રાહુલ અને પ્રિયંકાએ સીએએના મુદ્દે લોકોને ગુમરાહ કરી તોફાન કરાવ્યાં : શાહનો આરોપ

Updated: Jan 13, 2020, 16:28 IST | Mumbai Desk

મોદીજી પાકિસ્તાન, બંગલા દેશ, અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપી રહ્યા છે તો દલિતવિરોધી કેજરીવાલ અને રાહુલે વિરોધ કર્યો

ડોર ટુ ડોર કૅમ્પેન : નવી દિલ્હીના લજપત નગરમાં ગઈ કાલે ઘેર-ઘેર જઈને લોકોને નાગરિકતા સંશોધન કાયદા વિશે સમજણ આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ. (તસવીર : પી.ટી.આઇ.)
ડોર ટુ ડોર કૅમ્પેન : નવી દિલ્હીના લજપત નગરમાં ગઈ કાલે ઘેર-ઘેર જઈને લોકોને નાગરિકતા સંશોધન કાયદા વિશે સમજણ આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ. (તસવીર : પી.ટી.આઇ.)

વિધાનસભા ચૂંટણી પહેલાં બીજેપી અધ્યક્ષ અમિત શાહે તાલકટોરા સ્ટેડિયમમાં પાર્ટીના બૂથ લેવલ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું. આ દરમ્યાન અમિત શાહે કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર જનતાને ગુમરાહ કરીને તોફાન કરાવવાનો આરોપ લગાવ્યો. શાહે એ પણ કહ્યું કે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે પાંચ વર્ષ દિલ્હીના લોકોને છેતર્યા છે અને બીજેપી તેમની પાસેથી હિસાબ માગશે. નનકાના સાહિબ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.

અમિત શાહે કહ્યું, ‘હજી હમણાં જ વડા પ્રધાન સીએએ લઈને આવ્યા. કૅબિનેટે એને મંજૂરી આપી અને લોકસભાએ પસાર કરી દીધું. ત્યાર બાદ કેજરીવાલ, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાએ લોકોને ગુમરાહ કરીને તોફાન કરાવવાનું કામ કર્યું. હું દિલ્હીની જનતાને પૂછવા માગું છું કે શું તમે એવી સરકાર ઇચ્છો છો જે દિલ્હીમાં હુલ્લડ કરાવે.’
નાગરિકતા કાયદાના વિરોધ પર શાહે કહ્યું, વિપક્ષના લોકો કહે છે કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર અત્યાચાર નથી થતા. કેજરીવાલ, રાહુલ-સોનિયા ગાંધીજી આંખો ખોલીને જોઈ લો, હમણાં જ નનકાના સાહિબ જેવા પવિત્ર સ્થળ પર હુમલો કરીને સિખ ભાઈઓને આતંકિત કરવાનું કામ પાકિસ્તાને કર્યું છે. શાહે કહ્યું કે કૉન્ગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ આ કાયદાનો વિરોધ કર્યો. મોદીજી પાકિસ્તાન, બંગલા દેશ, અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા દેવા જઈ રહ્યા છે તો દલિત વિરોધી કેજરીવાલ, રાહુલ ગાંધી એનો વિરોધ કરી રહ્યા છે.
અમિત શાહે કહ્યું કે કૉન્ગ્રેસે રામજન્મભૂમિ મામલાને ઘણાં વર્ષોથી રોકીને રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે ચુકાદો આપી દીધો છે કે રામજન્મભૂમિ પર મંદિર બનવું જોઈએ. આ દેશના કરોડો લોકોની ઇચ્છા હતી, પરંતુ કૉન્ગ્રેસ પાર્ટી એનો વિરોધ કરતી હતી.
અમિત શાહે કહ્યું, બીજેપીને ચૂંટણીસભાઓથી નથી લડવું, પરંતુ ઘરે-ઘરે જઈને લડવું છે. મોહલ્લા મીટિંગ કરીને લડવું છે. એની શરૂઆત હું જ કરવા જઈ રહ્યો છું. દિલ્હીના મુખ્ય પ્રધાન પર કટાક્ષ કરતાં શાહે કહ્યું, કેજરીવાલજી છાપામાં તેમના ફોટોવાળી જાહેરખબર આપીને ધન્યવાદ આપી રહ્યા છે. અરે, તમે કયું કામ પૂરું કરી દીધું એ તો જણાવો. પાંચ વર્ષ સરકાર ચલાવ્યા બાદ તો તમે કામ શરૂ કરો છો.
શાહે કહ્યું, જનતાને એક વખત છેતરી શકાય છે, વારંવાર કોઈ ન છેતરી શકે. એક વખત કેજરીવાલે છેતરી લીધા. ત્યાર બાદ નગર નિગમની ચૂંટણી થઈ તો આપ પાર્ટીનાં સૂપડાં સાફ થઈ ગયાં. દિલ્હીની જનતા હવે તેમને ઓળખી ગઈ છે. તેમણે દાવો કર્યો કે આ વખતે દિલ્હીમાં બીજેપીની સરકાર બનશે.

શિકાગો-વૉશિંગ્ટનમાં નાગરિકતા બિલની તરફેણમાં ભારતીયો રસ્તા પર ઊતર્યા
અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય દ્વારા નાગરિકતા કાયદાના સમર્થનમાં દેખાવો કરવામાં આવ્યા છે.
અમેરિકાના સીએટલ અને શિકાગોમાં ભારતીય સમુદાયે આ બિલની તરફેણમાં એક રૅલી કાઢી હતી. આ રૅલીમાં જોડાયેલા લોકોના હાથોમાં પોસ્ટરો હતાં અને જેના પર લખવામાં આવ્યું હતું કે આ કાયદો અત્ચાચારનો ભોગ બનેલા અલ્પસંખ્યકો માટે છે.
લોકોએ આ કાયદાના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા. લોકોએ કહ્યું હતું કે નાગરિકતા કાયદો સૌથી ઉદાર કાયદો છે. આ પહેલાં પણ અમેરિકામાં નાગરિકતા કાયદાના સમર્થનમાં વિવિધ સ્થળે કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં પણ કાયદાના સમર્થનમાં દેખાવો થયા હતા જેમાં પીએમ મોદીને તમામ સમર્થન આપવાની જાહેરાત કરાઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK