ઇનામોની રકમ વધી ગોવિંદાઓની સંખ્યા ઘટી

Published: 9th August, 2012 03:23 IST

દહીહંડી ઉત્સવમાં ગોવિંદાઓને ઊંચા થર બનાવવાની તાલીમ આપતા પ્રશિક્ષકોને ડર છે કે આ વર્ષે તહેવારો દરમ્યાન ઈજાઓના વધુ બનાવો જોવા મળશે, કારણ કે છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રૅક્ટિસ સતત ઘટી રહી છે. આ વર્ષે આ ઉત્સવમાં ભાગ લેનારાઓની સંખ્યા ઘટી છે તેમ જ તેમની પ્રૅક્ટિસના અનિયમિત કાર્યક્રમને કારણે પણ સમસ્યા થઈ છે.

 

 

govindaદહીહંડી મંડળો દ્વારા ઇનામોની રકમમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં ગોવિંદાઓમાં ખાસ કોઈ ઉત્સાહ જણાતો નથી. તેઓ આ પ્રવૃત્તિથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. અગાઉ ૧૫૦થી વધુ લોકો પ્રૅક્ટિસ માટે આવતા હતા, પરંતુ હવે માંડ ૬૦ જેટલા દેખાય છે. અગાઉ ભાગ લેનારાઓ સતત પ્રૅક્ટિસ કરવામાં માનતા હતા અને એક મહિના સુધી પ્રૅક્ટિસ ચાલતી, જ્યારે હવે માંડ ૧૫ દિવસ પ્રૅક્ટિસ કરવામાં આવે છે. ભાયખલાના કબડ્ડી-કોચ તથા દહીહંડીના ટ્રેઇનર રાજા શિવતરકરે કહ્યું હતું કે ‘એ વખતે નવ થર આરામથી બનાવી લેતા. હવે સ્પર્ધકો વિચારે છે કે તેઓ સરળતાથી બનાવી લેશે, પરંતુ સાત થર પણ સરખી રીતે બનાવી શકતા નથી. ટ્રેઇનિંગ-સેશન ઘટવાથી ઈજામાં વધારો થાય છે. અમારા મંડળને એ જ ચિંતા વધુ સતાવે છે. માત્ર છેલ્લા બે રવિવાર દરમ્યાન જ ત્રણ કલાક કરતાં વધુ સમય સુધી પ્રૅક્ટિસ કરવાનો સમય મળ્યો હતો, પરંતુ એટલું પૂરતું નથી.’

 

માઝગાવ તાડવાડી મંડળના સભ્ય પ્રમોદ પાટીલે કહ્યું હતું કે ‘અગાઉ આટલાં મોટાં ઇનામો નહોતાં ત્યારે ઘણા સ્પર્ધકો એમાં ભાગ લેતા હતા. હવે ઇનામોની રકમ તો વધી છે, પરંતુ ભાગ લેનારાઓની સંખ્યા ઘટી છે.’

 

થાણેમાં ૭૨૫ દહીહંડીનો થરથરાટ

 

દહીહંડી નગરી તરીકે પ્રખ્યાત થાણે શહેર આ વખતે પણ દહીહંડી મહોત્સવ મનાવવા માટે સુસજ્જ થયું છે. આ વખતે શહેરમાં દહીહંડીની સંખ્યામાં પણ ભારે વધારો જોવા મળ્યો છે. આ વર્ષે થાણેમાં ૨૦૦ સાર્વજનિક તો ૫૨૫ પ્રાઇવેટ દહીહંડી બાંધવામાં આવશે.  દર વર્ષે ઊંચે ને ઊંચે દહીહંડી બાંધવાનું પ્રમાણ વધતું હોવાથી હંડી ફોડવા માટે બનાવવામાં આવતા ગોવિંદાના થરોની સંખ્યા પણ વધતી જ જાય છે. પહેલાં સાત થર બનાવનારી મંડળીઓ માત્ર મુંબઈનાં સબબ્ર્સમાં જ હતી, પરંતુ થાણેમાં ઊજવાતા આ ઉત્સવને જોઈને ૯થી ૧૦ થર બનાવવાની શરૂઆત થઈ હતી.

 

થાણેમાં આ વખતે ૧૦ થર બનાવનારા ગોવિંદાઓને ૩૦ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત થઈ છે એટલે આ ઇનામની હંડી ફોડવા માટે ૩૦ જેટલી ગોવિંદાની ટીમોએ કમર કસી છે.

 

ગોવિંદા માટે સેફ્ટી-બેલ્ટ

 

દહીહંડી ફોડતી વખતે ઘણા ગોવિંદાઓ ઘાયલ થતા હોય છે. આવી ઈજાઓને ટાળવા માટે હવે ગોવિંદા ટીમોએ જાતે જ ઉકેલ શોધ્યો છે. પર્વતારોહણ કરતી વખતે ટ્રેકર્સને જે રીતે સુરક્ષા-કવચ આપવામાં આવે છે એવું જ કવચ હવે ઉપરના થર પર ચડતા ગોવિંદાઓને આપવામાં આવશે. વિશેષ કરીને છઠ્ઠા તથા સાતમા થર પર ચડતા ગોવિંદાઓને ટ્રેકર્સની માફક સેફ્ટી-બેલ્ટ લગાડવામાં આવે છે જેથી કોઈ ગોવિંદા સમતોલન ગુમાવી બેસે તો તે સીધો જમીન પર પડતો નથી. શિવડીનાં કેટલાંક મંડળોએ આ પ્રયોગ સફળતાપૂર્વક કર્યો છે.

 

સ્ત્રીભ્રૂણહત્યાના વિરોધમાં દહિસરમાં હંડી

 

દહિસર (ઈસ્ટ)માં આ વખતે સંસ્કાર પ્રતિષ્ઠાન દ્વારા ૧૧,૧૧,૧૧૧ રૂપિયાની હંડી ઊભી કરવામાં આવશે. એમાં આ વખતે સ્ત્રીભ્રૂણહત્યાના પ્રશ્નનો ઉલ્લેખ કરતી ઝાંખી બનાવવામાં આવી છે.

 

પ્રદૂષણ વગરની આઇડિયલ દહીહંડી

 

દાદરમાં આવેલા આઇડિયલ બુક ડેપોના સંયોજન હેઠળ મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ ર્બોડ દ્વારા વિશેષ કરીને પ્રદૂષણરહિત પદ્ધતિથી દહીહંડીનો ઉત્સવ મનાવવામાં આવશે. છેલ્લાં પાંચ વર્ષથી આ વિશેષ દહીહંડીનું આયોજન કરવામાં આવે છે.

 

ઘાયલ ગોવિંદાઓને મદદ

 

દહીદંડી દરમ્યાન ઘાયલ થતા ગોવિંદાઓને સારવાર આપવા થાણેની બાંદોડકર કૉલેજના ૨૦૦૬ના નૅશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ)ના બાર યુવાનોએ સ્થાપેલા શૌર્ય ફાઉન્ડેશન દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ ફાઉન્ડેશને સંઘર્ષ પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત ઉત્સવ દરમ્યાન ૩૦૦ જેટલા ઘાયલ ગોવિંદાઓની સારવાર કરી હતી. એ માટે કેટલાંક ડૉક્ટરો તેમ જ નર્સોની મદદ પણ તેમણે લીધી હતી. આવતી કાલે થનારા દહીહંડી કાર્યક્રમ દરમ્યાન સંઘર્ષ ઉપરાંત જલારામ પ્રતિષ્ઠાને પણ આ સેવાકાર્ય માટે એમને અલગથી જગ્યા ફાળવી છે. આમ બાર યુવાનોએ શરૂ કરેલા આ કાર્યમાં ૨૦૦ જેટલાં યુવકો-યુવતીઓની મદદ તેમને મળી રહી છે.

 

થાણેમાં સોનાની હંડી

 

થાણે શહેરના ટેમ્ભીનાકાની દહીહંડી દિવંગત આનંદ દીઘેની હંડી તરીકે પ્રખ્યાત છે. આ વખતે અહીં સોનાની હંડી ઊભી કરવામાં આવી છે. આ હંડી ફોડનારા ગોવિંદાની મુંબઈ તથા થાણેની ટીમને ચાર લાખ રૂપિયાની આ સોનાની હંડી ઉપરાંત દોઢ લાખ રૂપિયાની રોકડ રકમ પણ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. આ ઉપરાંત મહિલા ગોવિંદા ટીમને ૫૧ હજાર તેમ જ સલામી આપનારા તમામને રોકડ ઇનામો પણ આપવામાં આવશે.

 

પુણેમાં રસ્તા પર દહીહંડી કરવા પર પ્રતિબંધ

 

પુણેમાં ગયા અઠવાડિયે થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટને પગલે રસ્તા પર દહીહંડીનું આયોજન કરવા પર પોલીસે પ્રતિબંધ મૂકી દીધો છે. તમામ મંડળોએ હવે દહીહંડીનું આયોજન ખુલ્લા મેદાનમાં કરવું પડશે. કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ મંગળવારે પુણેના ઉચ્ચ પોલીસ-અધિકારીઓ સાથે એક મીટિંગ કરી હતી જેમાંં રસ્તા પર દહીહંડી કરવા માટે મંજૂરી આપવી નહીં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પુણેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ એમ. બી. તાંબડેએ કહ્યું હતું કે ‘આગામી બે મહિના તહેવારોના છે એ દરમ્યાન શહેરમાં ચુસ્ત બંદોબસ્ત રાખવો પડશે. એમાં રસ્તા પર જો દહીહંડીનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા તો ઊભી થશે જ, સાથે રસ્તા પર ઊભી રહેનારી ભીડને પગલે સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થશે.’

 

પુણેની પોલીસે તો રસ્તા પર સુરક્ષાના મુદ્દે દહીહંડી ઊભી કરવાની મંજૂરી આપવાની ના પાડી દીધી છે, પણ પુણે શહેરની સાથે એની આજુબાજુના વિસ્તારોમાં રજિસ્ટર્ડ થયેલાં ૮૩૧ દહીહંડી મંડળોમાંથી લગભગ ૯૦ ટકા મંડળો વર્ષોથી રસ્તા પર જ દહીહંડીનું આયોજન કરતાં આવ્યાં છે. આટલાંબધાં મંડળો માટે ખુલ્લા મેદાન પણ એટલી સંખ્યામાં નથી એટલે દહીહંડીનો તહેવાર કેવી રીતે ઊજવવો એના ટેન્શનમાં મંડળના કાર્યકરો આવી ગયા છે.

 

મીરા-ભાઇંદરની દહીહંડીને લાગી ચૂંટણીની આચારસંહિતા

 

મીરા-ભાઈંદરમાં દહીહંડી દર વર્ષે જોરશોરમાં મનાવવામાં આવે છે, પણ આ વખતે ૧૨ ઑગસ્ટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની થનારી ચૂંટણીની આચારસંહિતા દહીહંડીને લાગી ગઈ હોય એવું દશ્ય જોવા મળી રહ્યું છે.

 

મીરા-ભાઈંદરમાં દહીહંડી આવવાના એક મહિના પહેલાં જ આખા શહેરમાં પાર્ટીઓનાં મોટાં-મોટાં ઇનામો ધરાવતાં બૅનરો લગાડેલાં જોવા મળે છે, પણ આ વખતે ચૂંટણી હોવાથી ૧૦ ઑગસ્ટે સાંજે પાંચ વાગ્યાથી પક્ષના પ્રચાર પર આચારસંહિતા લાગુ પડી જશે. આ આચારસંહિતાનો માર મીરા-ભાઈંદરની દહીહંડીની ઉજવણી પર પડ્યો છે. આચારસંહિતા હોવાથી મીરા-ભાઈંદરનો કોઈ પણ રાજકીય પક્ષ એના પક્ષના નેતૃત્વ હેઠળ એક પણ દહીહંડીની ઉજવણી કરશે નહીં.

 

દર વર્ષે‍ મીરા-ભાઈંદરમાં ગીતાનગર, મૅક્સસ મૉલ પાસે, બી. પી. રોડ, પેણકરપાડા જેવા કેટલાય વિસ્તારોમાં શિવસેના, બીજેપી, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ, એમએનએસ તથા કૉન્ગ્રેસ દ્વારા ૫૦ હજાર રૂપિયાથી લઈને ૧૧ લાખ રૂપિયા સુધીનાં ઇનામો આપતાં બૅનરોની હરોળ જોવા મળતી હતી ત્યાં આજે રાજકીય પક્ષોનાં ચૂંટણી સંદર્ભનાં બૅનરો જોવા મળે છે એટલે હવે મીરા-ભાઈંદરમાં નાની-મોટી સામાજિક સંસ્થાઓની દહીહંડી જોવા મળશે. એથી ૧૦,૦૦૦ કે ૨૫,૦૦૦ રૂપિયાનાં ઇનામ ધરાવતી દહીહંડીને મોટું ઇનામ ધરાવતી દહીહંડી ગણવામાં આવશે.

 

મીરા-ભાઈંદરમાં અમુક દહીહંડીના ઑર્ગે‍નાઇઝરો પોતે ચૂંટણીના ઉમેદવાર છે. તેઓ ચંૂટણીના કામમાં વ્યસ્ત હોવાથી તેમની દહીહંડી પણ આ વખતે જોવા નહીં મળે. એ સિવાય દહીહંડી ફોડનારા પથકમાં ભાગ લેનારા પક્ષના કાર્યકરોને તેમના પક્ષ દ્વારા સખત શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે તેઓ એમાં સહભાગી ન થાય, કેમ કે ચૂંટણીના બે દિવસ જ બાકી રહેશે એટલે ચૂંટણીમાં વધુ ધ્યાન આપવા તેમને પક્ષ દ્વારા નર્દિેશ પણ આપવામાં આવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK