Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મેરે ઘર આના

મેરે ઘર આના

10 January, 2021 04:06 PM IST | Mumbai
Hiten Aanandpara

મેરે ઘર આના

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


નવા વર્ષના પ્રારંભમાં બે સારી ખબર આવી; એક, સરકારના મહાકાય રસીકરણ અભિયાન માટે બે કોરોના-વૅક્સિનને મંજૂરી આપવામાં આવી અને બીજી વડા પ્રધાને રાજકોટ, ઇન્દોર, ચેન્નઈ, લખનઉ, અગરતલા અને રાંચીમાં લાઇટહાઉસ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો. શું છે આ પ્રોજેક્ટ? પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૦૨૨ સુધીમાં ૧.૧૨ કરોડ ઘર આર્થિક રીતે અક્ષમ વર્ગને આપવાનો જે નિર્ધાર છે એ પૂરો કરવા તરફનું એક ક્રાન્તિકારી કદમ. આ પ્રોજેક્ટમાં વિવિધ ટેક્નૉલૉજીના ઉપયોગથી ત્રણગણી ઝડપે મકાન ઊભાં કરવામાં આવશે. બેઘર હોવાની સમસ્યાથી આપણા દેશના કરોડો લોકો પીડાય છે. રઈશ મનીઆરના શેર સાથે સમાધાન શોધીએ...

આશા છે એકની અને આદત બીજાની છે



હા હોય કે નકાર, સમસ્યા કશી નથી


ઈશ્વરનું ઘર આ જગ અને મહેમાન આપણે

યજમાન છે ફરાર, સમસ્યા કશી નથી


પેટ માટે અન્ન અને મન માટે આશા જરૂરી છે. કરોડો લોકોને ઘર આપવાની વાત હોય ત્યારે એ ઠગારી નીવડવાની સંભાવના વધારે હોય. તોસ્તાન યોજનાઓ સાકાર કરવા માત્ર પૈસા જ નહીં, આયોજન અને દૃઢ ઇચ્છાશક્તિ પણ જોઈએ. એ શક્તિ પ્રવચનલક્ષી નહીં, પરિણામલક્ષી હોવી જોઈએ. જે રીતે લાખો લોકોને ચાવી મળી છે એ જોતાં ચૂંટાયેલી સરકાર અને એની ઉપર ઈશ્વરરૂપી સર્વવ્યાપી સરકારનો આભાર માનવો જોઈએ. સૌમ્ય જોશી એની ઉભયપક્ષી નોંધ લે છે...  

રહેવાને આવ્યો જ્યારથી હું એના ઘર નજીક

રસ્તામાં ઘણી વાર મળી જાય છે ઈશ્વર

એનામાં હુંય માનતો થઈ જાઉં છું ત્યારે

મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર

મંદિર ઈશ્વરનું ઘર છે. નાનકડા દરને ઘર બનાવી અનેક નાનાં પ્રાણીઓ પોતાની સલામતી રાખે છે. ગામડાનાં પંખીઓ તણખલાં, ડાળીઓ લઈને; તો શહેરનાં પંખીઓ પ્લાસ્ટિકની દોરી, ધાતુના તાર લઈને પોતાનો માળો બનાવે છે. ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને ઘર બનાવતાં શીખી જાય છે. બિલ્ડરને ત્યાં કામ કરતો મજૂર અનેક મકાનો બનાવી જાણે, પણ તેની જિંદગી ઝૂંપડપટ્ટીમાં જ કાચી પડી જાય. આકાશ ઠક્કર કહે છે એમ, ઘણી બધી વાત આપણે સમજતા હોઈએ છીએ, પણ એને અમલમાં મૂકવી ભારે પડે...

કોઈના અંગત થતાં ના આવડ્યું

સ્વપ્નમાં પણ જાગતાં ના આવડ્યું

સાંજ પડતાં એ જ રસ્તો, એ જ ઘર

તોય ત્યાં પાછા જતાં ના આવડ્યું

ટેક્નૉલૉજીમાં પાછા જવાનું હોતું નથી. આગળ ને આગળ જ વધવાનું હોય. સરકારે ઘર બનાવવામાં આધુનિક ટેક્નિકનો અમલ કરવા ગ્લોબલ હાઉસિંગ ચૅલેન્જ રાખેલી જેમાં ૫૦ વૈશ્વિક કંપનીઓએ ભાગ લીધો હતો. એમાંથી વિવિધ પ્રકારની ૬ ટેક્નૉલૉજી તારવવામાં આવી જે ૬ શહેરોમાં વપરાશે. કામ કરીએ તો એ દેખાવાનું જ અને દેખાવું પણ જોઈએ, છતાં ઘણી વાર એવું બને છે કે નોંધપાત્ર કામ થયું હોય તોય કોઈ વિશેષ નોંધ લેવાય નહીં. રાજ લખતરવી એનો અફસોસ વ્યક્ત કરે છે...

રહ્યા આંખ વચ્ચે, જિગરમાં ન આવ્યા

વળોટીને ઉંબર, એ ઘરમાં ન આવ્યા

કહે છે કે એ તો બધાને જુએ છે

અમે કેમ એની નજરમાં ન આવ્યા?

આપણે કોઈના ઘરે પહેલી વાર જઈએ તો તેના ઘરનું નિરીક્ષણ અચૂક કરીએ. ઘર જોઈને તેના માલિક વિશે અંદાજ બાંધી શકાય. દીવાલો પાસે વાણી નથી હોતી, પણ તે એવું ઘણું બધું કહી દે જે આંખોને સમજાઈ જાય. ક્યાંક રોશનીના ધખારા હોય તો ક્યાંક આછા અજવાળે જિંદગી સાદગીપૂર્વક જીવાતી હોય. સુરેશ રાવલ ઘરને તપાસે છે...

આંખ મીંચી તો બધે ઝળહળ હતું

આંખ ખોલી તો નજરનું છળ હતું

બંધ ઘરને મૌન દરવાજા હતા

જ્યાં નજર અંદર કરી, ખળભળ હતું

વિદેશ રહેતા લોકોનાં ઘર અહીં વતનમાં મોટે ભાગે બંધ રહેતાં હોય છે. આલીશાન હોય છતાં એકાકી લાગે. એવું લાગે કે અબજપતિ વૃદ્ધ માણસ પાસે સુખ-સુવિધા બધું જ છે, પણ કોઈ સ્વજન નથી. હરીશ ઠક્કર તબીબી નિદાન કરે છે...

લાગણી છલકાય જેની વાતમાં

એક-બે જણ હોય એવા લાખમાં

બંધ ઘરમાં ના જવું એ સૂચના

જાઓ તો આવે કશું ના હાથમા

ક્યા બાત હૈ

મા બોલી

થોડા અમથા લૉકડાઉનમાં

ઘરે બેસી કંટાળ્યો!

આખું જીવતર લાજ કાઢીને

મનસૂબો મેં વાળ્યો

તું ઘરે બેસી કંટાળ્યો!

તારી પાસે જાતજાતનાં

મોબાઇલ જેવાં રમકડાં

મારી પાસે ઠામ-વાસીદા,

ઢોર કેરાં જોડકણાં

જવાબ દે આખો જન્મારો

કેમ કરીને ગાળ્યો?

તું ઘરે બેસી કંટાળ્યો!  

છોકરાં રોવે અંધારામાં

ને ડોશી-ડોસાની બૂમો

શ્વાસ લેવા જ્યાં ધારું મનથી

આવે હૈયે ડૂમો

આ પિંજરનો વિચાર તેં તો

કેમ કરીને ટાળ્યો?

તું ઘરે બેસી કંટાળ્યો!

એક માનવી, બીજા માટે

પાંજરાં કેમ બનાવે

કુદરતના આ વિશાળ જગમાં

રોગ કદી ના આવે

લાજ કે ઘૂંઘટ કે પડદાનો

જવાબ માએ ટાળ્યો

ને હસીને બોલી.

તું ઘરે બેસી કંટાળ્યો?

 -કિન્તુ ગઢવી

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2021 04:06 PM IST | Mumbai | Hiten Aanandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK