જલારામબાપાની 220મી જન્મજયંતી નિમિત્તે વીરપુરમાં ભાવિકોની લાંબી લાઇન

Published: Nov 04, 2019, 10:30 IST | રાજકોટ

જૂનાગઢમાં શોભાયાત્રા નીકળી, ઠેર-ઠેર અન્નકૂટ, શોભાયાત્રા સહિતનાં આયોજનો

જલારામબાપા
જલારામબાપા

ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડા સંત શિરોમણિ પૂ. જલારામબાપાનો જન્મ અભિજિત નક્ષત્રમાં સંવત ૧૮૫૬ કારતક સુદ સાતમના દિવસે વીરપુર ગામમાં થયો હતો. જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો જેવા મંત્રથી સદાવ્રતની સેવાથી વિશ્વભરમાં જેની ખ્યાતિ છે તેવા સંત શિરોમણિ જલારામબાપાની ૨૨૦મી જન્મજયંતી ઊજવાઈ રહી છે. બાપાનાં દર્શન કરવા અને બાપાના આશીર્વાદ લેવા માટે મોડી રાતથી ભક્તો લાઇનમાં ઊભા છે.

વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા વીરપુરના રસ્તાઓ તેમ જ મેઇન બજારોમાં ધજા, પતાકા તેમ જ લાઇટિંગ ડેકોરેશન કરી રોશનીથી શણગારવામાં આવ્યા છે. વહેલી સવારે પૂ.બાપાના સમાધિ સ્થળે પૂ.બાપાના પરિવાર દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જય જલિયાણના નાદ સાથે વીરપુરમાં જલારામબાપાની ૨૨૦મી જન્મજયંતીની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. વીરપુરમાં ઠેકઠેકાણે જલારામબાપાના જીવનચરિત્રના ફ્લોટ ઊભા કરવામાં આવ્યા છે અને બાપાના જીવનચરિત્રને દર્શાવવામાં આવી રહ્યું છે.

વીરપુરમાં જાણે દિવાળી હોય એમ ઘરે-ઘરે રંગોળીઓ કરવામાં આવી છે. બાપાનાં દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી ભક્તોનો પ્રવાહ અવિરત આવી રહ્યો છે. જ્યારે દર્શન માટે ભક્તો મોડી રાતથી જ કતારમાં ઊભા રહી ગયા છે. જલારામબાપાનાં દર્શન માટે મોડી રાતથી જ કતારમાં ઊભેલા લોકો માટે સેવાભાવી સંસ્થાઓ અવિરત સેવા પૂરી પાડી રહી હતી જેમાં ભક્તો માટે નાસ્તાથી લઈને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાપાના ભક્તોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એ માટેની તમામ તકેદારી રાખવામાં આવી હતી.

જૂનાગઢ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામબાપાની ૨૨૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના આઝાદ ચોક, પોસ્ટઑફિસ રોડસ્થિત જલારામ મંદિર ખાતે અન્નકૂટ દર્શન અને શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સાંજે ૪ વાગ્યે જલારામબાપાનું જીવનચરિત્ર દર્શાવતા વિવિધ ફ્લોટ્‌સ સાથે શોભાયાત્રા આઝાદ ચોકથી વણઝારી ચોક, રાણાવાવ ચોક, કાળવા ચોક, જયશ્રી રોડ થઈને જલારામ સોસાયટીમાં પૂર્ણ થઈ હતી. આ ઉપરાંત ઝાંઝરડા ચોકડીસ્થિત જલારામ મંદિરે સવારે ૭ વાગ્યાથી વિવિધ કાર્યક્રમો અને સમૂહ ભોજનનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અનેક ગામડાંઓમાં પણ લોહાણા સમાજ દ્વારા શોભાયાત્રા, અન્નકૂટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

આ પણ વાંચો : મહા ૨૦૧૯નું ચોથું વાવાઝોડું, હવે પછીનું બુલબુલ હશે

જલારામ જયંતીના આગલે દિવસે જ વાંકાનેર શહેર ખાતે આવેલા ફળેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન જલારામબાપાની મૂર્તિને આજે એક શખ્સ દ્વારા ખંડિત કરતાં ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK