રાજ ઠાકરે સબસ્ટન્સ કરતાં સ્ટાઇલમાં વધારે માને છે એટલે જ ફેંકાઈ ગયા છે

Published: 8th October, 2014 05:31 IST

વિધાનસભાની ચૂંટણી પછી રાજ શિવસેના અને ઉદ્ધવ પરત્વે કૂણા પડે અને નજીક આવે એવી શક્યતા ઘણી જ છે. ઉદ્ધવ નથી રાજની ટીકા કરતા કે નથી તેમની ઉપેક્ષા કરતા, પણ તેમને નજીક લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એમાં તેમની દૂરંદેશી અને વ્યવહારુતા જોવા મળે છે. બે પિતરાઈને નજીક લાવવામાં બાળ ઠાકરે જ્યાં નિષ્ફળ નીવડ્યા હતા ત્યાં મોદી સફળ થયા છે
મંતવ્ય-સ્થાન - રમેશ ઓઝા

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં BJPને વધારે બેઠકો મળશે કે શિવસેનાને? કૉન્ગ્રેસને વધારે બેઠકો મળશે કે NCPને? BJPને એકલા હાથે બહુમતી મળશે ખરી? આ કેટલાક પ્રશ્નો છે જે મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાઈ રહ્યા છે. માત્ર એક પ્રશ્ને ચર્ચા નથી થતી અને એ છે રાજ ઠાકરે. રાજ ઠાકરે ગણનાપાત્ર પાંચમા ખેલાડી પણ નહીં હોય એ નિશ્ચિત છે.

મહારાષ્ટ્રમાં ચર્ચાનો બીજો વિષય ચૂંટણી પછી કોણ કોની સાથે જોડાણ કરશે એનો છે. પરિણામો પછી બેઠકો ઓછી પડે તો શું BJP અને શિવસેના વચ્ચે પાછું જોડાણ થાય ખરું? જો બે પક્ષો વચ્ચે મુખ્ય પ્રધાનપદનો વિવાદ ઊકલે નહીં તો BJP અને NCP વચ્ચે જોડાણ શક્ય ખરું? કૉન્ગ્રેસ અને NCP વચ્ચે ફરી યુતિ થઈ શકે? અહીં પણ એક પ્રશ્ન પૂછવામાં આવતો નથી : પરિણામો પછી રાજ ઠાકરે કોઈ પક્ષ સાથે જોડાણ કરીને કે ટેકો આપીને બાર્ગેઇન કરવાની સ્થિતિમાં હશે ખરા?

હવે જે પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે એમાં પહેલા વર્ગના પ્રશ્નોના ઉત્તર આપવા એ આજના યુગમાં મૂર્ખાઈ ગણાશે. લોકોનો મૂડ કળવો મુશ્કેલ છે અને એ મીડિયાને કારણે, વિશેષ કરીને સોશ્યલ મીડિયાને કારણે સતત બદલાતો રહે છે. દસ રાજ્યોની પેટાચૂંટણીમાં BJPને થપ્પડ પડશે એની કલ્પના BJPના દુશ્મનોએ પણ નહોતી કરી. ગુજરાત અને રાજસ્થાનમાં વોટના પ્રમાણમાં આઠથી દસ ટકાનો ઘટાડો થાય એ તો આશ્ચર્ય છે. એવી જ રીતે BJPને લોકસભાની ચૂંટણીમાં સ્પક્ટ બહુમતી મળશે એની કલ્પના ખુદ નરેન્દ્ર મોદીએ પણ નહોતી કરી. આમ ચૂંટણીનાં પરિણામો વિશે અંદાજ લગાડવામાં જોખમ છે અને ખાતરીપૂર્વક કહેવામાં મૂર્ખાઈ છે.

બીજા વર્ગના પ્રશ્નોનો ઉત્તર કોને કેટલી બેઠકો મળે છે એના પર નિર્ભર છે. સ્વાભાવિક પુન: જોડાણ કૉન્ગ્રેસ અને NCP વચ્ચે અને BJP અને શિવસેના વચ્ચે થઈ શકે છે. જો પરિણામો ધારણા બહારનાં આવે તો અણધાયાર઼્ જોડાણો પણ થઈ શકે છે. BJP-NCP વચ્ચે અને શિવસેના-NCP વચ્ચે જોડાણ શક્ય છે. નરેન્દ્ર મોદીએ ચૂંટણીપ્રચારમાં પહેલાં શિવસેનાની ઉપેક્ષા કરી હતી. મુંબઈની રૅલી નબળી ગઈ અને મહારાષ્ટ્રમાં અન્ય સ્થળે પ્રવાસ કર્યા પછી તેમને લાગ્યું હતું કે શિવસેનાની ઉપેક્ષા થઈ શકે એમ નથી અને એની ટીકા કરવામાં પણ જોખમ છે એટલે તેમણે બાળ ઠાકરેની પ્રસંશા કરી હતી અને શિવસેનાની ઉપેક્ષા કે ટીકા કરવાનું ટાળ્યું હતું. અત્યારે તેઓ શરદ પવાર અને કૉન્ગ્રેસને ટાર્ગેટ બનાવી રહ્યા છે. શરદ પવાર પણ કૉન્ગ્રેસની જગ્યાએ નરેન્દ્ર મોદીને અને BJPને ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ તો વધુમાં વધુ બેઠકો મેળવવાનો બન્ને પક્ષે ખેલ છે. બાકી ચૂંટણી પછી BJPને જો બહુ ઓછી બેઠકો ખૂટતી હશે તો એ શિવસેનાની જગ્યાએ NCP સાથે જોડાણ કરી શકે છે. આવી જ રીતે શિવસેનાને જો બહુ ઓછી બેઠકો ખૂટતી હશે તો એ NCP સાથે જઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે શરદ પવારની ટીકા કરવાનું ટાળે છે એ સૂચક છે.

ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદી કરતાં સાવ અલગ નીતિ અપનાવી છે. તેમણે બીજા પ્રતિસ્પર્ધી પક્ષોને છોડીને એકલા BJPને અને નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવ્યા છે. ન ઉપેક્ષા, ન પ્રશંસા; પણ આક્રમણ. ઉદ્ધવ ઠાકરેને એમ લાગે છે કે શિવસેનાનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી પક્ષ BJP છે અને મતદાતાઓને આકર્ષનારો ધ્રુવ નરેન્દ્ર મોદી છે. તેઓ BJP સામે સેનાને અને નરેન્દ્ર મોદી સામે પોતાને એક ધ્રુવ તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. તેમણે નરેન્દ્ર મોદીને અફઝલ ખાન સાથે સરખાવ્યા છે. અફઝલ ખાન બીજાપુરના આદિલશાહી સુલતાનના પ્રતિનિધિ તરીકે શિવાજીને મારવા માટે અને મહારાષ્ટ્રના શિવાજીના રાજ્યને છીનવી લેવા પુણે આવ્યો હતો. ઉદ્ધવ કહે છે કે નરેન્દ્ર મોદી મુંબઈ અને વિદર્ભને મહારાષ્ટ્રમાંથી છીનવી લેવા માગે છે. ઉદ્ધવ જાણે છે કે નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થકોના મત શિવસેનાને મળવાના નથી, પણ જો ગ્થ્ભ્વિરોધી અને મોદીવિરોધી વલણ અપનાવવામાં આવે તો મરાઠી અસ્મિતાવાદીઓના મત શિવસેનાને મળી શકે એમ છે.

પ્રવાહી રાજકીય સ્થિતિમાં એક વાત નક્કી છે કે રાજ ઠાકરે એમાં ક્યાંય નથી. ઉદ્ધવ ઠાકરે પણ જાણે છે કે આ વખતે રાજ ઠાકરે મરાઠી મતોને તોડીને શિવસેનાને બહુ નુકસાન પહોંચાડી શકે એમ નથી. ચૂંટણી પછી રાજ ઠાકરે કોઈ પક્ષ સાથે બાર્ગેઇનિંગ કરવાની સ્થિતિમાં નહીં હોય. મહારાષ્ટ્રમાં પહેલી વાર રાજ ઠાકરેની સરાસર ઉપેક્ષા થઈ રહી છે. રાજ ઠાકરેએ પોતે પોતાના માટે અને MNS માટે આવી સ્થિતિ પેદા કરી છે. તેમની સમસ્યા એ છે કે તેઓ સબસ્ટન્સ કરતાં સ્ટાઇલમાં વધુ માને છે. તેમણે છેલ્લાં સાત વર્ષમાં તેમના પક્ષને મહારાષ્ટ્રમાં સવર્‍ત્ર વિસ્તારવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. આટલાં વર્ષ પછી પક્ષની બાંધણી જ તેમણે કરી નથી. મહારાષ્ટ્રના વિકાસની રૂપરેખા રજૂ કરવાનું આપેલું વચન પૂરું કરતાં તેમને સાત વર્ષ લાગ્યાં હતાં અને એ પછી તેમણે જે રૂપરેખા રજૂ કરી છે એમાં નોંધ લેવા જેવું પણ કંઈ નથી. રાજ ઠાકરે તેમના કાકા બાળ ઠાકરેની માફક મુંબઈની બહાર જતા નથી કે મહેનત કરતા નથી. બાળ ઠાકરે જેવું ગંભીરતા વિનાનું રાજકારણ કરતા હતા એવું જ રાજકારણ રાજ કરી રહ્યા છે. માતોશ્રીમાં બેસીને રાજકારણ કરવાના દિવસો પૂરા થઈ ગયા છે. જે વાત રાજ ઠાકરેને નથી સમજાઈ એ વાત ઉદ્ધવને સમજાઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરે પાસે રાજ જેવો કરિશ્મા ન હોવા છતાં ઉદ્ધવે સરસાઈ મેળવી છે એનું કારણ ઉદ્ધવની મહેનત છે.

આ સ્થિતિમાં ચૂંટણી પછી રાજ શિવસેના અને ઉદ્ધવ પરત્વે કૂણા પડે અને નજીક આવે એવી શક્યતા ઘણી છે. ઉદ્ધવ ઠાકરે નથી રાજની ટીકા કરતા કે નથી તેમની ઉપેક્ષા કરતા, પણ તેમને નજીક લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એમાં તેમની દૂરંદેશી અને વ્યવહારુતા જોવા મળે છે. જે બાળ ઠાકરે નહોતા કરી શક્યા એ નરેન્દ્ર મોદીના ઉદય પછી મહારાષ્ટ્રની બદલાયેલી રાજકીય વાસ્તવિકતાને કારણે શક્ય છે. એમ પણ કહી શકાય કે બે પિતરાઈઓને નજીક લાવવામાં બાળ ઠાકરે જ્યાં નિષ્ફળ નીવડ્યા હતા ત્યાં નરેન્દ્ર મોદી સફળ થયા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK