Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટકો મૂંડો ટાઉં ટાઉંમાં રજતે એક ગીત સનત વ્યાસ પાસે પણ ગવડાવ્યું હતું

ટકો મૂંડો ટાઉં ટાઉંમાં રજતે એક ગીત સનત વ્યાસ પાસે પણ ગવડાવ્યું હતું

17 December, 2019 03:08 PM IST | Mumbai Desk
sanjay goradia | sangofeedback@mid-day.com

ટકો મૂંડો ટાઉં ટાઉંમાં રજતે એક ગીત સનત વ્યાસ પાસે પણ ગવડાવ્યું હતું

યાદગાર અનુભવ : ફિલ્મ ‘ઓમ દરબદર’નું પોસ્ટર

યાદગાર અનુભવ : ફિલ્મ ‘ઓમ દરબદર’નું પોસ્ટર


આપણે વાત કરીએ છીએ ફિલ્મ ‘ઓમ દરબદર’ની. આ વાત શરૂ થઈ આપણા નાટક ‘ટકો મૂંડો ટાઉં ટાઉં’ પરથી. મને મળેલી પહેલી ફિલ્મ ‘ઓમ દરબદર’ અમારા મ્યુઝિક-ડિરેક્ટર અને મારા દોસ્ત રજત ધોળકિયાને કારણે મળી હતી. રજત માટે અગાઉ પણ ઘણું લખ્યું છે અને ભવિષ્યમાં પણ જ્યારે તક મળશે ત્યારે હું એના વિશે તમને વાત કરીશ, પણ અત્યારે હું આ લખું છું ત્યારે મને રજતની એક બીજી ખાસિયત યાદ આવે છે. રજત બિનપરંપરાગત સિંગરને તક આપવામાં જરા પણ ગભરાતો નહીં, એક્સપરિમેન્ટ તેનો સ્વભાવ હતો અને આ સ્વભાવને તે આજ સુધી વળગી રહ્યો છે. 

‘ટકો મૂંડો ટાઉં ટાઉં’ની વાત કહું તો અમારા આ નાટકમાં રજતે ઍક્ટર સનત વ્યાસ પાસે એક ગીત ગવડાવ્યું હતું. સનતભાઈ કાંઈ સિંગર નહોતા. તેમનો અવાજ બહુ સારો પણ એમ છતાં તેમણે ક્યારેય પ્રોફેશનલી ગાવાનો પ્રયાસ કર્યો નહોતો. મહેન્દ્ર જોષીના નાટક ‘ખેલૈયા’માં તેમણે રિપ્લેસમેન્ટ કર્યું હતું અને એ સમયે સીનમાં તેમણે ગીત ગાયું હતું, પણ નાટકનું સિન્ગિંગ અને પ્રોફેશનલ સિન્ગિંગમાં ફરક હોય છે. જોકે સનત વ્યાસનો એ અવાજ રજત ધોળકિયાને ‘ટકો મૂંડો ટાઉં ટાઉં’ વખતે પણ યાદ હતો. એનું કારણ એ જ કે ‘ખેલૈયા’નું મ્યુઝિક પણ રજતે જ આપ્યું હતું.
‘ખેલૈયા’નું એ ગીત યાદ રાખીને રજતે સનતભાઈ પાસે ‘ટકો મૂંડો ટાઉં ટાઉં’માં ગીત ગવડાવ્યું. એ ગીતના શબ્દો હતા, ‘હથોડા માથા પર ઝીંકાય...’
આ ગીત મિહિર ભુતાએ લખ્યું હતું અને એ આ નાટકનું સિચુએશનલ સૉન્ગ હતું. બને છે એવું કે દિન્યાર કૉન્ટ્રૅક્ટર જે નાટકમાં ભૂત છે તેના પર લાલ લાઇટ પડે તો તે દેખાઈ જાય. નાટકનો જે વિલન હતો એ સાયન્સમાં ખૂબ માનનારો અને સાયન્સના આધારે કામ કરનારો હતો. જોગાનુજોગ ‘મિસ્ટર ઇન્ડિયા’નો વિલન મોગેમ્બો પણ સાયન્સમાં કાબેલ હતો અને નવી ટેક્નૉલૉજીને હાથવગી રાખનારો હતો. આ યોગાનુયોગ માત્ર છે. હું એવું બિલકુલ નથી કહેતો કે તેમણે અમારી કૉપી કરી છે કે અમારા વિલનનું કૅરૅક્ટર લીધું છે. આ સંયોગ માત્ર છે.
નાટકમાં એક તબક્કે અમારો જે વિલન છે એ લાલ લાઇટ ફેંકીને ટકાને પકડી લે છે અને પછી ટકાને તે તેના અડ્ડામાં બનેલા રિડક્શન ચેમ્બરમાં નાખી દે છે. તેના મનમાં એમ છે કે આ ટકાને એક નાનું બાળક બનાવી દઈએ. નાના બાળકનું મગજ કોરી પાટી જેવું હોય એટલે આપણે તેના પર જેકાંઈ લખીએ કે પછી તેને જેકંઈ શીખવીએ એ બધું તે કરે. વિલનને એમ હતું કે એ ટકો નાનું બાળક થઈ જશે એટલે તે તેના કહ્યામાં રહેશે અને પોતે કહેશે એ કામ કરશે. ટકો પકડાઈ જાય છે એટલે તેને સાડાછ ફુટ ઊંચા રિડક્શન બૉક્સમાં નાખી દેવામાં આવે છે, જેના પર ચડીને વિલનનો સાગરીત હથોડા મારતો જાય છે અને બૅકગ્રાઉન્ડમાં ‘હથોડા માથા પર ઝીંકાય...’ ગીત વાગે છે.
ગીતના અંતે એ આખું બૉક્સ સાડાછ ફુટના બૉક્સમાંથી ત્રણ ફુટનું થઈ જાય છે અને ગીત પૂરું થાય ત્યારે એ બૉક્સમાંથી નાનો, અઢી ફુટની હાઇટવાળો બેબી-ટકો બહાર આવે છે. બેબી-ટકાનો આ રોલ કર્યો હતો જગેશ મુકાતીએ.
હવે આપણે ફરી આવી જઈએ ફિલ્મ ‘ઓમ દરબદર’ પર. કમલ સ્વરૂપની આ ફિલ્મનું શૂટિંગ અજમેરથી શરૂ થયું. અજમેરમાં એક દિવસનું શૂટિંગ કરીને અમે પુષ્કર ગયા. પુષ્કરમાં એક મોટો કુંડ છે. એવી લોકવાયકા છે કે વર્ષના પાંચ દિવસ એવા છે જેમાં તમે આ કુંડમાં સ્નાન કરો તો તમને સ્વર્ગ મળે. સાચું-ખોટું રામ જાણે, પણ આવી લોકવાયકા છે અને ‘ઓમ દરબદર’ આ લોકવાયકા પર આધારિત ફિલ્મ હતી. ફિલ્મમાં મારું કૅરૅક્ટર પંડાનું એટલે કે પૂજારીનું. શાસ્ત્રોમાં કહેલા પેલા પાંચ દિવસ દરમ્યાન જે પૂજાવિધિ કરાવવા આવે તેને હું પૂજા કરાવું. પૂજા પછી એ કુંડમાં સ્નાન કરે અને પછી જે દક્ષિણા મળે એ મારી આવક. આમ પૂજારીને વર્ષમાં માત્ર પાંચ જ દિવસ કમાવા મળે. પંડાને વિચાર આવ્યો કે આપણે ભગવાનને રિક્વેસ્ટ કરીએ કે તમે પાંચ દિવસ નહીં, પણ ત્રણસો ને પાંસઠ દિવસ લોકો કુંડમાં સ્નાન કરે અને એ સ્વર્ગમાં જાય એવી વ્યવસ્થા કરે જેથી અમારી પૂજારીઓની દુકાન ચાલતી રહે.
અમે પહોંચ્યા પુષ્કર. ત્યાં જઈને જોયું તો અમે તો આભા જ રહી ગયા.
મોટો તંબુ બાંધ્યો હતો અને તંબુમાં લાઇનસર ગાદલાં પાથર્યાં હતાં. ત્યાં સૂવાનું અને સવારે બહાર ખુલ્લામાં નાહવાનું. કુદરતી હાજતે પણ ખુલ્લામાં જવાનું. આ વ્યવસ્થા હતી પ્રોડક્શનની. જમવામાં રોજ બે શાક બનતાં, સવારે આલુગોબી અને રાત્રે ગોબીઆલુ. અઠવાડિયામાં એક દિવસ ચેન્જ રહેતો, ગોબી અને ગોબીનું શાક રહેતું. આ બધું હું મસ્તીમાં કહેતો પણ ખરો અને અમારો ડિરેક્ટર કમલ સ્વરૂપ પણ એ સાંભળીને હસતો. મિત્રો, હું તમને એક કિસ્સો કહું ઃ એક વખત શાકમાં મીઠું નહોતું. બધાનાં મોઢાં પહેલા કોળિયે જ બગડ્યાં. પૂછ્યું તો ખબર પડી કે રસોઈ બનાવનારાને પણ ખબર હતી કે શાકમાં મીઠું નથી. આવું કરવાનું કારણ ખબર પડ્યા પછી સાહેબ, સાચે જ મીઠા વિનાનું શાક પણ ભાવ્યું હતું.
બન્યું એવું હતું કે નમક જે ડબામાં રાખ્યું હતું એ ડબો ખાલી કરીને કોઈ એમાં પાણી ભરીને કુદરતી હાજતે ગયો હતો. નમક નીચે ઢોળાયેલું હતું એટલે નમક નાખવામાં નહોતું આવ્યું.
હું ૧૫ દિવસ ત્યાં રોકાયો અને આવી અવસ્થામાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને પાછો આવ્યો. આ ૧૫ દિવસમાં કમલ મારો મિત્ર બની ગયો હતો. હું તો હરખાતો હતો કે ચાલો, બહુ તકલીફ પડી, પણ ફિલ્મ તો પૂરી કરી. ફિલ્મની રિલીઝની રાહ જોતો હું તો મારાં નાટકોમાં ઍક્ટિંગના કામે લાગી ગયો હતો. એક દિવસ બપોરે ભાઈદાસમાં શો હતો ત્યારે વિખ્યાત દિગ્દર્શક મહેન્દ્ર જોષી કમલને મારી પાસે લઈ આવ્યા અને કહ્યું કે કમલ તારી સાથે વાત કરવા માગે છે. ત્યારે કમલે મને કહ્યું કે મને તારી બીજા ૧૫ દિવસની ડેટ જોઈશે. મેં કારણ પૂછ્યું તો ખબર પડી કે કૅમેરા ખરાબ હોવાને કારણે ફિલ્મના રીલમાં કંઈ આવ્યું જ નથી. હું તો જોતો જ રહી ગયો, સાલું આવું કઈ રીતે બને, પણ મેં જેમ કહ્યું એમ, કમલ પોતે પ્રોડ્યુસર હતો અને ડિરેક્ટર પણ હતો. આગળ કહ્યું એમ, પ્રોડક્શન ખૂબ જ રેઢિયાળ હતું. ખેર, મેં તો ના પાડી દીધી. મારા ના પાડવાનાં બે કારણો હતાં. પહેલું કારણ, જે ૧૫ દિવસની તકલીફો વેઠીને મેં શૂટિંગ કર્યું હતું એ જ તકલીફો મારે ફરીથી સહન નહોતી કરવી અને બીજું કારણ, અહીં મારા નાટકના ઍક્ટિંગ અસાઇનમેન્ટને કારણે મારી પાસે આટલીબધી તારીખો પણ નહોતી. કમલે કોઈક બીજા ઍક્ટરને લઈને ફિલ્મ પૂરી કરી અને બહુ વર્ષો પછી માંડ-માંડ રિલીઝ થઈ.
કમલને ના પાડીને હું નવા નાટકના કામમાં જોડાઈ ગયો. ‘ટકો મુંડો ટાઉં ટાઉં’ની સક્સેસ પછી મને અમારા ફાઇનૅન્સર ડૉક્ટર સી. કે. શાહે કહ્યું કે આપણે બીજું નાટક સાથે બનાવીએ. મુંબઈ પાછો આવીને મેં એ કામ ચાલુ કરી દીધું. એ નવા નાટકની વાત કરીશું આવતા અઠવાડિયે...



ફૂડ ટિપ્સ


Sanjay Goradiya Food Tipsસ્વાદ તેરા મસ્તાના : આણંદમાં મસ્તાનાની દાબેલી ખાધા પછી તમને એક વાર વિચાર આવી જાય ખરો કે દાબેલીની શોધ ખરેખર ક્યાં થઈ હતી, કચ્છમાં કે આણંદમાં?

તમે ક્યારેય કોઈ દાબેલીવાળાને ત્યાં ઇન્કમ-ટૅક્સની રેઇડ પડી હોય એવું સાંભળ્યું છે? હા, એક દાબેલીવાળો છે જેને ત્યાં ઇન્કમ-ટૅક્સની રેઇડ પાડવામાં આવી હતી અને એ રેઇડ પણ ભૂલથી નહોતી પડી. બહુબધી સ્ટડી અને માહિતી મેળવ્યા પછી આ સ્ટેપ લેવામાં આવ્યું હતું. આ દાબેલીવાળા ભાઈ છે આણંદમાં. આણંદ સ્ટેશનની તમે બહાર નીકળો તો જમણી બાજુએ મસ્તાના દાબેલી નામની દુકાન છે.
રોજની ૧૫,૦૦૦થી પણ વધારે દાબેલી વેચે છે. આણંદ શહેરમાં જ તેની ત્રણથી ચાર બ્રાન્ચ છે પણ એની પહેલી દુકાન એટલે આ આણંદ રેલવે-સ્ટેશનની જમણી બાજુએ આવેલી દુકાન. મિત્રો, દાબેલીના પાઉંની સાઇઝ બીજી દાબેલીની સાઇઝ કરતાં ઘણી મોટી છે. દાબેલીમાં જે મસાલા સિંગ નાખવામાં આવે છે એ તેમણે પોતે બનાવેલી છે. દાડમના દાણા સાથેની આ દાબેલી અદ્ભુત છે. મીઠી અને લસણની ચટણી સાથેની આ દાબેલીનો સ્વાદ તમને કચ્છની ઓરિજિનલ દાબેલી કરતાં પણ વેંત ઊંચો લાગશે. આણંદ જવાનું બને તો ભૂલ્યા વિના અચૂક આ મસ્તાના દાબેલીનો ટેસ્ટ લેજો.


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2019 03:08 PM IST | Mumbai Desk | sanjay goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK