Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 2 વર્ષના બાળકના તાબાના દાવા બાબતે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સામે પ્રશ્નો

2 વર્ષના બાળકના તાબાના દાવા બાબતે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સામે પ્રશ્નો

05 December, 2020 11:34 AM IST | Mumbai
Vinod Kumar Menon

2 વર્ષના બાળકના તાબાના દાવા બાબતે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સામે પ્રશ્નો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિનોદકુમાર મેનન
મુંબઈ ઃ બે વર્ષથી ઓછી ઉંમરના બાળકનો કબજો મેળવવા માટે અનેક દાવેદારો ઉપસ્થિત થયા છે. બાળકની જનેતા અને એ બાળકને આશ્રમમાંથી દત્તક લેનારા બૉલીવુડના ડિરેક્ટર કાનૂની લડતમાં પડ્યા છે. જોકે બાળકની જનેતાનું માનસિક રીતે અસમતોલ-અસ્વસ્થ હોવાથી તેની સારવાર ચાલી રહી છે. તેને દત્તક લેનારો ફિલ્મ ડિરેક્ટરનો પરિવાર બાળકને તેની માતાને સોંપવા તૈયાર નથી.
એ બાળકની જનેતાની સારવાર કરતા ડૉક્ટરોને એવું લાગે છે કે સંતાન પાછું નહીં મળે તો માતા ડિપ્રેશનમાં સરી પડશે. બીજી બાજુ બાળકને દત્તક લેનારો પરિવાર પણ તેની જોડે લાગણીથી બંધાઈ ગયો છે અને તેની ખૂબ સારી કાળજી રાખે છે.
૨૦૧૯ની ૧૭ સપ્ટેમ્બરે ત્રીસેક વર્ષની માનસિક રીતે અસ્વસ્થ જણાતી મહિલા હાથમાં નાના દીકરા સાથે બોરીવલી રેલવે-સ્ટેશન પર ફરતી દેખાઈ હતી. એ બાળકને સ્તનપાન કરાવતી હતી અને ક્યારેક તેને મારતી પણ હતી. એ મહિલાનું વર્તન રેલવે પોલીસના જવાનોના ધ્યાનમાં આવતાં તેઓ તેને સાઇકિયાટ્રિસ્ટ અને ૨૦૧૮નો રેમન મેગસેસે અવૉર્ડ જીતનારા ડૉ. ભરત વટવાનીના સંચાલનમાં ચાલતા શ્રદ્ધા રીહૅબિલિટેશન ફાઉન્ડેશનમાં લઈ ગયા હતા. ત્યાં એ મહિલાની સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યું હતું અને તેને દત્તક ઉછેર કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું. બાળકને બીજી વખત દત્તક ઉછેર કેન્દ્ર એટલે કે ફૉસ્ટર કૅર સેન્ટરમાં મોકલવામાં આવ્યું ત્યારે બૉલીવુડના એક ડિરેક્ટરે તેને ખરેખર દત્તક લઈ લીધું હતું. ત્યાર પછી એકાદ વર્ષના ગાળામાં બાળકની માતા સ્વસ્થ થઈ રહી છે ત્યારે એ બાળકને પાછું માગે છે. બીજી બાજુ ફિલ્મ-ડિરેક્ટરનો પરિવાર બાળકને પાછું આપવા ઇચ્છતો નથી.
સાંતાક્રુઝ સ્થિત સેન્ટર ફૉર સોશ્યલ ઍન્ડ બિહેવિયરલ ચેન્જ કમ્યુનિકેશનના સ્થાપક અને મૅનેજિંગ ડિરેક્ટર નિશિત કુમારે જણાવ્યું હતું કે મહિલા સાજી થઈ ગઈ હોવાનું અને બાળકને સાચવવાને સક્ષમ થઈ હોવાનું ડૉક્ટર ભરત વટવાનીએ જણાવ્યા પછી એ બાળકન તેની માતાને પાછું સોંપવું જોઈએ. વળી કોઈ પણ બાળકનાં માતા કે પિતાની હયાતીમાં તેમની સંમતિ વગર ચાઇલ્ડ વેલ્ફેર કમિટી તેને દત્તક કેન્દ્ર એટલે કે ફૉસ્ટર હોમમાં કેવી રીતે મોકલી શકે?
આ સંદર્ભમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ મિલિંદ બિડવાઈએ જણાવ્યું હતું કે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ હજી આ બાબતમાં કોઈ નિર્ણય લીધો નથી. કમિટી ટૂંક સમયમાં બાળકના હિતમાં ઉચિત નિર્ણય લેશે. બાળકને આશા સદનમાંથી શા માટે લઈ જવામાં આવ્યું અને એ બાબતે કોઈ તપાસ હાથ ધરવામાં આવી છે કે નહીં એવા સવાલનો જવાબ આપવાનું ટાળતાં હું પ્રવાસ કરું છું એમ કહીને મિલિંદ બિડવાઈએ ફોન ડિસકનેક્ટ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2020 11:34 AM IST | Mumbai | Vinod Kumar Menon

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK