સમસ્યા એક, ઉકેલ બે

Published: Feb 07, 2020, 19:35 IST | rashmin shah | Mumbai Desk

સોશ્યલ સાયન્સ : હા, નક્કી તમારે કરવાનું છે કે તમારે કયા ઉકેલને તમારું જીવન સોંપવું છે અને જે ઉકેલના હાથમાં તમારું જીવન સોંપાશે એ મુજબના તમામ રસ્તાઓ તમારે લેવાની તૈયારી રાખવી પડશે

સમસ્યા ક્યાંયની પણ હોય અને કેવી પણ હોય, એના ઉકેલ બે જ રહેવાના અને વાસ્તવિકતા પણ એ જ છે, ઉકેલ બે જ હોય. નક્કી તમારે કરવાનું છે કે તમારે કયા ઉકેલ તરફ આગળ વધવું છે અને કયા ઉકેલના હાથમાં તમે સમસ્યા સોંપવા માગો છો. પણ એ સમસ્યા સોંપ્યા પહેલાં નક્કી તમારે કરવાનું છે કે એ ઉકેલ તમને મંજૂર છે કે નહીં? એ ઉકેલ વાજબી છે કે નહીં અને એ ઉકેલ તમારે લાયક છે કે નહીં? જો તમને ઉકેલ મંજૂર નહીં હોય, લાંબા ગાળે તમે એ ઉકેલને વળગી નહીં રહેવાના હો તો આજે અપનાવેલા ઉકેલનો કોઈ અર્થ રહેવાનો નથી. કહેવાનો ભાવાર્થ એ જ કે સમસ્યા એક છે અને એના ઉકેલ બે છે ત્યારે તમને ઉકેલ આપવાનું કામ કોણ કરે છે એ મહત્ત્વનું છે.

બે ફ્રેન્ડ હતા. બન્નેની બહુ સરસ ગર્લફ્રેન્ડ હતી. ચારેચાર બહુ સાથે ફર્યા, ડેટ્સ કરી અને યાદ રહી જાય એવા દિવસો સાથે પસાર કર્યા. જોગાનુજોગ બન્યું એવું કે બન્ને ફ્રેન્ડનાં બ્રેકઅપ એકસાથે થયાં અને બન્ને એકલા પડી ગયા. એક ફ્રેન્ડે નક્કી કર્યું કે બસ, હવે તે આખી જિંદગી એકલો રહેશે અને બીજા ફ્રેન્ડે નક્કી કર્યું કે જે ભૂલ ભૂતકાળમાં થઈ છે એનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખીને પોતાનામાં સુધારો કરશે અને તે જિંદગીને બીજો ચાન્સ આપશે. કહાની મેં ટ‍્વિસ્ટ. તમારે તમારી ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો અને તમે બન્ને બ્રેકઅપના મોડ પર આવી ગયાં. બ્રેકઅપ કરવું કે નહીં એ વિશે તમે વિચારી રહ્યા છો અને એવા તબક્કે તમને પહેલો ફ્રેન્ડ મળે છે જેણે નક્કી કર્યું છે કે પ્રેમ-બ્રેમ જેવું કશું હોતું નથી, એકલા રહેવામાં જ સાર છે. તમે આ મહાશયની સલાહ લેશો તો તે ઉકેલ તેની વિચારધારા મુજબનો જ આપશે અને તેની સલાહ એવી જ રહેવાની.

ધારો કે તમે બીજા ફ્રેન્ડ પાસે ગયા, જેણે નક્કી કર્યું છે કે પોતે પોતાના સ્વભાવમાં અને ભૂતકાળમાં થયેલી ભૂલોમાં સુધારા કરીને લાઇફને એક નવી તક આપશે તો તેની સલાહ તમને એ મુજબની જ મળવાની. તે તમને જુદા થવાની સલાહ નહીં આપે; તે તમને સુધરવાનું કહેશે, સમજણ કેળવવાનું કહેશે અને તે તમને લેટ ગો કરવાનું શીખવશે. સલાહ માણસને મળેલા અનુભવોનો નિચોડ છે અને અનુભવનો નિચોડ ત્યારે જ એકત્રિત થતો હોય જ્યારે જ્ઞાનને જાતમાં સમાવવામાં આવ્યું. જ્ઞાન એટલે અહીં કોઈએ શાસ્ત્રોને યાદ નથી કરવાનાં, પણ સમજણને યાદ કરવાની છે. સમજણ હશે એ મુજબનું જ્ઞાન અનુભવે આપ્યું હશે. કહેવાનો ભાવાર્થ એવો કે તમારો સલાહકાર કોણ છે, તમે કોના માર્ગદર્શનને મહત્ત્વનું માનો છો એ બહુ મહત્ત્વનું છે. સમસ્યા એક છે, પણ એના ઉકેલ બે અને અમુક કિસ્સાઓમાં તો બેથી પણ વધારે છે પણ એ ઉકેલમાંથી તમે કોની પાસેથી કયો ઉકેલ મેળવો છો એ અગત્યનું છે.

એક મહાશય એવું માને છે કે પત્નીઓ તો થથરતી જ રહેવી જોઈએ અને એક એવું માને છે કે પત્નીને પણ પોતાની લાગણીઓ હોય. તેને પણ માન, સ્વમાન અને સ્વાભિમાન હોય અને તેને પણ સન્માન મળવું જોઈએ. ઘરમાં ઝઘડો થયા પછી જો પહેલા મહાશયને મળો તો તે કદાચ કહી પણ દે કે ના, આવું બધું નહીં ચલાવી લેવાનું. અવાજ કરે તો ચોડી દેવાની એક. અને પત્નીનાં માન, સ્વમાન અને સ્વાભિમાનને માન આપનારાની સામે પત્ની સાથેના કજિયાનું પ્રદર્શન કરો તો બને કે તે શાંતિથી સમજાવીને કહે પણ ખરા કે એક વાર તેની વાત તો સાંભળ. બને કે તે સાચું કહી રહી હોય અને તું ખોટો ઊકળી જતો હો. પરિણામ આખું બદલાઈ જશે. કજિયો એક છે, પણ એના ઉકેલની દિશા આખી બદલી જશે અને એ દિશા તમને કદાચ કાયમની શાંતિ કરી આપી શકે એવી પણ બની શકે અને ઉકેલનો બીજો રસ્તો લીધો તો અશાંતિનાં વાદળો નવો વલોપાત લઈને પણ આવી શકે.

મોટા ભાગના માને છે કે સમસ્યાને કારણે જીવન ખોરંભે ચડે છે, પણ ના, સમસ્યાને કારણે નહીં ઉકેલની પસંદગીના કારણે જીવનમાં ઝંઝાવાત ઉમેરાતો હોય છે. ઉકેલને લીધે જીવનને વાજબી અને ગેરવાજબી રસ્તાઓ સાંપડતા હોય છે અને આ ઉકેલ તમે કોની સલાહ લો છો એના પર આધારિત છે. યાદ રાખજો, સલાહ તેની લેવી જેની સલાહને અનુસરવાની તમારી ક્ષમતા હોય, તમારી ત્રેવડ હોય અને તમારી તૈયારી હોય. વાઇફને ફડાકો મારી દેવાની સલાહ માની લીધા પછી આવનારા પરિણામ માટે તમારી કોઈ માનસિક તૈયારી ન હોય તો સ્વાભાવિક રીતે તમે ખોરંભે ચડશો અને વાઇફની વાત સાંભળવાની સલાહ માન્યા પછી વાઇફની ખોટી જીદને પૂરી કરવા જશો તો પણ જીવનમાં વમળ ઊભાં થશે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે જીવનમાં સમસ્યા આવે ત્યારે એનો એક જ ઉકેલ છે એવું ધારીને બેસી રહેવાને બદલે એના તમામ ઉકેલોને ઓળખવાનો, જાણવાનો અને એના તળ સુધી જવાનો પ્રયાસ કરવો. ત્રાહિતની સલાહ માનવાને બદલે અંગત સમજણ અને વાજબી જ્ઞાનનો ઉપયોગ કરીને જાતે વાજબી ઉકેલની દિશામાં આગળ વધવું. યાદ રાખજો, અયોગ્ય વ્યક્તિની સલાહ અને ગેરવાજબી વ્યક્તિનો સાથ હંમેશાં વંટોળ નોતરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK