ભાવ તરબૂચનો - લાઇફ કા ફન્ડા

Published: Jul 03, 2020, 22:51 IST | Heta Bhushan | Mumbai

યુવાન મજાક કરતાં બોલ્યો, ‘કાકા, હવે તમારી ઉંમર થઈ ગઈ છે ધંધો છોકરાઓને સોંપી આરામ કરો તમને ધંધો કરતા જ નથી આવડતો લાગતો. મેં તમારી પાસેથી ૭૫ રૂપિયામાં ત્રણ તરબૂચ ખરીદ્યા અને પાંચ રૂપિયાનો મારો ફાયદો કરી લીધો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક વૃદ્ધ ફળવાળો રસ્તાની એક બાજુ પર નાનકડો મંડપ બાંધી તરબૂચ વેચી રહ્યો હતો. તેણે મોટું બોર્ડ લગાવ્યું હતું કે એક તરબૂચના ૨૫ રૂપિયા અને ૮૦ રૂપિયાના ૩ તરબૂચ.
એક યુવાન તેની પાસે આવ્યો અને પહેલા એક તરબૂચ લીધું, ૨૫ રૂપિયા આપ્યા...બીજું તરબૂચ લીધું ૨૫ રૂપિયા આપ્યા...ત્રીજું તરબૂચ લીધું અને બીજા ૨૫ રૂપિયા આપ્યા. ફળવાળાએ તેને ત્રણ તરબૂચ આપ્યા અને પૈસા લીધા.
યુવાન મજાક કરતાં બોલ્યો, ‘કાકા, હવે તમારી ઉંમર થઈ ગઈ છે ધંધો છોકરાઓને સોંપી આરામ કરો તમને ધંધો કરતા જ નથી આવડતો લાગતો. મેં તમારી પાસેથી ૭૫ રૂપિયામાં ત્રણ તરબૂચ ખરીદ્યા અને પાંચ રૂપિયાનો મારો ફાયદો કરી લીધો. આ બોર્ડમાં તમે લખ્યું છે – એક તરબૂચના ૨૫ રૂપિયા અને ૮૦ રૂપિયાના ૩ તરબૂચ. તમારું નુકસાન થયું અને મને ફાયદો.’
યુવાન હસતો હસતો તરબૂચ લઈને ગયો. કાકા હવે હસ્યા અને મનોમન બોલ્યા, ‘બધા આવે છે એક તરબૂચ લેવા અને પછી બોર્ડ વાંચી મનોમન ગણતરી કરી એક સાથે ત્રણ તરબૂચ લઈ જાય છે અને પાછા એમ વિચારે છે કે મને ધંધો કરતા નથી આવડતું...અહીં મોટેભાગે બધા એક તરબૂચ લેવાના ઇરાદાથી આવે છે પણ આ બોર્ડ વાંચી મનમાં ગણતરી કરે છે અને ત્રણ તરબૂચ સાથે ખરીદી લઈને ૫ રૂપિયા બચાવી લીધાનો આભાસી આનંદ લે છે, પણ વાસ્તવમાં ૨૫ રૂપિયાની જગ્યાએ મને ૭૫ રૂપિયાનો વકરો કરાવી જાય છે. મારો વધુ વેપાર સાચે થાય છે, પણ તેમની કોઈ બચત થતી નથી, વાસ્તવમાં તેમના વધુ પૈસા વપરાઈ જાય છે. આ માનવ મનની પરિસ્થિતિ છે. આટલાં વર્ષોના અનુભવથી મને સમજાઈ જ ગયું છે કે દરેક માણસ સ્વાર્થી છે. લોભ અને લાલચ દરેકની અંદર છે અને જ્યાં જરાક પણ ફાયદો દેખાય, લોભી અને લાલચી મનુષ્ય અંધ બની જાય છે, તેને માત્ર અને માત્ર પોતાના ફાયદામાં જ રસ હોય છે અને જરાક જેટલો ફાયદો દેખાય તો તે વિવેકબુદ્ધિ ખોઈને કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે...અને હંમેશાં પોતાનો ફાયદો શોધતા સ્વાર્થી અને લોભી મનુષ્યો પોતાને બીજા કરતાં વધુ હોંશિયાર સમજે છે પણ વાસ્તવમાં સાવ નજીવા ફાયદા માટે તેઓ જરૂર કરતાં વધારે ખર્ચો કરી નાખે છે.’
આ હાસ્ય વ્યંગ-પ્રસંગ મુખ પર એક સ્મિત તો આપે છે અને સાચે વિચાર કરતાં કરી મૂકે છે કે આપણે બધા જ આ લોભ-લાલચના વિષચક્રમાં ફસાયેલા છીએ. જીવનના દરેક ડગલે ને પગલે આ લોભ-લાલચ અને સ્વાર્થથી સદા ચેતતા રહેવું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK