વિક્રોલી સ્ટેશને અકસ્માત અટકાવવા હવે લાગશે બૅરિકેડ્સ

Published: 7th October, 2011 17:17 IST

પાટા ઓળંગતી વખતે થતા અકસ્માતોને અટકાવવા માટે સેન્ટ્રલ રેલવેએ પૅસેન્જર્સ અસોસિયેશનની દરખાસ્તને માન આપીને દરેક પ્લૅટફૉર્મના અંત પાસે બૅરિકેડ્સ લગાવવાનું આયોજન કર્યું છે. આ આયોજનના ભાગરૂપે મુલુંડ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૧, ૨ અને ૩ પર પાઇલટ પ્રોજેક્ટને પણ ન્યાય આપવામાં આવ્યો છે.

 

ગઈ કાલે વિક્રોલી સ્ટેશન ખાતે ટ્રૅક ક્રૉસ કરતી વખતે પંચાવન વર્ષનાં હલીમા શેખનું ટ્રેન-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. ગઈ કાલે બપોરે જ્યારે ટિટવાલા-છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્લો ટ્રેનનો ઓવરહેડ વાયર વિક્રોલી સ્ટેશન ખાતે ફસાઈ જતાં સમસ્યા ઊભી થઈ હતી ત્યારે આ ઘટના બની હતી. આ સમસ્યાને કારણે ટ્રેન પ્લૅટફૉર્મ નંબર-૨ પર બે કલાક કરતાં વધારે સમય અટકી ગઈ હતી. આ સમયે મહિલા પ્લૅટફૉર્મ નંબર-૨ પરથી પ્લૅટફૉર્મ નંબર ચાર સુધી પાટા ઓળંગીને જઈ રહી હતી ત્યારે સામેની બાજુથી આવતી ટ્રેન સાથે અથડાઈ હતી. તેને ઘાટકોપરમાં આવેલી રાજાવાડી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

પાટા ઓળંગતી વખતે આ પ્રકારે થતા અકસ્માતોને અટકાવવા માટે સેન્ટ્રલ રેલવેએ પૅસેન્જર્સ અસોસિયેશનની દરખાસ્તને માન આપીને દરેક પ્લૅટફૉર્મના અંત પાસે બૅરિકેડ્સ લગાવવાનું આયોજન કર્યું છે. આ આયોજનના ભાગરૂપે મુલુંડ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૧, ૨ અને ૩ પર પાઇલટ પ્રોજેક્ટને પણ ન્યાય આપવામાં આવ્યો છે. આ આયોજન વિશે વાત કરતાં સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ રેલવે મૅનેજર રાહુલ જૈન કહે છે કે અમે આ યોજનાનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એને પસંદગીનાં સ્ટેશનો પર લાગુ પાડવામાં આવશે.

જે વ્યક્તિઓ ઓવરબ્રિજનો ઉપયોગ કરવાને બદલે પાટા ઓળંગવાનું જોખમ ખેડે છે તેમને આમ કરતાં અટકાવવામાં બૅરિકેડ્સ મદદ કરશે. સેન્ટ્રલ રેલવેના અધિકારીએ જણાવ્યું છે કે તેમને ખબર છે કે કુર્લા અને વિક્રોલી સ્ટેશન પર પાટા ઓળંગવાનું પ્રમાણ ઘણું વધારે છે. આ સિવાય તેઓ ટ્રૅક પર ઢાળનું પ્રમાણ પણ ઘટાડી રહ્યા છે જેથી લોકો સહેલાઈથી ટ્રૅક પર કૂદકો ન મારી શકે. સેન્ટ્રલ રેલવે ટૂંક સમયમાં સીએસટી-કુર્લા વિસ્તારમાં મેઇન અને હાર્બર લાઇન વચ્ચેના અંતરને ભરવા માટે બૅરિકેડ્સનો ઉપયોગ કરવાની છે.

સેન્ટ્રલ રેલવેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો

વિક્રોલી અને ઘાટકોપર વચ્ચે ઓવરહેડ વાયરની સમસ્યા સર્જાતાં મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર ગઈ કાલે બપોરે ખોરવાઈ ગયો હતો. સેન્ટ્રલ રેલવેના જનસંપર્ક અધિકારી એ. કે. સિંહે આ ઘટનાની માહિતી આપતાં કહ્યું હતું કે ‘ટિટવાલાથી આવતી અને સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ) જતી લોકલ ટ્રેન વિક્રોલી સ્ટેશનની બહાર નીકળી ત્યારે જ ઓવરહેડ વાયર પૅન્ટોગ્રાફમાં ફસાઈ ગયો હતો.’

બપોરે ૧૨ વાગ્યે આ પ્રૉબ્લેમ થયો હતો અને બે વાગ્યા સુધીમાં રેલવેની સર્વિસ પૂર્વવત્ કરી દેવામાં આવી હતી. આ સમયગાળા દરમ્યાન મુલુંડ અને માટુંગા સ્ટેશન વચ્ચે ૩૦ જેટલી અપ સ્લો લોકલને અપ ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK