Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તુમ જો મિલ ગએ હો : હંસતે ઝખ્મનો ઑર્ગેઝ્મિક કિલ્લોલ

તુમ જો મિલ ગએ હો : હંસતે ઝખ્મનો ઑર્ગેઝ્મિક કિલ્લોલ

19 December, 2020 01:11 PM IST | Mumbai
Raj Goswami

તુમ જો મિલ ગએ હો : હંસતે ઝખ્મનો ઑર્ગેઝ્મિક કિલ્લોલ

હસતે જખમ

હસતે જખમ


તુમ જો મિલ ગએ હો... એના અફલાતુન ઑર્કેસ્ટ્રા માટે યાદગાર છે. મદનમોહન, મોહમ્મદ રફી, લતા મંગેશકર અને કૈફી આઝમીએ લોકોને આ ગીતમાં સરપ્રાઇઝ કરી નાખ્યા હતા. એમાં બૅકગ્રાઉન્ડમાં કેરસી લૉર્ડનું ઑર્કેસ્ટ્રેશન અને ગિટાર પર ભૂપિન્દર. તમે આજે સાંભળો તો થાય કે આવું ગીત બને જ કેવી રીતે!

દેવ આનંદ-વિજય આનંદના સૌથી મોટા ભાઈ ચેતન આનંદની કુલ ૧૬ ફિલ્મોમાંથી ૧૯૭૩માં આવેલી ‘હંસતે ઝખ્મ’ એના સંગીત માટે સદાબહાર છે. એની પટકથામાં થોડી કચાશ રહી ન ગઈ હોત તો એની ગણના મહાન ફિલ્મોમાં થઈ હોત. બાકી ગુલશન નંદાની આ કહાની હતી બહુ અનોખી. મુંબઈના કૅપિટલ સિનેમામાં એણે ૭૨,૦૦૦ રૂપિયાનો વકરો કર્યો હતો, જે એ સમયે એક રેકૉર્ડ હતો. ચેતન આનંદ અવનવી ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા. ‘હંસતે ઝખ્મ’ એ કૅટેગરીમાં આવે.
પ્રિય રાજવંશે એમાં એકલવાયા પોલીસ-ઑફિસર (બલરાજ સાહની)ની દીકરી ચંદાની ભૂમિકા કરી હતી. ચંદાની બહેનપણી રેખા (સુમન સિકંદ)ની માતા રૂપજીવિની છે અને રેખાને પણ એ ધંધામાં ખેંચવા મથતા એક દલાલ (જીવણ)ના માણસની હત્યા કરીને જેલમાં જાય છે. તે ચંદાના પિતા મહેન્દ્રને વિનંતી કરે છે કે તેની અનાથ રેખાને દીકરી તરીકે રાખે અને ખૂનની વાત ન જણાવે. એમાં પેલા દલાલના માણસો રેખાને બદલે ભૂલમાં ચંદાનું અપહરણ કરીને ધંધામાં લગાડી દે છે.
વર્ષો પછી ચંદાનો ભેટો સોમેશ (નવીન નિશ્ચલ) સાથે થાય છે અને પ્રેમમાં પડે છે. સોમેશ પણ ચંદાની જેમ વખાનો માર્યો મુંબઈની સડકો પર જખ મારે છે. તે એક સમૃદ્ધ પરિવારનો નબીરો છે. તેનો પિતા પોલીસ- ઑફિસરની દીકરી રેખા સાથે તેનાં લગ્ન કરવા ગોઠવણ કરે છે. એમાં મગજમારી થાય છે એટલે સોમેશ ઘર છોડીને જતો રહે છે અને ટૅક્સી-ડ્રાઇવર બની જાય છે. પછી ચંદાને ખબર પડે છે કે તે મહેન્દ્રની અસલી દીકરી છે અને તેને વર્ષો પહેલાં કિડનૅપ કરવામાં આવી હતી. તે સોમેશને વિનંતી કરે છે કે તે રેખા સાથે લગ્ન કરી લે. સોમેશને તેનાથી દૂર કરવા ચંદા શરાબી પણ બની જાય છે. છેલ્લે દલાલ ચંદાને ફરી ઉઠાવી જાય છે અને ચંદાને બચાવવા માટે મહેન્દ્ર તેમ જ સોમેશ દલાલ પર હુમલો કરે છે. એમાં ચંદા મરી જાય છે અને મરતાં પહેલાં સોમેશ પાસેથી વચન લે છે કે તે રેખા સાથે લગ્ન કરશે.
ચેતન આનંદે સંજોગોના માર્યા બે અતૃપ્ત અને એકલવાયા આત્માઓને મુંબઈની સડકો પર ભટકતા કરીને એક દિલચસ્પ કહાની ઊભી કરી હતી. બન્ને રોટી અને પ્રેમની તલાશમાં એકબીજાને ભટકાય છે. એટલા માટે ફિલ્મનું ખૂબસૂરત ટાઇટલ - હંસતે ઝખ્મ. પાછળથી ગર્લફ્રેન્ડ બનેલી પ્રિયા રાજવંશ માટે જ ચેતન આનંદે આ ફિલ્મ બનાવી હતી. પ્રિયાને વાર્તાઓની સમજ હતી અને ‘હંસતે ઝખ્મ’ની પટકથા લખવામાં તેણે પણ સહયોગ આપ્યો હતો. ‘હંસતે ઝખ્મ’ પ્રિયાની કરીઅર-બેસ્ટ ફિલ્મ હતી. ચંદાની ભૂમિકા એકદમ વિદ્રોહી અને ભાવશૂન્ય હતી અને પ્રિયાએ તાકાતથી એ નિભાવી હતી.
વેરા સુંદર સિંહ શિમલામાં જન્મી હતી અને તેના પિતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હતા એટલે તે લંડનમાં ભણી હતી. તે નાટકોમાં કામ કરતી હતી અને તેની તસવીરો મુંબઈમાં ચેતન આનંદ પાસે પહોંચી હતી. દેખાવમાં તે આરસપહાણની ગોરી સુંદરી જેવી, પણ ઠસ્સાદાર હતી. કોટાના રાજપૂત પરિવારના ફિલ્મસર્જક ઠાકુર રણબીર સિંહ મારફત તે ચેતન આનંદને મળી અને આનંદે તેને પ્રિયા રાજવંશ નામથી ‘હકીકત’ (૧૯૬૪)માં ઉતારી. ‘હકીકત’ ભારતની પહેલી યુદ્ધ-ફિલ્મ છે અને બહેતરીન રીતે બનાવવામાં આવી હતી.
પ્રિયાએ કુલ સાત જ ફિલ્મો કરેલી, પણ ‘હીર-રાંઝા’ (૧૯૭૦) અને ‘હંસતે ઝખ્મ’ માટે તે બધાને યાદ રહી ગઈ. બન્ને ફિલ્મોની અસલી તાકાત એનું સંગીત હતું. ‘હીર-રાંઝા’ તો આખી ફિલ્મ જ કવિતામાં હતી. આ એક માત્ર હિન્દી ફિલ્મ છે જેમાં કૈફી આઝમીએ એના સંવાદો પદ્યમાં લખ્યા હતા. એની વાત ફરી ક્યારેક.
‘હંસતે ઝખ્મ’માં પાંચ ગીતો હતાં. બધાં જ સુપરહિટ. કૈફી આઝમીએ લખેલાં અને મદનમોહને સ્વરબદ્ધ કરેલાં. ‘આજ સોચા તો આંસુ ભર આએ’ અને ‘બેતાબ દિલ કી તમન્ના યહી હૈ’ લતા મંગેશકર અને મદનમોહનનાં ટેરિફિક કૉમ્પોઝિશન છે, પણ એ બધામાં જો કોઈ બાજી મારી ગયું હોય તો એ ‘તુમ જો મિલ ગએ હો...’ ગીત છે. ‘હંસતે ઝખ્મ’માં બીજું એકપણ ગીત ન હોત તો પણ આ એકલું ગીત પૂરી ફિલ્મનો ભાર ખેંચી ગયું હોત.
આ ગીત ખુદ એક કહાની છે. રૂપજીવિની ચંદા અને બડે બાપ કી ઔલાદ સોમેશની પહેલી મુલાકાત જ આ ગીતથી થાય છે. ‘દિલ ઢુંઢતા હૈ ફુરસત કે રાત દિન...’ અને ‘નામ ગુમ જાએગા...’વાળા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહ ગાયક બન્યા એ પહેલાં ગિટારવાદક હતા અને મદનમોહને તેમની પાસે ‘તુમ જો મિલ ગએ હો...’માં ગિટાર વગાડાવી હતી. ભૂપિન્દર પાસે આ ગીતની ઘણી યાદો છે. આ લેખનું પ્રયોજન જ આ ગીતને સમજવા માટે છે.
‘તુમ જો મિલ ગએ હો...’ એના અફલાતૂન ઑર્કેસ્ટ્રા માટે યાદગાર છે. મદનમોહન, મોહમ્મદ રફી, લતા મંગેશકર અને કૈફી આઝમીએ લોકોને આ ગીતમાં સરપ્રાઇઝ કરી નાખ્યા હતા. એમાં બૅકગ્રાઉન્ડમાં કેરસી લૉર્ડનું ઑર્કેસ્ટ્રેશન અને ગિટાર પર ભૂપિન્દર. તમે આજે સાંભળો તો થાય કે આવું ગીત બને કેવી રીતે! ‘સિન્ગિંગ ઇન ધ રેઇન’ નામના હિન્દી ફિલ્મોનાં વરસાદી ગીતો પરના એક પુસ્તકમાં લેખક અનિરુદ્ધ ભટ્ટાચાર્ય અને બાલાજી વિઠ્ઠલે આ ગીતને સમજાવ્યું છે.
‘મદનજીએ મને ગિટારિસ્ટ તરીકે બોલાવેલો,’ ભૂપિન્દર કહે છે, ‘એ ગીત ૧૨ સ્ટ્રિંગવાળી ગિટારથી શરૂ થાય છે, પણ રેકૉર્ડિંગ વખતે હું ફસાઈ ગયેલો. મેં ગીત કમ્પોઝ એવી રીતે કરેલું કે મારે એકસાથે બે સૂર (નોટ) જાળવી રાખીને આગળ વધવાનું હતું. એ સૂર વગાડતી વખતે કાં તો હું ખોટી આંગળીનો ઉપયોગ કરતો અથવા ખોટી સ્ટ્રિંગ પકડતો. રફીસા’બ અને લતાજી માઇક પર તૈયાર હતાં. હું નર્વસ થતો જતો હતો. એમાં ને એમાં મેં બીજા લોચા માર્યા. મારા કારણે આખું રેકૉર્ડિંગ અટકી પડ્યું હતું, પણ કોઈએ અવાજ સુધ્ધાં ન કર્યો. બધા સરખા સૂર માટે રાહ જોતાં રહ્યાં.’
ગીત તો રેકૉર્ડ થયું, પણ ભૂપિન્દરને ખુદ પર ગુસ્સો આવતો હતો. ‘મિસ્ટર ભૂપિન્દર સિંહ, તું તો મહાન ગિટારવાદક છે. તું આવી બેવકૂફી કેવી રીતે કરી શકે? શરમ નથી આવતી? હું બહુ અપસેટ હતો. હું ગિટાર પૅક કરતો હતો ત્યાં મારી પીઠ પર કોઈકે મુક્કા માર્યા. મેં પાછળ વળીને જોયું તો મદનજી હતા - સાલા... જા જઈને સાંભળ ગીતને. તેં મારી અપેક્ષા કરતાંય સરસ વગાડ્યું છે. મદનજી ખુશ થાય તો પીઠ પર ધબ્બા મારીને વખાણ કરે. એ મદનજીની મૅચ્યોરિટી હતી. આજે આવું થાય તો મ્યુઝિક ડિરેક્ટર કૉમ્પોઝિશન બદલીને ગીત રેકૉર્ડ કરી નાખે.’



ગીતનું સિનેમૅટિક બૅકગ્રાઉન્ડ પણ કેવું અદ્ભુત!
મુંબઈની એક વરસાદી સાંજે બે અજનબીઓ મરીન ડ્રાઇવ પર એકબીજાને ભટકાય છે. એક બાજુ પૈસાવાળા ઘરમાં ઉબાઈને શોખથી ટૅક્સી-ડ્રાઇવર બની ગયેલો સોમેશ અને બીજી બાજુ હાઈ ક્લાસ કૉલગર્લ ચંદા. આખું ગીત ટૅક્સી બહાર આકાશમાં ગોરંભાતા મુંબઈના આકાશ અને અંદર બે અજનબીઓ વચ્ચે બંધાતા તાંતણાના સપોર્ટમાં બને છે. ચંદા અવઢવમાં ટૅક્સી પકડે છે. સોમેશ વાતાવરણ હળવું કરવા ‘તુમ મિલ ગએ હો...’ની લાઇન ગણગણવાનો પ્રયાસ કરે છે. ચંદા પેલાને તોછડો રિસ્પૉન્સ આપે છે (પ્રિયા તેની તોછડાઈમાં બહુ રજવાડી લગતી હતી).
થોડી વાર મૌન રહ્યા પછી પેલો ફરીથી ગણગણે છે. અહીં ભૂપિન્દરના ૧૨ સ્ટ્રિંગવાળા ગિટારવદન અને મનોહારી સિંહની ઇંગ્લિશ ફ્લુટની જુગલબંદી ચંદાને થોડી હૂંફ આપે છે અને ડ્રાઇવર માટે તેને કૂણી પાડે છે. મનોહારી સિંહ એટલે આર. ડી. બર્મનની ટીમના સૅક્સોફોનિસ્ટ - ઓ હસીના ઝુલ્ફોંવાલી, રૂપ તેરા મસ્તાના, મેહબૂબા...મેહબૂબા, ચાંદ મેરા દિલ.. ચાંદની હો તુમ, ઓ હંસીની...મેરી હંસીની વગેરેમાં તેમણે સૅક્સોફોનનો અદ્ભુત ઉપયોગ કર્યો હતો.
ટૅક્સીમાં હવે થોડી અનુકૂળતા મહેસૂસ કરતી ચંદા સિગારેટ જલાવે છે અને એમાંથી જાણે સંકેત મળ્યો હોય એમ બહાર વરસાદ પણ બન્ને પર મહેરબાન થાય છે.
શિથિલ મુખડા અને બિનપરંપરાગત ગુંજન પછી ઑર્કેસ્ટ્રેશનમાં ગતિ આવે છે. અહીં બૉન્ગો, વુડવિન્ડ (કાષ્ઠવાદ્ય) અને વાયોલિનનો કિલ્લોલ એટલો જ જબરદસ્ત છે જેટલો ટૅક્સી બહાર મુંબઈના આકાશમાં વરસાદ. બન્ને વચ્ચે જાણે હોડ લાગી છે. ઑર્કેસ્ટ્રેશનનો આ કિલ્લોલ ઉન્મુક્ત થઈને છેલ્લે એવી રીતે ઢગલો થઈને ફસડાઈ પડે છે જાણે એ ઑર્ગેઝ્મિક અંત હોય.
‘તુમ જો મિલ ગએ હો...’માં મદનમોહન ‘જહાં’ અને ‘આસમાં’ શબ્દને જે રીતે ઘુમાવે છે એમાં જગત અને આકાશની વિશાળતા કૅપ્ચર થાય છે. ‘તુમ જો મિલ ગએ હો...’ પંક્તિમાં લૌકિક ભાવ છે, જે બન્ને અજનબીની તડપમાંથી આવે છે. ‘બૈઠો ના દૂર હમ સે’ પંક્તિમાં ‘દૂર’ શબ્દ પણ એવી રીતે બોલાય છે જાણે એ બન્ને વચ્ચેના અંતરને માપતો હોય-ટૅક્સીની આગળ-પાછળની સીટનું અંતર અને બન્નેના અજનબીપણાનું અંતર.
શરૂઆતના મંદ મુખડાથી ટૉપ ગિયરમાં જતું ઑર્કેસ્ટ્રેશન અને છેલ્લે લતાની શાંત સ્વગતોક્તિ (સલિલક્વિ) એવી રીતે આવે છે જાણે પથારીમાં બે શરીરોની અનિયંત્રિત મૂવમેન્ટ હોય. એમાં બહાર મુંબઈના આકાશમાં ચમકતી વીજળીઓ અને ગોરંભાયેલા વરસાદે પણ સોમેશ અને ચંદા સાથે પૂરેપૂરો સાથ નિભાવેલો.
તુમ ક્યા જાનો તુમ ક્યા હો, એક સુરીલા નગમા હો
ભીગી રાતોં મેં મસ્તી, તપતે દિલ મેં સાયા હો
તુમ ક્યા જાનો તુમ ક્યા હો
અબ જો આ ગએ હો જાને ના દુંગા
કે મુઝે એક હસીં મેહરબાં મિલ ગયા હૈ
કે જહાં મિલ ગયા...
ફરી વાર આ ગીત સાંભળજો/જોજો...
પાછલી સીટમાં બેઠેલી ચંદા ક્યારે ફ્રન્ટ સીટમાં આવી ગઈ અને ક્યારે સોમેશે એક્સલરેટર દબાવીને નવા સંબંધની ટૅક્સીને પુરપાટ મારી મૂકી એ ખબર પણ નહીં પડે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2020 01:11 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK