રૅગિંગનો ત્રાસ વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી શકે

Published: 12th October, 2011 19:02 IST

સિનિયરો દ્વારા જુનિયર સ્ટુડન્ટ્સની શારીરિક, માનસિક તો ક્યાંક આર્થિક સતામણી કરી તેની સાથે ક્રૂર વર્તન કરવામાં આવે છે ત્યારે ભવિષ્યને ઘડવાનાં અનેક  અરમાનો સાથે કૉલેજમાં આવેલા વિદ્યાર્થીઓ પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે અને અંતિમ પગલું પણ ભરી બેસે છે(બુધવારની બલિહારી - કિરણ કાણકિયા)

અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી એક સરકારી પોલિટેક્નિકમાં રૅગિંગના પ્રયાસના મુદ્દે સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે અથડામણ થઈ  હતી અને એક સિનિયર વિદ્યાર્થી ખુલ્લા છરા સાથે કૉલેજ-કૅમ્પસમાં દોડતાં વિદ્યાર્થીઓમાં ભય ફેલાઈ ગયો હતો.

પોલિટેક્નિકમાં અભ્યાસ કરતા જુનિયર વિદ્યાર્થી મયંક દેસાઈ મિત્રો સાથે ઊભો હતો ત્યારે મોટરકારમાં આવેલા સિનિયર વિદ્યાર્થી ધીરજ રાઠોડ અને તેના મિત્રોએ  મયંક દેસાઈને તેનું પૅન્ટ ઉતારવા કહ્યું હતું. તેણે ઇનકાર કરતાં બન્ને જૂથ વચ્ચે તકરાર થતાં ઉશ્કેરાયેલો ધીરજ મોટરકારમાંથી છરો લઈ મયંકની પાછળ કૅમ્પસમાં  દોડ્યો હતો. પોલીસકર્મચારીઓએ ધીરજ અને તેના મિત્રોને પકડી લીધા હતા. મયંકે રૅગિંગ બાબતે આચાર્યને ફરિયાદ કરી હતી.

બે વર્ષ પહેલાં આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાસ્થિત બાપ્ટલા કૃષિ એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતી ત્રિવેણી નામની વિદ્યાર્થિનીને સિનિયર વિદ્યાર્થિનીઓએ બળજબરીથી  બધાં કપડાં ઉતારીને નચાવવાથી તેણે હેરડાઇ પી લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હિમાચલ પ્રદેશમાં ચંદા મેડિકલ કૉલેજમાં ભણતા ૧૯ વર્ષના અમન કચરુનું  મૃત્યુ રૅગિંગને કારણે થયું હતું.

શું છે આ રૅગિંગ?

નવા વિદ્યાર્થીઓને કૉલેજ-કૅમ્પસમાં ચક્કર મરાવીને દોડાવવા, કેટલાક તો કપડાં ઉતારવાની ફરજ પાડે છે. જો કોઈ ઇનકાર કરે તો તેને આડીઅવળી જગ્યાએ  મૂઢમાર મારવામાં આવે છે. ઊઠબેસ કરાવવી, ગીતો ગવડાવવા, સંવાદો બોલાવવા, ઍક્ટિંગ કરાવવી, બરાડા પડાવવા, કપડાં ઉતારીને નાચ-નખરાં  કરાવવાં, કૂકડો બનાવી તેના પર સવારી કરવી, તેને ઉપરથી નીચે ફેંકવો, તેના પર થૂંકવું વગેરે-વગેરે. આવું અનેક પ્રકારનું ક્રૂર રૅગિંગ કરી નવા વિદ્યાર્થીને  સસલા જેવો બનાવી દેવામાં આવે છે. આવી ક્રૂરભરી મજાક ક્યારેક મોતનો પયગામ બની જાય છે.

યાદ કરો ‘થ્રી ઇડિયટ’ પિક્ચરમાં સિનિયર વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થીઓનું કેવું શોષણ-રૅગિંગ કરતાં દર્શાવવામાં આવ્યા છે. ડરના માર્યા ભયથી કાંપતા નવા  વિદ્યાર્થીઓને માનવું જ પડે છે, કેમ કે તેમણે ઉચ્ચ શિક્ષણ લઈ કરીઅર બનાવવાની હોય છે. આવી જ રીતે ‘કલર’ ચૅનલ પર ચાલતી ‘બાલિકા વધૂ’  સિરિયલમાં જગદીશ જગત પર ક્રૂર રૅગિંગનો ભોગ બનતાં તે ગામમાં પાછો ફરે છે. ‘જો ડર ગયા વો મર ગયા’ એ ઉક્તિ રૅગિંગમાં લાગુ પડે છે.

સુપ્રીમ ર્કોટની લાલ આંખ

સુપ્રીમ ર્કોટે કૉલેજોમાં થતી જંગલિયતભરી રૅગિંગ-પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરી છે. તે આવા અમાનવીય સામાજિક દૂષણ સામે કડક હાથે કામ લેવા માટે કટિબદ્ધ થઈ છે. તેણે રૅગિંગસંબંધી કેટલાક  નિર્ણયો લીધા છે જે આ પ્રમાણે છે:

(૧) જો શૈક્ષણિક સંસ્થાઓ કે યુનિવર્સિટી-કૅમ્પસમાં રૅગિંગની ઘટના બનતી હોય તો તેમણે તરત જ જ્ત્ય્ (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાવવી એટલે કે રૅગિંગ  કરનારને પકડી કડક સજા કરી શકાય. જે સંસ્થાઓ જ્ત્ય્ દર્જ કરાવવામાં વિલંબ કરશે કે નિષ્ફળ જશે તો તે સંસ્થાઓ પણ એટલી જ દોષિત ગણાશે. તેમને મળતી  આર્થિક સહાય બંધ કરવામાં આવશે.

(૨) રૅગિંગમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાય અને સતામણી કરનારા સિનિયર વિદ્યાર્થીઓને કૉલેજમાંથી કાઢી મુકાશે.

(૩) જે વિદ્યાર્થીઓ રૅગિંગના શિકાર બન્યા હોય તેમનાં માતાપિતાએ જ્ત્ય્ દર્જ કરાવવી જેથી દોષિતોને પકડી શકાય.

(૪) સુપ્રીમ ર્કોટે દેશની બધી અદાલતને રૅગિંગને લગતા કેસને પ્રાધાન્ય આપવાની સૂચના આપી હતી.

(૫) સુપ્રીમ ર્કોટે પોલીસ વિભાગને પણ ચેતવણી આપી છે કે રૅગિંગ વિશેના રિપોર્ટની કામગીરી ઝડપથી બજાવે.

(૬) સુપ્રીમ ર્કોટે વિદ્યાપીઠો અને કૉલેજોને તેમના અભ્યાસક્રમમાં રૅગિંગવિરોધી જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનો સમાવેશ કરવાનો આદેશ આપ્યો હતો.

પાશવી દાદાગીરી

રૅગિંગ એ પરપીડનની ઘટના છે. રૅગિંગ માટે જે કારણો જવાબદાર જણાયાં છે એમાં સૌથી ખતરનાક મુદ્દો કૉલેજ-કૅમ્પસમાં વધતા જતા શરાબના ઉપયોગનો છે.  કૉલેજોમાં વધતી જતી આ બદી સામે સંબંધિત સત્તાવાળાઓની ઉદાસીનતા દેખાય છે. સુપ્રીમ ર્કોટે રૅગિંગ અટકાવવા માટે ભલે નિર્ણયો લીધા હોય, પરંતુ એના  અમલીકરણમાં કૉલેજો પાછી પડી છે. નિષ્ફળ રહી છે.

કૉલેજ-કૅમ્પસમાં રોફ જમાવતા શ્રીમંત નબીરાઓ આવવા લાગ્યા છે. તેમને શિક્ષણ સાથે જાણે કંઈ લેવા-દેવા જ ન હોય એમ શિક્ષણને નામે જુનિયર નબળા  વિદ્યાર્થીઓની મજાક-મશ્કરી ઉડાવી તેમને યેન કેન પ્રકારેણ પરેશાન કરી હંફાવે છે. બેફામ જીવનરીતિ અપનાવી ચૂકેલા આ નબીરાઓ પૈસાના જોરે આખી ટીમ ઊભી  કરે છે અને પછી શરૂ કરે છે મની અને મસલપાવરનો ખેલ. તેની ટોળકી નબળા વિદ્યાર્થી પર રોફ જમાવી તેના પર સિતમ ગુજારે છે અને જો તે ફરિયાદ કરવા જાય  તો તેનું આવી જ બને છે તો ક્યારેક તે આત્મહત્યા કરવા પણ પ્રેરાય છે.

પ્રશ્ન એ ઊઠે છે કે શિક્ષણસંસ્થાઓને શું રૅગિંગસંબંધી જાણ નહીં થતી હોય? કે પછી આંખ આડા કાન કરે છે કે પછી સામનો કરવાનું ઓજસ ગુમાવી ચૂકી છે.

નિરક્ષર લોકોમાં રૅગિંગની ઘટના બને તો કદાચ સમજી શકાય, પરંતુ જે સંસ્થામાં શિક્ષિત વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે દાખલ થયા હોય, માતાપિતા પણ  શિક્ષિત હોય. વળી, આવી સંસ્થા શિસ્તબદ્ધ હોય છે. પરીક્ષામાં પણ અરાજકતા હોતી નથી. પ્રોફેસરો સાથે પણ સંઘર્ષ હોતો નથી ત્યાં આવી જંગલિયતભરી  રૅગિંગ-પ્રવૃત્તિઓ કેમ સંભવી શકે? આવી પાશવી દાદાગીરી!

રૅગિંગ અટકાવવા માટે

વિદ્યાર્થીઓને રૅગિંગથી બચાવવા માટે સરકારે કૉલેજ-હૉસ્ટેલ માટે કેટલાક ચોક્કસ નિર્દેશો બહાર પાડ્યા છે. કેન્દ્રના માનવ-સંસ્ાાધન વિકાસમંત્રાલયે બહાર પાડેલાં કેટલાંક સૂચનો અનુસાર કૉલેજના પ્રોસ્પેક્ટ્સમાં જ રૅગિંગને અટકાવવા માટેના નિર્દેશો અપાયા હોવા  જોઈએ. પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી તેઓ રૅગિંગ કરશે નહીં અને કોઈને રૅગિંગ માટે પ્રોત્સાહન પણ નહીં આપે એવા પ્રતિજ્ઞાપત્ર પર સહી કરાવવી, કૉલેજમાં રૅગિંગને  અટકાવવા માટે વિશેષ સમિતિ અને સ્ક્વૉડનું ગઠન કરવું, રૅગિંગની પ્રત્યેક ઘટનાની તપાસ કરવી અને યોગ્ય પગલાં લેવા, જો રૅગિંગનો ભોગ બનેલી વ્યક્તિ  કૉલેજની કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તો તેણે નજીકના પોલીસ-સ્ટેશનમાં જ્ત્ય્ નોંધાવવી, રૅગિંગ કરનારા વિદ્યાર્થીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે, અણીના  સમયે વિદ્યાર્થી સંપર્ક કરી શકે એ માટે હૉસ્ટેલમાં ઠેકઠેકાણે મોબાઇલ ફોન અને પીસીઓની વ્યવસ્થા કરવામાં આવે, સંસ્થાના પ્રમુખ, ફૅકલ્ટી-મેમ્બર, હૉસ્ટેલના  વૉર્ડન-જિલ્લા અધિકારી વગેરેના ફોનનંબર સાર્વજનિક રીતે મૂકવામાં આવે, મૌખિક કે લેખિત ફરિયાદ પણ ગંભીરતાથી લેવામાં આવે અને ફરિયાદ કરનારા  વિદ્યાર્થીનું નામ ગુપ્ત રાખવામાં આવે.

હેલ્પલાઇન

મંત્રાલયે શરૂ કરેલા  ‘રૅગિંગમુક્ત કૅમ્પસ’ અભિયાન અંતર્ગત એક ટોલ-ફ્રી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.  પીડિત વિદ્યાર્થી ગમે ત્યારે ૧૮૦૦૧૮૦૫૫૨૨  નંબર પર સંપર્ક કરી શકશે
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK