રાજકોટઃજાહેરમાં પાનની પિચકારી મારવા બદલ અપાયા 9 મેમો

Published: May 17, 2019, 15:41 IST | રાજકોટ

રાજકોટને સ્વચ્છ બનાવવા નવી ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે. રાજકોટ મહાનગરપાલિકાએ જાહેરમાં પાનની પિચકારી મારવા બદલ મેમો આપવાની શરૂઆત કરી દીધી છે.

રાજકોટને સ્વચ્છ બનાવવા નવી ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે. રાજકોટ મહાનગરપાલિકાએ જાહેરમાં પાનની પિચકારી મારવા બદલ મેમો આપવાની શરૂઆત કરી દીધી છે. આ નિયમના અમલના પહેલા જ દિવસે 9 વાહનચાલકોને જાહેરમાં થૂંકવા બદલ મેમો આપવામાં આવ્યા છે.

રાજકોટમાં શુક્રવારે કે.કે.વી. ચોકથી 1, નાનામવા સર્કલથી 1, કાન્તા સ્ત્રી વિકાસ ચોકથી 3 અને ઢેબર ચોકથી 4 મેમો ઈસ્યુ કરાયા છે. આ તમામ ચાર રસ્તા પર વાહનચાલકો જાહેરમાં થૂંકતા સીસીટીવીમાં ઝડપાયા હતા. જેને આધારે તેમના વાહન નંબર દ્વારા માલિકનું નામ અને સરનામું મેળવી તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા.

rajkot fine

રાજકોટના મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીનું કહેવું છે કે,'હાલમાં રાજકોટ શહેરમાં જુદા-જુદાં સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા રાખવામાં આવેલ છે. જેનું મોનીટરીંગ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર ખાતે કરવામાં આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે હવેથી ચાલુ કારે, ચાલુ બાઇક કે કોઇ પણ ચાલુ વાહન પરથી જાહેર રસ્તા કે જાહેર સ્થળ પર થૂંકનાર કે પાન-માવા-ફાકીની પિચકારી મારનાર કે ગુટકાનો ચોળેલો મસાલો કે અન્ય કચરો ફેકનાર કોઇ પણ નાગરીક સી.સી.ટી.વી કેમેરામાં ઝડપાશે તો તેના ઉપરથી વાહનના માલિકને તેમના ઘરે પ્રથમ વખત રૂ|.૨૫૦/- તથા બીજી વખત રૂ|.૫૦૦/- તથા બે વખતથી વધારે રૂ|.૭૫૦/- નો ઇ-મેમો મોકલવામાં આવશે. આ ઇ-મેમો મળતા વાહન માલિકોએ દિવસ-૭(સાત)ની અંદર ઇ-મેમાની રકમ નજીકની વોર્ડ ઓફીસ અથવા સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરવાની રહેશે. જો આ રકમ ભરપાઇ કરવામાં ન આવે તો સેનેટરી ઇન્સપેકટર મારફત રૂ|.૧૦૦૦/- ની રકમ રૂબરૂ વસુલ કરવામાં આવશે. '

આ પણ વાંચોઃ બદલાઈ રહ્યું છે અમદાવાદ, ઘટી ટ્રાફિકની સમસ્યા

ઉલ્લેખનીય છે કે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં વસતા તમામ નાગરિકો તેમજ શહેરની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓ માટે જાહેરનામુ બહાર પાડી  રાજકોટ શહેરમાં જાહેરમાર્ગો, જોવાલાયક સ્થળો, બાગ-બગીચા વિગેરે સ્થળોએ સંપુર્ણ સ્વચ્છતા જળવાઇ રહે તેમજ સ્વચ્છતા બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે તે માટે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK