દુશ્મનોનો હવે પનારો છપ્પનની છાતી સાથે

Updated: Aug 02, 2020, 21:22 IST | Raj Goswami | Mumbai Desk

રફાલની એન્ટ્રી પાસેરાની પહેલી પૂણી તો છે જ સાથે મેસેજ આપે છે કે દુશ્મનોનો હવે પનારો છપ્પનની છાતી સાથે, અત્યારે ભારતીય સેના બે પ્રકારના બદલાવમાંથી પસાર થઈ રહી છે;

રફાલ
રફાલ

૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતૃત્વ હેઠળનું ગઠબંધન કેન્દ્રમાં સત્તા સંભાળે એ પહેલાં સંરક્ષણના મામલાની સંસદીય સ્થાયી સમિતિએ એ દળદાર રિપોર્ટ જારી કરીને સરકારને કહ્યું કે ભારતે તમામ અંતરની મિસા‍ઇલ્સ વિકસાવવા માટે પુરજોશ પ્રયાસ શરૂ કરી દેવા જોઈએ, કારણ કે માત્ર પાકિસ્તાને જ ભારતીય શહેરોને નિશાન બનાવતી મિસાઇલ્સ તહેનાત કરી છે, એટલું જ નહીં, ચીન પણ દેશના કોઈ પણ ભાગને તાકી શકે એવી મિસાઇલ સિસ્ટમ વિકસાવી રહ્યું છે.
મે ૧૯૯૮માં ભારતના ન્યુક્લિયર પરીક્ષણના થોડા દિવસ પછી ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના તત્કાલીન ડિરેક્ટર ડૉ. એપીજે અબ્દુલ કલામે દાવો કર્યો હતો કે ટૂંકા અંતરની વ્યૂહાત્મક પૃથ્વી મિસાઇલ પર પ્લુટૉનિયમ આધારિત ન્યુક્લિયર વૉરહેડ્સ ફિટ કરી શકાય એમ છે. એ વખતે રક્ષાપ્રધાન જ્યૉર્જ ફર્નાન્ડિસે પત્રકારોને કહ્યું હતું કે ‘સશસ્ત્રીકરણ વગર ન્યુક્લિયર દેશ કહેડાવવાનો કોઈ અર્થ નથી. ન્યુક્લિયર સશસ્ત્રીકરણ જરૂરી જ નહીં, અનિવાર્ય પણ છે.’
એપ્રિલ ૧૯૯૯માં ભારત સરકારે સૈન્યના સશસ્ત્રીકરણ વિશે વિગતવાર નિવેદન જારી કરીને કહ્યું હતું કે ‘દેશની સુરક્ષાને લઈને નવી દિલ્હીની ગણતરીમાં પાકિસ્તાનનું જોખમ તો સીમિત છે. અગ્નિ મિસાઇલના કેન્દ્રમાં ચીન-ભારતનું બૃહદ સમીકરણ છે. પરંપરાગત કે ન્યુક્લિયર વૉરહેડ છોડવાની ક્ષમતાથી ભારતની એક મોટી કમી પૂરી થઈ છે. ન્યુક્લિયર તાકાતની ક્ષમતા અને એની ડિલિવરીની ક્ષમતાથી ભારત હવે સુરક્ષાના મામલે કોઈ લઘુતા વગર ગૌરવથી એનું માથું ઊંચું રાખી શકશે. વિશાળ ન્યુક્લિયર શસ્ત્રો સાથેનું ચીન, ન્યુક્લિયર શસ્ત્રો અને ડિલિવરી સિસ્ટમ સાથેનું પાકિસ્તાન, ડિયેગો ગાર્સિયામાં લપાઈને બેઠેલું અમેરિકા અને મિસાઇલ્સ સજ્જ અન્ય ૧૧ એશિયન દેશો એક સુરક્ષાનું ચિંતાજનક ચિત્ર ઊભું કરે છે.’
તાજેતરમાં ભારતે એની હવાઈક્ષમતામાં રફાલ વિમાનો સામેલ કર્યાં છે, એને દક્ષિણ એશિયા અને એશિયામાં સલામતીના આ વાતાવરણના પરિપ્રેક્ષ્યમાં જોવાં જોઈએ. રફાલ એ મૂળભૂત રીતે ન્યુક્લિયર વૉરહેડની ડિલિવરી સિસ્ટમ છે, જે પરંપરાગત મિસાઇલ સિસ્ટમથી એક કદમ આગળ જાય છે. પાકિસ્તાન અને ચીનની દૃષ્ટિએ જોઈએ તો ૩૬ રફાલ વિમાન કોઈ ઝાઝો ફરક ઊભો નથી કરતાં, પણ રફાલ પ્રોજેક્ટની પાછળ ને પાછળ બૅલેસ્ટિક મિસાઇલ પૅકેજ આવે છે, જે ભારતને ખરા અર્થમાં અળવીતરા પાડોશીઓ સામે મજબૂત રક્ષણ પૂરું પાડશે.
ભારતના સૈન્યનું આધુનિકીકરણ એની સામેના સંભવિત સંઘર્ષોના અનુસંધાનમાં છે. ભારત પાકિસ્તાન અને ચીનનું પાડોશી જ માત્ર નથી, સરહદોને લઈને બન્ને સાથે વિવાદ પણ છે. પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા (એલઓસી) અને ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)નો ઝઘડો દાયકાઓ જૂનો છે. ચીને હિન્દ મહાસાગર ક્ષેત્રના અન્ય દેશો સાથે ઘનિષ્ઠ સંબંધો વિકસાવ્યા છે. આ બન્ને દેશો સાથેનાં સુરક્ષા સંબંધી સમીકરણો નિરંતર બદલાતાં રહ્યાં અને એનું સૌથી તાજું ઉદાહરણ લદાખમાં ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલા સંઘર્ષનું છે, જેમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા.
અત્યારે ભારતીય સેના બે પ્રકારના બદલાવમાંથી પસાર થઈ રહી છે; એક, વ્યૂહાત્મક નીતિઓ અને સુરક્ષાક્ષેત્રનું મહત્ત્વ લગાતાર વધી રહ્યું છે અને બે, ભારત વૈશ્વિક સત્તા બનવા તરફ અગ્રેસર છે એટલે સેનાનું આધુનિકીકરણ મહત્ત્વનું છે. પરંપરાગત અને અપ્રચલિત શસ્ત્રોને આધુનિક બનાવવાની જરૂર તો છે, જેની સાથે બદલાતા પડકારોનો સામનો કરવા માટે સેનાનું ગઠન પણ કરવાનું છે. એ સંદર્ભમાં જ રક્ષામંત્રાલય ઘરઆંગણે બનાવાયેલાં શસ્ત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને સ્વદેશી નિર્માણને પ્રોત્સાહન આપી રહ્યું છે.
તાજેતરમાં સરકારે સેનાના ૧.૩ લાખ જવાનોને આધુનિક ઉપકરણો અને શસ્ત્રોથી સજ્જ કરવાનો નિર્ણય કર્યો છે અને એને માટે ૧,૮૫,૦૦૦ અસૉલ્ટ રાઇફલ્સ, હજારો હેલ્મેટ અને બુલેટ-પ્રૂફ જૅકેટ્સની ખરીદીને મંજૂરી આપી છે. વર્તમાન સરકારે આધુનિકીકરણ માટે ૨૫૦ બિલ્યન ડૉલરનું બજેટ ફાળવ્યું છે.
સરકારના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળની પહેલી પરિયોજના ‘બ્રહ્મોસ’ મિસાઇલથી સેનાની તાકાત અનેકગણી વધી ગઈ છે. ‘બ્રહ્મોસ’ વાસ્તવમાં સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ છે, જે એટલી નીચાણ પર તેજ ગતિએ ઊડે છે કે દુશ્મનના રડારની નજરમાં નથી આવતી. એની વિશેષતા એ છે કે એને જમીન પરથી, હવામાંથી, સબમરીનમાંથી કે યુદ્ધજહાજ પરથી છોડી શકાય છે. એ ઉપરાંત ‘બ્રહ્મોસ’માં મૅનવરેબલ ટેક્નૉલૉજી પણ છે, એટલે એક વાર એને છોડ્યા પછી એ લક્ષ્યને વીંધે એ પહેલાં વચ્ચે માર્ગ પણ બદલી શકે છે. દાખલા તરીકે લેસર ગાઇડેડ બૉમ્બ લેસર કિરણોના આધારે લક્ષ્ય સાધે છે અથવા ટૅન્કના બૉમ્બ કે અન્ય મિસાઇલનું લક્ષ્ય પહેલેથી જ નક્કી કરવું પડે છે. ‘બ્રહ્મોસ’ એનું લક્ષ્ય દૂર હોય અને ગતિશીલ હોવાથી પકડમાં આવતું ન હોય, તો એ પોતાનો રસ્તો બદલીને નિશાન સાધી લે છે.
આ તો એક જ ઉદાહરણ છે. સ્ટોકહોમ ઇન્ટરનૅશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારતને શસ્ત્રોનું સૌથી મોટું આયાતી ગણાવે છે, જેની ૨૦૧૧ અને ૨૦૧૫માં વૈશ્વિક શસ્ત્ર આયાતીમાં ૧૪ ટકાની ભાગીદારી હતી. આટલી મોટી આયાતનું એક કારણ એ છે કે અત્યાર સુધી ભારતીય સેનાનું કામ સોવિયેટ સંઘના સમયનાં જૂનાં શસ્ત્રોથી ચાલી રહ્યું છે. ૨૦૧૬માં ‘મેક ઇન ઇન્ડિયા’ યોજના હેઠળ ૩.૭ અબજ ડૉલરના ત્રણ સંરક્ષણ કૉન્ટ્રૅક્ટ કરવામાં આવ્યા હતા, એમાં બે અબજ ડૉલરનો એક કૉન્ટ્રૅક્ટ ઍરબસ અને તાતા ઍડ્વાન્સ સિસ્ટમ્સ દ્વારા સંયુક્ત રીતે સી-૨૯૫ પરિવહન વિમાનના નિર્માણનો છે, જે વાયુસેનાના જૂના એવ્રોસનું સ્થાન લેશે. બ્રિટનની બીએઈ સિસ્ટમ્સ પીએલસી ભારતીય સેના માટે સ્થાનિક સ્તરે ૧૪૫ એમ-૭૭૭ હૉવિત્ઝર ગનના નિર્માણમાં મહિન્દ્ર ડિફેન્સ સિસ્ટમ્સ સાથે ભાગીદાર છે. રશિયાની રોસતેક સ્ટેટ કૉર્પોરેશન અને હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ ભાગીદારીમાં ૧ અબજના કૉન્ટ્રૅક્ટ હેઠળ મલ્ટિપર્પઝ હેલિકૉપ્ટરોનું નિર્માણ કરશે, જે ઊંચાઈ પર થનારી લડાઈમાં ખાસ કરીને સિયાચીનમાં ઉપયોગમાં લેવાતાં જૂના ચિત્તા અને ચેતક હેલિકૉપ્ટરોનું સ્થાન લેશે.
ભારતનો સૌથી મોટો સંરક્ષણસોદો ૨૦૧૨માં થયો હતો, જ્યારે ભારતીય વાયુસેનાએ મધ્યમ અંતરની અનેક ભૂમિકાઓમાં કામ આવતાં રફાલ યુદ્ધવિમાનોનો ૨૨ અબજ ડૉલરનો કૉન્ટ્રૅક્ટ ફ્રાન્સની દવૉલ્ટ એવિયેશન કંપનીને આપ્યો હતો. આની પ્રક્રિયા ૨૦૦૫માં શરૂ થઈ હતી, જ્યારે વાયુસેનાએ ૧૯૮૦થી કામ કરી રહેલા સોવિયેટ નિર્મિત મિગ-૨૧ને હટાવીને નવાં ફાઇટર વિમાન લાવવાનો નિર્ણય કર્યો હતો. વાયુસેનાને ૪૨ ફાઇટરનો કાફલો રાખવાનો અધિકાર છે અને ૩૪નો હાલનો કાફલો થોડો કમજોર લાગે છે. કિંમત અને ગૅરન્ટીની શરતોમાં રફાલનો સોદો અટકી પડ્યો હતો, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં ફ્રાન્સની યાત્રા દરમ્યાન અનિશ્ચિત કિંમત પર ૩૬ રફાલ વિમાનની સીધી ખરીદીની વાત કરી લીધી હતી. એની કોઈ સ્પષ્ટતા નથી કે બાકીનાં યુદ્ધવિમાનોના સોદાનું શું થયું, જેના હેઠળ ૧૮ રફાલ ખરીદવાનાં હતાં.
ભારત અને ફ્રાન્સ વચ્ચે ૨૩,૫૬૦ કરોડ રૂપિયાના અન્ય એક સોદામાં ફ્રાન્સની સરકારી કંપની ડીએસએનએસ અને ભારતની માઝગાવ ડૉક લિમિટેડ પાંચ સ્કૉર્પિયન સબમરીન બનાવી રહી છે, જે એક-એક વર્ષે સેનાને મળશે. ભારતીય નૌસેનાના આધુનિકીકરણનો કાર્યક્રમ ઘણો નક્કર છે, જેમાં ભારતીય શિપયાર્ડમાં ૪૧ જહાજોનો કૉન્ટ્રૅક્ટ છે. આ કૉન્ટ્રૅક્ટ ૧.૦૯ લાખ કરોડ રૂપિયાનો છે.
સેનાની ત્રણેય પાંખોને લગભગ ૮૦૦ હેલિકૉપ્ટરની જરૂર છે. એના માટે ૨૩૪ હેલિકૉપ્ટર માટેની રિક્વેસ્ટ ફૉર ઇન્ફર્મેશન જારી કરવામાં આવી છે. વાયુસેના અને નૌસેના માટે ભારત-રશિયાના સંયુક્ત ઉપક્રમે ૧૯૭ કામોવ ૨૨૬-ટી હેલિકૉપ્ટરનું ઉત્પાદન થવાનું છે. આવતાં ૧૦ વર્ષમાં વાયુસેનાને ૪૦૦ ફાઇટર જેટ વિમાનોની જરૂરિયાત છે. રક્ષામંત્રાલયે વિદેશી સહયોગથી ૧૦૦ સિંગલ એન્જિન જેટ વિમાનોનું નિર્માણ સ્વીકાર કર્યું છે. એ જ રીતે ૧૨૦ સ્વદેશી ફાઇટર જેટ તેજસના નિર્માણ પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. સેનાની ફીલ્ડ આર્ટિલરીના આધુનિકીકરણનો પ્લાન ૧૯૯૯માં તૈયાર થયો હતો. એ અંતર્ગત ૨૦૨૭ સુધીમાં આપણે ૨૮૦૦ તોપ મેળવવાની છે. આ યોજના એના સમયથી ઘણી પાછળ ચાલી રહી છે. અત્યાર સુધી ૧૪૫ અલ્ટ્રા લાઇટ હૉવિત્ઝરની ડિલિવરી થઈ છે. એ ઉપરાંત ૧૦૦ ટ્રેક્ડ પ્રોપેલ્ડ તોપોના કૉન્ટ્રૅક્ટ પર હસ્તાક્ષર થયા છે. હજી ૧૫૮૦ ટોડ તોપો, ૮૧૪ માઉન્ટેડ તોપો, ૧૮૦ પૈડાંવાળી સેલ્ફ પ્રોપેલ્ડ તોપો ખરીદવાનો કૉન્ટ્રૅક્ટ છે.
ઉપર કહ્યું એમ, આ આધુનિકીકરણ પાછળ પાકિસ્તાન અને ચીનનું જોખમ છે. ૨૦૧૮માં તત્કાલીન સેનાધ્યક્ષ બિપિન રાવતે કહ્યું હતું કે ‘ભારત હવે એકસાથે અઢી મોરચા પર યુદ્ધ લડવા સક્ષમ છે. અઢી એટલે પાકિસ્તાન, ચીન અને આંતરિક સુરક્ષાનો અડધો મોરચો. આ વિધાનથી પાકિસ્તાન અને ચીનમાં ઘણી ચર્ચા થઈ હતી અને એને ભારતની વધેલી સૈનિક-તાકાત તરીકે જોવામાં આવ્યું હતું. રાવતે ત્યારે કહ્યું હતું કે ચીન આર્થિક વિકાસ તો કરી જ રહ્યું છે, પણ સાથે-સાથે સૈન્યશક્તિનો વિકાસ પણ કરી રહ્યું છે. તેમણે એ બાબત નક્કી કરી છે કે આર્થિક પ્રગતિ સાથે સૈન્યની તાકાત પણ વધે. એટલા માટે ચીન વિશ્વમાં એક તાકાત તરીકે ઊભર્યું છે. હવે એ અમેરિકાને પણ પડકાર આપી રહ્યું છે, જે સુરક્ષા આપનારો અત્યાર સુધી દુનિયામાં એકમાત્ર દેશ હતો.’
બદલાયેલી સ્થિતિમાં ભારત અને ચીન વચ્ચે એક મહત્ત્વનો ફરક એ છે કે ભારત પાસે દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું લશ્કર છે, પણ ચીન એના સૈનિકોની સંખ્યા ઘટાડી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે ૨૧મી સદીમાં સૈનિકોની સંખ્યા સૈન્યની તાકાત નહીં ગણાય, બલકે એક પ્રકારનો ભાર ગણાશે. ભારત એના બજેટમાંથી જેટલી રકમ સુરક્ષા પાછળ ખર્ચે છે એની ૯૦ ટકા રકમ સૈનિકો પાછળ ખર્ચાય છે. મતલબ કે ૧૪ લાખના સૈન્યમાં મામૂલી રકમ જ સેનાના આધુનિકીકરણ પાછળ ખર્ચાય છે.
બીજી તરફ ચીન એના સૈન્યનું કદ ઘટાડી રહ્યું છે. ૨૦૧૭માં ચીનના સરકારી મીડિયાએ કહ્યું હતું કે પીપલ્સ લિબરેશન આર્મીના સંખ્યાબળમાં કાપ મુકાશે. ચીનની સેનામાં ૨૦ લાખ સૈનિકો છે. ચીનના સેના મુખપત્ર ‘પીએલએ ડેઇલી’ અનુસાર ઐતિહાસિક રૂપે ચીન પહેલી વાર સૈનિકોની સંખ્યા ૧૦ લાખની નીચે લઈ જશે. ચીન પણ આધુનિકીકરણ કરી રહ્યું છે અને એ અંતર્ગત નૈસેના, મિસાઇલ તાકાત અને વ્યૂહાત્મક ક્ષમતાઓનો વિસ્તાર કરવામાં આવશે.
ચીન સૈનિકો પરનો ખર્ચો ઓછો કરીને આધુનિકીકરણ અને ટેક્નૉલૉજી પર વધુ ધ્યાન આપી રહ્યું છે. હવે કોઈ પણ દેશનું સૈન્ય કેટલું મજબૂત છે એનો આધાર ફાઇટર વિમાનો, આધુનિક સબમરીનો, મિસાઇલ્સ, કૃત્રિમ ગુપ્ત ક્ષમતા, સ્પેસ અને સાઇબર વૉરમાં કુશળતા તેમ જ આધુનિક તાલીમ હોય છે.
પહેલી મોદી સરકારમાં રક્ષાપ્રધાન મનોહર પર્રિકરે સૈન્યમાં સુધાર માટે લેફ્ટનન્ટ જનરલ શેકટકરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી. આ કમિટીએ કુલ ૯૯ ભલામણો કરી હતી. સરકારે ૬૫ ભલામણો સ્વીકારી હતી. આ કમિટીએ સૈન્યમાં સૈનિકોની સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કહેવાય છે કે ચીન સોવિયેટ યુગની સેનાની કાંચળી ઉતારી ચૂક્યું છે. ૨૦૧૫માં ચીને પીએલએ સ્ટ્રૅટેજિક સપોર્ટ ફોર્સ બનાવવાની ઘોષણા કરી હતી. આ એક સ્વતંત્ર ફોર્સ છે અને એનું લક્ષ્ય કૃત્રિમ ઇન્ટેલિજન્સ, સ્પેસ અને સાઇબર તાકાત વિકસાવવાનું છે. ભારતનું લક્ષ્ય પણ હવે આ જ હોવું જોઈએ.

રફાલ સૌથી તાકતવર ફાઇટર વિમાન છે

૧. રફાલ દુનિયાનું સૌથી તાકાતવર ફાઇટર વિમાન છે. એ સેંકડો કિલોમીટર દૂરનું અચૂક નિશાન લગાવે છે
૨. એ હવાથી હવામાં અને જમીનથી જમીન પર નિશાન લગાવી શકે છે. પાકિસ્તાન અને ચીનની વાયુસેના પાસે આવી ક્ષમતા નથી.
૩. રફાલમાં લાગેલી મિટિયૉર મિસાઇલ હવાથી હવામાં માર કરે છે, એની ક્ષમતા ૧૫૦ કિલોમીટર છે.
૪. બીજી મિસાઇલ સ્કાલ્પની ક્ષમતા ૬૦૦ કિલોમીટરની છે.
૫. ત્રીજી મિસાઇલ હૅમર ફ્રાન્સથી ખરીદવામાં આવી રહી છે. ચીન સાથેના વિવાદ પછી આ નિર્ણય લેવાયો છે. એની ક્ષમતા ૬૦-૭૦ કિલોમીટરની છે, જે હવામાંથી જમીન પર વાર કરે છે.
૬. ૧૦ ટન વજનવાળું આ વિમાન એના કરતાં અઢી ઘણા વજનના પેલોડ સાથે ઊડી શકે છે.
૭. રફાલમાં ઉડ્ડયન દરમ્યાન જ ઑક્સિજન બનાવવાની વ્યવસ્થા છે, જેથી એને ઑક્સિજનની જરૂર પડતી નથી. એ હવામાં જ ઈંધણ ભરે છે.
૮. એ કલાકની ૧૪૦૦ કિલોમીટરની ઝડપે અને ૫૦,૦૦૦ કિલોમીટરની ઊંચાઈ પર ઊડી શકે છે. એ દેશની તો રક્ષા કરે જ છે, પણ ખુદની પણ રક્ષા કરે છે.
૯. રફાલ દુશ્મનની સીમામાં ઘૂસ્યા વગર ૧૦૦ કિલોમીટર દૂર સુધીના ઍરક્રાફ્ટને મારી શકે છે. એ ૧૦૦ કિલોમીટરમાં ૪૦ ટાર્ગેટ શોધીને વાર કરી શકે છે.
૧૦. રફાલ ૧૬ સુખોઈ બરાબર એક અને બે એફ-૧૬ બરાબર છે. એ કોઈ પણ મોસમમાં રિયલ ટાઇમ થ્રીડી નકશો બનાવી લે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK