સાગરે આ મસમોટું કામ કર્યું છે.
રામાયણ અમારા ધર્મનો ગ્રંથ નથી એટલે અમે એને નથી જોતા એવું કહેનારા કેટલાક શિક્ષિત પરિવારો મળ્યા ત્યારે ઘણો આઘાત લાગ્યો હતો. રામાયણ અને ધર્મનો કોઈ સંબંધ હોય તો એ માનવ ધર્મ પૂરતો જ છે. એમાં પરિવારધર્મ આવે, રાજધર્મ આવે, શિષ્ટાચાર આવે અને એવા વહેવારિક ધર્મનાં અનેક પાસાં આવે. એમાં ક્યાંક કોઈક સાંપ્રત હિન્દુ ધર્મની પરંપરા નજરે પડે તો એ ભારતીય સમાજની સૈકાઓ જૂની સંસ્કૃતિનું જ દર્શન કહેવાય. રામકથા ભૌગોલિક દૃષ્ટિએ ભલે ભારતમાં બની હોય અને આધુનિક દૃષ્ટિએ એનું વહેવારિક મૂલ્ય વધતું ઓછું પણ થાય, પણ એથી કંઈ એ કોઈ ચોક્કસ ધર્મની કથા બની જતી નથી.
વાલ્મીકિના મૂળ આલેખન પછી ત્રણસોએક લેખકોએ આ રામકથાને પોતાની રીતે આલેખી છે. રામકથા જ્યારે અનુગામી લેખકો પણ લખવા માંડે ત્યારે કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય હોય જ. વાલ્મીકિએ કહેલી કથા જ જો કહેવાની હોય તો આવડો મોટો ગ્રંથ બીજી વાર શા માટે લખે? મહાભારતમાં શકુંતલાની જે કથા છે એ જ કથા જો ફરી વાર લખવી હોત તો કાલિદાસે ન જ લખી હોત. કાલિદાસે મહાભારતના એ મૂળ કથાનકને સાહિત્યિક સ્વરૂપ આપ્યું અને આપણને `અભિજ્ઞાન શાકુંતલમ’ એક સાહિત્ય ગ્રંથ મળ્યો.
તુલસીદાસે રામચરિત માનસમાં કથાનાયક રામને માત્ર લોકોત્તર પુરુષ જ નહીં પણ ભગવાન તરીકે જ આલેખ્યા છે. તુલસીદાસે ભક્ત કર્મ કર્યું છે. વાલ્મીકિએ ભક્ત કર્મ નથી કર્યું. તેમણે રામને મર્યાદા પુરુષોત્તમ એટલે કે લોકોત્તર ખરા પણ વિવેકની એક મર્યાદા સુધી જ એ લોકોત્તર રહ્યા છે. તામિલ ભાષાના રામાયણના રચયિતા કવિ કંબન છે. કંબનનું રામાયણ એ ભક્તિ નથી. એ લોકોત્તર પુરુષની સ્તુતિ પણ નથી. એ તો કાલિદાસના શાકુંતલની જેમ એક કવિતા છે. વાલ્મીકિના મૂળ કથાનકમાં કંબને કેટલાંય નવાં કથાનકો ઉમેર્યાં છે. કંબનનું આ રામાયણ `રામાવતારમ’ એ નામે દક્ષિણમાં ઉત્તર ભારતના ‘રામચરિત માનસ’ જેટલું જ લોકપ્રિય છે.
રામ તેમના એક પત્નીવ્રત માટે અને હનુમાન તેમના નૈષ્ઠિક બ્રહ્મચર્ય માટે સર્વત્ર એકમતે પૂજનીય રહ્યા છે. જુદાં-જુદાં કથાનકોમાં પણ આ બે પાત્રોનાં આ બન્ને પાસાંને લગભગ બધા લેખકોએ અકબંધ રાખ્યાં છે. વિમલસુરી નામના જૈન મુનિએ જે પઉમ ચરિયં નામનું રામાયણ લખ્યું છે એમાં રામ તથા લક્ષ્મણને જૈન ધર્મની દીક્ષા લેતા દેખાડ્યા છે એટલું જ નહીં, પણ રામ તથા હનુમાનને સેંકડો સ્ત્રીઓના પતિ દેખાડ્યા છે. બૌધ્ય રામાયણમાં રામ અને સીતા વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો એવું પણ બતાવ્યું છે.
આમ રામકથા કોઈ સાંપ્રદાયિક કથા નથી. માનવજીવન કઈ રીતે બહેતર બને એ વિશેની આ વાત છે. વાલ્મીકિએ કથાના આરંભે જ મહર્ષિ નારદને પૂછ્યું છે, ‘આ જગતમાં જે પુરુષ લોકોત્તર હોય અને જેનું જીવન સામાન્ય સરેરાશ માણસો માટે આદર્શ કહી શકાય એવું હોય એ મને કહો.’ આમ અહીં કોઈ ધર્મની વાત નથી. વાત જો ધર્મની હોય તો એટલી જ છે કે જીવનમાં સંકટો આવે છે, અણધારી આપત્તિઓ પેદા થાય છે, સ્વજનો પણ વિવાદ કરે છે અને આ બધા વચ્ચે ધૈર્ય જાળવીને, ધર્મ સંભાળીને શી રીતે માર્ગ શોધવો એ જ આ કથાનકનો ઉદ્દેશ્ય છે.
આવા કથાનકને ધાર્મિક કારણોસર જ ટેલિવિઝનના પડદા પર જોવાનો પણ ઇનકાર કરવો એને કયો ધાર્મિક સ્તર કહેવાય એવો પ્રશ્ન પેદા થાય છે.
આઝાદીની લડતના છેલ્લા તબક્કામાં મહાત્મા ગાંધી અને મહમદઅલી ઝીણા વચ્ચે મંત્રણા થઈ હતી. આ મંત્રણામાં ઝીણાએ ગાંધીજીને પહેલો જ પ્રશ્ન પૂછ્યો હતો. ‘હું દેશના મુસલમાનોનો પ્રતિનિધિ છું, તમે કોના પ્રતિનિધિ છો?’  જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું - ‘હું આખા દેશનો પ્રતિનિધિ છું’ અને પછી જ્યારે ઝીણાએ હઠ પકડી ત્યારે ગાંધીજીએ ઉમેર્યું હતું - ‘મારો દીકરો હરિલાલ હિન્દુ તરીકે જન્મ્યો છે પણ હવે તેણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે. તેનો ધર્મ બદલાયો છે પણ એથી કંઈ તેની સંસ્કૃતિ બદલાતી નથી.’
ગાંધીજીના આ કથનનો સંકેત સાફ છે. રામાયણ અને મહાભારતને જેઓ પોતાની સંસ્કૃતિ ન માનતા હોય તેમની ક્યાંક કશીક ભૂલ થાય છે અને આ ભૂલ સુધારવા માટે તમામ સમજદાર માણસોએ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા પડશે. આ ગેરસમજ જો લાંબો સમય કોઈ ને કોઈ હેતુપૂર્વક ચાલુ રાખવામાં આવશે તો ઇતિહાસને ભારે નુકસાન થશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK