અસમાનતાનાં અનેક રૂપ : ભારતીય જેલોમાં મુસલમાન, દલિત અને આદિવાસી કેદીઓનું પ્રમાણ વધુ કેમ છે?

Published: 25th November, 2014 05:12 IST

શું આ પ્રજાના સંસ્કાર ગુનાખોરીના છે કે પછી ભારતની સમાજવ્યવસ્થામાં કોઈ ખામી છે? શું આ પ્રજાના લોહીમાં ગુનાવૃત્તિ છે? આને શિક્ષણ અને વિકાસ સાથે સંબંધ છે કે પછી જીન અને હૉર્મોન્સ સાથે સંબંધ છે?કારણ-તારણ - રમેશ ઓઝા

સામાજિક અસમાનતા અનેક સ્વરૂપે પ્રગટ થતી હોય છે અને એ જેલોમાં પણ નજરે પડે છે. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ ભારતીય જેલોમાં સજા ભોગવી રહેલા અને કાચા કેદીઓ તરીકે સબડી રહેલા કેદીઓની સામાજિક પૃષ્ઠભૂમિની વિગતો આપી છે જે આઘાત પહોંચાડનારી છે, પણ ચોંકાવનારી જરાય નથી. ભારતીય જેલોમાં કુલ કેદીઓ જેટલા છે એમાં મુસ્લિમ કેદીઓનું પ્રમાણ ૨૦ ટકા છે, જ્યારે કે ભારતમાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ ૧૩.૪ ટકા છે. કુલ કેદીઓમાં દલિત કેદીઓનું પ્રમાણ બાવીસ ટકા છે, જ્યારે કે તેમની વસ્તીનું પ્રમાણ ૧૬.૬ ટકા છે અને આદિવાસી કેદીઓનું પ્રમાણ ૧૧ ટકા છે જ્યારે કે તેમની વસ્તી માત્ર ૮.૬ ટકા છે. આ ત્રણેય કોમની કુલ વસ્તીનો સરવાળો કરવામાં આવે તો ભારતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ ૩૮.૬ ટકા છે, પરંતુ જેલોમાં કુલ કેદીઓમાં તેમનું પ્રમાણ ૫૩ ટકા છે.

તો શું આ પ્રજાના લોહીમાં ગુનાવૃત્તિ છે? શું આ પ્રજાના સંસ્કાર ગુનાખોરીના છે? કે પછી ભારતની સમાજવ્યવસ્થામાં કોઈ ખામી છે? આને શિક્ષણ અને વિકાસ સાથે સંબંધ છે કે પછી જીન અને હૉર્મોન્સ સાથે સંબંધ છે? મુસલમાનોની બાબતમાં સવર્‍સાધારણ હિન્દુને એ માનવું ગમે છે કે ખામી તેમનાં જીન અને હૉર્મોન્સમાં છે. કદાચ ખામી તેમના ધર્મમાં છે, કદાચ ખામી તેમના સંસ્કારમાં છે. દલિતો માટેનો અણગમો અને આદિવાસી પરત્વેની ઉપેક્ષા કયો હિન્દુ નથી જાણતો અને કેટલા હિન્દુ એનાથી બચેલા છે? છાતી પર હાથ રાખીને પોતાના અંતરાત્માને પૂછી જુઓ, જવાબ મળી રહેશે. આ પૂર્વગ્રહો છે અને આવા પૂર્વગ્રહો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આવી કલંકિત વાસ્તવિકતાથી દેશને મુક્તિ મળવાની નથી.

આ પ્રજામાં ગુનેગારીનું પ્રમાણ થોડું (થોડુંક જ અને આ શબ્દ મેં સકારણ વાપર્યો છે જેનો ખુલાસો આગળ કરવામાં આવશે) વધારે છે એનું કારણ ગરીબી, પછાતપણું અને શિક્ષણનો અભાવ છે અને સૌથી વધુ તો સવર્ણ હિન્દુઓનો પૂર્વગ્રહ છે. પેટ ભરવા તેમણે કોઈ પણ માર્ગ અપનાવવો પડે છે. તેમના માટે સૂગ ધરાવનારાઓ આજુબાજુ નજર દોડાવીને જાતતપાસ કરી લે કે આ ત્રણ સમાજના લોકોને રોજગારીની તક કેટલા પ્રમાણમાં આપવામાં આવે છે? તમે પોતે તેમને કેટલી તક આપી છે? જાણીબૂજીને પૂર્વગ્રહોના ભાગરૂપે તકથી વંચિત રાખવામાં આવે તો પછી તેઓ પેટ ભરવા ગુનો ન કરે તો શું કરે? જેવી સ્થિતિ આપણે ત્યાં મુસલમાનો, દલિતો અને આદિવાસીઓની છે એવી સ્થિતિ બીજા કેટલાક દેશોમાં અશ્વેતોની છે. શ્વેત પ્રજાના પૂર્વગ્રહો તમને હૉલીવુડની ફિલ્મમાં પણ જોવા મળશે. ગુનેગારી કરનારા ગોરા ઇટાલિયન માફિયાઓને ‘ગૉડફાધર’ જેવી ફિલ્મોમાં બહાદુર મૅચોમૅન તરીકે ચીતરવામાં આવે અને કાળાઓને વિકૃત, બળાત્કારી, ખિસ્સાકાતરુ તરીકે રજૂ કરવામાં આવે.

આ ત્રણ પ્રજાના કેદીઓનું પ્રમાણ જેલોમાં મોટું છે એનું મુખ્ય કારણ ન્યાય તેમના સુધી પહોંચતો નથી એ છે. તેમને સહેલાઈથી બલિનો બકરો બનાવી શકાય છે. તેમને કાયદાનું સામાન્ય જ્ઞાન પણ હોતું નથી, કોઈ આપનાર હોતું નથી, કોઈ જગ્યાએથી માર્ગદર્શન મળતું નથી, કાનૂની સલાહ તેઓ ખરીદી શકતા નથી, તેમને આપવામાં આવેલા સરકારી વકીલો પણ ફૂટેલા હોય છે, કેટલાક જજો પોતે પૂર્વગ્રહો ધરાવતા હોય છે અને સૌથી વધુ તો કાચા કેદીઓને કોઈ જામીન આપનાર હોતું નથી. ટૂંકમાં ન્યાય તેમના સુધી પહોંચતો જ નથી. વધુમાં ન્યાય તેમના સુધી પહોંચે એ માટે કોઈ સભાન પ્રયત્નો પણ કરવામાં આવતા નથી.

તાત્પર્ય એ કે અન્ય સમાજની તુલનામાં આ ત્રણ સમાજમાં ગુનેગારીનું પ્રમાણ થોડું વધારે છે એનું કારણ ગરીબી, બેકારી અને પછાતપણું છે અને કેદીઓ તરીકેના મોટા પ્રમાણનું કારણ ન્યાયના અભાવનું છે. આનું સૌથી મોટું ઉદાહરણ ઝારખંડના સંસદસભ્યોનું આપી શકાય. ૧૮ વર્ષ પહેલા કેન્દ્રમાં પી. વી. નરસિંહ રાવની લઘુમતી સરકાર હતી ત્યારે લોકસભામાં સરકાર સામે આવેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં જીતવા માટે સરકારે ઝારખંડ મુક્તિ મોરચાના ત્રણ સંસદસભ્યોને ખરીદ્યા હતા. તેમને કોઈક ર્સોસ દ્વારા એક એક કરોડથી વધુ રોકડા રૂપિયા તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. આ અલ્પશિક્ષિત આદિવાસી સંસદસભ્યોએ એ રોકડા રૂપિયા બૅન્કમાં પોતાના ખાતામાં જમા કરાવી દીધા હતા. તેમને ખબર નહોતી કે કાળું નાણું અને એ પણ ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલું આ રીતે બૅન્કમાં જમા ન કરાવાય. પૈસા ક્યાંથી આવ્યા અને કઈ કમાણીના છે એ સાબિત કરવું પડે. એ ત્રણ આદિવાસી સંસદસભ્યોને મહિનાઓ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. તેમની જગ્યાએ કોઈ બ્રાહ્મણ કે કાયસ્થ કે બીજો કોઈ સવર્ણ સંસદસભ્ય હોત તો આવી ભૂલ કરી હોત? તેમને ભ્રષ્ટાચાર કરતા પણ આવડે છે અને બચતા પણ આવડે છે. જો આદિવાસી સંસદસભ્યને છુપાવતા અને બચતા ન આવડતું હોય તો ગરીબ આદિવાસી, મુસ્લિમ કે દલિતની ક્યાં વાત કરવી!

આ ત્રણ પ્રજાની હજી એક કમનસીબી નેતૃત્વનો અભાવ છે. મુસલમાનોમાં પ્રગતિશીલ સેક્યુલર નેતૃત્વ જ નથી. ગરીબ મુસલમાનોને ૧૪૦૦ વર્ષ પહેલાંના યુગમાં જીવતા અને જીવવા માટેનો આગ્રહ રાખનારા મૌલવીઓના ભરોસે છોડવામાં આવ્યા છે. તેમને જીવનમાં કામ આવે એવું આધુનિક શિક્ષણ આપવામાં આવતું નથી. નેતૃત્વનો અભાવ દલિતોમાં પણ છે. દલિતો ડૉ. આંબેડકરને અનુસરવાની જગ્યાએ તેમની પૂજા કરવામાં પડી ગયા છે. દલિતોમાં ઉજળિયાત દલિતો બ્રાહ્મણી માનસિકતા ધરાવે છે. જી હા, મહારાષ્ટ્રમાં મહાર, ગુજરાતમાં વણકર અને ઉત્તર ભારતમાં જાટવ દલિતોમાં બ્રાહ્મણ છે. તેઓ તેમના કરતાં પછાત અન્ય દલિત કોમની ચિંતા નથી કરતા, ઊલટું એ આગળ ન આવે એ માટે પ્રયત્નો કરે છે. રહી વાત આદિવાસીઓની તો આપણે ક્યાં ક્યારેય જંગલમાં પ્રવેશ કર્યો છે. જંગલમાં સંપત્તિ લૂંટવા કૉન્ટ્રૅક્ટર જાય છે અને આદિવાસી સ્ત્રીઓની આબરૂ લૂંટવા સરકારી અધિકારીઓ જાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK