રાજાવાડી રોડની હાલત કફોડી

Published: 24th October, 2012 07:40 IST

રસ્તા પર ચોમાસા પહેલાં અને દરમ્યાન અનેક વખત કરવામાં આવેલા કામચલાઉ કામ છતાં અત્યારે પડ્યા છે મોટા ખાડાશહેરના રોડની જાળવણી પાછળ સુધરાઈ વર્ષે‍ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોવા છતાં રોડની હાલતમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. વિદ્યાવિહારમાં રાજાવાડી હૉસ્પિટલ તરફ જતા રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે અને આ બાબતે સુધરાઈના ઘાટકોપર વિસ્તારનો સમાવેશ કરતા ફ્ વૉર્ડની ઑફિસમાં કરવામાં આવેલી અનેક ફરિયાદો પર કામચલાઉ કામ કરીને છોડી દેવામાં આવે છે.

વિદ્યાવિહારના રહેવાસી પ્રતીક કપાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રસ્તા માટે સુધરાઈએ કાયમી ઉકેલ શોધી કાઢવો જોઈએ. દર વર્ષે‍ ચોમાસા પહેલાં રસ્તાનું કામ કરવામાં આવે છે. આ વર્ષે‍ ચોમાસા પહેલાં રોડ પર પડેલા ખાડાઓને પૂરવા માટે એમાં ડામર અને ખડી નાખીને સપાટ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ જેટલી વખત વરસાદ પડ્યો એટલી વખત ડામર અને ખડી ધોવાઈ ગયાં હતાં. જ્યારે-જ્યારે લોકો ફરિયાદ કરે ત્યારે સુધરાઈ દ્વારા ફરી એવું જ કામચલાઉ કામ કરવામાં આવતું હતું. અત્યારે રોડની હાલત નજરની સામે જ છે.’

ચેમ્બુર, ઘાટકોપર અને વિદ્યાવિહારથી રાજાવાડી હૉસ્પિટલ સુધી જવા માટે આ રોડ પર થઈને જ જવું પડે છે. ઍમ્બ્યુલન્સને પણ આ જ રોડ પરથી જવું પડે છે. આ રોડ પર રાજાવાડી હૉસ્પિટલના ટર્ન પાસે જ રસ્તા પર મોટો ખાડો પડી ગયેલો જોઈ શકાય છે.

રાજાવાડી વિસ્તારના રહેવાસી અરવિંદ મતેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વિદ્યાવિહારથી રાજાવાડી હૉસ્પિટલ જવા માટે વધુ એક રસ્તો છે, પરંતુ એ રોડ અત્યંત સાંકડો છે અને ગેરકાયદે ગૅરેજને કારણે આ રોડ પરથી વાહનની અવરજવર માટે જગ્યા જ રહેતી નથી. મોટા ભાગના લોકો નીલકંઠ વૅલીની સામેથી આવતા રોડનો જ ઉપયોગ કરતા હોવાથી આ રોડને સારો રાખવાની સુધરાઈની જવાબદારી છે.’

સુધરાઈનું શું કહેવું છે?

ઘાટકોપર વિસ્તારનો સમાવેશ કરતા સુધરાઈના ફ્ ર્વોડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રમોદ ખેડકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ચોમાસામાં વરસાદને કારણે રસ્તાની હાલત ખરાબ થઈ છે. ઘાટકોપર વિસ્તારના આવા ખરાબ થયેલા રોડની એક યાદી તૈયાર કરવામાં આવી છે. આ બધા જ રોડનું ડામરીકરણ ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે.’ 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK