સારું થયું અજિતદાદા પવારનું પૈસાનું અભિમાન ઊતરી ગયું : રાજ ઠાકરે

Published: 18th October, 2011 21:12 IST

એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘એનસીપીનાં ઉમેદવાર હર્ષદા વાંજળેનો ખડકવાસલાની પેટાચૂંટણીમાં પરાજય થયો એ ખરાબ લાગે છે, પરંતુ એક રીતે સારું થયું કે અજિતદાદા પવારનું પૈસાનું અભિમાન ઊતરી ગયું. રમેશ વાંજળે એમએનએસમાં હતા ત્યારે તેમનું સોનું થયું હતું, પરંતુ તેમના નિધન બાદ તેમનાં પત્ની એનસીપીમાં ગયાં અને તેમની માટી થઈ ગઈ.’


રમેશ વાંજળે એમએનએસના વિધાનસભ્ય હતા અને તેમના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર એમએનએસે ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો.

એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી) અને બીજેપી (ભારતીય જનતા પાર્ટી) માટે અત્યંત પ્રતિષ્ઠાની બનેલી ખડકવાસલા મતદારસંઘની વિધાનસભા પેટાચૂંટણી બીજેપીના ઉમેદવાર ભીમરાવ તપકીરે જીતી લીધી હતી. આ બેઠક પરથી ગોલ્ડમૅન તરીકે ઓળખાતા એમએનએસ (મહારાષ્ટ્ર નવનર્મિાણ સેના)ના વિધાનસભ્ય રમેશ વાંજળેના મૃત્યુ બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. એનસીપીએ રમેશ વાંજળેનાં પત્ની હર્ષદા વાંજળેને ઉમેદવારી આપી હતી, પરંતુ તેમનો ૩૮૮૫ મતે પરાજય થયો હતો. આ બેઠક સુપ્રિયા સુળેના બારામતી સંસદીય મતદારસંઘનો હિસ્સો હોવાથી એનસીપી માટે અત્યંત પ્રતિષ્ઠાની હતી. એનસીપીનાં સંસદસભ્ય અને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ એનસીપીના ઉમેદવારની હારની જવાબદારી પોતે સ્વીકારતાં હોવાનું જણાવ્યું હતું.

આ તો શિવશક્તિ-ભીમશક્તિનો વિજય : ઉદ્ધવ

શિવેસનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ બીજેપીના ભીમરાવ તપકીરના વિજયને નવી બનાવવામાં આવેલી ભીમશક્તિ-શિવશક્તિના ગઠબંધનની વિજયી શરૂઆત ગણાવતાં કહ્યું હતું કે ‘શિવશક્તિ-ભીમશક્તિ ગઠબંધનનો આ વિજય છે. એનસીપી પૂરી તાકાત સાથે મેદાનમાં ઊતરી હતી છતાં જીતી શકી નહોતી. શિવશક્તિ-ભીમશક્તિનું ગઠબંધન રાજ્યમાં રાજકીય તખ્તો પલટી નાખશે અને એની શરૂઆત ખડકવાસલાની પેટાચૂંટણીમાં જોવા મળી છે. લોકોએ અજિત પવારના સરમુખત્યાર શાસનને જડબાતોડ જવાબ આપ્યો છે.’

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK