રેલવે ભારતની લાઇફલાઇન છે અને એ ઈશાન ભારતમાં પહોંચવી જોઈએ

Published: 26th November, 2014 05:38 IST

ઈશાન ભારત જવા માગતા વિદ્યાર્થીઓને ટિકિટના દરમા રાહત આપતા સરાહનીય પગલા ઉપરાંત પણ રેલવેએ ઘણું કરવાની જરૂર છે
કારણ-તારણ - રમેશ ઓઝા


રેલવે મંત્રાલયે લાખ-લાખ અભિનંદન આપવાં જોઈએ એવો એક સરસ નિર્ણય લીધો છે. ભારતની સ્કૂલો-કૉલેજો વિદ્યાર્થીઓને પર્યટન માટે ઈશાન ભારત લઈ જશે તો રેલવે મંત્રાલય ટિકિટના દરમાં હજી વધુ સબસિડી આપશે. શાળાકીય પર્યટનો માટે ટિકિટના દરોમાં રાહત આપવામાં આવે જ છે, પરંતુ ઈશાન ભારતના પ્રવાસ માટે હજી વધુ રાહત અપાશે. હું તો એમ માનું છું કે મફત પ્રવાસ કરાવવામાં પણ વાંધો નથી, જો લોકો ત્યાં જતા હોય તો. ઈશાન ભારતનાં ૮ નાનકડાં અને મજાનાં રાજ્યોને બાકીના ભારતે પોતાની પાંખમાં લેવાં જરૂરી છે અને ત્યાંની પ્રજાને હૂંફ આપવી જોઈએ. અત્યારે તો સ્થિતિ એવી છે કે મોટા ભાગના ભારતીયો એ ૮ રાજ્યોનાં નામ પણ પૂરાં ગણાવી શકતા નથી. તમે દેશપ્રેમી હોવાનો ફાંકો ધરાવતા હોય તો તમે પોતે મનોમન એ રાજ્યોનાં નામ ગણીને પોતાની જાતે જ પોતાના દેશપ્રેમની કસોટી કરી લો.

આ દેશને જોડવામાં રેલવેનું અને હિન્દી સિનેમાનું મોટું યોગદાન છે અને એ બન્ને યોગદાનની જોઈએ એટલી કદર કરવામાં આવી નથી. રેલવેનો ઇતિહાસ રોચક છે અને એનાથી વધુ રોચક ભારતમાં રેલવે બાંધવી જોઈએ કે નહીં એ વિશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલકોની ગડમથલ છે. જે પ્રજા એક પંક્તિમાં બેસીને ભોજન કરતી નથી, જે પ્રજા એક ગોળાનું પાણી પીતી નથી, જે પ્રજા દલિતોના ઓછાયાથી પણ અભડાય છે એ પ્રજા રેલવેના એક જ ડબ્બામાં સાથે પ્રવાસ કરશે? હિન્દુઓ પાછા મુસ્લિમોથી પણ આભડછેટ રાખે છે. સહ (સાથે) શબ્દ જ જેના શબ્દકોશમાં નથી અને એવા સંસ્કાર નથી તે સહપ્રવાસી બને ખરા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકોએ એક દાયકા કરતાં વધુ સમય આવી ગડમથલમાં વિતાવ્યો હતો. લાખો રૂપિયા (એ સમયે) ખર્ચીને રેલવેલાઇન પાથરવામાં આવે અને આભડછેટને કારણે ભારતીયો, ખાસ કરીને હિન્દુઓ રેલવેમાં પ્રવાસ નહીં કરે તો? લાંબી ગડમથલ પછી કંપનીએ ભારતમાં રેલવે દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. તેમની ગણતરી એવી હતી કે ભારતીયો પ્રવાસ ન કરે તો કાંઈ નહીં; માલસામાનની, ટપાલની અને કંપનીના અધિકારીઓની હેરફેર માટે તો રેલવેનો ઉપયોગ કરી શકાશે. આમ પ્રયોગના ભાગરૂપે નાનાં-નાનાં પણ મહત્વનાં કૉરિડોર્સમાં રેલવે શરૂ કરવામાં આવી હતી. છીંડાં શોધતાં હિન્દુઓને આવડે છે. છાંટ નાખીને પાછા પવિત્ર થવાનું છીંડું હિન્દુઓએ શોધી લીધું હતું અને રેલવેએ અપનાવી લીધી હતી.

કંપનીના સાહસનું પરિણામ આજે આપણી સામે છે. આ દેશ રેલવે થકી જોડાયો છે અને જોડાયેલો રહ્યો છે. જો ૧૮૫૭નો વિદ્રોહ ન થયો હોત અને અંગ્રેજોને તમામ રિયાસતોને ધીરે-ધીરે ખાલસા કરવાની તક મળી હોત તો ભારતનો ઇતિહાસ આજે જુદો હોત. આખો દેશ જો બ્રિટિશ ભારત હોત તો દરેક જગ્યાએ રેલવે પહોંચી હોત અને કદાચ, (આઇ રિપીટ) કદાચ ભારતનું વિભાજન ન થયું હોત. તમે ભારતીય રેલવેનો ૧૯૪૭નો નકશો લઈને બેસો અને જુઓ કે ભારતના કયા પ્રદેશો ભારતથી અલગ થયા હતા? તમને જોવા મળશે કે એ પ્રદેશો ભારતથી વિભાજિત થયા હતા જ્યાં રેલવેનું જાળું પાંખું હતું અને જે પ્રદેશો બાકીના ભારત સાથે રેલવે દ્વારા સીધા જોડાયેલા નહોતા. તમે ભારતીય રેલવેનો ૨૦૧૪નો નકશો લઈને બેસો અને તપાસી જુઓ કે ભારતના કયા પ્રદેશોમાં અલગતાવાદી આંદોલન ચાલી રહ્યું છે? તમને જોવા મળશે કે ભારતના એવા પ્રદેશોમાં અલગતાવાદી આંદોલન ચાલી રહ્યાં છે જ્યાં રેલવેનું જાળું આજે પણ પાંખું છે અને બાકીના ભારત સાથે જોઈએ એવું સીધું જોડાણ નથી.

ઈશાન ભારત જવા માગતા વિદ્યાર્થીઓને ટિકિટના દરમાં રાહત આપવાનો રેલવે મંત્રાલયનો નિર્ણય સરાહનીય છે, પરંતુ એનાથી વધારે આગળ વધીને રેલવે મંત્રાલયે ઈશાન ભારતમાં રેલવે વિકસાવવી જોઈએ અને બાકીના ભારત સાથે એને જોડવી જોઈએ. આ કામ અઘરું છે, પણ અનિવાર્ય છે. આમાં ઉદારતા અને દૂરંદેશીની પણ જરૂર છે. પહેલી સમસ્યા એ છે કે ઈશાન ભારતના પહાડી વિસ્તારોમાં રેલવે પાથરવી મોંઘી પડે અને એ પછી નૂર અને ટિકિટના વેચાણની આવક ઓછી મળે એટલે રેલવે ખોટમાં જાય. બીજી સમસ્યા એના કરતાં પણ અઘરી છે. પૂવર્‍ ભારત અને ઈશાન ભારતની વચ્ચે બંગલા દેશ પડે છે. અત્યારે ભારતીય રેલવે અને સડક છેક ઉપર દાર્જીલિંગ થઈને બગલાની ડોક જેવી સાંકડી સિલિગુડી કૉરિડોરમાંથી પસાર થાય છે. ઈશાન ભારત ૪૫૦૦ કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે અને ભારત સાથે માત્ર ૪૫ કિલોમીટરની સરહદ ધરાવે છે. ટૂંકમાં કહીએ તો એ પાડોશી દેશોની ગોદમાં બેસેલો ભારતીય પ્રદેશ છે.

આ પ્રદેશને જો આપણે આપણી ગોદમાં લેવો હશે તો રેલવે અને સડક દ્વારા જોડાણ અનિવાર્ય છે અને એ માટે બંગલા દેશની મદદ લેવી પડશે. બંગલા દેશને ગોદમાં લઈશું તો જ ઈશાન ભારત ગોદમાં આવશે. બંગલા દેશ મુસ્લિમ દેશ છે માટે પૂવર્‍ગ્રહ રાખનારાઓ બેવકૂફો છે. તેમને ભાન નથી કે ઈશાન ભારતને બચાવવા બંગલા દેશનું કેટલું મહત્વ છે. ભારતીય રેલવે અને રોડ બંગલા દેશમાંથી પસાર થાય એ માટે બંગલા દેશનો સહયોગ લેવો જોઈએ. જોઈએ તો બંગલા દેશ સાથે વિઝામુક્ત પ્રવાસની સમજૂતી કરવી જોઈએ, જેવી સમજૂતી નેપાલ સાથે છે. થોડા બંગલાદેશીઓ ભારતમાં આવીને વસશે તો કોઈ નુકસાન થવાનું નથી. ઈશાન ભારત નજીક આવશે જે ભારતના કુલ વિસ્તારમાં ૮ ટકાનો હિસ્સો ધરાવે છે. આખરે બંગલા દેશ પણ અવિભાજિત ભારતનો હિસ્સો છે.

ઉદારમતવાદ અને દૂરંદેશી વચ્ચે અવિનાભાવી સંબંધ છે એ આજના શાસકોને ગળે ઉતારવાની જરૂર છે. જે ઉદારમતવાદી હોય એ જ દૂરનું વિચારી શકે.

દરમ્યાન રેલવે મંત્રાલયે જેટલી પહેલ કરી છે એ માટે ધન્યવાદ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK