સેરેબ્રલ પાલ્સીને હરાવી આ ગુજરાતી યુવાને જીત્યો ઓલોમ્પિકમાં મેડલ

Updated: Apr 03, 2019, 15:25 IST | ભાવિન રાવલ | અમદાવાદ

અમદાવાદના યુવાન રાજ બંધારાને મળો. રાજને સેરેબ્રલ પાલ્સી નામની રૅર બીમારી છે. જેને કારણે રાજ પોતાના પગ પર ઉભો પણ નહોતો રહી શક્તો. પરંતુ આજે રાજે ઈન્ટરનેશનલ લેવલે દેશ માટે એક નહીં પણ બબ્બે મેડલ જીત્યા છે.

અબુધાબીમાં યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં જીત્યો મેડલ
અબુધાબીમાં યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં જીત્યો મેડલ

મક્કમ મનોબળ એટલે શું?  તમે Google કે Youtube કરશો તો તમે અસંખ્ય આર્ટિકલ્સ કે મોટીવેશનલ વીડિયોઝ મળી રહેશે. પરંતુ જો મક્કમ મનોબળ કે પરિસ્થિતિ સામે કેવી રીતે ઝઝુમવું તે તમારે પ્રેક્ટિલમાં જોવું હોય તો અમદાવાદના યુવાન રાજ બંધારાને મળો. રાજને સેરેબ્રલ પાલ્સી નામની રૅર બીમારી છે. જેને કારણે રાજ પોતાના પગ પર ઉભો પણ નહોતો રહી શક્તો. પરંતુ આજે રાજે ઈન્ટરનેશનલ લેવલે દેશ માટે એક નહીં પણ બબ્બે મેડલ જીત્યા છે. જેની પાછળ કારણભૂત છે રાજનું મનોબળ, રાજની મમ્મીનો ત્યાગ અને રાજના કોચની મહેનત.

વાત આજથી લગભગ 15 વર્ષ પહેલાની...

અમદાવાદના પ્રીતમનગર અખાડાના સ્કેટિંગ રીંગમાં એક બહેન પોતાના બાળકને લઈ પહોંચ્યા. સ્કેટિંગ રીંગમાં બાળકો પ્રેક્ટિસ કરતા હતા, પરંતુ આ બહેન પાસે જે બાળક હતો તે શારીરિક રીતે સશક્ત ન હતો. સેરેબ્રલ પાલ્સીને કારણે આ બાળકને ઉભા રહેવા માટે સહારો જોઈતો હતો. આ બહેને સ્કેટિંગ કોચને વાત કરી કે મારા બાળકને પણ શીખવો. પહેલીવારે કોચ માટે પણ એક સવાલ હતો કે જે બાળક ઉભો ન રહી શક્તો હોય તેને સ્કેટિંગ કેમનું શીખવવું. પણ આખરે તે સ્પોર્ટ્સ પર્સન હતા. પડકાર લીધો અને આ બાળકને શીખવવાનું શરૂ કર્યુ. આ જ બાળક આજે ઓલિમ્પિકમાં રોલર સ્કેટિંગમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે.

વાત રાજ બંધારાની

રાજના મમ્મી ભાવના બંધારા કહે છે કે, 'રાજ માત્ર છ મહિનાનો હતો, ત્યારે તેને ખેંચ આવી અને તેની શ્વાસનળી-અન્નનળી ડેમેજ થઈ ગઈ. એના નાના મગજને પણ અસર પહોંચી. ડોક્ટરોએ કીધું એને સેરેબ્રલ પાલ્સી છે. હવે એ ક્યારેય ચાલી નહીં શકે, બેસી નહીં શકે, કશું જ કામ જાતે નહીં કરી શકે.' આ સાંભળીને રાજના માતા-પિતા બંનેને ઝટકો લાગ્યો, દુઃખ થયું. પરંતુ તેમણે નસીબ સામે લડવાનો નિર્ણય કર્યો. રાજને ફિઝિયોથેરાપી, એક્યુપંચર થેરાપી કારવી, ન્યૂરોલોજી ડોક્ટર્સને બતાવ્યું. વર્ષો સુધીની આ મહેનત રંગ લાવી. માતા પિતાની લાગણી અને મહેનતના સરવાળે રાજનું બોડી થોડું થોડું કામ કરતું થયું. પણ છતાંય તે નોર્મલ લોકો કરતા ક્યાંય દૂર હતો.

raj bandhara with mom

નોર્મલ સ્ટુડન્ટ્સ વચ્ચે ભણ્યો રાજ

જો કે રાજના મમ્મીને તો પોતાના બાળકને નોર્મલ જ બનાવવો હતો. પણ હવે પડકાર હતો ભણતરનો. રાજના મમ્મીએ તેને નોર્મલ સ્કૂલમાં દાખલ કરાવવા પ્રયત્ન શરૂ કર્યા. પરંતુ સ્કૂલે ના પાડી દીધી. જો કે આખરે વિનંતીઓનો દોર ચાલ્યો અને અમદાવાદની અંકુર શાળામાં રાજને એડમિશન મળ્યું. પોતાની બીમારીને ટક્કર આપીને રાજ પણ જાણે માતાની લાગણીઓ કે મહેનતને યથાર્થ કરવા ઈચ્છતો હોય તેમ નોર્મલ સ્કૂલમાં નોર્મલ લોકોની વચ્ચે રહીને 10 ધોરણ ભણ્યો અને ડિપ્લોમા એન્જિનિરિંગ પણ કર્યું.

અચાનક ગુમાવી પિતાની છત્રછાયા

પણ નસીબ જાણે હજીય તેની પરીક્ષા લેવા ઈચ્છતું હતું. રાજ જ્યાં માંડ પરિસ્થિતિ સામે લડતા શીખ્યો હતો, ત્યાં જ આઘાત લાગ્યો પપ્પાને ગુમાવવાનો. 10મા ધોરણમાં જ રાજના પપ્પા એક્સપાયર થઈ ગયા. હવે મુસીબત બમણી હતી. આર્થિક છત્ર છીનવાયું હતું, એક બાજું રાજની સારવારનો ખર્ચ હતો, બીજી બાજુ ઘર ચલાવવાનો પડકાર. પણ ડગે એ બીજા. રાજની સાથે સાથે ભાવનાબહેને આ પડકાર ઝીલી લીધો. તેમણે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં જોબ શરૂ કરી. તેની પાછળ પણ કારણ હતો રાજ. રાજની સ્થિતિ જોઈને તેમને પણ આવા બીજા બાળકો પાછળ મહેનત કરવાની ઈચ્છા થઈ અને આર્થિક આધાર માટે તેમણે આ નોકરી સ્વીકારી. જવાબદારી બેવડી હતી પણ મનોબળ મક્કમ હતું.

raj bandhara

રાજના કોચે પણ કરી મહેનત

એક તરફ પિતા ગુમાવવાનું દુઃખ બીજી તરફ બીમારી આ બંને વચ્ચે રાજ સ્કેટિંગ શીખતો રહ્યો. રાજના સ્કેટિંગ કોચ વૈભવ બ્રહ્મભટ્ટની પણ મહત્વની ભૂમિકા રહી છે. વૈભવ બ્રહ્મભટ્ કહે છે કે,'રાજને કેવી રીતે શીખવવું એ સમસ્યા મારા માટે પણ હતી. પણ એની ઈચ્છા જોયા પછી મને પણ મહેનત કરવાની ઈચ્છા થઈ. '

raj with coach

રાજ 8 વર્ષનો હતો ત્યારથી વૈભવે તેને સ્કેટિંગ શીખવવાનું શરૂ કર્યું છે. વૈભવ કહે છે કે,'શરૂઆતમાં રાજને શીખતા લાંબો સમય લાગતો હતો. પણ એ શીખ્યો. અને આજે તો રાજ મારા કોચિંગ સેન્ટરમાં નોર્મલ બાળકોને સ્કેટિંગ શીખવે છે.' રાજને સ્કેટિંગ શીખવવા દરમિયાન તેમના કોચે ક્યારેય રાજ પાસેથી સ્કેટના પૈસા નથી લીધા.

આ પણ વાંચોઃ આ શું થઈ ગયું જીમિત ત્રિવેદીને!

શું છે સેરેબ્રલ પાલ્સી ?

રાજ બંધારાને ખૂબ જ રૅર ગણાતી સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે. સેરેબ્રલ પાલ્સીમાં મેન્ટલીમુશ્કેલી રહે, નાનું મગજ કમાન્ડ ન આપે, સમજણશક્તિ ઓછી હોય અને બોડીમાં તાકાત પણ ઓછી હોય.

આ પણ વાંચોઃ દેશના દરેક ઘરમાં દીપિકા પાદુકોણથી પણ સૌથી વધુ લોકપ્રિય પાત્ર એટલે “દયા ભાભી”

સ્પેશિયલ ઓલિમ્પિકમાં જીત્યા મેડલ

રાજના મમ્મી ભાવનાબેન સ્પેશિયલ એજ્યુકેશનમાં કામ કરે એટલે તેમને આવા બાળકો માટેની સ્પર્ધાઓની ખબર પડી. રાજને તેમણે ખેલ મહાકુંભમાં ભાગ લેવા મોકલ્યો અને સ્પેશિયલ કેટેગરીમાં રાજે ગોલ્ડ મેડલ જીત્યો. બસ પછી તો રાજ આગળ સ્પર્ધાઓમાં ભાગ લેતો જ ગયો. નેશનલ લેવલે પણ રમ્યો. અને છેલ્લે તેણે દુબઈ ખાતે યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં 2-2 મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. રાજે રોલર સ્કેટિંગમાં 100 મીટરમાં સિલ્વર મેડલ અને 300 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જો કે રાજ બંધારાની અહીં સુધીની સફર સહેલી નથી રહી. રાજ જીવતું જાગતું ઉદાહરણ છે કે પરિસ્થિતિ સામે લડીને, પડકારોને કેવી રીતે પહોંચી વળાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK