Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આકાશમાંથી વરસતા કાચા સોનાને સંઘરી લો

આકાશમાંથી વરસતા કાચા સોનાને સંઘરી લો

16 August, 2020 09:59 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આકાશમાંથી વરસતા કાચા સોનાને સંઘરી લો

આકાશમાંથી વરસતા કાચા સોનાને સંઘરી લો

આકાશમાંથી વરસતા કાચા સોનાને સંઘરી લો


ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ત્રણ અલગ ઋતુઓનું અસ્તિત્વ છે. ચોમાસાના ચાર મહિનામાં પડેલા વરસાદથી જ ધરતીમાં પાણીનો સંગ્રહ થાય છે અને એ જ પાણી આપણને આખું વરસ કામ લાગે છે. બેશુમાર વરસાદ પડ્યા પછી પણ આપણે ઉનાળો આવતા સુધીમાં પાણીકાપની વાતો કરતા થઈ જઈએ છીએ. એને બદલે જો ચોમાસામાં ધરતીને તરબોળ કરી જતા પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિઓ અપનાવી લઈએ તો સમસ્યા સૉલ્વ થઈ શકે એમ છે. ગુજરાતમાં કેટલાંક ગામો, શેરીઓ, ખેતરો અને અપાર્ટમેન્ટ દ્વારા પાણીસંગ્રહના અનોખા પ્રયોગ થયા છે એમાંથી પ્રેરણા લેવા જેવી ખરી

આ નામ પડે એટલે સમાન્ય રીતે સૂકોભઠ્ઠ રણ પ્રદેશ આપણા સ્મૃતિપટ પર અંકિત થઈ જાય. સૂકોભઠ્ઠ એટલા માટે કે કચ્છ પર જોઈએ એટલા મેઘરાજા મહેરબાન થતા નથી. હા, પણ કચ્છમાં આવેલા કોડકી ગામે ચોમાસાની સીઝનમાં માત્ર ત્રણ ઇંચ જેટલો વરસાદ પડે તો ગામના રહીશો ખુશ થઈ જાય છે.
માત્ર ત્રણ ઇંચ જ વરસાદ પડે એમાં ગ્રામ્યજનો ખુશ કેમ થઈ જતા હશે? વધારે પાણી ન જોઈએ? તો જાણીને નવાઈ લાગશે કે માત્ર ત્રણ ઇંચ વરસાદમાં જ આખું વર્ષ ચાલે એટલા પાણીનો સંગ્રહ આ કોડકી ગામના ગ્રામજનો તેમની કોઠાસૂઝથી તેમના ઘરમાં જ કરી દે છે અને પછી તેઓ નિરાંત અનુભવે છે.
હમણાં આપણા મુંબઈમાં સાંબેલાધાર વરસાદ પડ્યો અને સર્વત્ર પાણી-પાણી થઈ ગયું. મુંબઈનાં કંઈકેટલાંય પરાંઓમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં અને પછી ધીરે-ધીરે ઓસરી ગયાં. કંઈક આવુ ગુજરાતમાં પણ થયું. ત્યાં પણ કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો અને ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયાં, પણ પછી આ વરસાદી પાણી ધીરે-ધીરે નદીઓમાં કે સાગરમાં વહી ગયું. ઘણા એવા બધા પણ છે જેઓ વરસાદી પાણીને એમ કાંઈ વહી જવા દેતા નથી, આકાશમાંથી વરસતા આ ‘કાચા સોના’નો સંગ્રહ કરે છે અને પછી આખુ વર્ષ સંગ્રહ કરેલા વરસાદી પાણીને ઉપયોગમાં લઈ રહ્યા છે.
જળ છે તો જીવન છે એ સૂત્ર આપણે ઘણી વખત વાંચ્યું હશે અથવા તો લખેલુ જોયું હશે, પણ ઘણા લોકોએ એને વાસ્તવિક રીતે જીવનમાં ઉતાર્યું છે. કચ્છના કોડકી ગામના ગ્રામ્યજનો તેમના ગામમાં પડતા વરસાદના પાણીને એમ વહી જવા દેતા નથી. ઘરમાં બનાવેલા ભૂગર્ભ ટાંકામાં એનો સંગ્રહ કરે છે. આવું જ કંઈક ઐતિહાસિક નગર જૂનાગઢમાં બની રહ્યું છે. ત્યાં જૂના નાગરવાડામાં રહેતા નાગર સમાજના ઘણા નાગરિકો પણ વર્ષોજૂના વરસાદી પાણીના ભૂગર્ભ ટાંકાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરે છે, તો અમરેલી જિલ્લામાં આવેલા નાનકડા વડલી ગામના ખેડૂતો તો તેમના ખેતરમાં જ વરસાદી પાણીનું તળાવ બનાવીન એનો સંગ્રહ કરી રહ્યા છે, જ્યારે અમદાવાદમાં તો એક અપાર્ટમેન્ટના રહીશોએ પાણીનાં તળ ઊંચા લાવવા અને બોરવેલને રિચાર્જ કરવા વરસાદી પાણીનો ઉપયોગ કરીને વહી જતા વરસાદી પાણીના ઉપયોગનાં આવકારદાયક અને અનુકરણીય ઉદાહરણ પૂરાં પાડ્યાં છે.
તમને જાણીને અચરજ થશે કે સંગ્રહ કરેલા આ વરસાદી પાણીનો ઉપયોગ સવા રની ચાથી લઈને સવાર-સાંજની રસોઈ બનાવવામાં અને પીવાના પાણી તરીકે પણ થઈ રહ્યો છે છતાં હજી સુધી એનાથી કોઈ મુશ્કેલી પડી નથી.
પવાીનું પાણી આજકાલ પડીકે બંધાયું છે અને વેચાઈ રહ્યું છે ત્યારે પાણીની કિંમત સમજતા નાગરિકો ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીને વહી જતું અટકાવીને એનો સદુપયોગ કરી રહ્યા છે. ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહની અનોખી પરંપરા છે અને એના કેટલાય કિસ્સા જોવા મળી રહ્યા છે.
વરસાદી પાણીનો ઘરમાં સંગ્રહ કરતું કોડકી ગામ
કચ્છ જિલ્લામાં ભુજથી આશરે ૧૦–૧૧ કિલોમીટર દૂર આવેલું કોડકી ગામ. ગામમાં અંદાજે સાડાચાર હજાર નાગરિકોની વસ્તી છે. આ ગામની ખાસિયત એ છે કે તમે રેન્ડમલી કોઈ પણ પાંચ ઘરમાં જશો તો એમાંથી ચાર ઘરમાં વરસાદી પાણી સંગ્રહ કરવાના ભૂગર્ભ ટાંકા જોવા મળશે જ. વરસાદી પાણીનો ઘરમાં જ સંગ્રહ કરતું આ ગુજરાતનું અનોખું ગામ છે.
કોડકી ગામના ભૂતપૂર્વ સરપંચ જયમલ રબારી ‘મિડ-ડે’ને કહે છે કે ‘કચ્છમાં વરસાદ ઓછો પડે છે. પાણી આમ જોઈએ એવું મીઠું આવતું નથી એટલે ૯૦ના દાયકાથી ગામના રહીશો તેમના ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે, પણ અમારા ગામમાં ૮૦ ટકા રહીશોના ઘરે તમને વરસાદી પાણી સંગ્રહ કરવાના પાણીના ટાંકા જોવા મળશે. ગામમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડે તો એક ફૅમિલીને આખું વર્ષ ચાલે એટલા પાણીનો સંગ્રહ થાય છે. આ સંગ્રહ કરેલા વરસાદી પાણીનો સવારે ચા બનાવવામાં, સવાર–સાંજ રસોઈ બનાવવામાં અને ખાસ તો ખીચડી બનાવવામાં અને પીવાના પાણી તરીકે અમે ઉપયોગ કરીએ છીએ.’
વરસાદી પાણીનો કેવી રીતે સંગ્રહ કરવામાં આવે છે એની વાત કરતાં જયમલભાઈ કહે છે, ‘ગામનાં મોટા ભાગનાં ઘરોમાં નીચે ૧૦ કે ૨૦ હજાર લિટરના પાણીના ટાંકા છે. ફૅમિલીમાં જેટલા સભ્યો હોય એ પ્રમાણે નાના-મોટા ટાંકા હોય છે. વરસાદની સીઝનમાં પહેલો વરસાદ પડે ત્યારે છાપરા પરથી કે ટેરેસ પરથી વરસાદી =પાણી આંગણામાં જવા દઈએ છીએ, જેથી પાઇપ અને જાળી સાફ થઈ જાય. એ પછીનો વરસાદ પડે એટલે અમે ટાંકા ભરી લઈએ છીએ. વરસાદી પાણી નૅચરલ છે એટલે અમારે ફિલ્ટર કરવાની કોઈ જરૂર પડતી નથી. પાણી જ્યારે ભરીએ ત્યારે જાળી સાફ કરી દઈએ છીએ. હજી સુધી આ વરસાદી પાણીના ઉપયોગ કરવાથી કોઈ તકલીફ પડી નથી.’
આ ગામના સભ્યોએ ગુરુત્વાકર્ષણના આધારે તળાવ પણ બનાવ્યું છે જેમાંથી ગામવાસીઓને પાણી મળી રહે છે. આ તળાવની કામગીરી વિશે જયમલભાઈ કહે છે, ‘અમારા ગામથી એક કિલોમીટર દૂર ઊંચાઈવાળી જગ્યાએ સરકારી યોજનામાંથી તળાવ બનાવ્યું છે અને એમાં પણ વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. આ તળાવ ઊંચાઈ પર આવેલું હોવાથી પમ્પિંગ કર્યા વિના માત્ર ગુરુત્વાકર્ષણને કારણે સર્જાતા ફ્લોથી ત્રણ મહિના સુધી ગામને પાણી મળી રહે છે.’
પોતાના ગામની પાણીની સમસ્યાને હળવી બનેલી નજર સમક્ષ વર્ષોથી જોતા આવેલા જયમલ રબારીએ સમાજને સંદેશ આપતાં કહ્યું, ‘દરેક શહેરી વિસ્તારમાં મકાનોની મંજૂરી આપતી વખતે વરસાદી પાણીના સંગ્રહ માટે બે ટાંકા ફરજિયાત બનાવવા જોઈએ અને તો પીવાના પાણીની સમસ્યા દૂર થઈ જશે. દરેક વ્યક્તિએ આ કરવું જોઈએ.’
દુકાળ પડ્યો ત્યારે જૂનાગઢમાં પીવાના પાણીની તંગી ટળી હતી
જૂનાગઢ નામ પડતાં જ દેવાધિદેવ મહાદેવ, ગરવો ગઢ ગિરનાર અને ભક્ત નરસિંહ મહેતા જેમને પ્રેમથી ‘નાગર નરસૈયા’ના હુલામણા નામથી પણ બધા બોવાલે છે તેમની યાદ આવ્ય વગર રહે જ નહીં. જોકે જૂનાગઢના જૂના નાગરવાડાની એક વિશિષ્ટતા છે જે ઊડીને આંખે વળગે એવી છે. આ વિશિષ્ટતા એટલે નાગરવાડામાં મોટા ભાગનાં ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ભૂગર્ભ ટાંકા. નાગર સમાજના વડીલોએ વર્ષો અગાઉ કોઠાસૂઝથી ભૂગર્ભ ટાંકા બનાવ્યા હતા જે આજે પણ આશીર્વાદરૂપ થઈ રહ્યા છે.
જૂનાગઢના જૂના નાગરવાડામાં રહેતા ૬૮ વર્ષના નિવૃત્ત રેલવે-કર્મચારી ધૂમકેતુ ત્રિવેદી ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા ઘરે ટાંકો છે, પણ એ ક્યારે બંધાયો અની ખબર નથી. અમારે તો વર્ષોથી ભૂગર્ભ ટાંકા છે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ. ચૂનાના પથ્થરને કોરીને આ ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે. હું ટાંકામાં ઊતરેલો છું. ભીંત પર નીક કરેલી હોય અને એમાંથી વરસાદી પાણી ટાંકામાં ઊતરે. જોકે હવે નીકના બદલે પાઇપ આવી ગયા છે અને વરસાદી પાણી એમાંથી ટાંકામાં ઊતરે છે. આ ટાંકો ૨૦થી ૨૫ ફુટ ઊંડો હોય છે, જેમાં ઊતરવા માટે લાકડીના ટુકડાના કટકા બનાવીને એને લાંબા દોરડા પર અમુક નિયત અંતરે વચ્ચેથી બાંધી દઈને સીડી બનાવવાની અને એના દ્વારા ટાંકામાં ઊતરવાનું.’
વરસાદી પાણીના સંગ્રહ કરતાં પહેલાં અગાસી સાફ કરી દેવી પડે છે એમ જણાવતાં ધૂમકેતુ ત્રિવેદી કહે છે, ‘વરસાદ પડે એ પહેલાં અગાસી સાફ કરી દેવાની. ચોખ્ખીચણક અગાસી હોય તો ભૂગર્ભ ટાંકામાં ભરાયેલા પાણીમાં કોઈ કચરો ન આવે. જ્યારે વરસાદ આવે ત્યારે પાઇપ દ્વારા એને ભૂગર્ભ ટાંકામાં વાળી દઈએ છીએ.’
આશ્ચર્યની વાત એ છે કે આકાશમાંથી આવતું વરસાદી પાણી ચોખ્ખું કરવા કોઈ ફિલ્ટરની જરૂર નથી પડતી. વરસાદી પાણીની ગુણવત્તા વિશે વાત કરતાં ધૂમકેતુ ત્રિવેદી કહે છે, ‘અમે તો વરસાદી પાણીને ફિલ્ટર કરતા નથી, કેમ કે આ પાણી નીટ ઍન્ડ ક્લીન હોય છે. આ પાણીથી જ અમે રસોઈ બનાવીએ છીએ અને પીવાના પાણી માટે એનો ઉપયોગ કરીએ છીએ, પણ રસોઈના સ્વાદમાં કોઈ ફરક પડતો નથી. ઊલટાનું રસોઈ સારી બને છે, એટલું જ નહીં, આ સંગ્રહિત પાણીથી માથું ધોવાથી માથાના વાળ રેશ્મી અને મુલાયમ થાય છે.’
આપણા ગુજરાતીમાં કહેવત છે કે ‘સંઘર્યો સાપ પણ કામમાં આવે’ એ મુજબ વર્ષોથી વડીલોએ બનાવેલા વરસાદી પાણીના આ ભૂગર્ભ પાણીના ટાંકા જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે કામમાં આવ્યા હતા એ વાતને યાદ કરતાં ધૂમકેતુભાઈ કહે છે, ‘૧૯૮૬-’૮૭માં જ્યારે દુકાળ પડ્યો હતો ત્યારે ત્રણ વર્ષ સુધી પીવાના પાણીની તંગી નહોતી પડી. ત્રણ વર્ષ પીવામાં ચાલે એટલું પાણી ટાંકામાં હતું.’
ખેતરમાં જ બનાવી દીધું વરસાદી પાણી સંગ્રહવાનું તળાવ
હા, સાચ્ચે જ.
વરસાદી પાણીને વહી જતું અટકાવીને એનો સંગ્રહ કરવા માટે અમરેલી જિલ્લાના વડલી ગામના પ્રવીણ સાંખટે તેમના ખેતરમાં જ નાનકડું તળાવ બનાવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષથી આ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને એની ‘સફળતાનો પાક’ તેઓ લઈ રહ્યા છે.
અમરેલી જિલ્લાના વડલી ગામે આ ખેતર-તળાવ અત્યારે તમને ભરેલું જોવા મળશે. વડલી ગામના ખેડૂત પ્રવીણ સાંખટનો આ ઉદાહરણીય નવીન પ્રયોગ આવકારદાયક, પ્રેરણાદાયક અને અનુકરણીય છે.
ખેતરમાં જ તળાવ કેમ બનાવવું પડ્યું એની માંડીને વાત કરતાં પ્રવીણ સાંખટે ‘મિડ-ડે’ને કહ્યું, ‘ગામમાં પાણી ઓછું આવે છે અને ખારું પાણી આવે છે. ૪૦ ફુટથી નીચે જાઓ તો દરિયાઈ પાણી આવી જાય છે એટલે પાણી ખારું થઈ જાય છે. એ પાણી તમે જમીનને પાઓ તો જમીન ખરાબ થઈ જાય. અમારે ત્યાં વરસાદ પડે છે તો એના પાણીનો ઉપયોગ કેમ ન થઈ શકે એવો વિચાર આવ્યો અને એનો અમલ શરૂ કર્યો. મારે સાડાત્રેવીસ વીઘાનું ખેતર છે. એમાંથી આજથી પાંચ વર્ષ પહેલાં એક વીઘા જમીનને ખોદીને ૨૭થી ૩૦ ફુડ ઊંડું તળાવ બનાવ્યું છે.આ સીઝનમાં મારું તળાવ પાંચમી વાર ભરાયું છે. તળાવમાં લાખ્ખો લિટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે, એટલું જ નહીં, આ તળાવ થકી વરસાદી પાણી જમીનમાં ઊતર્યાં છે. તળાવ પાસે કૂવો બનાવ્યો છે એમાં પાણી જાય છે. આખું વર્ષ આ પાણીનો ઉપયોગ કરીએ છીએ અને એનો બેનિફિટ પણ મળ્યો છે.’
પ્રવીણ સાંખટે તેમની જમીન વરસાદી પાણીથી મીઠી બનાવી દીધી અને છેલ્લાં પાંચ વર્ષથી એનાં સારાં ફળ ચાખી રહ્યા છે. તેમણે કહ્યું કે ‘વરસાદના સંગ્રહ કરેલા પાણી દ્વારા ખેતી કરીને સિંગ, કપાસ, મકાઈ, અડદ, બાજરો, જુવાર જેવા પાક લઉં છું. આ ઉપરાંત ગાય માટે ઘાસ વાવું છું. જમરૂખ, દાડમ, નાળિયેર, ચીકુ જેવાં ફ્રૂટ્સ અને ગુલાબ, જાસૂદ સહિતનાં ફૂલોની ખેતી પણ કરું છું. ગુલાબ ખારા પાણીમાં ન થાય પણ મારે ત્યાં સંગ્રહ કરેલા વરસાદી પાણીનો ઉપયોગ કરતો હોવાથી લાલ, સફેદ સહહિતના કલરમાં ગુલાબ ઊગે છે.’
વરસાદી પાણીના સંચયથી તેમનું જીવન બદલાઈ ગયું એની વાત કરતાં પ્રવીણ સાંખટે કહ્યું કે ‘નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર છે જળ બચાવો, જીવન બચાવો. એ વાત સાકાર કરી છે. હું તો તમામ ખેડૂતોને કહું છું કે ખેતરે-ખેતરે તળાવ હોવાં જોઈએ જેથી જિંદગીમાં પાણીની સમસ્યા ન થાય, પાણીનો પ્રશ્ન ઊભો ન થાય. ખેતરમાં તળાવ બનાવી એમાં વરસાદી પાણીનો સંગ્રહ કર્યો એને કારણે આજુબાજુની જમીનનાં તળ ઊંચાં આવ્યાં છે.’
અમદાવાદમાં બોર-રીચાર્જ
આમ તો અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલાં ઘણાં જૂનાં મકાનોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા છે અને વરસાદી પાણીનો સંગ્રહ આજે પણ ઘણા શહેરીજનો વર્ષોથી કરી રહ્યા છે, પરંતુ અમદાવાદમાં આવેલી દેશની જાણીતી શૈક્ષણિક સંસ્થા આઇઆઇએમ પાસે ‍આવેલા મનાલી અપાર્ટમેન્ટમાં વરસાદી પાણીનો અલગ રીતે ઉપયોગ થઈ રહ્યો છે.
વરસાદી પાણીનો સદુપયોગ કરવાનો આઇડિયા ક્યાંથી આવ્યો એ વિશે માંડીને વાત કરતાં મનાલી અપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્ર દેસાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘હું અને મારી પત્ની રૂપલ અમે રૂરલ હાઉસિંગ, સૅનિટેશન અને પાણી માટે કામ કરીએ છીએ. ૨૫ વર્ષ પહેલાં અમારે સુરત બાજુ કામથી જવાનું થયું હતું. ત્યાં અમે દરિયા પાસેના વિસ્તારમાં ઘણાં ઘરમાં પાણીના ટાંકા જોયા એટલે અમને આ આઇડિયા સારો લાગ્યો. ઘર હોય તો ટાંકો બનાવી શકાય, પણ અપાર્ટમેન્ટમાં રહેતા હો તો શું? જો તમે અપાર્ટમેન્ટમાં રહેતા હો તો વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકા બનાવવાના બદલે બોરમાં રીચાર્જ કરો તો વધુ સારું થાય. બોરવેલ દ્વારા તમે જમીનમાંથી પાણી સતત ખેંચ્યા કરો છો તો એમાં પાણી નાખો એ જરૂરી છે. વરસાદનું પાણી જમીનમાં આપમેળે ૫૦થી ૬૦ ફુટ નીચે ઊતરતું નથી એટલે ભૂગર્ભના પાણીના ભંડારને જો રીચાર્જ કરવો હોય તો બોર દ્વારા કરી શકાય. બોર કરીને વરસાદી પાણી નીચે ઉતારીએ છીએ જેથી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવી શકે.’
બોર રીચાર્જ કરવા શું કરવું પડ્યું એ વિશે રાજેન્દ્રભાઈ કહે છે, ‘અમારા અપાર્ટમેન્ટમાં ૨૪ સભ્યો રહે છે. વરસાદી પાણીથી બોર રીચાર્જ કરવા બધા ઍગ્રી થયા એટલે ટેરેસ પરથી નીચે પાઇપ ઉતારીને બોર પાસે કાંકરા, રેતીથી ફિલ્ટર બનાવ્યું અને એમાં વરસાદી પાણી જાય અને ત્યાંથી પાણી બોરમાં જાય એવી સિસ્ટમ બનાવી જેને આજે વીસેક વર્ષ થયાં છે. અમે બીજું એ કામ કર્યું કે અપાર્ટમેન્ટના પ્લૉટમાં વરસાદી પાણી ભરાઈ જાય છે એને પણ નીચે ઉતારવા માટે પ્લૉટમાં એક સાઇડે કૂવા દ્વારા પાણી જમીનમાં વાળ્યું અને ત્યાં પણ ફિલ્ટર લગાવ્યું એટલે પ્લૉટમાં વરસાદી પાણી ભરાય એ પણ જમીનમાં અંદર જતું રહે છે અને પ્લૉટમાં પાણી ભરાયેલું ન રહે. હું તો બધાને કહું છું કે પરકોલેશન વેલ બનાવો તો વરસાદી પાણી ભરાતું બંધ થાય અને એ પાણી જમીનમાં ઊતરી જાય.’
પાણીનો સંગ્રહ કરવાની પ્રથા વર્ષો નહીં, સદીઓ જૂની છે. આજે આપણે એ પ્રથાને અવગણી રહ્યા છીએ એને કારણે દર ઉનાળામાં પાણી ખૂટી જવાની ચિંતા પેદા થાય છે. આવું ન થાય એ ગામના સ્તરે ખેતરો અને ઘરોમાં તેમ જ શહેરોમાં અપાર્ટમેન્ટમાં બોરવેલ રીચાર્જ જેવા પ્રકલ્પો વિશે જાગૃતિ આવવી જરૂરી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવાના અનેક તરીકાઓ છે અને એનાં સારાં પરિણામ પણ મળી રહ્યાં છે. પાણી આપણા જીવન માટે કેટલું જરૂરી છે એ સૌ જાણે જ છે ત્યારે આપણે પાણીની કિંમત સમજીએ અને આકાશમાંથી વરસતા કાચા સોના જેવા વરસાદી પાણીનો શક્ય હોય તો સંગ્રહ કરી આપણા ગામ, શહેર, રાજ્ય અને દેશને હરિયાળું બનાવવાનો પ્રયાસ કરી શકીએ કે નહીં?


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2020 09:59 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK