પર્સનલ કે પાર્ટી એજન્ડાને ધ્યાનમાં રાખીને કોઈ સારું કામ ન થઈ શકે

Published: 14th November, 2014 05:38 IST

દેશના વડા પ્રધાનપદ પર રહેલી એક વ્યક્તિએ દેશને આગેવાની આપીને એ દિશામાં આગળ લઈ જવાના હોય, પણ જ્યારે એ વ્યક્તિ દેશને લઈને આગળની તરફ ચાલવાને બદલે દેશવાસીઓને કામ શીખવવાની બાબતમાં લાગી જાય તો દેશનો વિકાસ અટકી જાય છે.સ્પેશ્યલ કમેન્ટ - પુણ્ય પ્રસૂન વાજપેયી, વરિષ્ઠ પત્રકાર


 આ વાત અત્યારે નરેન્દ્ર મોદીને એકદમ લાગુ પડે છે. માન્યું કે નરેન્દ્ર મોદીને સત્તા પર આવ્યાને હજી વર્ષ પણ નથી થયું એટલે એ દૃષ્ટિએ તેમણે કરેલાં કામોનું શું થયું એ વિશે પૃચ્છા કરવાની ન હોય, પણ એ જે કામ કરી રહ્યા હોય એ કામો પર નજર રાખવાનું ધ્યાન તો ચોક્કસપણે દેશના જાગૃત નાગરિક રાખી શકે છે.

રાખવામાં આવેલી નજરના આધારે કહું તો નવી આવેલી આ સરકાર અને આ વડા પ્રધાને હજી સુધી કોઈ એવું કામ કર્યું નથી કે જેના આધારે તમે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એ વિશે કંઈ કહી શકો. કોઈ નક્કર કામ નથી થયું અને આ હકીકત છે. વડા પ્રધાનનું ધ્યાન અત્યારે એ તમામ વિધાનસભાના ઇલેક્શન પર છે જ્યાં આવતા સમયમાં ચુનાવ આવવાના છે. વડા પ્રધાન એ બધી વિધાનસભા BJPને અપાવવા માગે છે અને ત્યાં સુધીનો સમય ખેંચી રહ્યા છે. વચ્ચે બ્લૅક મની અને સફાઈ અભિયાનની વાતો થઈ જાય છે, પણ એ વાતો ખાસ કંઈ અસરકારક પુરવાર નથી થઈ રહી. બ્લૅક મનીની વાતો કરવી અને એ પૈસો પાછો લઈ આવવો એ બન્ને કામ એકબીજાથી બિલકુલ વિપરીત છે. જો એ પૈસો એટલી જ સહેલાઈથી આવી શકે એમ હોત તો વાજપેયી સરકાર સમયે પણ એ પૈસો પાછો લઈ આવવાની કોશિશ થઈ જ હોત, પણ એ સહેલું નથી. યાદ રાખજો, બ્લૅક મની એક એવો મુદ્દો છે જે હંમેશાં રાજનીતિમાં સુપરહિટ રહ્યો છે. ઝાડુ પણ એવો જ પૉઇન્ટ છે કે એ જ્યારે પણ કોઈ સેલિબ્રિટી ઊંચકે છે ત્યારે લોકોનું ધ્યાન ખેંચાય છે.

નરેન્દ્ર મોદી માર્કેટિંગના જે કોઈ ફન્ડા છે એ ફન્ડાથી ન્યુઝપેપરમાં કલરફુલ ફોટોગ્રાફ્સ જોવા મળે એવું બને, પણ એનાથી દેશને કોઈ મોટો ફરક નથી પડવાનો. ફરક તો ત્યારે પડે જ્યારે ડેવલપમેન્ટ અને ગ્રોથ દેખાવો શરૂ થાય. ફાઇનૅન્સની નવી પૉલિસીમાં એમ્પ્લૉયમેન્ટની નવી તક ઊભી કરવામાં આવી હોય અને સરકારની જે કોઈ જગ્યા ખાલી છે એ ભરવા માટેના પ્રયાસો થાય. આજ સુધી BJP સરકારે એક પણ યોજના એ પ્રકારની જાહેર નથી કરી જેમાં નવો રોજગાર ખૂલવાનો હોય. ઇન્ડસ્ટિÿયલ ગ્રોથની પણ કોઈ સ્કીમ અનાઉન્સ નથી થઈ. જે કોઈ જાહેરાત થાય છે એ બધી જાહેરાતોમાં ક્યાંક ને ક્યાંક તમને નરેન્દ્ર મોદીના પર્સનલ પ્રૉપગૅન્ડા દેખાશે અને કાં તો BJPના બેનિફિટની વાત દેખાશે. સફાઈ અભિયાન હોય કે પછી બ્લૅક મની, બધામાં અત્યારે દેખીતી રીતે તો આ એક જ વાત દેખાઈ રહી છે જે દેશના હિતમાં નથી; કારણ કે વડા પ્રધાન જે કોઈ સમયનો વેડફાટ કરી રહ્યા છે એ મારી દૃષ્ટિએ તો દેશના સમયની બરબાદી છે અને વડા પ્રધાને આ પ્રકારે દેશના સમયનો વેડફાટ ન કરવો જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK