મોમ્બાસામાં ડ્રગ લૉર્ડ અલી પુંજાણી પર દરોડા પછી સ્થાનિક પોલીસ અમલદારો પર તવાઈ

Published: Aug 23, 2019, 14:08 IST | દિવાકર શર્મા | મુંબઈ

કેટલાક અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને કેટલાક અધિકારીઓને ઓછા મહત્ત્વની કામગીરી સોંપીને ઉતારી પાડવામાં આવ્યા છે. જોકે અલી પુંજાણી હાલમાં મુંબઈમાં આરામ કરી રહ્યો છે.

મોમ્બાસામાં ડ્રગ લૉર્ડ અલી પુંજાણી પર દરોડા
મોમ્બાસામાં ડ્રગ લૉર્ડ અલી પુંજાણી પર દરોડા

આફ્રિકન દેશ કેન્યાના કૅબિનેટ સેક્રેટરી ફ્રેડ માતિયાંગે કૅફી દ્રવ્યો સામે યુદ્ધ જાહેર કર્યા પછી કાંઠાળ શહેર મોમ્બાસા ખાતે બિઝનેસ ટાયકૂન અલી પુંજાણીના દરિયાકિનારેના વિશાળ બંગલા પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાર પછી અલી પુંજાણી સાથે છુપા સંબંધોની શંકાને કારણે મોમ્બાસા શહેરના ડઝનેક વરિષ્ઠ પોલીસ અમલદારો પર તવાઈ આવી છે. કેટલાક અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને કેટલાક અધિકારીઓને ઓછા મહત્ત્વની કામગીરી સોંપીને ઉતારી પાડવામાં આવ્યા છે. જોકે અલી પુંજાણી હાલમાં મુંબઈમાં આરામ કરી રહ્યો છે.
બૉલીવુડની અભિનેત્રી કિમ શર્માના ભૂતપૂર્વ પતિ અલી પુંજાણી મોમ્બાસામાં પોલીસનું ડ્રગ્સ વિરોધી આક્રમક અભિયાનના આરંભ પૂર્વે મુંબઈ આવી પહોંચ્યો હતો. પહેલાં મોમ્બાસાની હૉસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યાર પછી થોડા દિવસમાં વિમાનમાં મુંબઈ આવીને અહીંની હૉસ્પિટલમાં દાખલ થયો અને એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. જોકે અલી પુંજાણીને હૉસ્પિટલમાં દાખલ કરવા સુધીની બધી બાબતો પૂર્વનિયોજિત હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
અલી પુંજાણી તેમની વિધવા બહેનની સાથે બાંદરાની ફાઇવ સ્ટાર હોટેલમાં રહે છે. અલીએ છઠ્ઠી ઑગસ્ટથી બાંદરાની હોટેલમાં બે જણ માટે રૂમ બુક કરાવ્યો છે. જોકે હોટેલમાં બેઠાં-બેઠાં મોમ્બાસાની ગતિવિધિઓની રજેરજ માહિતી મેળવે છે. હોટેલમાં અલીને મળવા કોઈ જતું નથી. અલી પુંજાણી દિવસ દરમ્યાન હોટેલના રૂમમાંથી નીચે ઊતરીને રેસ્ટોરાંમાં જમવા અને આસપાસ આંટોફેરો કરવા જાય છે. મુંબઈ પોલીસે પુંજાણીની હિલચાલો પર નજર રાખવા સાદા વેશમાં પોલીસ જવાનો તહેનાત કર્યા છે. જોકે મુંબઈ પોલીસને પુંજાણીની ધરપકડ કે હંગામી ધોરણે અટકાયતમાં રાખવાની કોઈ વહીવટી વિનંતી કેન્યાની સરકાર તરફથી મળી નથી.
મોમ્બાસામાં ડ્રગ લૉર્ડ અલી પુંજાણીએ નૅશનલ પોલીસ સર્વિસને ૧૦ પોલીસવાહનો ભેટરૂપે આપ્યાં હોવાથી ન્યાલી વિસ્તારના બંગલાના રક્ષણ માટે ૧૯ પોલીસ અધિકારીઓની ફાળવણી સ્થાનિક પોલીસ તંત્રે કરી હતી. હવે અલી મોમ્બાસા પહોંચે ત્યારે તેની ધરપકડની શક્યતા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK