Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જવાનો પર અટૅક વિશે સેલિબ્રિટીઝનું શું કહેવું છે?

જવાનો પર અટૅક વિશે સેલિબ્રિટીઝનું શું કહેવું છે?

17 February, 2019 09:52 AM IST |

જવાનો પર અટૅક વિશે સેલિબ્રિટીઝનું શું કહેવું છે?

સિદ્ધાર્થ રાંદેરિયા, મોરારિ બાપુ અને રવિન્દ્ર જાડેજા

સિદ્ધાર્થ રાંદેરિયા, મોરારિ બાપુ અને રવિન્દ્ર જાડેજા


વિરોધ અને દેખાવોનો અર્થ શું નીકળે છે?

પુલાવામામાં જે ઘટના ઘટી છે એના માટે મેં ગઈ કાલે કહ્યું અને આજે પણ કહું છું કે બહુ ખરાબ ઘટના છે આ. આ ઘટનાના પ્રત્યાઘાત આપણે આપવા જ જોઈએ અને સરકાર ફરીથી ઊંઘી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. એ બધા વચ્ચે આપણે એ પણ જોવાનું છે કે આપણે આપણી જ પબ્લિકને હેરાન ન કરીએ અને તેમના માટે પ્રૉબ્લેમ ઊભા ન કરીએ. ટ્રેનો અટકાવવી, તોડફોડ કરવી, દુકાનો બંધ રખાવવી એ બધાનો કોઈ અર્થ નથી. જો એવું જ લાગતું હોય તો શહીદોની ફૅમિલીને હેલ્પ કરવાનો રસ્તો શોધો, પણ આ રીતે બીજાને તકલીફ પડે એવું તો ન જ કરવું જોઈએ. હું કહીશ કે આપણો વિરોધ સરકાર સામે નથી, આપણો વિરોધ પાકિસ્તાન સામે અને આતંકવાદ સામે છે. આ કોઈએ ભૂલવું ન જોઈએ.



- રવીન્દ્ર જાડેજા (ક્રિકેટર, ટીમ ઇન્ડિયા)


ઉશ્કેરાટ દબાવી રાખો, એની જરૂર પડવાની છે 

ગઈ કાલે લોકલ અટકાવવામાં આવી, દુકાનો બંધ કરાવવા પણ લોકો નીકળી પડ્યા હતા. હું કહીશ કે આ ઉશ્કેરાટ વાજબી છે, પણ એ રજૂ કરવાની રીત ખોટી છે. આપણે આપણને જ નડતર નથી બનવાનું. આવું કરીને તો આપણે પ્રશાસનનું કામ વધારી રહ્યા છીએ. વિરોધ આતંકવાદીઓનો અને એમને સહકાર આપનારા લોકોનો કરવાનો છે. ઉશ્કેરાટ દબાવી રાખો, એની જરૂર પડવાની છે. યોગ્ય સમયે અને યોગ્ય રીતે ગુસ્સો બહાર આવે એ પણ જરૂરી છે. સરકાર પોતાનું કામ કરશે. એ કામ કરવામાં વ્યર્થ જાય ત્યારે તમે આ ઉશ્કેરાટ કે ગુસ્સો દેખાડશો તો સમજી શકાશે, પણ અહીં લડવાનું એવા લોકો સામે છે જે અહીં હાજર નથી અને જ્યાં છે ત્યાં પહોંચવા માટે સ્ટ્રૅટેજી બનાવવાની છે. શાંતિ જરૂરી છે, એકતા જરૂરી છે અને એકમત રહીને કોઈને નડતર ન બનીને કામ ન વધારીએ એ જરૂરી છે. 


- મનોજ જોષી (ઍક્ટર, રંગભૂમિ, ટીવી, સિરિયલ અને ફિલ્મ)

ઉરીમાં કરી દેખાડ્યું તો આમાં પણ જવાબ આપશે જ

 બન્યું એ બહુ જ ખરાબ બન્યું છે. હું કહીશ કે સેના પર થનારા તમામ હુમલાઓ ખરેખર તો દેશની પ્રજા પર થનારા હુમલાથી પણ વધારે ખરાબ છે. માણસનો જીવ જાય એ જ ખરાબ છે, પણ સેનાની જવાબદારી જુદી છે એટલે હું એ હુમલાને તો જરાય લાઇટ્લી લેવામાં માનતો નથી. જોકે સાહેબ, આક્રોશને કઈ રીતે રજૂ કરવો એ પણ મહત્વનું છે. તમે ટ્રેન રોકો, શૂટિંગ અટકાવો કે પછી માર્કેટ બંધ કરાવવા નીકળો એનો કોઈ અર્થ નથી. આ તો દેશની ઇકૉનૉમીને નુકસાન કરનારી વાત થઈ અને એવું કરવાનો હક તો કોઈને નથી. તમને ગુસ્સો હોય, આક્રોશ હોય તો તમે શાંતિપ્રિય રીતે એ બહાર કાઢી નાખો; પણ બીજાનું કામ બગાડીને કે પછી બીજાને હેરાનગતિ થાય એવું પગલું ભરીને એ ગુસ્સો બહાર કાઢો એ ખોટું છે. બેસ્ટ એક જ છે કે તમે સરકાર પર ભરોસો રાખો. ઉડીમાં હુમલો થયો જેનો જવાબ આપણે આપી જ દીધો. અત્યારે જે થયું છે એનો પણ જડબાતોડ જવાબ આપણે આપીશું જ. જોકે તમે પણ ત્યાં સુધી શાંતિ રાખો. બહુ જરૂરી છે આ. બાકી તમે જેટલું આવું કામ કરશો એ બધી વાતો પેલા આતંકવાદીઓને તો રાજી કરનારી જ હશે. 

- રસિક દવે (ઍક્ટર, રંગભૂમિ અને ટીવી-સિરિયલ)

 શાંત રહો, સૌમ્ય રહો અને વિરોધ કોનો કરવાનો છે એ જુઓ

 કાશ્મીરમાં જે બન્યું એ બહુ દુખદ છે. આપણા ૪૦ જવાનોનો જીવ ગયો. આ જવાનો આપણી રક્ષા માટે સરહદ પર સેવા આપતા હતા. જવાનોની શહીદી વેડફાઈ ન જાય એ જોવાનું કામ સરકારનું છે અને સરકાર એ કામ કરશે, પણ આ કામ રાતોરાત થઈ જાય એવું નથી. તમારે એ માટે સરકારને, સેનાને સમય આપવો પડશે. ગઈ કાલે ઘણી જગ્યાએ દેખાવો કરવામાં આવ્યા, ટ્રેનો અટકાવી, માર્કેટો બંધ રાખવામાં આવી; પણ હું કહીશ કે એવું કરવાથી તો આપણું જ નુક્સાન થવાનું છે. આપણે આપણા તો દુશ્મન ન બનીએ. આપણી સામે દુશ્મન ક્લિયર છે. લડવાનું એની સામે છે એટલે આ બાબતનું ધ્યાન રાખીએ અને શાંતિ રાખીએ.

 - જયદેવ ઉનડકટ (ક્રિકેટર, ટીમ ઇન્ડિયા)

 દેશને હાનિ ન પહોંચાડતાં પોતાનો આક્રોશ વ્યક્ત કરવો જોઈએ

 જે કાયરતાથી આતંકવાદી હુમલો થયો એનાથી નક્કી જ ભારતના નાગરિકોની ભાવનાને ખૂબ જ દુ:ખ પહોંચ્યું છે. જોકે ભારત બંધ કરીને કે દેશની સંપત્તિને નુકસાન પહોંચાડીને આક્રોશ વ્યક્ત કરવાથી પાકિસ્તાનને નહીં પણ આપણા લોકોને જ હેરાનગતિ સાથે નુકસાન થઈ રહ્યું છે. એથી મારી લોકોને અપીલ છે કે દેશની સંપત્તિને નુકસાન પહોંચાડીને આક્રોશ વ્યક્ત કરવાને બદલે એક-બે કલાક ધરણાં કે અન્ય કોઈ માર્ગે પોતાનો આક્રોશ દાખવી શકાય છે. હાનિ પહોંચાડીને નારાજગી દાખવવી ન જોઈએ.

 - ગોપાલ શેટ્ટી,  ઉત્તર મુંબઈના ભાજપના સાંસદ

 સમય એકતા દેખાડવાનો છે ત્યારે એ તક ચૂકવી ન જોઈએ

 પુલાવામામાં જે બન્યું એ હિચકારું પગલું છે, કાયરતાની નિશાની છે. આપણા એ જવાનો તો બસમાં બેઠા હતા. લડતા હોય અને શહીદી આવે તો માની પણ શકાય કે હિંમતથી તેમનો સામનો થયો હતો, પણ અહીં તો સાવ નર્દિોષ હતા એવા લોકોનો કપટથી જીવ લેવામાં આવ્યો. આવું કપટ કરો તો દુનિયાનો શ્રેષ્ઠ યોદ્ધો પણ માર્યો જાય. પુલવામાની ઘટનાના પ્રત્યાઘાતો વિશ્વભરમાંથી આવવાના શરૂ થઈ ગયા છે અને આ પ્રત્યાઘાતો જ દેખાડે છે કે આપણે વૈશ્વિક સ્તર પર મજબૂત થયા છીએ. જમર્ની, રશિયા, અમેરિકા જેવા દેશોની સાથે સાઉદી અરેબિયા પણ આ ઘટનાને વખોડી કાઢે એ જ દેખાડે છે કે આ આતંકવાદ કોઈને નથી જોઈતો. આ આતંકવાદી હુમલો થયો છે ત્યારે આપણે એકતા દેખાડવાની છે. મોરારીબાપુએ બહુ સરસ વાત કરી આજે. કહ્યું કે હાથ લંબાવવાનો નથી, હાથ ફેલાવીને બધાએ સાથે મળીને સાંકળ બનાવવાની છે. એકતાની આ સાંકળ તો જ બનશે જો તમે સંયમ સાથે રહેશો. મૉબ એટલે કે ટોળાને કોઈ બુદ્ધિ નથી હોતી, જેને લીધે એ ઉશ્કેરાટમાં કોઈ પણ પગલું ભરે, પણ આવું ક્યારે કરવાનું હોય એ સમજવાની જરૂર છે. જો સરકારને જગાડવાની હોય તો તમારે આવું કૃત્ય કરવું પડે, પણ સરકાર તો અહીં જાગે જ છે. ઑલરેડી નરેન્દ્ર મોદીએ સ્ટેટમેન્ટ કરી દીધું છે કે સેનાને તમામ અધિકારો આપી દીધા છે, હવે સેનાએ નક્કી કરવાનું છે કે કઈ રીતે આગળ વધવું. આઝાદી પછી આવું સ્ટેટમેન્ટ પહેલી વખત ભારતમાં થયું છે. કહેવાનો ભાવાર્થ એ જ કે સરકાર જાગે છે અને સરકારને ખબર પણ છે કે આમાં ઍક્શન લેવાની છે અને બને એટલી ઝડપથી ઍક્શન લેવાની છે. કોઈએ એવું કૃત્ય ન કરવું જોઈએ કે જેને લીધે આપણા જ લોકોને હાલાકી થાય અને આપણા જ લોકોએ હેરાનગતિ સહન કરવી પડે. વિશ્વાસ રાખો, પણ સાથોસાથ એ પણ યાદ રાખો કે પાનના ગલ્લા પર ઊભા રહીને યુદ્ધની વાત કરવી અને દિલ્હીમાં બેસીને યુદ્ધની તૈયારી કરવી એ બન્ને વચ્ચે ફરક છે. તમારે સરકારને પણ સમય આપવો જ પડશે.

 - સિદ્ધાર્થ રાંદેરિયા (ઍક્ટર, રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મ)

આ પણ વાંચોઃ ગુજરાતના આ MLA શહીદોના પરિવારોને આપશે 3 મહિનાનો પગાર

 સેનાએ કહી દીધું, વાત પતી ગઈ હવે બાપ

 આ ઘટના પર મેં કોઈ ટિપ્પણી કરી નથી, પણ આજે કહું છું. સવારે સેનાનું સ્ટેટમેન્ટ આવ્યું કે અમને છૂટ મળી ગઈ છે, સ્થળ અને સમય અમે નક્કી કરીશું. બસ, વાત પતી ગઈ હવે. હવે આપણે ધીરજ રાખવાની છે અને આપણી સેના જવાબ આપે એની રાહ જોવાની છે. બહુ ઉત્સાહી યુવાનોને હું એક સલાહ આપીશ કે શાંતિ રાખો અને સેના પર વિશ્વાસ રાખો.

 - મોરારીબાપુ (પ્રખર રામાયણકાર)

 સરકારે પાકિસ્તાન સાથેનાં બધાં રિલેશન તોડવા જોઈએ

 આતંકવાદી ગતિવિધિ વધતાં હુમલાઓ વધવા લાગ્યા છે. મોદીજી દુનિયામાં સફર કરે છે તો યુએનમાં કેમ રેઝોલ્યુશન પાસ કરાવતા નથી કે પાકિસ્તાન એક ટેરરિસ્ટ દેશ છે. હાલમાં જે રીતે હુમલો થયો એમાં આપણા જવાનોએ જીવ ગુમાવ્યો છે એ જોતાં સામાન્ય નાગરિકોના આત્માને હચમચાવી મૂક્યો છે. લોકો ખોટા નથી, પરંતુ આ ભારત બંધ કે સંપત્તિને નુકસાન પહોંચાડીને આક્રોશ વ્યક્ત કરવાનો માર્ગ યોગ્ય નથી.

 - અબુ આઝમી, સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય

 આવા સમયે શાંતિ જાળવીએ

 આવાં તોફાનો કરવાની કોઈ જરૂર નથી. રેલરોકો આંદોલનો કરવાથી સામાન્ય જનતાને ઘણી અગવડ પડે છે. આવું કરવાથી તેમને શું મળે છે? મને ઘણો ગુસ્સો આïવ્યો છે. આવું કરવાથી તેઓ કયું અચીવમેન્ટ મેળવી રહ્યા છે? આવા સમયે શાંતિ જાળવીને, પરસ્પર હળીમળીને રહેવાથી એકતા વધે છે.

 - દિલિપ વેન્ગસરકર, ભૂતપૂર્વ કૅપ્ટન

 ડોન્ટ બી નૉનસેન્સ, બી પ્રૅક્ટિકલ 

પુલવામામાં જે બન્યું એ ખરેખર ખૂબ ખરાબ છે. આપણને એ સમજાવું જોઈશે કે હવે આપણે પણ આ બાબતમાં અલર્ટ થવું પડશે. જો તમે ઇચ્છતા હો કે દેશમાં શાંતિ રહે તો બહાર રહીને જે આવી આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે તેમને અંદરથી સપોર્ટ ન મળે એનું ધ્યાન આપણે જ રાખવું પડશે. દેશની સેફ્ટી એ માત્ર સરકાર કે સેનાની જ જવાબદારી નથી, એ આપણા બધાની રિસ્પૉન્સિબ્લિટી છે અને આપણે એને પાળવી પડશે. બીજી એક જવાબદારી આપણી એ પણ છે કે આવી ઘટના ઘટે ત્યારે આપણે શું કામ આપણા જ લોકોને હેરાનગતિ થાય એવાં સ્ટેપ્સ ન લઈએ કે પછી આપણી જ પ્રૉપર્ટીને નુક્સાન થાય એવું કામ ન કરીએ. ગઈ કાલે આપણે ત્યાં અમુક સબબ્ર્સમાં ટ્રેનો રોકવામાં આવી, લોકોને કામે જતા અટકાવવામાં આવ્યા. આવું ન થવું જોઈએ. આપણે આપણું જ ડેવલપમેન્ટ રોકીએ એવું તો આ આતંકવાદીઓ ઇચ્છે છે. હું તો ત્યાં સુધી કહીશ કે આપણા ગ્રોથને જોઈને એ લોકોની જેલસી થાય છે અને એટલે તો આતંકવાદીઓ આપણા પર હુમલો કરે છે. તમે જ કહો, તમને ક્યારેય પાકિસ્તાનની ઈર્ષા આવી ખરી? ઈર્ષા હંમેશાં તેની થાય જે તમારાથી આગળ હોય. આપણે આગળ છીએ અને આગળ રહેવાનું છે, જે માટે આપણે બેસ્ટ રીતે કામ કરતા રહેવાનું છે અને સરકાર પર ટ્રસ્ટ રાખવાનો છે.

 - ભવ્ય ગાંધી (ઍક્ટર, સ્ટેજ, ટીવી અને ફિલ્મ)

 સંપત્તિને નુકસાન કરવાથી શું લાભ?

 આપણી પોતાની સંપત્તિને નુકસાન કરવાથી શું લાભ થવાનો છે? રાજકારણીઓએ જ આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. સરકારી સંપત્તિને નુકસાન ન પહોંચે એની તકેદારી પોલીસે રાખવી જોઈએ. લોકલ ટ્રેન-વ્યવહાર બંધ થઈ જાય તો નુકસાન પ્રજાને જ થાય છે.

 - કરસન ઘાવરી, ભૂતપૂર્વ મિડિયમ પેસ બોલર

 અત્યારે આપણે અંદર-અંદર લડવાની જરૂર નથી

 પુલવામા ટેરર અટૅક આપણા દેશે જોયેલી સૌથી દુખદ ટ્રૅજેડીમાંની એક છે. આ ઘટનાનો ઘણા લોકો જુદી-જુદી રીતે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. કેટલાંક સ્ટેશનો પર ટ્રેનો અટકાવવામાં આવી હોવાનું પણ સાંભળવામાં આવી રહ્યું છે. આવા સમયે ઘણી વાર હિંસા પણ થઈ જતી હોય છે. આવા સમયે આપણે દેશવાસી તરીકે સાથે રહેવાની જરૂર છે, નહીં કે અંદર-અંદર લડવાની. આપણે એકબીજાનો હાથ પકડીને આ ટ્રૅજેડીમાંથી બહાર આવી શકીશું. 

- બિજલ જોષી, લેડીઝ સ્પેશ્યલની હિરોઇન

 મોદીજી શબ્દોનો ઉપયોગ નહીં, હવે કામ કરો

 જે જનઆક્રોશ થઈ રહ્યો છે એ સ્વાભાવિક જ છે. છેલ્લાં સાડાચાર વર્ષમાં આતંકવાદી હુમલાઓમાં સાડાચારસોથી પાંચસો જવાનો શહીદ થવાની સાથે સિવિલિયન્સ પણ મૃત્યુ પામ્યા છે. દેશ પર હુમલો થયો છે એથી દેશની સામાન્ય જનતા પણ આક્રોશમાં આવી ગઈ છે. એથી વિવિધ રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહી છે. જો સરકાર જલદીમાં જલદી કોઈ કાર્યવાહી નહીં કરશે તો આ આક્રોશ હજી વધશે.

 - સંજય નિરુપમ, કૉન્ગ્રેસના સંસદસભ્ય અને મુંબઈ રીજનલ કૉન્ગ્રેસ કમિટીના અધ્યક્ષ

 

 

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2019 09:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK