Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સોશ્યલ વેબસાઇટ્સ સામે વિરોધ-પ્રદર્શન

સોશ્યલ વેબસાઇટ્સ સામે વિરોધ-પ્રદર્શન

07 December, 2011 06:27 AM IST |

સોશ્યલ વેબસાઇટ્સ સામે વિરોધ-પ્રદર્શન

સોશ્યલ વેબસાઇટ્સ સામે વિરોધ-પ્રદર્શન




ફેસબુક અને ગૂગલ જેવી વેબસાઇટ્સ વિવાદાસ્પદ કન્ટેન્ટ પર નિયંત્રણ મૂકે : સિબલ





સર્ચ એન્જિન ગૂગલ તથા સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક તથા એના જેવી બીજી વેબસાઇટ્સ પર પ્રસિદ્ધ થતી વાંધાજનક કન્ટેન્ટ વિશે ગઈ કાલે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે કહ્યું હતું કે આવી વેબસાઇટોએ એના પર પ્રસિદ્ધ થતી કન્ટેન્ટ પર જાતે જ નિયંત્રણ લાદવું જોઈએ. જો એવું નહીં થાય તો સરકારે જાતે જ પગલાં લેવાની ધમકી આપી છે.

કમ્યુનિકેશન અને આઇટી (ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી) વિભાગના પ્રધાન કપિલ સિબલે ગઈ કાલે નવી દિલ્હીમાં કહ્યું હતું કે ‘ફેસબુક અને ગૂગલ જેવી ઇન્ટરનેટ કંપનીઓએ એમની વેબસાઇટ પર જાતે જ અંકુશ મૂકવો જોઈએ. તેમણે તેમની વેબસાઇટ્સ પર અપમાનજનક કન્ટેન્ટ પ્રસિદ્ધ થતી અટકાવવી જોઈએ. જો તેઓ એમ નહીં કરે તો પછી સરકારે કડક પગલાં લેવા મજબૂર થવું પડશે.’



સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ પર સેન્સરશિપ લાગુ કરવા વિશે તેમણે કહ્યું હતું કે અમારી સરકાર પ્રેસની સ્વતંત્રતા પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દખલગીરી કરવામાં નથી માનતી.

અગાઉ પણ ચેતવણી આપી હતી

ઇન્ટરનેટ કંપનીઓને એક મહિનામાં જ વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવા સપ્ટેમ્બરમાં જણાવવામાં આવ્યું હતું એમ જણાવીને કપિલ સિબલે કહ્યું હતું કે ‘જોકે તેમના તરફથી કોઈ રિસ્પૉન્સ નહોતો મળ્યો. ત્યાર બાદ નવેમ્બરમાં સરકારે ઇન્ટરનેટ કંપનીઓ માટે આચારસંહિતા ઘડી અને માઇક્રોસૉફ્ટ, ગૂગલ, યાહૂ તથા ફેસબુક સાથે એ વિશે ચર્ચા કરી હતી.’

માત્ર મૌખિક સમર્થન

કપિલ સિબલે કહ્યું હતું કે ‘ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલી આચારસંહિતા વિશે ઇન્ટરનેટ કંપનીઓએ માત્ર મૌખિક સમર્થન આપ્યું હતું, લેખિત સમર્થન આપવાની વાત આવી ત્યારે એ કંપનીઓ પાછળ ખસી ગઈ હતી.’

થરૂરનું સમર્થન

રાજ્યકક્ષાના ભૂતપૂર્વ વિદેશપ્રધાન તથા સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક અને ટ્વિટર પર ભારે લોકપ્રિયતા ધરાવતા શશી થરૂરે સિબલના નિર્ણયને સમર્થન આપતાં કહ્યું હતું કે વાંધાજનક, આક્રમક અને અપમાનજક કન્ટેન્ટ પ્રસિદ્ધ થવાથી રમખાણો ફાટી નીકળી શકે છે.

સરકારે શા માટે ચેતવણી આપી?

થોડા સમય પહેલાં સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ પર વડા પ્રધાન મનમોહન સિંહ અને કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી વિશે વિકૃત કન્ટેન્ટ પ્રસિદ્ધ થયું હતું. આ કારણોસર કપિલ સિબલે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટને આવી કન્ટેન્ટ પ્રસિદ્ધ થતી રોકવાની ચેતવણી આપી છે.

ફેસબુક સહમત

ભારતમાં ૨.૫ કરોડ યુઝર્સ ધરાવતી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકે એની સાઇટ પરથી વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવા માટે સહમતી દર્શાવી છે.

વરુણ ગાંધીનો વિરોધ

બીજેપીના ઉત્તર પ્રદેશના સંસદસભ્ય વરુણ ગાંધીએ સોશ્યલ મિડિયા વાંધાજનક કન્ટેન્ટ પર જાતે અંકુશ મૂકે એવા કપિલ સિબલના અલ્ટિમેટમનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ એકમાત્ર એવું માધ્યમ છે જે સ્થાપિત હિતો, મિડિયામાલિકો અને પૈસા લઈને સમાચાર લખતા પત્રકારોથી મુક્ત છે.

સાઇબર જગતમાં વિરોધ

કપિલ સિબલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સને વાંધાજનક કન્ટેન્ટ પ્રસિદ્ધ થતી અટકાવવા માટે આપેલી ચેતવણી સામે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર ગઈ કાલે ભારે વિરોધ નોંધાયો હતો. કેટલાક યુઝર્સે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ પર લખ્યું હતું કે ચીન જેવું વલણ અપનાવીને સાઇબરજગતની આઝાદી છીનવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. બીજા પણ અનેક નેટિઝન્સે સરકારના વલણ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

અમે કન્ટેન્ટ નહીં હટાવીએ : ગૂગલ

ઇન્ટરનેટ સર્ચ જાયન્ટ ગૂગલ ઇન્ડિયાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અમે દેશના કાયદાનો આદર કરીએ છીએ. જો કોઈ કેન્ટેન્ટ ભારતના કાયદાની વિરુદ્ધ હશે તો અમે એને દૂર કરી દઈશું, પણ જો કોઈ કન્ટેન્ટ ગેરકાયદે નહીં હોય, પરંતુ અમારી પૉલિસીનો ભંગ થતો હશે તો પણ અમે એ મટીરિયલ દૂર કરી દઈશું. જો કોઈ કન્ટેન્ટને લીધે કાયદાનો કે અમારી પૉલિસી બેમાંથી એકેયનો ભંગ નહીં થતો હોય તો પછી એ દૂર કરવામાં નહીં આવે, પછી ભલેને એ વિવાદાસ્પદ હોય. કારણ કે આવા કન્ટેન્ટમાં મતભેદને લીધે વિવાદ ઊભો થયેલો હોય છે.’

યાહૂએ સરકારના અલ્ટિમેટમ સામે રીઍક્શન આપવાનો ઇનકાર કરી દીધો હતો. માઇક્રોસૉફ્ટના પ્રવક્તા કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવા માટે અવેલેબલ નહોતા. Whatsapp-channel Whatsapp-channel

07 December, 2011 06:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK