કંકુના સૂરજ આથમ્યા! પ્રકરણ - ૦૫

Published: 23rd December, 2018 20:47 IST | નવલકથા - રામ મોરી

દીકરીના જીવતરમાં ઘેરાતા અંધારા સામે ઝઝૂમતાં માબાપની કથા

શાવરનું ઠંડું પાણી નમ્રતાના શરીર પર ઢોળાઈ રહ્યું હતું. તેની આંખો બંધ હતી ને માથું પકડીને ક્યાંય સુધી ઊભી રહી. તેના બે પગ વચ્ચેથી લોહીનો પ્રવાહ વાદળી ચોરણીમાંથી શાવરના પાણી સાથે ધીરે-ધીરે વહી રહ્યો હતો. બાથરૂમના નાનકડા ગટરના ઢાંકણાની આસપાસ નમ્રતાના બે પગ વચ્ચેથી વહી રહેલા લોહીનાં ઝીણાં-ઝીણાં ફીણ બાઝી ગયાં! અચાનક નમ્રતાનું ધ્યાન એ લોહીના પ્રભાવ તરફ ગયું. એક ઊંડી ફાળ પડી. બે ડગલાં પાછળ હટી ગઈ. શાવરમાંથી ઢોળાતા પાણીએ ફર્શ પર પથરાયેલા લોહીને વહેડાવી નાખ્યું. નમ્રતાએ તરત શાવર બંધ કર્યો. હાથમાં ટુવાલ લઈને છાતીએ દાબી દીધો. તેના શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા. ધબકારા તો જાણે એકાએક થંભી ગયા. મહાપ્રયત્ને તેણે પોતાની લોહીભીની પગની પાની તરફ જોયું. ઝૂકીને જમણા હાથનાં ટેરવાંઓથી પાની પર જામી ગયેલી થોડી લાલાશને અડકી જોયું. ગળે શોષ બાઝી ગયો. તાત્કાલિક ચોરણી બદલી નાખી અને પેલી ભીની ચોરણીને સાબુના ફીણમાં રગદોળીને બે હાથે ઝનૂનથી ઘસવા લાગી. તેને હાંફ ચડ્યો ને થાકને લીધે ભીના શરીર પર પરસેવો નીતરવા લાગ્યો. તે બાથરૂમમાં દીવાલના ટેકે બેસી પડી. ઉપર અરીસા પર લાગેલા બલ્બના અજવાશમાં જોઈને તેણે ઊંડા શ્વાસ લીધા. હળવેથી પોતાનો હાથ પેટ પર મૂક્યો અને ફેરવવા લાગી કે તેને દિત્યાની કારમી ચીસ સંભળાઈ. નમ્રતાને થયું કે કદાચ આ તો તેનો ભ્રમ છે, દિત્યાને તો તે બેડરૂમમાં સૂવડાવીને અહીં બાથરૂમમાં આવી હતી; પણ તરત તેને ચિરાગની બૂમ સંભળાઈ, ‘નમ્રતા... પ્લીઝ કમ... નમ્રતા હરી અપ!’

ચિરાગનો અવાજ સાંભળીને તે સ્પ્રિંગ ઊછળે એમ સટાક ઊભી થઈ. ફીણવાળા હાથને ડોલમાં બોળીને કુર્તાથી લૂછતી તે સીધી બેડરૂમની દિશામાં દોડી.

બેડરૂમમાં આવીને તે તો દરવાજા પાસે બારસાખમાં જ જાણે કે ખોડાઈ ગઈ. તેને સમજતાં વાર લાગી કે આ શું થઈ રહ્યું છે! દિત્યાએ બેડ પરથી ઓશીકાં અને તકિયાના નીચે ઘા કરી દીધાં હતાં, ચોળાયેલી ચાદર તેના પગમાં વીંટળાયેલી હતી, બેડની બાજુમાં મુકાયેલા ફ્લાવર વાઝનો સામેની દીવાલ પર ઘા થયેલો હતો. એની કાચની કરચો અને ફૂલો ફર્શ પર વીખરાયેલાં હતાં. પાણીનો જગ નીચે ટેબલ પાસે ઢોળાયેલો હતો. દિત્યા ચીસો પાડી રહી હતી અને પથારીમાં ઊછળી-ઊછળીને નીચે પડતી હતી. પોતાના નખ તે પોતાના ચહેરા પર મારતી હતી. ચિરાગ તેને કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરતો હતો તો દિત્યા પોતાના નખ ચિરાગને પણ મારતી હતી. તે બૂમો પાડતી હતી અને શરીરને કમાનની જેમ ટટ્ટાર કરીને બેડની ચાદર અને કવરશીટને ધમરોળતી હતી. તેની ચીસો કશું પણ ન સમજી શકાય એવી અસ્પક્ટ હતી. નમ્રતા દોડી અને દિત્યાને પોતાના ગળે વળગાડી. નમ્રતા આવી એટલે ચિરાગને હાશકારો થયો. દિત્યાને વળગીને નમ્રતા બચીઓ ભરવા લાગી.

‘દીકુ... દીકુ... શું થયું બચ્ચા... શું થાય છે... શાંત થા... દિત્યા... પ્લીઝ કામ ડાઉન!’

‘મમ્મા... પપ્પા... મમ...’ દિત્યા આટલું માંડ બોલી શકીને તેની જીભનો જાણે કે ડચૂરો વળી ગયો.

‘શાંત થઈ જા દીકુ... કંઈ ન બોલ... પ્લીઝ... હું અહીં જ છું... પપ્પા પણ અહીં જ ઊભા છે!’ નમ્રતાનો અવાજ ધ્રૂજી રહ્યો હતો ને તેના અવાજની ધ્રુજારી ચિરાગને પણ કંપાવતી હતી. દિત્યાએ પોતાના હાથથી નમ્રતાની પીઠને મજબૂતાઈથી પકડી રાખી અને હાંફવા લાગી. તેની આંખમાંથી મોટાં-મોટાં આંસુ ટપકી રહ્યાં હતાં. તે સતત કશુંક બોલી રહી હતી, પણ નમ્રતા અને ચિરાગ સમજી નહોતાં શકતાં કે દિત્યા શું કહી રહી છે. તે નમ્રતાને એકદમ વળગી પડી જાણે તેને કોઈ ખેંચીને દૂર બહુ દૂર લઈ જવાનું હોય. તેના મોઢામાંથી સતત લાળ પડી રહી હતી. ચિરાગે પોતાના હાથરૂમાલથી દિત્યાનું મોઢું લૂછી દીધું. તે ફરી ચિરાગ અને નમ્રતાની સામે જોઈને કશુંક કહેવા લાગી,

‘પપ્પા... મમ્મા... મને... મમમ... ઉમમમ... મમ્મા...’

નમ્રતા પિંક રબરબૅન્ડમાંથી છૂટી પડી ગયેલી દિત્યાની ઘાટ્ટી લટોને પંપાળવા લાગી અને દિત્યાના

કપાળને બચીઓ ભરીને તેને સાંત્વન આપવા લાગી.

‘દીકુ... દીકુ... તને સપનું આવ્યું હતું? શું થાય છે તને દીકુ?’

જવાબમાં દિત્યાએ ફરી ચીસ પાડી અને નમ્રતાને ધક્કો માર્યો ને નખના અંકોડાથી નમ્રતાને મારવા લાગી. ચિરાગે તરત દિત્યાના હાથ પકડી લીધા અને દિત્યાને વહાલથી સમજાવવા લાગ્યો, ‘દિત્યા, તું તો ગુડ ગર્લ છેને? મમ્માને હર્ટ થાય એવું નહીં કરવાનું... પપ્પાને કહે શું થાય છે.’

નમ્રતાની છાતીમાં ડૂમો બાઝી ગયો. તે મહામહેનતે રડવું રોકતી હતી. સાડાચાર-પાંચ વર્ષની દિત્યા ચિરાગના હાથમાં પણ સંભાળી શકાતી નહોતી. ચિરાગ મૂંઝાયો અને નમ્રતા સામે જોઈને બોલ્યો, ‘નમ્રતા, મારાથી દિત્યા કન્ટ્રોલ નહોતી થતી એટલે જ તને મેં તાત્કાલિક બોલાવી.’

ચિરાગની આંખોમાં મારાથી દિત્યા કન્ટ્રોલ નહોતી થતી બોલતી વખતે જે અસહાયતા ઊભરાઈ આવી એ જોઈને નમ્રતાની આંખમાંથી આંસુની ધાર વહી ગઈ!

€ € €

‘યાર ચિરાગ, આ છોકરી મારા કન્ટ્રોલમાં નથી... આને તો તું જ સંભાળી શકે!’ પર્પલીશ રેડ કલરના ચૂડીદાર ડ્રેસના ઑફવાઇટ દુપટ્ટાથી પરસેવો લૂછીને નમ્રતા થાકેલા અવાજે બોલી અને ત્રણ વર્ષની દિત્યા ખડખડાટ હસી પડી ને નમ્રતાને ચીડવતી હોય એમ ગુલાબી ઘેરવાળા ફ્લાવર ફ્રૉકમાં નાચવા લાગી. ડ્રૉઇંગરૂમમાં દિત્યાની હોમવર્કની બુક્સ, પેઇન્ટિંગ બુક્સ, પેન્સિલ કલર અને મીણિયા કલર વીખરાયેલાં હતાં. દિત્યા નર્સરીમાં શીખવેલું કોઈ સૉન્ગ ગાતી-ગાતી આખા ડ્રૉઇંગરૂમમાં કૂદાકૂદ કરતી હતી. સ્લાઇડિંગ વિન્ડોની પાળી પર બેસીને સવારના કૂણા તડકાને ઝીલતો માર્વેલ હીરોસ પ્રિન્ટનું બૉક્સર અને કૉટનનું વાઇટ ટી-શર્ટ પહેરેલો ચિરાગ તેના લૅપટૉપમાં શાંતિથી ઑફિસવર્ક ટાઇપ કરી રહ્યો હતો. મુંબઈનો દરિયાઈ પવન આ ઘરની હૂંફને જાણે કે થપથપાવતો હતો.

‘ચિરાગ, તારી આ જબરી દીકરી મારા કન્ટ્રોલની બહાર છે. લાડ કરી-કરીને તેં જ માથે ચડાવી છે. હવે તું જ ભોગવ. હોમવર્ક કરાવ. મારે રસોઈ બનાવવી છે!’

જવાબમાં ચિરાગે કૉફીના મગને હોઠે અડાડ્યો, એક સિપ લીધી અને નમ્રતાને સ્માઇલ આપી.

‘તને હસવું શું આવે છે? આ દિત્યા દિવસે ને દિવસે જબરી થતી જાય છે. આવું ને આવું રહ્યું ચિરાગ તો કોઈ સ્કૂલ તારી છોકરીને સંઘરશે નહીં... લખી રાખજે તું.’ નમ્રતા છણકો કરીને ઊભી થઈ અને રસોડામાં જઈને તેણે દાળનું કુકર ગૅસ પર ચડાવ્યું.

ચિરાગે લૅપટૉપ સાઇડમાં મૂક્યું અને કૉફીનો મગ ખાલી કર્યો. તે ઊભો થયો અને રૂમમાં આમતેમ દોડતી દિત્યાની નજીક આવ્યો. નમ્રતા સાંભળી શકે એટલા ઊંચા અવાજે તાલબદ્ધ ચપટી વગાડીને ચિરાગ બોલવા લાગ્યો, ‘પપ્પાની ફેવરિટ કોણ છે?’

‘દિત્યા!’ ત્રણ વર્ષની દિત્યા તાળીઓ પાડીને કૂદકા મારતી ચિરાગ પાસે આવીને નાચવા લાગી. તે ચપટીના તાલે ઝૂમી-ઝૂમીને ચિરાગને જવાબ આપતી હતી.

‘પપ્પાની ગુડ ગર્લ કોણ છે?’

‘દિત્યા!’ દિત્યા ચિરાગની ચપટીના તાલ પર ગોળ-ગોળ ફરતી હતી.

‘પપ્પા સાથે દરિયે ફરવા જવાનું જેને ગમે છે તે ડાહી દિક્કી કોણ છે?’

‘દિત્યા!’ દરિયાનું નામ સાંભળીને તે ગેલમાં આવી ગઈ અને ચિરાગને જવાબ આપતી ઉત્સાહમાં આવીને વધારે જોરથી કૂદવા લાગી. રસોડામાં રોટલી બનાવતી નમ્રતાના ચહેરા પર સ્મિત આવી ગયું. નમ્રતા ધ્યાનથી બાપ-દીકરીની વાતો સાંભળવા લાગી. ચિરાગે દિત્યાને પોતાના બે હાથે ઊંચકી લીધી અને દિત્યાના ગાલે કિસ કરીને તે બોલ્યો, ‘તો પછી સૌથી પહેલું હોમવર્ક ફિનિશ કરે તે પપ્પાની પરી કોણ?’

જવાબમાં ફટાફટ હાથમાં પેન્સિલ પકડીને હોમવર્ક-બુક પર ABCD ઘૂંટતાં-ઘૂંટતાં દિત્યા બોલી, ‘દિત્યા!’

નમ્રતાએ રસોડાની બહાર આવીને જોયું તો તે હરખાઈને આભી બની ગઈ. દિત્યા એકલી-એકલી હર્ષભેર હોમવર્ક કરતી હતી અને ચિરાગ નમ્રતાને જોઈને આળસ મરડી બગાસું ખાવા લાગ્યો. તેના ચહેરા પર વિજયી સ્મિત હતું.

‘ચિરાગ, તું તો જબરો છે યાર! ખબર નહીં તારી પાસે એવી તે કઈ વિદ્યા છે કે દિત્યા તારી બધી જ વાતો તરત માની જાય છે!’

જવાબમાં ચિરાગ હસી પડ્યો અને પોતે પોતાની પીઠ થાબડતાં બોલ્યો, ‘તને નહીં સમજાય નમ્રતા... એના માટે પપ્પા બનવું પડે... હું તેનો પપ્પા છું!’

€ € €

‘ચિરાગને બોલાવો... તે પપ્પા છે... તેના હાથે તુલસીપત્ર મુકાવડાવો!’ સ્ત્રીઓના ટોળામાંથી અવાજ આવ્યો. ચિરાગ આગળ આવ્યો અને દિત્યાની બાજુમાં હળવેથી બેસી ગયો. નવોઢાની જેમ તૈયાર કરેલી સોળે શણગાર સજેલી દિત્યાને બેડરૂમમાં જમણી બાજુ ગાયના છાણના લીંપણ પર સુવાડવામાં આવી હતી. તેના માથા પાસે ઘીનો દીવો મૂકવામાં આવ્યો હતો. નમ્રતાનાં મમ્મી જશોદાબહેન ધ્રૂજતા અવાજે મહામૃત્યુંજય મંત્રો બોલી રહ્યાં હતાં. વાતાવરણમાં ચુપકીદી હતી. ગૂગળની ધૂમ્રસેરને લીધે બધા લોકો અત્યારે જાણે કે શિવમય હોય એમ હાથ જોડીને ઊભા હતા. ચિરાગ એક મીઠી નજરથી ક્યાંય સુધી સોળે શણગાર સજેલી પોતાની દીકરી દિત્યાને જોઈ રહ્યો. આખા ઘરમાં દિત્યાના હસવાના અવાજો, કૂદાકૂદ કરવાના અવાજો સંભળાવા લાગ્યા. નમ્રતાનાં મમ્મી જશોદાબહેને ચિરાગના જમણા હાથમાં તુલસીપત્ર મૂક્યું. ચિરાગે હળવા હાથે દિત્યાના મોંમાંથી રૂનું પૂમડું હટાવ્યું અને તુલસીપત્ર મૂક્યું.

‘કોઈ ચાંદી કે સોનાની નાનકડી વસ્તુ દીકરીના મોઢામાં મૂકજો. એવું કહેવાય છે કે જનારાને એનાથી મોક્ષ મળે છે.’ સ્ત્રીઓના ટોળામાંથી ફરી ગપસપ વાતોની લહેરખી ચાલી.

‘હા, મેં ચાંદીનો એક નાનકડો તાર સાચવીને મૂક્યો છે પૂજાઘરમાં. ફાલ્ગુની, જા તો બેટા લઈ આવ.’ નમ્રતાનાં સાસુ હસુમતીબહેન હળવેથી બોલ્યાં અને ચિરાગની બહેન ફાલ્ગુનીને ઊભી કરી. ફાલ્ગુની ઊભી થાય એ પહેલાં નમ્રતાએ પેલા ઘરેણાંના બૉક્સમાં હાથ નાખ્યો અને સોનાની એક મોટી બુટ્ટી તેના હાથમાં આવી. ફૂલપાંદડીની ઝીણી-ઝીણી રૉયલ ડિઝાઇનની એ સોનાની બુટ્ટી નમ્રતાએ દિત્યાના ખુલ્લા મોંમાં તુલસીપત્ર પર મૂકી દીધી. ચિરાગે કાંપતા હાથે દિત્યાના મોઢામાં ફરી પેલું રૂનું પૂમડું ગોઠવી દીધું. થોડી વાર સુધી રૂમમાં શાંતિ પથરાઈ. ટોળામાંથી કેટલાક પુરુષઅવાજ આવ્યા, ‘હવે બહુ મોડું ન કરાય. બધું તૈયાર થઈ ગયું છે તો હવે દીકરીને કાઢી જઈએ. મોડું થશે તો પછી આજે અિગ્નદાહ નહીં આપી શકાય!’

અવાજો વધવા લાગ્યા. ચિરાગ ભીની આંખે બધા સામે હાથ જોડીને ઊભો થયો, ‘તમે લોકો અમને પાંચ-દસ મિનિટ આપો. અમને અમારી દીકરી સાથે થોડો સમય એકલા રહેવું છે!’

ચિરાગના અવાજમાં કંપન હતું, આજીજી હતી ને છલોછલ લાગણી હતી. બધા લોકો દિત્યાને હાથ જોડીને ધીરે-ધીરે બેડરૂમની બહાર નીકળી ગયા. રૂમ ખાલી થઈ ગયો. ચિરાગે દરવાજો બંધ કર્યો. સોળ શણગારમાં વધુ ને વધુ દિવ્ય લાગતી દિત્યા ગાયના છાણના લીંપણની પવિત્ર પથારી પર અનંતની યાત્રા પર આરામ કરી રહી હતી. નમ્રતા ઘૂંટણિયે પડીને હજી પણ દિત્યાનો શણગાર બરાબર છે કે નહીં એ જોતી હતી, હસતી હતી; દિત્યાના વાળની લટોને, હારને, ઘરચોળાનાં ચણિયાચોળીને વારંવાર સરખાં કરતી હતી; ઓવારણાં લઈને હરખાતી હતી. ઘીના દીવાની જ્યોત સ્થિર બનીને સાક્ષીભાવે જોઈ રહી હતી. દરિયાનો પવન રૂમમાં ધસી આવવા મથતો હોય ને બંધ બારીઓના પડદાને આજીજી કરતો હોય ને જાણે કે પડદાઓ એને રોકતા હોય એમ ધીમે-ધીમે હલ્યા કરતા હતા. ચિરાગ દીવાની જ્યોત પાસે બેસી ગયો અને દિત્યાના કપાળ પર હાથ ફેરવવા લાગ્યો. તેણે નમ્રતા સામે જોયું. નમ્રતાએ ચિરાગની સામે જોયું. ચાર આંખો એક થઈ. નમ્રતાએ ચિરાગની આંખોમાં રહેલી પીડાની તિરાડો જોઈ. ખાલીપો ચિરાગની આંખમાં રતાશ બનીને ઘૂંટાયો હતો. આંખનાં પોપચાં રડી-રડીને સૂજી ગયાં હતાં. નમ્રતા એકીટશે ચિરાગ સામે જોઈ રહી. ચિરાગે નમ્રતાના ગાલે હાથ મૂક્યો, ‘નમ્રતા...’

ચિરાગના અવાજમાં રહેલું વહાલ નમ્રતાને સહેજ હલબલાવી ગયું.

‘હા!’ આટલું બોલી ત્યાં નમ્રતાને લાગ્યું કે ગળામાં ડૂમા જેવું કશુંક અટવાયું છે.

‘નમ્રતા, આપણી દીકુને હવે વળાવવાની છે. તે હવે કાયમ જતી રહેશે... તેને અલવિદા કહી દે... બચ્ચીઓ ભરી-ભરીને જેટલું કરી શકાય એટલું વહાલ આપી દે.’ ચિરાગની સ્થિર આંખોમાં પાણી છલકાયું.

‘ચિરાગ, દીકુ એકલી જશે? આપણે સાથે નહીં જઈ શકીએ?’ નમ્રતાના અવાજમાં રહેલી નિર્દોષતા ચિરાગને અંદરથી ભીંજવી ગઈ. તે ઊભો થયો અને નમ્રતાની બાજુમાં બેસી ગયો. તેણે નમ્રતાને પોતાની છાતીએ સાંપી દીધી.

‘હા નમ્રતા, તેને એકલી જ જવા દેવાની છે. આપણે હંમેશાં તો તેની સાથે ન રહી શકીએને... તેને હવે તેના ગણપતિબાપાએ બોલાવી લીધી છે. તેને જવા દે!’ નમ્રતા અને ચિરાગ દિત્યા તરફ એકીટશે જોવા લાગ્યા. ચિરાગની છાતીએથી અળગી થઈને નમ્રતાએ દિત્યાના સુકલકડી કઠણ નિર્જીવ હાથને હાથમાં લીધો ને પંપાળવા લાગી. તે થોડી વાર ઊંડા વિચારમાં અટવાતી રહી. ચિરાગ તેની બાજુમાં ગયો અને નમ્રતાના ખભા પર હાથ મૂકીને બોલ્યો, ‘નમ્રતા? શું વિચાર કરે છે?’

કોઈ સાતમા પાતાળમાંથી જાણે કે નમ્રતાનો અવાજ સંભળાયો ‘ચિરાગ, દિત્યાને દરરોજ કોણ નવડાવશે? દરરોજ તેને લિક્વિડ અને દવાઓ કોણ આપશે? તેના હનુદાદા (હનુમાનદાદા) દિત્યાને અંધારામાં તો નહીં બેસાડેને? મારી દીકુને અંધારાની બીક બહુ લાગે છે હોં!’

ચિરાગ દિત્યાની કંકુથી અલ્તો કરેલી પાનીઓને પકડીને નાના બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. નમ્રતાને લાગ્યું કે કન્યાવિદાયના ઢોલ પર દાંડી પીટાઈ. તેની છાતીનો રામણ દીવડો થરથર કંપવા લાગ્યો!

( ક્રમશ: )

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK