Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અસમાનતા સામે આંદોલન : વિશ્વના ૯૫૦ શહેરોમાં વિરોધની આગ ફાટી નીકળી

અસમાનતા સામે આંદોલન : વિશ્વના ૯૫૦ શહેરોમાં વિરોધની આગ ફાટી નીકળી

17 October, 2011 07:00 PM IST |

અસમાનતા સામે આંદોલન : વિશ્વના ૯૫૦ શહેરોમાં વિરોધની આગ ફાટી નીકળી

અસમાનતા સામે આંદોલન : વિશ્વના ૯૫૦ શહેરોમાં વિરોધની આગ ફાટી નીકળી


 

 




 

રાજનીતિમાં કૉર્પોરેટ જૂથોના વધી રહેલા પ્રભુત્વના વિરોધમાં અમેરિકામાં શરૂ થયેલી ચળવળ વિશ્વના ૮૦ દેશોનાં ૯૫૦ શહેરોમાં ફેલાઈ : ન્યુ યૉર્કમાં ટાઇમ્સ સ્ક્વેરમાં હજારો લોકો દ્વારા પ્રોટેસ્ટ : ૮૮ની ધરપકડ

વિરોધપ્રદર્શન દરમ્યાન ૮૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. લોકોને અટકાવવા જતાં ન્યુ યૉર્ક સિટી પોલીસના બે કર્મચારીઓ ઘાયલ થયા હતા. શનિવારે ઓક્યુપાઇ વૉલ સ્ટ્રીટ મૂવમેન્ટના સમર્થનમાં વિશ્વના ૮૦ દેશોનાં ૯૫૦ શહેરોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો.

ન્યુ યૉર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા પૉલ બ્રાઉને કહ્યું હતું કે ‘ઝ્યુકોટી પાર્કથી વૉશિંગ્ટન સ્ક્વેર સુધી સેંકડો લોકોએ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. એક નાનકડું જૂથ વૉશિંગ્ટન સ્ક્વેરથી સિટી બૅન્ક બ્રાન્ચ પહોંચ્યું હતું. ટાઇમ્સ સ્ક્વેરમાં પ્રદર્શનકારીઓ સાથેની અથડામણમાં બે પોલીસ-અધિકારીઓ ઘાયલ થયા હતા.’

બીજી તરફ પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે અમે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છીએ એ સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. સિટી બૅન્કની બ્રાન્ચ સામે વિરોધીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ જતાં પોલીસે બ્રાન્ચ સ્ટાફને ઘરે જવાનું કહીને બૅન્ક બંધ કરાવી દીધી હતી. દેખાવકારોએ ટાઇમ્સ સ્ક્વેરમાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરીને ઢોલ વગાડ્યાં હતાં. કુલ ૭૪ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી; જેમાં ૪૫ લોકોની ટાઇમ્સ સ્ક્વેરમાંથી, બીજા ૨૪ જણની સિટી બૅન્ક પાસેથી, જ્યારે ૫ જણની શહેરનાં અન્ય સ્થળોએથી ધરપકડ કરવામાં આવી હતી.

વૉશિંગ્ટન, મિયામી અને લૉસ ઍન્જલસમાં પણ વિરોધ નોંધાયો હતો. મિયામીમાં ભાગ્યે જ પ્રોટેસ્ટ થાય છે.

રોમમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું

ગઈ કાલે ઇટલીના રોમમાં પણ વિરોધ પ્રદર્શન થયું હતું. આ પ્રદર્શન દરમ્યાન પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે ટોળા પર લાઠીચાર્જ કર્યો હતો તથા ટિયર ગૅસ અને વૉટર કૅનનનો ઉપયોગ કર્યો હતો. રોમમાં ૧૩૫ લોકો ઘાયલ થયા હતાં જેમાંથી ૧૦૫ પોલીસકર્મચારીઓ હતા.

શરૂઆત ૧૫ મેથી થઈ હતી

ગ્રીસ, સ્પેન, ઇટલી અને બ્રિટન છેલ્લા કેટલાક મહિનાઓથી મંદી, બેરોજગારી, ખાધવાળા અંદાજપત્ર જેવી કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે સૌપ્રથમ સ્પેનમાં ૧૫ મેથી પ્રોટેસ્ટની શરૂઆત થઈ હતી.

વિકીલીક્સનો સ્થાપક પણ વિરોધપ્રદર્શનમાં જોડાયો

અમેરિકા સિવાય લંડન અને રોમમાં પણ ગઈ કાલે સામાજિક અને આર્થિક અસમાનતા તથા સરકાર પર કૉર્પોરેટ જૂથોના વધી રહેલા પ્રભુત્વ સામે હજારો લોકોએ વિરોધપ્રદર્શન કર્યું હતું. વિકીલીક્સનો સ્થાપક જુલિયન અસાન્જ પણ લંડનમાં આ વિરોધપ્રદર્શનમાં જોડાયો હતો. લંડનમાં પ્રદર્શનકારીઓએ સેન્ટ પૉલ્સ કૅથીડ્રલથી સ્ટૉક એક્સચેન્જ સુધી રૅલી કાઢી હતી.

અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ગુપ્ત દસ્તાવેજો પ્રસિદ્ધ કરીને વિશ્વભરમાં હલચલ મચાવનારી વેબસાઇટના સ્થાપક જુલિયન અસાન્જે રૅલીને સંબોધતાં કહ્યું હતું કે લંડનની બૅન્કો ભ્રષ્ટ નાણાં મેળવી રહી હોવાથી અમે આ વિરોધપ્રદર્શનને સર્પોટ કરી રહ્યા છીએ.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2011 07:00 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK