નવા નિયમને પગલે અનેક પ્રાઇવેટ જેટ ઑપરેટર્સનો ધંધો બંધ થઈ જશે?

Published: 31st October, 2014 05:27 IST

વિમાન-સર્વિસની સલામતી પર નિયંત્રણ રાખતી સંસ્થા ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)નો નવો નિયમ અમલમાં આવતાં દેશના અડધોઅડધ પ્રાઇવેટ જેટ ઑપરેટરોએ ધંધો બંધ કરવો પડે એવી શક્યતા બિઝનેસ જેટ કંપનીઓ માટે લૉબિંગ કરતા ગ્રુપે વ્યક્ત કરી છે.
બિઝનેસ ઍરક્રાફ્ટ ઑપરેટર્સ અસોસિએશન (BOAO)એ DGCAના નવા નિયમથી પ્રાઇવેટ જેટ ઑપરેટર ઇન્ડસ્ટ્રી અડધી ખતમ થવા ઉપરાંત ચાર હજાર કર્મચારીઓ નોકરીઓ ગુમાવે એવી શક્યતા દર્શાવી હતી. DGCAના તંત્રે ગયા અઠવાડિયે કંપનીના પ્રાઇવેટ જેટ ઑપરેટર બનવાની લાયકાતનાં ધારાધોરણો બદલીને અગાઉ ફક્ત એક વિમાન ધરાવતી કંપનીને ભારતમાં પ્રાઇવેટ જેટ ઑપરેટ કરવાના લાઇસન્સ માટે લાયક ગણીને નૉન-શેડ્યુલ ઑપરેટર્સ પરમિટ આપી હતી. એ નિયમ બદલીને ઓછામાં ઓછાં ત્રણ વિમાનો હોવાની જરૂરિયાત પ્રસ્તાવિત નિયમમાં દર્શાવવામાં આવી છે. નાની બિઝનેસ જેટ કંપનીઓના મૉનિટરિંગ માટે સ્ટાફની તંગીનું કારણ આપતાં ઓછામાં ઓછાં ત્રણ વિમાનોની જરૂરિયાત નિયમોમાં દાખલ કરવાની વિચારણા ચાલે છે. એ નિયમ સામે BOAOએ વિરોધ દર્શાવ્યો છે.

BOAOએ DGCAને લખેલા એક પત્રમાં હાલની ૧૨૦ પ્રાઇવેટ જેટ ઑપરેટર કંપનીઓમાંથી ૮૦ કંપનીઓ આ નવા નિયમને કારણે બંધ પડવાની શક્યતા દર્શાવતાં જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત નિયમથી ૧૫૦ જેટલાં વિમાનોનો ચાર્ટર તથા અન્ય ઉપયોગ બંધ થઈ શકે છે અને ઘણા લોકોની રોજગારી છીનવાતાં એકંદરે એવિયેશન સેક્ટરને મોટો ફટકો પડી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK