રેડિયો, કલાકાર, લતાજી અને ‘અય મેરે વતન કે લોગોં...’

Published: 23rd September, 2020 18:06 IST | Pankaj Udhas | Mumbai

મારી કરીઅરમાં રેડિયોએ ગુરુકુળનું કામ કર્યું છે, તો લતા મંગેશકરે ટીચરની ભૂમિકા ભજવી છે

ઝરા આંખ મેં ભર લો પાની- સોશ્યલ મીડિયા વિના પણ આ ગીત એવું તો વાઇરલ થયું જેની કોઈ કલ્પના પણ કરી ન કરી શકે. આ ગીત સાથે લતાદીદી અમરત્વ પામી ગયાં.
ઝરા આંખ મેં ભર લો પાની- સોશ્યલ મીડિયા વિના પણ આ ગીત એવું તો વાઇરલ થયું જેની કોઈ કલ્પના પણ કરી ન કરી શકે. આ ગીત સાથે લતાદીદી અમરત્વ પામી ગયાં.


મિત્રો, એક પ્રશ્ન થોડો જટિલ છે, થોડો મૂંઝવણ આપનારો છે કે કલાકાર જન્મે કે કલાકારને તૈયાર કરી શકાય? આમ જોઈએ તો આ પ્રશ્ન ખરેખર મૂંઝવણ આપનારો જ છે અને એ ઘણી વખત મને પૂછવામાં આવતો હોય છે. જ્યારે સવાલ પૂછવામાં આવે ત્યારે પણ મારા મનમાં આ પ્રશ્ન એક આછીસરખી અસર છોડીને જાય ખરી કે હકીકત શું છે, કલાકાર જન્મે કે પછી કલાકારનું ઘડતર થાય. આપણી ‘મિડ-ડે’ની કૉલમ થકી મને આજે એનો સાચો અને અમુક અંશે અસરકાર જવાબ મળી રહ્યો છે એવું કહીશ તો ખોટું નહીં કહેવાય, પણ મારી દૃષ્ટિએ એક કલાકાર માટે પુછાતા આ બન્ને સવાલનો જવાબ હકારાત્મક જ હોઈ શકે. કલાકાર જન્મે પણ ખરો અને કલાકાર જન્મે તો જ તેને તૈયાર કરી શકાય. જો કલા માટે દિલચસ્પી ન હોય તો તમે ગમે એટલો પ્રયાસ કરો તો પણ તેને કલા શીખવી ન શકો, તેને કલાનાં પાસાં ન આપી શકો. હું એક કલાકારને ડાયમન્ડ સાથે સરખાવવાનું પસંદ કરું. જો મૂલ્યવાન ડાયમન્ડ હોય તો જ એના પર કારીગર પાસાં પાડીને એનું મૂલ્ય વધારી શકે અને એની કિંમત કરોડો રૂપિયા સુધી પહોંચાડી શકે, પણ જો એ કાચનો ટુકડો હોય તો ગમે એટલાં સારાં પાસાં પાડવાના પ્રયાસ થાય તો પણ એ કાચના ટુકડાના કોઈ ૧૦૦ રૂપિયા પણ ન આપે. કહેવાનો મતલબ એટલો જ કે કલાકારને ક્યારેય બનાવી ન શકાય, એક કલાકાર હંમેશાં જન્મે, એક કલાકારને કલામાં જન્મથી જ રસ હોય અને જો કલામાં રસ હોય તો જ એ કલાને બારીકીથી શીખવા માટે તૈયાર થાય. પછી ભલે એ કલાકાર કોઈ પણ ક્ષેત્રનો હોય. એ ક્રિકેટર હોય તો પણ આ જ વાત લાગુ પડે અને તે ઍક્ટર હોય તો પણ તેને આ જ વાત લાગુ પડે. કલાને શીખવવાનું કામ તો જ શક્ય બને જો કલાના કદરદાનને એ શીખવામાં રસ પડવાનો હોય.
મારી વાત કરું તો મને નાનપણથી જ મ્યુઝિકમાં રસ પડતો હતો. એ સમયે મારી ઉંમર માંડ પાંચ-છ વર્ષની હશે. એ ઉંમરે બાળકના મનમાં બાળકોને રસ પડે એવી વાતો જ ચાલતી હોય. હું ઘણી વખત મજાકમાં એવું કહેતો હોઉં છું કે એ ઉંમરમાં સપનામાં ચૉકલેટ જ આવતી હોય. અમારા સમયમાં ચૉકલેટ નહોતી પણ મીઠાઈઓ હતી અને બરફના ગોળા હતા. મને પણ એ બધું ગમતું જ, પણ એ બધામાં પણ જો વધારે મને કોઈ વાત અટ્રૅક્ટ કરતી તો એ સંગીત હતું. જે સમયમાં હું મોટો થયો એ સમયમાં એન્ટરટેઇનમેન્ટનું કોઈ સાધન નહોતું, જો કોઈ સાધન હતું તો એક જ રેડિયો. પાંચ-છ વર્ષની ઉંમરે પણ ઘરમાં રેડિયો શરૂ થાય અને રેડિયો પર ગીત આવે તો કોઈ-કોઈ ગીતમાં મારા કાન ઊભા થઈ જતા અને હું રેડિયો પાસે બેસીને એ આખું ગીત સાંભળતો. કહેવાનો અર્થ એ કે એ ઉંમરે પણ મને થતું કે આ ગીત સરસ છે, આ ગીત મને ગમે છે.
આ જે પસંદ હતી એ પસંદ જ કલાની દુનિયામાં મારી શરૂઆત હતી, આ જે પસંદ હતી એ પસંદ મારી અંદરના કલાકારને જગાડવાનું કામ કરનારી હતી. એ જે ઉંમર હતી એ ઉંમરમાં મારા ઘણા ફ્રેન્ડ્સ હતા. અમે સાથે રમતા, મસ્તી કરતા, ખૂબબધા જલસા કરતા છતાં જ્યારે વાત રેડિયો અને એના પર આવતાં ગીતોની આવતી ત્યારે મારી દુનિયા બદલાઈ જતી. એ દૃષ્ટિએ હું કહું તો રેડિયો મારી મ્યુઝિકની દુનિયાની પહેલી ગુરુકુળ હતી. આ જ વાતને જો હું આ જ રૂપમાં લઉં તો લતા મંગેશકર રેડિયો દ્વારા મને સંગીત શીખવનારાં પહેલાં ટીચર હતાં.
તમને ખબર હશે કે લતા મંગેશકરનાં ઘણાં ગીતો તમે સાંભળશો તો તમને એવું જ લાગશે કે આ ગીતો ગાવાં ખૂબ જ સરળ છે, પણ જો તમે એ ગીત ગાવાની કોશિશ કરો તો તમને ખબર પડે કે એ કેટલાં મુશ્કેલ છે, કેટલાં અઘરાં છે. લતાજીના જ એક ગીતની વાત કરું તમને.
અય મેરે વતન કે લોગોં,
ઝરા આંખ મેં ભર લો પાની
જો શહીદ હુએ હૈં ઉનકી,
ઝરા યાદ કરો કુરબાની
આ ગીત આજના સમયમાં પણ બધા જાણે છે, પણ આ ગીતને ઑલમોસ્ટ ૫૦ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. ૧૯૬૨માં ઇન્ડો-ચાઇના વૉર પછી આ ગીત બન્યું હતું. કવિ પ્રદીપે એ ગીત લખ્યું હતું અને એ ગીતનું મ્યુઝિક સી. રામચંદ્રનું હતું. આ કોઈ ફિલ્મનું ગીત નહોતું, પણ સૈનિકો માટે ફન્ડ ઉઘરાવવાના હેતુથી એક ગીત તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો અને આ ગીતનું સર્જન થયું હતું. આ ગીત એ સમયના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ સાંભળ્યું હતું અને તેઓ આ ગીત સાંભળીને રડી પડ્યા હતા. એ પછી તો આ ગીત એ સ્તરે ચાલ્યું, આજની સ્ટાઇલ મુજબ કહું તો, એટલું વાઇરલ થયું કે કલ્પના પણ ન થઈ શકે. મેં કહ્યું એમ, એ સમયે તો રેડિયો સિવાય ક્યાંય કશું નહોતું અને એ પછી પણ આ ગીત દરેક શેરી-ગલી અને નુક્કડ પર સાંભળવા મળતું હતું.
આ ગીત મેં પણ રેડિયો પર સાંભળ્યું હતું. દિવસમાં ત્રણ-ચાર વાર આવે. ઑલ ઇન્ડિયા રેડિયો પર આવે, આકાશવાણી પર આવે, રેડિયો સિલોન પર આવે. તમે માનશો નહીં, પણ મેં આ ગીત મેં ત્રણ-ચાર દિવસમાં તો આખું મોઢે કરી લીધું હતું. આ ગીત લાંબું છે, એમાં ત્રણ-ચાર અંતરા છે છતાં આખું ગીત મને મોઢે યાદ રહી ગયું. લાંબું ગીત અને છતાં આખું કંઠસ્થ થઈ ગયું. આ ગીત પહેલી વાર મેં મારી સ્કૂલની ઍસેમ્બ્લીમાં ગાયું. અમારી સ્કૂલમાં ઍસેમ્બ્લીમાં પ્રિન્સિપાલ કહેતા કે જો કોઈનામાં કોઈ વિશિષ્ટ પ્રકારની ટૅલન્ટ હોય, કોઈનામાં ખાસ એબિલિટી હોય તો તે સામે આવે અને બધાની સામે રજૂ કરે. અલગ-અલગ બાળકો આવે અને જેકંઈ આવડતું હોય એ રજૂ કરે. કોઈ વાર્તા કહે, કોઈ જાદુના એકાદ-બે દાવ શીખ્યા હોય તો એ કરે. મને મોકો મળ્યો તો મેં કહ્યું કે હું એક ગીત ગાઈશ. મને પૂછવામાં આવ્યું કે કયું ગીત તારે ગાવું છે તો મેં કહ્યું, ‘અય મેરે વતન કે લોગોં...’
હું કહીશ કે એ સમયમાં લોકોની ભાવનાઓ પ્રબળ હતી. રાષ્ટ્રભાવના પણ લોકોના મનમાં ખૂબ જ ઊંચા દરજ્જા પર હતી. આ ગીત સાથે લાગણી જોડાઈ ચૂકી હતી, સેન્ટિમેન્ટ્સથી આ ગીત સાથે લોકો જોડાઈ ગયા હતા, ગીત સાથે ઇમોશનલી કનેક્ટ થઈ ગયા હતા બધા. મેં ગીત ગાયું અને બધાને બહુ ગમ્યું. મારા પ્રિન્સિપાલે પણ કહ્યું, ‘બેટા, તેં બહુ સરસ ગાયું છે.’ પ્રિન્સિપાલે કહ્યું એટલે થોડી હિંમત આવી ગઈ કે જાહેરમાં મારાથી ગાઈ શકાય છે. એ પછી આવી નવરાત્રિ.
અત્યારે પણ નવરાત્રિનું વાતાવરણ છે અને રાજકોટમાં નવરાત્રિ તો ખૂબ જ મોટા પાયે થાય છે. નવરાત્રિ દરમ્યાન અલગ-અલગ ટૅલન્ટ પણ રજૂ કરવાના કાર્યક્રમો ગોઠવાય. એક નવરાત્રિ થાય, જેમાં ચાર-પાંચ હજાર લોકો આવે. હું તો એ નવરાત્રિ જોવા માટે મારા પેરન્ટ્સ સાથે ગયો. હવે બન્યું એવું કે નવરાત્રિના આયોજનમાં મારી જ સ્કૂલના કેટલાક લોકો જોડાયેલા હતા. એ લોકો મને જોઈ ગયા અને મને પકડીને લઈ ગયા કે તું અત્યારે પેલું ગીત સંભળાવ. નાની ઉંમર એટલે બીક જેવું તો કશું હતું નહીં. મ્યુઝિક અને ગાયકી શોખ હતા એટલે એવો પણ ડર નહોતો કે સૂર બરાબર લાગશે કે નહીં. હું તો ઊભો રહી ગયો માઇક સામે અને એક ફ્લોમાં મેં આખું ગીત ગાઈ નાખ્યું. બધાને બહુ મજા આવી તો કેટલાકને એવું પણ લાગ્યું કે આટલો નાનો છોકરો આ ગીત આટલું સરસ ગાય છે તો એ બહુ સારી વાત કહેવાય.
એ સમયે મારી ઉંમર ૧૧ વર્ષની. એક ભાઈએ તો ત્યારે ને ત્યારે જ પોતાના તરફથી ૫૧ રૂપિયાનું ઇનામ મને આપ્યું અને આમ મારી મ્યુઝિકની જર્ની માટે મને અંદરથી ધક્કો લાગ્યો, પણ એ ધક્કો લાગ્યો ત્યારે જ્યારે રેડિયો હતો. રેડિયોને કારણે જ હું એ ગીત સાંભળી શક્યો હતો અને રેડિયોને કારણે જ મને એ ગીત આખું યાદ રહ્યું હતું. આજે રેડિયો સિવાયના પણ અનેક ઑપ્શન આવી ગયા છે, પણ એમ છતાં રેડિયોની જે મજા છે, રેડિયો સાંભળવાની જે બ્યુટી છે એ અદ્ભુત હતી એ કહેવાનું હું ચોક્કસ પસંદ કરીશ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK