Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રાજેન્દ્ર કૃષ્ણને આ ઘટના પરથી કયા રોમૅન્ટિક ગીતની પ્રેરણા મળી

રાજેન્દ્ર કૃષ્ણને આ ઘટના પરથી કયા રોમૅન્ટિક ગીતની પ્રેરણા મળી

13 January, 2019 10:23 AM IST |
Rajni Mehta

રાજેન્દ્ર કૃષ્ણને આ ઘટના પરથી કયા રોમૅન્ટિક ગીતની પ્રેરણા મળી

રાજેન્દ્ર કૃષ્ણને આ ઘટના પરથી કયા રોમૅન્ટિક ગીતની પ્રેરણા મળી


વો જબ યાદ આએ (કલ્યાણજી આણંદજી સ્પેશ્યલઃ

રસમ અહીંની જુદી, રિવાજ અહીંના નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
- મનોજ ખંડેરિયા



કવિને માટે શબ્દો જ તેનું સાર-સર્વસ્વ હોય છે. આમ પણ કવિ નવું કંઈ કહેતો નથી, તે જે કંઈ કહે છે એ નવી રીતે કહે છે. એક ફ્લોરિસ્ટ પાસે આપણે જઈએ અને જોઈએ તો રંગબેરંગી ફૂલોનો ઢગલો તેની સામે પ્ાડ્યો હોય. ફક્ત બેથી ત્રણ મિનિટમાં એમાંથી એક પછી એક ફૂલને ચૂંટીને તે એક સરસ મજાનો બુકે બનાવે. એવી જ રીતે કવિ શબ્દોના અઢળક ખજાનામાંથી ચુનંદા શબ્દો ગોઠવીને એક સરસ કવિતાનું સર્જન કરે. એક વ્યાખ્યા યાદ આવે છે. ‘શબ્દોની સુંદર ગોઠવણી એટલે ગદ્ય અને સુંદર શબ્દોની સુંદર ગોઠવણી એટલે પદ્ય


હિન્દી ફિલ્મસંગીતના સુવર્ણયુગમાં અનેક માતબર કવિઓની ભાવવાહી રચના અને કર્ણપ્રિય સંગીતને કારણે આ ગીતો આજ સુધી લોકપ્રિય છે. ફિલ્મોમાં સિચુએશનને હિસાબે આ કવિઓ, જેમને આપણે ગીતકાર કહીએ છીએ, તેમની કલમે જે ગીતો લખાયાં એને કવિતા ન કહીએ તો તેમને મોટો અન્યાય કરી બેસીએ. શૈલેન્દ્ર, કૈફી આઝમી અને સાહિર લુધિયાનવી જેવા શાયરોની અમુક રચનાઓ પહેલાં લખાઈ અને ત્યાર બાદ ફિલ્મોમાં એનો ઉપયોગ થયો એ આ વાતની સાબિતી છે.

કલ્યાણજી-આણંદજીની જોડીએ અનેક નામી ગીતકારો સાથે કામ કર્યું. તેમની સાથેના અનુભવોની વાતો કેટલી રોમાંચક હશે એની મને કલ્પના પણ નહોતી. આજે એ યાદગાર ઘટનાઓ આણંદજીભાઈના શબ્દોમાં પ્રસ્તુત છે :


ગોવિંદા આલા રે આલા (‘બ્લફ માસ્ટર’) પલ પલ દિલ કે પાસ તુમ રહતી હો’ (બ્લૅકમેલ), ‘સુખ કે સબ સાથી, દુખ મેં ન કોઈ’ (ગોપી) અને બીજાં અનેક ગીતોના ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ ફિલ્મોમાં ડાયલૉગ પણ લખતા એટલે તેમનાં ગીત મોટે ભાગે બોલચાલની ભાષામાં હોય. ફિલ્મ ‘જૉની મેરા નામ’ માટે એક ગીતનું રેકૉર્ડિંગ કરવાનું હતું. અમે યાદ દેવડાવ્યું, ગીત આપો. પોતે રેસના જબરા શોખીન. એ દિવસોમાં રેસની સીઝન ચાલતી હતી. કહે, ‘એક બાર યે જૅકપૉટવાલા રેસ ખતમ હોને દો.’ અમે એ રેસ જોવા તેમની સાથ્ો ગયા હતા. ત્યાં કંઈ ગીતની વાત ન થાય. રવિવારે રેસ પતી ગઈ એટલે કાલે (સોમવારે) આ ગીતના સિટિંગ માટે હું ઘેર આવું છું એમ તેમણે કહ્યું અને અમે છૂટા પડ્યા. તે ટાઇમના ખૂબ જ પંક્ચ્યુઅલ હતા. બીજા દિવસે તેમનો ફોન આવ્યો, મૈં નહીં આતા હૂં, આપ ઘર પર આઇએ.’ અમને થયું કે તબિયત ખરાબ હશે એટલે અમે અને ગોલ્ડી (વિજય આનંદ) તેમના ઘેર પહોંચ્યા.

જેવા ઘરમાં દાખલ થયા એટલે અમને પેંડા ખવડાવ્યા. કહે, ‘કલ મેરા જૅકપૉટ લગા.’ એ જૅકપૉટ કૅરી ફૉર્વર્ડ જૅકપૉટ હતો એટલે ૪૦ લાખ રૂપિયાની લૉટરી લાગી. તેમને ઇઈન્ટ્યુશન હતું કે આવું થવાનું છે, પણ અમને કોઈને એ વાત કરી નહોતી. આવા ખુશીના માહોલમાં ગીત વિશે શું વાત કરવી એટલે અભિનંદન આપી અમે જવાની તૈયારી કરી તો કહે, ‘ગાના નહીં ચાહિએ?’ અમે કહ્યું, ‘ગાના તો ચાહિએ’ એટલે તે બોલ્યા, ‘તો ફિર લે લો ના. જૅકપૉટ પર હી લિખા હૈ. મુખડે કી શુરુઆત લિખો.’

‘ઓ... મેરે રાજા, ખફા ન હોના, દેર સે આઈ દૂર સે આઈ, વાદા તો નિભાયા.’

‘યે બાત જૅકપૉટ મુઝે કહ રહા હૈ.’ આ સાંભળી અમે કહ્યું, ‘વાહ, અચ્છા મુખડા હૈ.’ અમને થયું ડ્યુએટ ગીત છે એટલે મુખડું પૂરું કરી કાલે આખું ગીત કરીને લાવશે એટલે અમે ફરી પાછા જવાની ચેષ્ટા કરી તો કહે, ‘અંતરા નહીં ચાહિએ?’ અમે કહ્યું. ‘હાં હાં.’ તો કહે, ‘અબ મૈં જૅકપૉટ સે ક્યા બોલતા હૂં વો અંતરે મેં લિખો.’

ઇન્તઝાર કે ઇક ઇક પલ કા બદલા લૂંગા, યે ન સમજના આજ ભી ઐસે જાને દૂંગા
કિતના સતાયા પહલે ઉસકા હિસાબ દો, અંખિયોં મેં અંખિયાં ડાલ કે જવાબ દો

હીરો (દેવ આનંદ) અને હિરોઇન (હેમા માલિની) વચ્ચે જે નોકઝોક થાય છે એ બોલચાલની ભાષામાં સરસ રીતે આ ગીતમાં કહેવાઈ છે. બીજા દિવસે આ ગીતનું રેકૉર્ડિંગ થયું. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બીજાં ગીતો સાથે આ ગીત સૌથી વધુ લોકપ્રિય થયું.’

આણંદજીભાઈ પાસેથી આ કિસ્સો સાંભળીને મને જાણીતી ઉક્તિ યાદ આવી ગઈ. ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.’ કવિ પોતે એક ભૌતિક બનાવને ઊંડાણપૂર્વક માણીને આ રીતે જુદા જ સંદર્ભમાં વ્યક્ત કરી શકે એ કમાલની વાત છે. ‘રાજેન્દ્ર કૃષ્ણ જેવા અનુભવી કવિએ લખેલું આ રોમૅન્ટિક ડ્યુએટ તમે પૂરું સાંભળો તો કલ્પના પણ ન આવે કે કઈ ઘટના પરથી પ્રેરણા લઈ આ ગીત લખાયું હશે. સાથે કલ્યાણજી-આણંદજીના સંગીતને પણ દાદ આપવી જોઈએ કે આ ગીતની સિચુએશનને બરકરાર રાખી જે મસ્તીભરી છેડછાડની અદાયગીથી કિશોરકુમાર અને આશા ભોંસલેના સ્વરમાં આ ગીત રેકૉર્ડ કરાવ્યું છે એ કાબિલે દાદ છે.

એ દિવસોમાં એવી માન્યતા હતી કે જો ઉદૂર્ શબ્દોનો વધુ ઉપયોગ થાય તો જ ગીત લોકપ્રિય બને. આ ચલણથી વિરુદ્ધ જઈને અમુક કવિઓ શુદ્ધ હિન્દી ભાષામાં ગીતો લખતા. કવિ થવાની પહેલી શરત એ હોય છે કે તે પોતાની ભાષાને પ્રેમ કરતો હોય. ફિલ્મોમાં શુદ્ધ હિન્દી ભાષામાં ગીતો લખતા જાણીતા કવિઓ હતા પંડિત નરેન્દ્ર શર્મા, કવિ પ્રદીપ અને ભરત વ્યાસ. એમાનાં એક કવિ પ્રદીપને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે, ‘ફિલ્મ ‘બજરંગબલિ’ અને ‘હરિદર્શન’ના ગીતકાર કવિ પ્રદીપ પૂરા ગીતની જવાબદારી પોતાના પર લઈ લે. સિટિંગમાં બેઠા હોઈએ એટલે કહે, ‘એક સુનો’ એમ કહી આપણને પંક્તિ સંભળાવે. બીજી ચૉઇસ પણ આપે. પછી કહે, ‘એક લિખો’ એમ કહીને બીજું ગીત સંભળાવે. અમારે ત્રણ અંતરા જોઈતા હોય તો પાંચ અંતરા લખાવે. અને પછી કહે, ‘મેરે હિસાબ સે યે તીન અંતરે સહી હૈ’ પોતે લખેલું ગીત કમ્પોઝ કરીને લાવે. જોકે એવો કોઈ આગ્રહ ન હોય કે આ જ ધૂન રાખો. અમુક સંગીતકારો તેમની જ ધૂનો વાપરતા, કારણ કે પોતાને મહેનત ઓછી કરવી પડે.’

આણંદજીભાઈ જ્યારે કવિ પ્રદીપની વાત કરતા હતા ત્યારે સંગીતકાર ઓ. પી. ન્ૌયરે, તેમનો અનુભવ મારી સાથે શૅર કર્યો હતો એ યાદ આવ્યો. એ વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.

‘ફિલ્મ ‘સંબંધ’ માટે એસ. મુખરજીએ મારી સાથે ગીતકાર તરીકે કવિ પ્રદીપને લીધા ત્યારે લોકો કહેતા હતા કે આ અજીબ કૉમ્બિનેશન છે. મારી ઇમેજ એક રોમૅન્ટિક મ્યુઝિક ડિરેક્ટરની અને કવિ પ્રદીપ, ધાર્મિક અને સામાજિક ફિલ્મોના ગીતકાર તરીકે જાણીતા હતા. એક દિવસ તે સિટિંગમાં આવ્યા અને કહે, ‘એક સરસ ગીત લખ્યું છે, સાંભળો. અને પોતે બનાવેલી ધૂનમાં ગાવાનું શરૂ કર્યું, ‘ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા, તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા...’ ગીત પૂરું થયું અને મને કહે, ‘કૈસા લગા?’ મેં કહ્યું, ‘અચ્છા હૈ.’ એટલે કહે, ‘ગાના તૈયાર હૈ ઔર ધૂન ભી. બસ આપ રેકૉર્ડ કર સકતે હો.’ મંે કહ્યું, ‘આપને ગાના સહી લિખા હૈ લેકિન ટ્યુન મૈં બનાઉંગા.’ તો કહે, ‘પર સિચુએશન કે હિસાબ સે ગાના યહી ટ્યુન મેં અચ્છા લગતા હૈ.’

મેંને હાર્મોનિયમ બંદ કિયા ઔર વહાં સે નિકલ ગયા.

જબ મુખરજી સાબ કો ઇસ બાત કા પતા ચલા તો ઉન્હોને મુઝે ફોન કિયા. વો મેરે સ્વભાવ કો જાનતે થે. પૂછને લગે, ‘ક્યા હુઆ કિ આપ અચાનક સિટિંગ છોડ કર નિકલ આએ?’ મેંને પૂરા કિસ્સા બતાયા ઔર કહાં, ‘આપકો ગીતકાર ઔર સંગીતકાર સાથ મેં મિલ રહે હૈં તો મેરી જરુરત ક્યા હૈ?’ ઉન્હોંને કહા, ‘નહીં નહીં, આપ હી મ્યુઝિક-ડિરેક્ટર હો. મેં પ્રદીપજી સે બાત કરતા હૂં.’ બાદ મેં મેંને પ્રદીપજી કો ઇસ ગાને કી ધૂન સુનાઈ તો કહને લગે, વાહ, ક્યા બાત હૈ. આપ કી બાત સહી હૈ. ઇસ ગીત કો આપને નયા જન્મ દિયા હૈ.’

ઓ. પી. નૈયર તેમની ખુદ્દારી અને ખુમારી માટે જાણીતા હતા. મુકેશના સ્વરમાં ગવાયેલું આ ગીત અત્યંત લોકપ્રિય બન્યું. ઓ. પી. નૈયર હંમેશાં માનતા કે એક ગીતની સફળતામાં પહેલાં સંગીતકારનો, ત્યાર બાદ ગીતકારનો અને એ પછી ગાયક કલાકારનો ફાળો હોય છે. એટલે જ આ વાતને સિદ્ધ કરતા હોય તેમ જીવનભર લતા મંગેશકરના સ્વરનો સહારો લીધા વગર તેમણે અનેક લોકપ્રિય ગીતોનું સર્જન કર્યું.

એક બીજા લોકપ્રિય ગીતકાર સાથેનાં સંભારણા યાદ કરતાં આણંદજીભાઈ કહે છે, ‘આનંદ બક્ષી સાથે ‘મહેંદી લગી મેરે હાથ’, ‘ફૂલ બને અંગારે’, ‘જબ જબ ફૂલ ખિલે’ અને બીજી અનેક ફિલ્મોમાં કામ કર્યું. ‘જબ જબ ફૂલ ખિલે’ માટે એક રોમૅન્ટિક સૉન્ગનું મુખડું મેં તેમને આપ્યું, ‘ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બૈઠે.’ તે કહે, ‘આ તો સ્ટેટમેન્ટ છે. આમાં કવિતા ક્યાં છે?’ જોકે પ્રોડ્યુસરને આ લાઇન ગમી ગઈ. તેમણે આનંદ બક્ષીને ચïૅલેન્જ આપી. આનાથી વધુ સારું મુખડું લઈ આવો. તેમણે ઘણાં મુખડાં સંભળાવ્યાં, પણ આ વાત બનતી નહોતી. અંતે આ મુખડા પર તેમણે ગીત પૂરું કર્યું. જોકે તે રાજી નહોતા. અમને કહે, ‘અગર યે ગાના ચલ ગયા તો મેં તુમ્હારી ટાંગ કે નીચે સે ગુઝર જાઉંગા.’ ફિલ્મનું આ ગીત અને બાકીનાં દરેક ગીત હિટ થયાં. અમારી વ્વચ્ચે મસ્તીમજાકનો સંબંધ હતો. અમે વારંવાર તેમને યાદ દેવડાવતા, ‘ક્યારે પ્રૉમિસ પૂરું કરો છો?’

ફિલ્મ ‘વિધાતા’માં એક કૅબરે ડાન્સર ગીત ગાય એવી સિચુએશન હતી. સુભાષ ઘઈને આનંદ બક્ષીએ લખેલાં મુખડાં પસંદ નહોતાં આવતાં. તે કહે, ‘કુછ અલગ ચાહિએ.’ એ દિવસોમાં બપ્પી લાહિરી વાત કરતાં-કરતાં ‘ઉડી બાબા’ શબ્દોનો વારંવાર પ્રયોગ કરે. એનો અર્થ થાય ‘બાબા રે બાબા’. કોઈ વાતની અતિશયોક્તિ કરતી વખતે આ શબ્દો વાપરે. અમે આનંદ બક્ષીને સૂચન કર્યું, મુખડામાં આવો કોઈ શબ્દ આવવો જોઈએ. તેમને આ વાત જંચતી નહોતી અમે સૌ વિચાર કરતા હતા. આવી ચૅલેન્જિંગ પરિસ્થિતિમાં કામ કરવાની અલગ મજા છે. ફિલ્મમાં છોકરો એકદમ શાંત સ્વભાવનો અને છોકરી એકદમ મૉડર્ન બતાવી છે. અમે ગીતનું મીટર બનાવ્યું અને ડમી શબ્દો મૂક્યા, ‘આ આ ઈ ઈ ઉ ઉ એ એઈ ઉડી બાબા ઉડી બાબા...’ સુભાષ ઘઈને આ ડમી મુખડું જ ગમી ગયું. બક્ષી કહે, ‘યે ક્યા કોઈ ગાના હૈ?’ ઘઈ કહે, ‘ના, આ જ મુખડું આગળ વધારો.’ કમને બક્ષીએ મુખડું પૂરું કર્યું, ‘નશા યે કૈસા ઉડી બાબા ઉડી બાબા મુઝે હો ગયા ઉડી બાબા ઉડી બાબા દિલ મેરા ખો ગયા.’ આમ પૂરું ગીત લખાયું અને રેકૉર્ડ થયું. લોકોને આ ગીત ખૂબ ગમ્યું.’

આનંદ બક્ષી ઊંચા કદના, લાલઘૂમ ગુલાબી ચહેરો અને પ્રભાવશાળી વ્યક્તિત્વ; પણ તેમને પ્લેનમાં બેસવાનો ખૂબ ડર લાગે. પોતે મિલિટરી બૅકગ્રાઉન્ડમાંથી આવેલા એટલે આપણને નવાઈ લાગે. એક વાર મદ્રાસ જવાનું હતું. કલ્યાણજીભાઈ પણ પ્લેનની મુસાફરી ટાળતા. તેમની અને બક્ષીની ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. કલ્યાણજીભાઈએ બક્ષીને કહ્યું, ‘આપ ચલતે હો તો મૈં ભી પ્લેન મેં ચલુંગા.’ એટલે બક્ષીએ હા પાડી. બીજા દિવસે પાછા ફસકી ગયા. અમે કહ્યું, એક વાર હા પાડી છે તો આવવું પડશે. એટલે કહે, ‘ચલતા હૂં, પર મર જાઉંગા તો?’ અમે કહ્યું, ‘ડરો મત, કુછ નહીં હોગા.’ બીજા દિવસે ઍરર્પોટ પર આવ્યા, પણ ગભરાટના માર્યા પરસેવાથી રેબઝેબ હતા. પ્લેનમાં બેઠા એટલે બારી બંધ કરી ખિસ્સામાંથી ભગવાનનો ફોટો કાઢી આંખ મીંચીને પ્રાર્થના કરવા માંડ્યા. અમને કહે, ‘મારા છોકરાએ કહ્યું છે ડર લાગે તો પ્રાર્થના કરજો. ‘થોડી વાર થઈ એટલે પૂછે, પ્લેન ઊડ્યું કે નહીં? અમે કહ્યું, ક્યારનું ઊડે છે. તો કહે, ના, તમે ખોટું બોલો છો. અમે કહ્યું, ‘વિશ્વાસ ન હોય તો બારી ખોલીને જોઈ લો.’ તો કહે ના, બારી નહીં ખોલવા દઉં. તેમનો ચહેરો જોવા જેવો હતો અને પછી કહે, ‘માં કસમ. અબ તો મૈં ગયા.’

‘દો બેચારે બિના સહારે, દેખો પૂછ પૂછ કર હારે’ (વિક્ટોરિયા નં. ૨૦૩), ‘હમ બોલેગા તો બોલંેગે કે બોલતા હૈ’ (કસૌટી) અને ‘પ્રિયે પ્રાણેશ્વરી હૃદયેશ્વરી યદિ આપ હમેં આદેશ કરેં તો પ્રેમ કા હમ શ્રી ગણેશ કરેં (હમ, તુમ ઔર વો)ના ગીતકાર વર્મા મલિક જેટલી ઝડપથી કોઈ ગીત ન લખી શકે. જોકે કોઈ વાર આમાં ફસાઈ પણ જવાય. અમે રાજ કોહલીની એક ફિલ્મ કરી હતી ‘રાજતિલક’. ગીત માટે સિટિંગ કરીએ, કારણ કે સિચુએશન શું છે એ જાણવું જરૂરી હોય. ડિરેક્ટર આખો દિવસ ઘોડાની જ વાત કરે. તેને શું જોઈએ એ સમજાય નહીં. ઇધર સે ઘોડે આતે હંૈ, ઉધર સે એક ગ્રુપ આતા હૈ, વાપસ એક ઔર સે દૂસરે ઘોડે આતે હંૈ.’ આવી વાતો કર્યા કરે. વર્મા મલિક છેવટે કંટાળ્યા. આને શું જોઈએ છે? જોકે તેમણે આનો રસ્તો કાઢ્યો અને ગીત લખ્યું. શબ્દો હતા :

આ ગએ, આ ગએ, આ ગએ
એક નહીં, દો નહીં, તીન ચાર
બિન બુલાએ ચલે આએ કંઈ હઝાર
મહેફિલ સજાનેવાલે, રંગ જમાનેવાલે,
જલવા દિખાનેવાલે, દેખો હમ આ ગએ
આ ગએ, આ ગએ, આ ગએ

કિશોરકુમાર, અનુરાધા પૌડવાલ, અલકા યાજ્ઞિક અને સાધના સરગમના અવાજમાં અમે આ ગીત રેકૉર્ડ કર્યું જે લોકપ્રિય થયું.

શરૂઆતમાં વર્મા મલિક પંજાબી ફિલ્મોમાં ગીત લખતા. પછી મુંબઈ આવ્યા, પણ હિન્દી ફિલ્મોમાં ખાસ મોકો ન મળ્યો. એટલે નક્કી કર્યું કે પંજાબ પાછા જવું છે. મહેન્દ્ર કપૂર પાસે ગયા. કહે, ‘હું મુંબઈથી કંટાળ્યો છું. ગામ જાઉં છું. ગાડીભાડાના પૈસા ઉધાર આપો.’ મહેન્દ્ર કપૂરે સમજાવ્યા, ‘આમ હિંમત ન હારો. ચાલો તમને મનોજકુમાર પાસે સિટિંગમાં લઈ જાઉં છું. કંઈક વાત બનશે.’ ત્યાં ગયા એટલે મનોજકુમારને તેમનું લખેલું એક ગીત યાદ આવ્યું. અને ફરમાઈશ કરી એટલે તેમણે ‘એક તારા બોલે ટૂન ટૂન, ક્યા કહે યે તુમ સે સુન સુન’ સંભળાવ્યું. મનોજકુમાર સહિત સૌને ગીત એટલું ગમી ગયું કે ફિલ્મ ‘યાદગાર’માં અમે મહેન્દ્ર કપૂરના અવાજમાં એ રેકૉર્ડ કર્યું. આ પછી તો હિન્દી ફિલ્મોમાં તેમની ડિમાન્ડ એટલી વધી ગઈ કે દિવસમાં બેત્રણ ગીતો લખવા માંડ્યાં. તકદીરનો ખેલ નિરાળો છે. લાખ પ્રયત્નો પછી તમે થાકીને મંઝિલની સાવ નજીકથી પાછા ફરવાનો નિર્ણય કરો છો ત્યારે જ તમારો હાથ પકડીને તે સાચી દિશામાં લઈ જાય છે. સવાલ ઈશ્વરમાં શ્રદ્ધાનો છે.

આણંદજીભાઈએ જીવનની ફિલોસૉફી સમજાવતાં વાત આ વાત પૂરી કરી અને મને ગની દહીંવાલાની પંક્તિઓ યાદ આવી ગઈ :

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2019 10:23 AM IST | | Rajni Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK