મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇને મંજૂરી આપવાના નિર્ણય સામે રોષ

Published: 26th November, 2011 10:58 IST

મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇ (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)ને મંજૂરી આપવાના વિરોધમાં રાજ્યભરના વેપારી આલમમાં રોષની લાગણી પ્રસરી છે. સરકારના આ અન્યાયી અને ઘાતકી નિર્ણય સામે વેપારીઓએ ઠેર-ઠેર વિરોધ દર્શાવ્યો છે એટલું જ નહીં,  સરકારના આ પગલા સામે વેપારીઓએ પહેલી ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત પણ કરી દીધી છે.(સપના દેસાઈ)

મુંબઈ, તા. ૨૬

મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા એફડીઆઇને મંજૂરી આપવાના સરકારના આ નિર્ણય વિરુદ્ધ દેશભરના વેપારી આલમમાં તીવ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. ફામ (ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર)ના  પ્રેસિડન્ટ મોહન ગુરનાનીએ સરકારના આ નિર્ણયને વેપારી આલમને ખતમ કરવાનું એક કાવતરું હોવાનું જણાવતાં કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે દેશ સાથે અન્યાય કર્યો છે. સરકારે બહુ ખોટું કામ કર્યું છે. એફડીઆઇને લીધે વેપારીઓ, હૉકર્સ અને કામદારોની સાથે આમઆદમીને પણ અસર થવાની છે. સરકારે ફૉરેન પ્રેશરમાં આવીને વેપારીઓને ખતમ કરવાનું કાવતરું કર્યું છે. એના વિરોધમાં અમે પહેલી ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. આજે નવી મુંબઈની એપીએમસી (ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં આગળનાં પગલાં વિશે એક મીટિંગ યોજવાના છીએ તેમ જ સોમવારે એપીએમસી માર્કેટમાં મોરચો પણ કાઢવાના છીએ.’

ગ્રોમા (ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન)ના પ્રેસિડન્ટ શરદ મારુએ કહ્યું હતું કે ‘રીટેલમાં એફડીઆઇને મંજૂરી આપવા સામે જૉઇન્ટ પાર્લમેન્ટ કમિટી જેમાં દરેક રાજકીય પાર્ટીના સભ્યો છે તેમણે પણ વિરોધ દર્શાવ્યો હતો એટલું જ નહીં, મોટા-મોટા અર્થશાસ્ત્રીઓએ સુધ્ધાં વિરોધ દર્શાવ્યો હતો છતાં નવાઈ લાગે છે કે સરકારે એને કઈ રીતે પાસ કર્યો?  સરકારના આવા નિર્ણયથી બેરોજગારી વધશે. બાપદાદાઓના સમયથી વેપારીઓ કામ કરતા આવ્યા છે તે બધાના વેપારધંધા બંધ થઈ જશે. વૉલમાર્ટ-મેટ્રોવાળા અત્યારે નુકસાન કરીને વેચે છે અને એ જ તેમની કાર્યપદ્ધતિ છે. આ રીતે તેઓ પહેલાં વેપારીઓને ખતમ કરે છે. પછી ધીમે-ધીમે પોતાની અસલિયત પર આવશે અને કસ્ટમરને ખતમ કરી નાખશે. આનાં પરિણામ સારાં નહીં આવે.’

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએસઆઇટી)ના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ અને મુંબઈ એપીએમસીના ડિરેક્ટર કીર્તિ રાણાએ આ બાબતે કહ્યું હતું કે ‘સરકારની દિશા જે છે એ સંપૂર્ણપણે રાષ્ટ્રના આર્થિક હિતમાં તેમ જ નૅશનલ સિક્યૉરિટીના હિતમાં નથી, કારણ કે વૉલમાર્ટ કંપની સામે ૧૨૦૦ કેસ પેન્ડિંગ છે અને સરકાર એને જ અહીં આવકારી રહી છે.  મલ્ટિનૅશનલ કંપનીઓને આવકારવાથી ફક્ત મોંઘવારી જ વધવાની છે. આ તો લોકોને બેરોજગાર બનાવવાનું એક ષડ્યંત્ર છે. હવે વેપારી સંગઠનોએ ભેગાં થઈને વિરોધ કરવાનો સમય આવી ગયો છે.’

સીએઆઇટીના મહારાષ્ટ્ર એકમના વાઇસ ચૅરમૅન અને ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ (એફઆરટીડબ્લ્યુએ)ના વીરેન શાહે કહ્યું હતું કે ‘મુંબઈમાં ૧૦થી ૧૨ હજાર કરિયાણાના દુકાનદારો છે અને એક લાખ જેટલી નાની-મોટી રીટેલ શૉપ હશે એ તમામ વેપારીઓનો મૃત્યુઘંટ વાગી જવાનો છે. સરકારના આવા નિર્ણયથી સૌથી ïવધુ ફાયદો મોટી કંપનીઓને અને ઉદ્યોગપતિઓને થવાનો છે. દેશમાં જેમની બ્રૅન્ડ નથી ચાલતી તેઓ ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાશે. અત્યારે દોઢસો જેટલા ફૉરેન પ્લેયર્સ છે અને હવે એફડીઆઇને લીધે બીજા ૫૦૦ લોકો આવશે અને તેઓ ભેગા મળીને નાના વેપારીઓને ખતમ કરી નાખશે. અત્યારે દેશમાં જે ચાર કરોડ લોકોને રોજગારી મળી રહી છે તેઓ એફડીઆઇને લીધે બેકાર થઈ જશે.’

ધ બૉમ્બે સબર્બન ગ્રેન ઍન્ડ પ્રોવિઝન ડીલર્સ અસોસિએશનના સેક્રેટરી ચંદ્રકાન્ત ગાલાએ કહ્યું હતું કે ‘અમારા ઘણા વિરોધ બાદ અને ભારે કોશિશ બાદ પણ એફડીઆઇને મંજૂરી આપી દેવામાં આવી છે. એની તકલીફ નાના રીટેલ વેપારીઓને થવાની જ છે. મોટી-મોટી ફૉરેન કંપનીઓ સાથે હરીફાઈ કરવામાં નાના વેપારીઓનો એકડો નીકળી જશે, પણ હવે ચૂપ બેસીને કે રડીને બેસી રહેવાનો કોઈ ફાયદો નથી. હવે વેપારીઓએ પોતાના ધંધામાં ફેરફાર લાવવા અને તેમની ચૅલેન્જને ઉપાડવા જાગ્રત થવું જ પડશે. રીટેલ વેપારીઓએ  જાગ્રત થઈને પોતાના વેપારમાં ચેન્જ લાવવા જ પડશે.’

ધ રીટેલ ગ્રેન ડીલર્સના પ્રમુખ અને મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશનના ટ્રસ્ટી રમણીકલાલ છેડાએ કહ્યું હતું કે ‘અમે પહેલાંથી જ કહેતા આવ્યા છીએ કે એફડીઆઇને કારણે કરોડો લોકો બેકાર થઈ જવાના છે. આજે પરિસ્થિતિ એવી છે કે ભારતભરમાં ૧૦ લાખ દુકાનદારો છે અને એક દુકાનમાં ચારથી પાંચ જણ કામ કરે છે એનો હિસાબ કરતાં એક કરોડ લોકો બેકાર થઈ જશે. રીટેલ ક્ષેત્રે રીટેલ દુકાનો તો બંધ થઈ જશે, સાથે-સાથે હોલસેલ પણ બંધ થશે અને હોલસેલ વેપાર બંધ થશે તો એની સાથે સંકળાયેલા ગુમાસ્તા, દલાલો, માથાડી કામદારો, ટ્રાન્સર્પોટરો પણ બેકાર થઈ જશે. આજે જેવી હાલત અમેરિકાની છે એવી જ હાલત આજથી પાંચ વર્ષ બાદ ભારતની થïવાની છે.’

કેરળ અને તામિલનાડુમાં પણ વિરોધ

સરકારે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં વિદેશી રોકાણ માટે મંજૂરી આપી છે એનો વિરોધ કરવા માટે કેરળમાં ૧૦ લાખ જેટલા ટ્રેડર્સ મંગળવારે બંધ પાળશે. આ બંધનો કૉલ કેરળ વ્યાપારી વ્યવસાયી ઇકોપાના સમિતિએ આપ્યો છે. સમિતિનું માનવું છે કે સરકારના નિર્ણયને કારણે કેરળમાં ટ્રેડર્સના અસ્તિત્વ સામે જોખમ ઊભું થશે.

ફેડરેશન ઑફ તામિલનાડુ ટ્રેડર્સ એસોસિએશનના પ્રેસિડન્ટ ટી. વેલ્લઇયને ગઈ કાલે ચેન્નાઈમાં કહ્યું હતું કે ‘સરકારના નિર્ણયનો વિરોધ કરવા માટે ફેડરેશન ટૂંક સમયમાં ઍક્શન પ્લાન તૈયાર કરશે. સરકારે આ નિર્ણય પાછો ખેંચી લેવા  જોઈએ. ફેડરેશન આ માટે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. એફડીઆઇને કારણે દેશમાં પૈસા આવશે એવો દાવો ખોટો છે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK