Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈકર, ચાલો પ્લૉગિંગ કરીએ: દોડતા જાઓ અને કચરો વીણતા જાઓ

મુંબઈકર, ચાલો પ્લૉગિંગ કરીએ: દોડતા જાઓ અને કચરો વીણતા જાઓ

07 December, 2019 03:11 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

મુંબઈકર, ચાલો પ્લૉગિંગ કરીએ: દોડતા જાઓ અને કચરો વીણતા જાઓ

ભારતમાં પ્લૉગિંગ શરૂ કરનારો અને ગયા ગુરુવારે સ્પોર્ટ્‌‌સ મિનિસ્ટર દ્વારા પ્લૉગર ઍમ્બૅસૅડર ઑફ ઇન્ડિયાનો ખિતાબ પામેલો રિપુ દમન બેવલી.

ભારતમાં પ્લૉગિંગ શરૂ કરનારો અને ગયા ગુરુવારે સ્પોર્ટ્‌‌સ મિનિસ્ટર દ્વારા પ્લૉગર ઍમ્બૅસૅડર ઑફ ઇન્ડિયાનો ખિતાબ પામેલો રિપુ દમન બેવલી.


બે વર્ષ પહેલાં શરૂ થયેલા સ્વસ્થતા અને સફાઈના સંયોજનવાળો ફિટનેસ ટ્રેન્ડ કમ અભિયાનનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં ઉલ્લેખ કર્યો અને તેમનો પ્લૉગિંગ કરતો ‌વિડિયો વાઇરલ થયો એ પછી દેશભરમાં જબરો પ્રતિસાદ મળ્યો છે. જોકે આજે પણ મુંબઈમાં આ વિશે જોઈએ એવી જાગૃતિ નથી. આવતા શનિવારે ભારતમાં આ અભિયાનનો પ્રણેતા અને દેશનો પહેલો પ્લૉગરમૅન રિપુ દમન બેવલી મુંબઈ આવી રહ્યો છે અને અહીં પ્લૉગિંગ ડ્રાઇવ થવાની છે ત્યારે તમે ભાગ લેશો એમાં?

‘સફાઈ કરવાથી નહીં, સફાઈ રાખવાથી દેશ સ્વચ્છ થશે. ભારતને કચરામુક્ત કરવાનું એક જ ધ્યેય છે અને વધુ ને વધુ લોકો એમાં જોડાઈ રહ્યા છે એ જોતાં આ ધ્યેય પૂરું થવામાં હવે વધુ સમય નહીં લાગે એની ખાતરી છે.’



આ શબ્દો છે દેશના પહેલવહેલા પ્લૉગરમૅન ઑફ ઇન્ડિયા રિપુ દમન બેવલીના. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’માં જેના કાર્યનાં વખાણ કરી ચૂક્યા છે અને બે દિવસ પહેલાં જ ભારતના સ્પોર્ટ‍‌્સ મિનિસ્ટર કિરેન રિજિજુએ જેને ભારતમાં પ્લૉગિંગ મૂવમેન્ટનો ઍમ્બૅસૅડર બનાવ્યો છે એ રિપુ આવતા શનિવારે મુંબઈ આવી રહ્યો છે. બે વર્ષ પહેલાં તેણે ભારતમાં પ્લૉગિંગ અભિયાન શરૂ કરેલું જેના અંતર્ગત ‘દોડતા જાઓ અને દોડતાં-દોડતાં રસ્તામાં દેખાતો કચરો પણ ઉપાડતા જાઓ’નો સંદેશ વહેતો કર્યો હતો. સ્વાસ્થ્ય સાથે સફાઈ પણ થાય એવી આ અનોખી મૂવમેન્ટ અંતર્ગત ભારતનાં ૨૨ રાજ્યોનાં ૬૦ શહેરોમાં ૪૦૦થી વધુ પ્લૉગિંગ ડ્રાઇવ રિપુ કરી ચૂક્યો છે. ભારતને કચરામુક્ત બનાવવાનું ધ્યેય લઈને તે દોડી રહ્યો છે અને તેની સાથે સેંકડો લોકો હવે જોડાતા ગયા છે. મુંબઈમાં આ અભિયાનની આવશ્યકતા અને એની વ્યાપકતા વિશે વાત કરીએ એ પહેલાં પ્લૉગિંગ છે શું અને કઈ રીતે આગળ વધી રહી છે એના પર એક નજર કરીએ.


દરઅસલ ૨૦૧૬માં સ્વીડનના સ્કી અને રનિંગ ઍન્થુઝિયાસ્ટ એરિક એલસ્ટ્રૉમ નામની વ્યક્તિએ પ્લૉગિંગ કૅમ્પેનની શરૂઆત કરી હતી. સ્વીડનના સ્ટૉકહોમનો વતની એરિક ઑફિસથી ઘર અને ઘરથી ઑફિસ જતી વખતે રસ્તામાં ફેંકાયેલો પ્લાસ્ટિકનો કચરો જોતો અને તેને ઇરિટેશન થતું. પહેલી વાર તેણે ઉપાડ્યું પણ પછી તેણે પોતાના ફિટનેસ રેજિમ સાથે આ પ્રક્રિયા જોડી દીધી. રોજ સવારે તે જુદા-જુદા એરિયામાં જૉગિંગ કરવા જાય ત્યારે સાથે-સાથે કચરો પણ વીણતો જાય. ધીમે-ધીમે તેની આ પ્રક્રિયામાં અન્ય લોકો પણ જોડાતા ગયા. ઘણા ફેસબુક-ગ્રુપ, વેબસાઇટના માધ્યમે આ રીત ફેલાતી ગઈ અને એને નામ મળ્યું પ્લૉગિંગ. જૉગિંગ અને પીક-અપ (સ્વીડિશ ભાષામાં એને પ્લોકાઅપ કહેવાય છે) આ બે શબ્દ મળીને પ્લૉ‌ગિંગ શબ્દ બન્યો છે. ફિટનેસની ફિટનેસ અને સફાઈની સફાઈ.

આ કન્સેપ્ટ પર દિલ્હીમાં રહેતા એન્જિનિયર અને મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરતા રિપુનું ધ્યાન ગયું. તેણે પોતાના ફિટનેસ રૂટીનમાં કચરો સાફ કરવાની બાબત સમાવી લીધી. આ વિશે વાત કરતાં રિપુ ‘મિડ-ડે’ને કહે છે, ‘હું રનિંગમાં ઍક્ટિવ છું. નિયમિત મૅરથૉનમાં ભાગ લેતો હતો. પહેલેથી જ ગંદકી જોઉં તો એને ઉપાડીને કચરાના ડબામાં ફેંકી દઉં એ મારું રૂટીન હતું. શરૂઆતમાં રનિંગ પ્રૅક્ટિસમાં ગયો હોઉં એ સમયે જો આવું હું કરું તો લોકો મારા પર હસતા. કેટલાક કહેતા, ‘યે હમારા કામ નહીં હૈ. બહોત શાણા બન રહા હૈ. કિતના ભી સાફ કર, લોગ તો કચરા ફેકેંગે હી. અકેલા ક્યા-ક્યા કરેગા.’ લોકોની આવી કમેન્ટ મને વધુ મૉટિવેટ કરતી. આ આખી પ્રોસેસ દરમ્યાન જ મેં ભારતને કચરામુક્ત બનાવવાનું નક્કી કરી લીધું. ૨૦૧૭ની વાત છે. એ સમયે મેં નાનકડી સૉફ્ટવેર ડેવલપમેન્ટની સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી હતી, જે મેં પછીથી બંધ કરી દીધી. મારે મારું સંપૂર્ણ ધ્યાન ભારતને કચરામુક્ત કરવા પર લગાડવું હતું. ગ્રાઉન્ડ-લેવલ પર કામ કરવું હતું અને ૧૦૦૦ કિલોમીટરનું અંતર પ્લૉગિંગ રન દ્વારા કાપવાનું નક્કી કર્યું હતું. હસનારા લોકો પણ હવે મારી સાથે જોડાતા ગયા. જ્યારે કોઈએ કરેલી ગંદકી આપણે ઉપાડતા હોઈએને ત્યારે કમસે કમ આપણે પોતે તો ગંદકી કરતા અટકીએ. આ જ કારણ છે કે ગ્રાઉન્ડ-લેવલ પર નાનાં-નાનાં શહેરો કવર કરીને વધુમાં વધુ લોકો આમાં ઇન્વૉલ્વ થાય એવા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. ઑક્ટોબરમાં ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત યોજાયેલી પ્લૉગિંગ રનમાં લગભગ એક કરોડની આસપાસ લોકો સામેલ થયા હતા. જરા વિચારો કે ૧૩૦ કરોડ ભારતીયો જો આમ કોઈકનો કચરો ઉપાડતા થઈ જાય તો ઑટોમૅટિકલી મનથી તેઓ પણ કચરો નહીં કરવાની બાબતમાં સભાન થઈ જશે. ‘મારો દેશ મારી જવાબદારી છે, મારા દેશની સ્વચ્છતા મારી જવાબદારી છે.’ આ જ મેસેજ લઈને આખા દેશમાં અમે ફરી રહ્યા છીએ.’


clean-01

ઑક્ટોબરમાં ચાઇનીઝ પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે મીટિંગ કર્યા પછી તામિલનાડુના મહાબલિપુરમના એક બીચ પર પ્લૉગિંગ કરતો વિડિયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો હતો.

રિપુએ ફેસબુક પર પ્લૉગર્સ ઑફ ઇન્ડિયા નામનું પેજ બનાવ્યું છે. મુંબઈમાં પણ આવી દસેક પ્લૉગિંગ રન યોજાઈ ચૂકી છે. મુંબઈમાં આ રનને શરૂ કરવામાં આગળ આવનારા ચાર મૅરથૉન રનર હતા, નવીન અર્તુલે, સ્વપ્નિલ જાધવ, વિવેક શિંદે અને સાગર સેન. આ યુવાનોએ આવનારા સમયમાં રિપુના માર્ગદર્શન હેઠળ પ્લૉગિંગને મુંબઈમાં વ્યાપક બનાવવાનું અભિયાન હાથમાં લઈ લીધું છે. સ્વપ્નિલ જાધવ મુંબઈમાં પ્લૉગિંગ ક્યાં પહોંચ્યુ છે એ વિશે વાત કરતાં કહે છે, ‘અમે બધા રનર્સ છીએ. મૅરથૉનમાં નિયમિત દોડીએ છીએ. ૨૦૧૮માં બૅન્ગલોરમાં એક રન માટે ગયા હતા ત્યાં અમારો પરિચય રિપુ સાથે થયો. મુંબઈમાં પણ આવું થઈ શકે એ વિચાર તેણે અમને આપ્યો અને ગયા જુલાઈમાં અમે પહેલી ઇવેન્ટ કરી હતી. બાંદરામાં યોજાયેલી હાફ મૅરથૉનમાં અમે પ્લૉગિંગ ડ્રાઇવ પણ કરી હતી, જેમાં લગભગ વીસેક જણનું ગ્રુપ બની ગયું હતું. અમારા આ કૅમ્પેનની પૉઝિટિવ અસર એ થઈ કે રન દરમ્યાન ઑર્ગેનાઇઝરો દ્વારા પ્લાસ્ટિકની બૉટલ બંધ કરી દેવામાં આવી. હવે કાગળના ડિસ્પોઝેબલ ગ્લાસ અને કેટલીક ઇવેન્ટમાં તો સ્ટીલના ગ્લાસ રાખવામાં આવી રહ્યા છે. ઇવેન્ટ પછી મળતી ખાવા-પીવાની વસ્તુઓમાં પણ પ્લાસ્ટિક અને થર્મોકૉલનો પ્રયોગ થતો હતો એ હવે કાગળ અને સ્ટીલે લઈ લીધો છે. આરેના કૅમ્પેનમાં પણ અમે લોકોને પ્લૉગિંગ કરવાનું આહ્‍વાન કર્યું હતું. જોકે હજીયે મુંબઈમાં જોઈએ એટલા પ્રમાણમાં આ વિશે અવેરનેસ નથી આવી એ હકીકત છે.’

ગયા અઠવાડિયે સ્વપ્નિલનાં લગ્ન હતાં. તેણે લોકોને વેડિંગ-કાર્ડને બદલે એક કપડાની મોટી થેલી આપી જેના પર તેણે લગ્નની તમામ વિગતો પ્રિન્ટ કરી હતી. સ્વપ્નિલ કહે છે, ‘આપણે આપણા સ્તર પર જે કરી શકીએ એ પર્યાવરણ પર કરવાનું શરૂ કરી દેવું જોઈએ. અત્યારે રનિંગ પ્રૅક્ટિસમાં અમે પ્લૉગિંગ કરી લઈએ છીએ. જોકે નિયમિત ધોરણે નથી થઈ શક્યું. આ અમારો પ્રત્યક્ષ અનુભવ છે કે જ્યારે આપણે કોઈએ કરેલો કચરો ઉપાડતા હોઈએ ત્યારે જોનારા લોકોને પણ એ એક મેસેજ તો આપે જ છે. લોકો થોડા અલર્ટ થઈ જાય છે.’

દોડતા સમયે કચરો ઉપાડવાનું ફાવે કેવી રીતે? મૅરથૉનમાં જેનું ખૂબ મહત્વ છે એવો રનિંગ ટાઇમ અફેક્ટ ન થાય. જવાબમાં સ્વપ્નિલ કહે છે, ‘હા થાય. એટલે ઘણી વાર રન પૂરી કર્યા પછી પાછી રિવર્સ પ્લૉગિંગ રન કરીએ. એમાં કચરો મળવાની સંભાવના પણ વધી જાય. હવે આટલાં વર્ષોથી દોડીએ છીએ એટલે અમારી રનનો સમય અન્યો કરતાં થોડો વધુ ઓછો હોય છે. હાફ મૅરથૉન મોટા ભાગે દોઢથી બે કલાકમાં પૂરી થઈ જાય, પછી પાછા એ જ રૂટ પર પ્લૉગિંગ રન કરીએ ત્યારે પ્લાસ્ટિકની પાણીની બૉટલો, એનર્જી જેલનાં રૅપર્સ, બિસ્કિટનાં પૅકેટ્સ જેવો ઘણો કચરો મળી જાય છે.’

clean-02

જુલાઈ ૨૦૧૯માં મુંબઈમાં યોજાયેલી પ્લૉગિંગ રનમાં સામેલ થયેલા પ્લૉગર્સની એક ઝલક.

મુંબઈમાં આ અભિયાન વિવેક શિંદે પણ આગળ વધારી રહ્યા છે. ટીચર તરીકે સક્રિય વિવેકે પોતાના સ્ટુડન્ટ્સને પણ આ અભિયાનમાં સામેલ કરી દીધા છે. ૩-૪ પ્લૉગિંગ રનનો હિસ્સો બની ચૂકેલો વિવેક કહે છે, ‘લગભગ ૧૦ કિલોમીટરની પ્લૉગિંગ રનમાં અમને બે કલાકનો સમય લાગ્યો હતો. કચરો કરવો સહેલો છે, પણ કચરો ભેગો કરવો અઘરો છે. એ આ રન દરમ્યાન બાળકોને સમજાઈ રહ્યું છે. આ મને સૌથી પૉઝિટિવ સાઇડ લાગે છે. એક જ રૂટ પર ૨૦ લોકો પ્લૉગિંગ કરી રહ્યા હોય અને છતાં ૨૦ જણના ઝોલા પ્લાસ્ટિકથી ભરાઈ ગયા હોય એવો અનુભવ અમારો રહ્યો છે. હવે તો અમારા માટે આ ઝોલા જ મેડલ છે. ભેગો કરેલો પ્લાસ્ટિકનો કચરો સિટિઝન તરીકે અમને જોરદાર સૅટિસ્ફૅક્શન આપે છે. હું કહીશ કે માત્ર રનર હોય એ લોકો જ નહીં પણ કોઈ પણ વ્યક્તિ જો ધારે તો પ્લૉગિંગનો હિસ્સો બની શકે છે. તમે રસ્તે ચાલતાં કચરો દેખાય તો એને વીણીને કચરાના ડબામાં નાખશો એવો અઠવાડિયામાં એક દિવસ પણ નિયમ બનાવશો તો એનાથી લાભ જ થવાનો છે.’

મુંબઈકર પાસે સમય નથી એટલે તે ખાસ સમય કાઢીને પ્લૉગિંગ ડ્રાઇવમાં ન પણ જઈ શકે, પરંતુ તે જ્યાં પણ જાય ત્યારે પ્લૉગિંગ કરી શકે એ શક્ય છે એમ કહીને રિપુ કહે છે, ‘૧૪ ડિસેમ્બરે લગભગ જુહુ વિસ્તારમાં પ્લૉગિંગ ડ્રાઇવનું આયોજન અમે કર્યું છે, જેમાં લોકલ પૉલિટિશ્યનથી લઈને કેટલાક સેલિબ્રિટીઝ પણ જોડાવાના છે. અહીં મારે એક સ્પષ્ટતા કરવી છે કે જ્યારે આ અભિયાન ભારતમાં શરૂ થયું એનાં બે વર્ષ સુધી ભાગ્યે જ કોઈ મીડિયામાં એની પબ્લિસિટી થઈ હતી. વડા પ્રધાને ‘મન કી બાત’માં ઉલ્લેખ કર્યો પછી વધુ લોકોનું એની તરફ ધ્યાન દોરાયું. આ અભિયાનને ગ્લૅમર સાથે જોડવાનો કે વન ટાઇમ ઍક્ટિવિટી તરીકે એને પ્રમોટ કરવાનો મારો ઇરાદો નથી. પ્લૉગિંગને મારે આદત બનાવવી છે. આપણા દેશનો પ્રત્યેક નાગરિક એને પોતાની જવાબદારી તરીકે જોતો જાય એ વિઝન છે. મુંબઈકર સમયના અભાવ વચ્ચે પણ વીક-એન્ડમાં અથવા તો ડેઇલી ટ્રાવેલ દરમ્યાન પ્લૉગિંગ કરી શકે છે.’

પ્લાસ્ટિકના કચરાનું કરવાનું શું?

આજે ઘણી એવી સ્ટાર્ટઅપ કંપનીઓ શરૂ થઈ છે જે બાયોડાઇવર્સિટી અને પર્યાવરણના સંવર્ધનની દિશામાં કામ કરી રહી છે. આરએલાન (Relan) સહયોગથી ઑર્ગેનાઇઝ થયેલી પ્લૉગિંગ ડ્રાઇવ પછી ભેગા થયેલા પ્લાસ્ટિકમાંથી કાપડ બનાવવામાં આવ્યું હતું એની વાત કરતાં રિપુ દમન કહે છે, ‘અત્યારે પણ ભેગું કરીને પ્લાસ્ટિક અમે રિલાયન્સને આપી દઈએ છીએ. એમાંથી રિલાયન્સ કાપડ બનાવે છે. અમે એ કાપડમાંથી ટીશર્ટ બનાવીને ડિસ્ટ્રિબ્યુટ કર્યાં છે. એ જ રીતે પ્લાસ્ટિકમાંથી રસ્તા, ફર્નિચર, કલર જેવી અનેક વસ્તુઓ બની રહી છે.’ 

માત્ર આટલું કરવાનું છે તમારે

આજથી નક્કી કરો કે દુનિયા ઉપરથી નીચે કેમ ન જાય, તમે કચરાના ડબા સિવાય બીજે ક્યાંય રસ્તા પર કચરો નહીં ફેંકો.

જો સૂકો અને ભીનો કચરો નાખવાનો ઑપ્શન હોય તો એ જ રીતે કચરો ફેંકશો.

તમારા થકી ઓછામાં ઓછો કચરો થાય એના પ્રયત્ન કરશો. પ્લાસ્ટિકનાં ગ્લાસ, ચમચી, સ્ટ્રૉ, કાગળના ગ્લાસ, ટિશ્યુ પેપર જેવી એક વાર વાપરીને ફેંકી દેવાની હોય એવી વસ્તુઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરશો.

તમારા રૂટીનમાં થોડો સમય કાઢીને પણ તમે તમારી આસપાસ ફેલાયેલા કચરાને ડસ્ટબિન સુધી પહોંચાડવાનું કામ કરશો. કચરો સાફ કરવાની જવાબદારી માત્ર બીએમસીના અધિકારીઓની જ નથી એ સમજશો અને પોતાની જવાબદારીઓને પ્રાયોરિટીમાં રાખશો.

તમારી આસપાસ પણ જો કોઈ કચરો ફેલાવતું હોય તો તેને રોકશો અને તમારા પરિચયમાં આવેલા લોકો તો કચરો ન જ કરે એ ચોકસાઈ તમે રાખશો.

નો વન ટાઇમ યુઝ

દેશને કચરામુક્ત કરવા માટે કચરો ઓછામાં ઓછો થાય એવા પ્રયત્ન થવા જોઈએ એવી સ્પષ્ટતા કરતાં રિપુ દમન કહે છે, ‘સાફ કરવાની મર્યાદા છે, પરંતુ સાફ રાખવાની બાબત અમર્યાદ છે. જો કચરો કરો જ નહીં તો વેસ્ટ મૅનેજમેન્ટનું કામ વધુ સરળ થઈ જશે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ વખતે ૫૦ દિવસ જુદાં-જુદાં શહેરોમાં ૧૦-૧૨ કલાક હું બહાર રહેતો હતો. આ ૫૦ દિવસમાં મારા થકી પાંચ રૅપરનો કચરો પણ પર્યાવરણમાં ઠલવાયો નથી. જ્યાં પણ જતો ત્યાં સ્ટીલના ડબા અને વાસણ સાથે રહેતાં. બહારનું ઓછામાં ઓછું ખાતો. સ્ટીલનો ગ્લાસ અને પાણીની બૉટલ પણ સ્ટીલનાં. કોઈ વસ્તુ ફેંકવી પડે એ લેવાની જ નહીં. જો તમે ઘરે શરબત પીઓ તો તમારે સ્ટ્રૉ નથી જોઈતી તો પછી બહાર શું કામ તમારે કાગળની કે કૉર્નના ઠૂંઠામાંથી બનેલી સ્ટ્રૉનો આગ્રહ રાખવો છે. આમાં બીજું કંઈ નહીં, પણ વ્યક્તિગત અવેરનેસની જ વાત છે. આપણે જાગવું પડશે જાતે અને પછી આપણી આસપાસના લોકોને જગાડવા પડશે. ગંદકી કરવાનું આપણે શરૂ કર્યું છે તો ગંદકી નહીં કરવાનો નિર્ણય પણ આપણે જાતે જ લેવાનો છે અને લેવડાવાનો છે.’

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2019 03:11 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK