રઘુવર દાસ જો ઝારખંડને અસ્થિરતા અને ભ્રષ્ટાચારથી બચાવશે તો એક દિક્કુનો રાજ્ય પર ઉપકાર ગણાશે

Published: 28th December, 2014 05:09 IST

ઝારખંડના આદિવાસીઓની ભાષામાં દિક્કુ એટલે બહારના, એટલે ગેર આદિવાસી જે લગભગ ગાળ જેવો તિરસ્કારવાચક શબ્દ છે. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એ પહેલાં છોટા નાગપુરમાં તેમની બહુમતી હતી અને તેમનું રાજ પણ હતું. ટંૂકમાં કહીએ તો, ભારતમાં સૌથી પ્રબળ આદિવાસી અસ્મિતા ઝારખંડના આદિવાસીઓ ધરાવે છે. આમ ઝારખંડના દિક્કુ મુખ્ય પ્રધાનને મુદત પૂરી કરવા મળશે કે કેમ એ પ્રfન તો ઊભો જ છેકારણ-તારણ - રમેશ ઓઝા

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ૮૧ બેઠકોમાંથી ૩૭ બેઠકો મેળવ્યા પછી BJPએ ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન સાથે મળીને સરકાર રચી છે. પહેલાં એમ લાગતું હતું કે BJP સ્પક્ટ બહુમતી મળી જશે, પણ પક્ષ બહુમતીથી પાંચ બેઠક દૂર રહી ગયો હતો એટલું જ નહીં, પક્ષના સિનિયર નેતા અને ભૂતપૂવર્‍ મુખ્ય પ્રધાન અજુર્‍ન મુંડાનો પણ પરાજય થયો હતો. ઝારખંડનો મુખ્ય પ્રધાન બની શકે એવો કોઈ આદિવાસી નેતા BJP પાસે નથી એટલે BJPએ પક્ષમાં સિનિયૉરિટીમાં નંબર-ટૂ ગણાતા ગેર આદિવાસી રઘુવર દાસને મુખ્ય પ્રધાનપદ માટે પસંદ કર્યા છે. રઘુવર દાસ BJPના નેતૃત્વવાળી ઝારખંડની આગલી સરકારોમાં નાયબ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે.

AJSU (ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન) સાથેનો BJPનો સંબંધ જૂનો છે, પણ ટકાઉ નથી. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી BJP અને AJSU સાથે મળીને લડ્યા હતા. ૨૦૦૫માં ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે AJSUએ BJP સાથે છેડો ફાડીને લાલુ પ્રસાદ યાદવ સાથે હાથ મિલાવ્યા હતા. ફરી વાર ૨૦૦૯ની વિધાનસભાની ચૂંટણી BJP સામે લડ્યા પછી આ વખતે AJSUએ ચૂંટણી પહેલાં BJP સાથે સમજૂતી કરી હતી અને કુલ પાંચ બેઠકો મેળવી છે. BJP અને AJSU મળીને ૮૧ સભ્યોની વિધાનસભામાં ૪૨ બેઠકો ધરાવે છે જે બરાબર હાફવે માર્ક છે. આનો અર્થ એ થયો કે ઝારખંડની સરકાર સૂતરના તાંતણે ટકેલી છે અને જો એક વિધાનસભ્ય ખડે તો સરકાર ઊથલી પડે એમ છે. AJSUના બે વિધાનસભ્યો ખડે તો તેઓ પક્ષાંતરવિરોધી ધારાથી બચી શકે એમ છે. એક તો AJSUના નેતા સુરેશ માહતો પોતે જ ચંચળ માણસ છે અને એમાં તેમના પક્ષમાં ગમે ત્યારે પક્ષાંતર થઈ શકે છે. અલગ રાજ્ય બન્યા પછી ઝારખંડનો ઇતિહાસ જોતાં આ બધું જ શક્ય છે.

૨૦૦૦ની સાલના નવેમ્બરમાં એકસાથે ત્રણ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં હતાં. ઉત્તર પ્રદેશનું વિભાજન કરીને ઉત્તરાખંડની રચના કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશનું વિભાજન કરીને છત્તીસગઢ નામના નવા રાજ્યની રચના કરવામાં આવી હતી અને બિહારનું વિભાજન કરીને ઝારખંડની રચના કરવામાં આવી હતી. આ ત્રણ રાજ્યોમાં કુદરતી સંપત્તિની દૃષ્ટિએ ઝારખંડ સૌથી સમૃદ્ધ છે. આદિવાસીઓના શૈક્ષણિક સ્તરની દૃષ્ટિએ ઝારખંડ છત્તીસગઢના આદિવાસીઓ કરતાં ક્યાંય આગળ છે. અલગ અને બૃહદ્ ઝારખંડ માટેની લાંબી લડતને કારણે છત્તીસગઢના આદિવાસીઓ કરતાં ઝારખંડના આદિવાસીઓ રાજકીય રીતે વધારે જાગ્રત છે. ખ્રિસ્તી મિશનરીઓને કારણે, બિરસા મુંડાને કારણે, છોટા નાગપુરના આદિવાસીઓની લોકલડતને કારણે અને ડૉ. જશપાલ સિંહના નેતૃત્વને કારણે છત્તીસગઢના આદિવાસીઓ કરતાં ઝારખંડના આદિવાસીઓનું વધારે સશક્તીકરણ થયું છે. એ ઉપરાંત ત્રણ રાજ્યોમાં સૌથી વધુ ઉદ્યોગ ઝારખંડમાં છે. આમ છતાં આ ત્રણ રાજ્યોમાં ઝારખંડ સૌથી કમનસીબ રાજ્ય છે. રાજકીય અસ્થિરતા અને ભ્રષ્ટાચારનો આ સમૃદ્ધ રાજ્ય શિકાર બની ગયું છે.

રઘુવર દાસની સરકાર સ્થિર નીવડે એવું આપણે ઇચ્છીએ, પણ એવી શક્યતા ઓછી દેખાય છે. સંખ્યાની દૃષ્ટિએ ઝારખંડમાં આદિવાસીઓ બહુમતીમાં છે એવું નથી. તેમનું કુલ પ્રમાણ ૩૨ ટકા છે અને તેઓ ૧૮ વંશમાં વહેંચાયેલા છે. આમાં આદિવાસીઓની ૬ જાતિ વર્ચસ ધરાવે છે. જેમ પંજાબમાં ગેર સિખ મુખ્ય પ્રધાનને રાજ કરવું મુશ્કેલ છે એમ ઝારખંડમાં ગેર આદિવાસી મુખ્ય પ્રધાન માટે શાંતિથી રાજ કરવું મુશ્કેલ છે. તેમની ભાષામાં દિક્કુ એટલે કે બહારના એટલે કે ગેર આદિવાસી લગભગ ગાળ જેવો તિરસ્કારવાચક શબ્દ છે. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એ પહેલાં છોટા નાગપુરમાં તેમની બહુમતી હતી અને તેમનું રાજ પણ હતું. ટૂંકમાં કહીએ તો, ભારતમાં સૌથી પ્રબળ આદિવાસી અસ્મિતા ઝારખંડના આદિવાસીઓ ધરાવે છે. આમ ઝારખંડના દિક્કુ મુખ્ય પ્રધાનને મુદત પૂરી કરવા મળશે કે કેમ એ પ્રfન તો ઊભો જ છે.

રઘુવર દાસે માત્ર સ્થિર સરકાર નથી આપવાની, રાજ્યને ક્રોની કૅપિટલિઝમથી બચાવવાનું છે. ભારતની મૂલ્યવાન ખનીજ સંપત્તિ ઝારખંડની ભૂમિમાં છે. આને કારણે ઝારખંડ જેટલો ભ્રષ્ટાચાર ભારતના બીજા કોઈ રાજ્યમાં નથી. મધુ કોડા ભ્રષ્ટાચારીઓમાં પણ ભ્રષ્ટાચારી છે. મધુ કોડા પહેલાં BJPમાં હતો અને ક્રોની કૅનિટલિસ્ટોની મદદથી તેમણે સરકાર તોડી હતી. સોરેન હોય, મરાન્ડી હોય કે કોડા હોય, ઝારખંડને હંમેશાં આંગળિયાત ઉદ્યોગપતિઓને લંૂટવા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં આંગળિયાત ઉદ્યોગપતિઓ છે કે રાજકારણીઓ એ સવાલ છે. ભ્રષ્ટાચારને કારણે સમૃદ્ધ હોવા છતાં ઝારખંડ આર્થિક વિકાસમાં પાછળ રહી ગયું છે. રઘુવર દાસે રાજ્યને આર્થિક રીતે સ્થિર કરવાનું છે અને ગુમાવેલી તકો ફરી હાંસલ કરવાની છે. પડકાર મોટો છે અને સરકાર સંભવત: અસ્થિર છે.

રઘુવર દાસનો પરિવાર તાતા સ્ટીલ કંપનીમાં નોકરી કરવા ઝારખંડમાં જમશેદપુરમાં આવીને વસ્યો હતો. રઘુવર દાસ જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાન્તિ આંદોલનમાં જોડાયા હતા અને ઇમર્જન્સીમાં જેલમાં પણ હતા. ૧૯૮૦માં BJPની સ્થાપના થઈ ત્યારથી તેઓ પક્ષ માટે સમર્પિત રહ્યા છે અને એ સાથે તાતા સ્ટીલમાં નોકરી કરે છે. પાંચ વખત વિધાનસભ્ય બનવા છતાં અને એક વખત નાયબ મુખ્ય પ્રધાન બનવા છતાં તેમણે હજી પણ તાતા સ્ટીલમાંથી રાજીનામું આપ્યું નથી. તેઓ વગરપગારે એક દાયકાથી રજા પર છે. તેઓ હજી પણ જો નોકરી જાળવી રાખશે તો ભારતના રાજકારણમાં એ એક અનોખી ઘટના ગણાશે. આમ રઘુવર દાસ અનોખા માણસ તો છે જ. તેઓ જો ઝારખંડને અસ્થિરતા અને ભ્રષ્ટાચારથી બચાવશે તો એક દિક્કુનો રાજ્ય પર ઉપકાર ગણાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK